લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/આજની વાત

વિકિસ્રોતમાંથી
← ત્રિકાલ રાસચંદ્રિકા
આજની વાત
અરદેશર ખબરદાર
વનના પરોણા →




આજની વાત

♦ ઊભા રહો તો કહો વાતડી, બિહારીલાલ. ♦



વહી ગઈ તે સહુ વાતડી, વિસારો આજ !
ઘેરી અંધારી ગઈ રાતડી, વિસારો આજ !

વાયા ઊના વંટોળિયા, વિસારો આજ !
ધગધગતા રસ ઉર ઢોળિયા, વિસારો આજ !

ગગને કાળા ઘન ઘેરતા, વિસારો આજ !
હૈયે ભયાનલ વેરતા, વિસારો આજ !

લાગ્યા તે ડંખ કૈં ઝેરીલા, વિસારો આજ !
ભૂંડા પાપી ને સૌ વેરીલા, વિસારો આજ !

ખારે દરિયે એ વહી ગયાં, વિસારો આજ !
કોણ એ ફોગટ સહી રહ્યાં ? વિસારો આજ !



વહાલાં ! ઉઘાડો રસઆંખડી, સંભારો આજ !
આભે ઉઘાડી તેજપાંખડી, સંભારો આજ !

ભાગ્યા અંધાર આભકાંકડે, સંભારો આજ !
માગ્યા પ્રકાશ ઉર સાંપડે, સંભારો આજ !

ખીલ્યાં છે પુર વન વાડીઓ, સંભારો આજ !
ફૂલે ફૂલે લચે ઝાડીઓ, સંભારો આજ !

અધૂરાં હતાં તે પૂઋણ પામશે, સંભારો આજ !
આનંદ ને સ્નેહ બધે જામશે, સંભારો આજ !

આંગણ વેરાય નવજ્યોતિ આ, સંભારો આજ !
લ્યો, લ્યો, અદ્દલ ઝટ ગોતી હા, સંભારો આજ !