રાસચંદ્રિકા/પ્રેમદાન

વિકિસ્રોતમાંથી
← પગલાં રાસચંદ્રિકા
પ્રેમદાન
અરદેશર ખબરદાર
વહાલમજીનો રાસ →
અમે રે સાથે શું રાજ ! માયા ઉતારી




પ્રેમદાન

♦ અમે રે સાથે શું રાજ ! માયા ઉતારી ♦


ધોમ ધખેને ધરણી તરસે,
ધમધમ મેહુલો વરસે:
વહાલમજી !
એવાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

મુખડાના મોહ ને દિલડાના દાવા,
આખરે છે હૈયું ઠગાવા:
વહાલમજી !
સાચાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

નયન નયનમાં પ્રતિમા પલકે,
હૈડે પરમરસ છલકે :
વહાલમજી !
મોંઘા તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

ખેલું જગાડી અંધારને ભડકે,
વીજળીશું વાદળને પડખે:
વહાલમજી !
શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?


ગગન સુહાગી રહે શહિદેશે,
અંતર સુહાગી છે સ્નેહે:
વહાલમજી !
મીઠાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

ભરશે વિરાટ એક મુઠ્ઠીના દાને,
મુઠ્ઠીનો ભેદ જે જાણે:
વહાલમજી !
શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

પગલે પગલે જ્યાં જ્યોતિનાં ફૂલો,
સૂર્યનો માંડવ અણમૂલો:
વહાલમજી !
શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?

શ્વાસે શ્વાસે છે આ જીવનનાં આણાં,
ભરતીનાં મોજાં ભરાણાં:
વહાલમજી !
શૂરાં તે પ્રેમદાન દેશોજી ક્યારે ?