લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/ભાગ્યના પાર

વિકિસ્રોતમાંથી
← સુખનાં સંભારણાં રાસચંદ્રિકા
ભાગ્યના પાર
અરદેશર ખબરદાર
પ્રારબ્ધ →
. કાને ખીલેથી વાછડું છોડિયાં રે .




ભાગ્યના પાર

♦ કાને ખીલેથી વાછડું છોડિયાં રે. ♦


મેં તો લીધો રે દીવડો હાથમાં રે,
હું તો ચાલી ત્યાંવનની માંય રે;
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
મેં તો જાણ્યાં'તાં ઝૂલતાં ઝાડવાં રે,
મેં તો જાણી'તી શીળી છાંય રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.

મેં તો કલ્પ્યાં'તાં મધુરાં પંખીડાં રે,
મેં તો કલ્પ્યાં'તાં નવરંગ ફૂલ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
મેં તો ધાર્યાં'તાં સરવર શોભીતાં રે,
મેં તો ધાર્યાં'તાં અમૃત અતૂલ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.


હું તો જોતી'તી પારસ પીપળા રે,
હું તો જોતી'તી નાગરવેલ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
હું તો ગણતી'તી દેવની દેરડી રે,
હું તો ગણતી'તી પરીના મહેલ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.

મેં તો સંકોર્યો દીવડો મારા હાથમાં રે,
મેં તો આંખો ટંપાવી બહુ વાર રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
આવે સૂસવાતા વનના વાયરા રે,
રાખું દીવડો હું માંડમાંડ ત્યાર રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.

હું તો શોધી શોધીને થાકી જોઈતું રે,
મેં તો દીઠી ન કોઈ રંગરેલ રેઃ
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
નહીં દીઠા ત્યાં વનના મોરલા રે,
નહીં દીઠી ઢળકતી ઢેલ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.


મારાં ડૂબ્યાં છે સોનલ સોણલાં રે,
મારી આંખો ને દીવડો એ જ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
આ તો વીજે ગિરંભતો મેહુલો રે,
આ તો આછાં અંધારાનાં તેજ રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.

કોણે દીઠાં છે કાળનાં કોતરો રે ?
કોણે દીઠા છે ભાગ્યના પાર રે ?
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.
મીંચી આંખે જોવું ને રોવું ખોલીને રે,
સખી ! એવા છે આ સંસાર રે :
ભાગ્ય મારાં આગળ ચાલતાં રે.