રાસચંદ્રિકા/દિવ્ય રથ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ફૂલડાં રાસચંદ્રિકા
દિવ્ય રથ
અરદેશર ખબરદાર
નથનું મોતી →
માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે
દિવ્ય રથ

♦ માતા જશોદા ઝુલાવે પુત્ર પારણે. ♦


વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !
ચમકે રવિનાં તેજ સમો અનુપમ ચમકાર !
અમીશાં અજવાળાં ઠારે અંતરની આંખડી,
ચૌદે રત્નતણો શો ભીડભંજન ભંડાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

આવો, પ્રિયતમ ! એ રથમાં અંતર પધરાવિયે !
મનહર મહિમાવાન મહા એ જગમોઝાર !
ઋષિ મુનિ સંતજનોની નિર્મળ ઉર જ્યોતિ દીપે,
તેમાં આવો, ફરિયે કરતાં આત્મવિહાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

પુણ્યરકાશિત પ્રભુનો મણિમંડપ રળિયામણો,
તેનાં સૂર્યપ્રભાશાં દિવ્ય ઝળકતાં દ્વાર;
વિશ્વવિરાજિત એ શોભાની છાંયે મહાલવા,
ચાલો, વહાલા ! એ રથમાં કરિયે સંચાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !


ઘૂ ઘૂ ઘોર ગરજતા ગમ્ભીર જગસાગરતટે,
અમૃતસ્મિત ઝરતાં ખીલે કુસુમો સુકુમાર;
તેનો નિત્યવસંતસુગંધ રસે ભરવા ઉરે
હૃદયો ગૂંથી ચાલો જઇએ પ્રાનધાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

જીવનદેવ ! પ્રયાણ નથી જ સુકર ને સોહ્યલું:
જંગલ, ઝાડી, કોતર, ડુંગર, ખાડ અપાર !
મોંઘો, કોમળ, પુણ્યપ્રભાભર રથ ત્યાં આપણો
નિર્વિધ્ને અણીશુદ્ધ ચલવવો પ્રભુઆધાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

કંટકમાર્ગ કઠોર વિકટ છે એહ પ્રયાણનો :
અનિલો ઘૂમે ને આકાશ વહે અંધાર:
તેમામ્ સાચવજો, પ્રાણેશ્વર ! પાર ઉતારજો,
દિવ્ય, સુરમ્ય, અમૂલખ રથ એ સર્વપ્રકાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

ચાલો, વહાલ ! ધીરા વીરા, મુખ મલકાવતા !
ઊંડા ઊંડા છે હ્રદયોના અમીઉચ્ચાર :
હૈયાંહેત ઝરંતી આંખડલી આ આપણી
મધુરાં અજવાળાં કરશે કંઇ ઠારોઠાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !


પ્રભુના પુણ્યવિલાસગૃહેથી કદી કદી આવતા !
સુમધુર મંગલ સ્વર્ગગીતોના કંઇ ભણકાર;
રસભીનાં તે ગીતોનો રસ પૂરણ ઝીલવા,
હસતાં જઈએ એ રથમાં, હૈડાના હાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

આવો, પ્રિયતમ ! મંગલ ઘડી છે સુખસૌભાગ્યની !
આકાશે છે શા નવરંગ સજ્યા શણગાર !
એવા રંગ વિષે શો વિલસે છે રથ આપણો !
પ્રભુના મંગલ આશિષા વરસે છે શતધાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો !

હસતો રમતો રૂડલો રથ એ, પ્રાણ, ચલાવશું,
ઝગઝગ જગમાં એનો ઝલકાવી ઝલકાર !
ધીરી, શૂરી તમ વાંસલડી પ્રાણ ! વગાડજો,
હું પણ પૂરીશ સાથે ગાન તણા લલકાર !
વહાલમ ! રૂપાળો રઢિયાળો રથ શો આપણો ! ૧૦