રાસચંદ્રિકા/મોતીના છોડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શું બોલું રાસચંદ્રિકા
મોતીના છોડ
અરદેશર ખબરદાર
બાળશો ના →
. પાલવડો મારો મેલો, મોહનજી ! .




મોતીના છોડ

♦ પાલવડો મારો મેલો, મોહનજી !. ♦


મારી તે વાડીમાં વાવ્યાં મેં મોતીડાં,
જુમનાને તીર્થી આણી જ્યોતિ રે લોલ;
સીંચ્યાં મેં રોજ તેને અમૃતની ધારથી,
મોંઘાં લાખેણાં મારાં મોતી રે લોલ ! — મારી○

ઊગ્યા ત્યાં છોડ ને લાગ્યાં ત્યાં મોતીડાં,
લૂંબડે ને ઝૂંબડે ઝૂલે રે લોલ;
આવે ને ઝૂમે લીલાં પીળાં પતંગિયાં,
જ્યોતિને ઝબકે મન ડૂલે રે લોલ ! — મારી○

લાગી ત્યાં મોતીડાંની લૂમો લલચાવતી,
આવ્યું કો પંખીડું પ્રવાસી રે લોલ :
મોતીડાં વેડી ઊડ્યું આભે અદીઠ કહીં,
એ રે શી કર્મ કેરી હાંસી રે લોલ ? — મારી○

સૂની છે વાડી ને અડવો છે છોડવો,
ગોતી થાકી હું મારાં મોતી રે લોલ :
જ્યોતિ જડે ન ફરી જુમનાને તીર કો,
આંસુડે છોડ રહું ધોતી રે લોલ ! —મારી○