રાષ્ટ્રિકા/સાવધાન !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વંટોળિયો ને વેરાગણ રાષ્ટ્રિકા
સાવધાન !
અરદેશર ખબરદાર
ભારતયજ્ઞની જ્વાળા →

સાવધાન !


• રણભેરી છંદ[૧]


ભારતબંધુ ! અહો ભડવીરો !
સમય મળ્યો દુર્લભ ગંભીરો :
કેમ બને કો આજ અધીરો ?
સાવધાન !
હાથ જડ્યો જાળવજો હીરો !
સાવધાન ! સાવધાન ! ૧

ભારતબેન ! અહો રણશૂરી !
ધૈર્યે ને મરજાદે પૂરી :
તમ સેવા નવ જાય અધૂરી--
સાવધાન !
આત્માર્પણ તે નથી મજૂરી ;
સાવધાન ! સાવધાન ! ૨

ભારતબાળ ! અહો રસરંગી !
જનનીસેવન કાજ ઉમંગી ;
છે આ સામે અવસર જંગી :
સાવધાન !

ઊછળો સિંધુ જવા ઓળંગી :
સાવધાન ! સાવધાન ! ૩

ભારતબાંધવ, બાળક, બેની :
આજ પ્રભા ઝળકી રહે જેની !
ખોટ પડે માતાને કેની ?
સાવધાન !
આજ મળી તમ પુણ્યત્રિવેણી :
સાવધાન ! સાવધાન ! ૪

ધન્ય ઘડી, ને ધન્ય જ દહાડો !
આગળ મંગળ પગલાં માંડો !
પગલે પગલે દૃઢતા પાડો :
સાવધાન !
છો આગળ રહે ડુંગર આડો !
સાવધાન ! સાવધાન ! ૫

પાછળ દૃષ્ટિ હવે શી કરવી ?
ગયું તેની વાતો શી વરવી ?
ભારત આજ બની છે ગરવી :
સાવધાન !
અચળ મુક્તિજ્યોતે દૃગ ધરવી !
સાવધાન ! સાવધાન ! ૬


કોણ દેશદ્રોહી છે આજે ?
કોણ ગુલામીથી નવ દાઝે ?
કોણ અધમ કાયર નવ લાજે ?
સાવધાન !
જીવવું તો છે ભારત કાજે !
સાવધાન ! સાવધાન ! ૭

બંધન આત્મતણાં કે તનનાં ?
શૌર્ય ખરાં તનનાં કે મનનાં ?
તેજ વતનનાં કે નંદનનાં ?
સાવધાન !
સ્વાધીનતાથી જ નૂર નયનનાં !
સાવધાન ! સાવધાન ! ૮

ભારતમાત અદલ બોલાવે :
ધીરા વીરા ધસજો હાવે !
અમુલખ અવસર નવ ફરી આવે :
સાવધાન !
એક જ ભારત ટેક ટકાવે !
સાવધાન ! સાવધાન ! ૯


  1. આ છંદ નવો રચ્યો છે. ૧-૨-૩-૫ પંક્તિઓ ચરણાકુળ છંદની છે. ૪ થી પંક્તિ છ માત્રાની છે, તેમાં ૧- ૪ માત્રા પર તાલ છે. ૬ ઠ્ઠી પંક્તિ બાર માત્રાની છે, તેમાં ૧-૪-૭-૧૦ માત્રા પર તાલ છે. ૧-૨-૩-૫ પંક્તિઓના ચાર પ્રાસ મળવા જોઈએ, અને ૪- ૬ ના પ્રાસ મળવા જોઈએ, અગર ૪ થી પંક્તિના શબ્દો જ ૬ ઠ્ઠીમાં બેવડાવા જોઈએ.