લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/દુઃખની દેવી

વિકિસ્રોતમાંથી
← બાળશો ના રાસચંદ્રિકા
દુઃખની દેવી
અરદેશર ખબરદાર
આંસુનાં પૂર →





દુઃખની દેવી

♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મન ભાવતા રે લોલ. ♦


આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડે ઝરે અમોલા ઓઘ જો !
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
આંસુડાંમાં વિશ્વના વિલાસ છે રે લોલ !
આંસુડાંમાં જોગીઓના જોગ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !

દુઃખની દેવી હું જગતમાવડી રે લોલ,
દુઃખનાં પીયૂષ પાઉં રોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
શિરે વરસાવું ઊંડી વાદળી રે લોલ,
નીરનાં ભરું નયને હોજ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !


અંધકારે લીંપ્યું મારું આંગણું રે લોલ,
માંહીં પધરાવ્યા ગુરુદેવ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
ટપકે છે દિવ્ય ઊંડા તારલા રે લોલ :
દુનિયાને દીનતાની ટેવ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !

પૃથ્વીમાં પ્રકાશની ઝડી ઝરે રે લોલ,
ઝીલે તેને મોંઘી દુઃખથાળ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
થાળે થાળે ધ્રૂજે પ્રાણપાંદડી રે લોલ,
ફૂટે તેમાં ફૂલડાંના ફાલ જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !

પુણ્યકેરા ઘાટ મારા પંથમાં રે લોલ,
વીર કો કરે ત્યાં વિષપાન જો :
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !
વહાલાં ! વિરાજો વદનહાસ્યથી રે લોલ,
દુઃખડાં તો દેવકેરાં દાન જો !
આંસુડાં ભરોની મારાં બાલુડાં રે લોલ !