રાસચંદ્રિકા/પ્રેમમંદિર
← ગુલાબ ને ચંબેલી | રાસચંદ્રિકા પ્રેમમંદિર અરદેશર ખબરદાર |
સ્નેહીને → |
પ્રેમમંદિર
♦ પ્રગટ્યા શ્રીકૃષ્ણ મન ભાવતા રે લોલ . ♦
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
મંદિરે પવિત્ર વસે પ્રેમ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
રજની વધાવે રૂડા ચંદ્રને રે લોલ,
વહલાને વધાવું હું ય એમ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૧
મંદિરે વગાડો સ્નેહઘંટડી રે લોલ,
ઘંટડીની તાને રાખું ધ્યાન જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
ચાલો પૂજીએ પ્રેમદેવને રે લોલ,
એક બની ગાશું ઉરગાનજો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૨
આંસુ ઉભરાય મારે અંતરે રે લોલ,
વહાલા વિના તે ઝીલે કોણ જો?
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
કુસુમકલી વેરાય ઉરની રે લોલ,
વહાલા વિના રે ઝીલે કોણ જો?
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૩
મંદિરે ચઢાવો અમરફૂલડાં રે લોલ,
ઉરમાં ભરીશ હું સુવાસ જો;
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ !
આવો, ભૂલીને જગતવાડી રે લોલ,
હસિયે તે સ્નેહતણું હાસ જો!
વહાલા ! પધારો મારે મંદિરે રે લોલ ! ૪