રાષ્ટ્રિકા/હિંદના વાસી - સર્વ સંન્યાસી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાષ્ટ્રિકા/ઓ હિંદ રાષ્ટ્રિકા
હિન્દના વાસી-સર્વ સંન્યાસી!
અરદેશર ખબરદાર
હિંદનો મંદવાડ →

હિન્દના વાસી–સર્વ સંન્યાસી!*[૧]


• રેખતા •


અમો આ હિન્દના વાસી,
અમો તો સર્વ સન્યાસી!
ભભૂતી આ ડીલે ચોળી,
રહ્યા ધરી કાખમાં ઝોળી ! ૧

ઉઠાડી આગ સંસારે,
અમોને માર બહુ મારે;
હવે તો ભેખ આ લીધો;
અમારાં કર્મોનો દીધો. ૨

અમારી આર્યભૂમિ રે
રીબે કૈં કાળથી શી રે !
અમે આ કાયરા પુત્રો,
કરી શકતા ન કંઇ સૂત્રો. ૩


અમારા રક્ત તો ઠંડા,
બને ક્યમ ઉષ્ણ તે મંદા ?
નહિ દુ:ખતાપથી તપતાં
કદી ઉછાળે વિજય જપતાં. ૪

અમારી રિદ્ધિ તો બૂડી,
અમારી સિદ્ધિ એ ઊડી;
અમારા વીર પણ સાથે
ગયા બળી સ્વર્ગને માથે ! ૫

હવે ક્યાં રે અમો જઇયે ?
અમારું દુ:ખ ક્યાં કહિયે ?
રહ્યો નહીં રામ તો હ્યાં રે !
હવામાં અમ અરજ હારે ! ૬

નહીં ગામે, નહીં શહેરે,
નહીં દેશે, દીસે ચહેરે:
બળ્યું જીવન અરે એવું,
રહ્યું ભીરુત્વનું દેવું ! ૭

નહીં કો ઠામ ઠરવાનું,
નહીં કો નામ વરવાનું :
ભિતર ધૂણી રહી સળગી,
કરે રે કોણ તે અળગી ? ૮


ઉરે બહુ ગૂંગળાવે છે,
ભ્રમણમાં કંઇ ભમાવે છે;
અરે સહુ ખાખ થઇ જાતું,
બધે દુર્દૈવ, તો ધાતું. ૯

શીતળ તવ કોણ જળ છાંટે ?
ઉગારે હિન્દ તન સાટે ?
અદલ ઈશ સાહ્યમાં આવો !
ફકીરી હાલ છોડવો ! ૧૦


  1. ઇ. સ. ૧૯૦૨