રાસચંદ્રિકા/સુખનાં સંભારણાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિજોગણ રાસચંદ્રિકા
સુખનાં સંભારણાં
અરદેશર ખબરદાર
ભાગ્યના પાર →
. પાલવડો મારો મેલો, મોહનજી .
સુખનાં સંભારણાં

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


સુખનાં સંભારણાં સળકે, સાહેલડી !
અંતરની આંખ મારાં આંસુ ધુએ;
મનના મહેરામણ છલકે, સાહેલડી !
અંધી ચોમાસાની લીલું જુએ ! —
સુખનાં સંભારણાં₀

ચંદનીની પાંદડીઓ પડતી સરોવરે,
પાણીડાં પળપળી ઝળતાં હસે;
આજે અમાસની રાતે, સાહેલડી !
હૈયાનું સરોવર શેણે લસે ?
સુખનાં સંભારણાં₀

સંધ્યાનાં કુસુમલ કિરણે સોહાગણી
ઊઘડે ચંબેલીની કળીએ કળી;
મારે તો સંધ્યાનાં સોણાં, સાહેલડી !
દિલની કળીઓ મારી ઝૂમે ઢળી !
સુખનાં સંભારણાં₀


અંધારી રજનીનાં નયનોના મોરલા
નાચી નાચી રસજ્યોતિ ઝરે;
મારી આ રાત બની ઘેરી, સાહેલડી !
કોનાં નયન મારું હૈડું ભરે ?
સુખનાં સંભારણાં₀

દુખિયાંને દુઃખના દહાડા વિતાડાવા
સુખિયાંને સુખનાં સોણાં વહે;
જોવું જોવું ને આંખો લો'વું, સાહેલડી !
મનમાંની વાત બધી મનમાં રહે.
સુખનાં સંભારણાં₀

સુખદુઃખના વાયરા ફૂંકે સંસારમાં,
હૈયાની જ્યોત ત્યાં રહે ક્યાં લગ ટકી ?
સુખને સંભારણે જીવવૌં, સાહેલડી !
આશાના બોલ કોણ બોલે નકી ?
સુખનાં સંભારણાં સળકે, સાહેલડી !