રાસચંદ્રિકા/શું બોલું
← પ્રારબ્ધ | રાસચંદ્રિકા શું બોલું અરદેશર ખબરદાર |
મોતીના છોડ → |
શું બોલું
♦ ક્યા માગું રે મૈં ક્યા માગું ♦
શું બોલું, મૈયા ! શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? —
સાતે સાગર તરીને આવ્યો જે જોદ્ધો,
કાંઠે ડૂબે તે અહીંયાં શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૧
ઈંદ્રધનુષ્ય પાંખો ખોલે ન ખોલે,
ઊડે સૌંદર્ય તહીં, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૨
સંધ્યાની કીકી જરા પલકે ને પલકે,
મીંચે અંધાર જ ઈ આ, શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૩
તાપે તૃષાતુર આવી હંસી તળાવે,
નીર રહ્યાં ત્યાં નહીં, હા ! શું બોલું ?
મારો કંઠ આ રૂંધાય, મૈયા ! શું બોલું ? ૪
જુગતી પંખીની જોડી બેઠી જઈ ડાળે,
તૂટી ડાળી તે ગઈ, હા ! શું બોલું?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૫
ભડકે ઉગાડ્યાં ફૂલો, ફૂલમાં છે તણખા;
શોધું સુગંધ કહીં આ, શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૬
સૌંદર્ય ને આશાના પલકા છે અધૂરા :
જીવનના રંગ કંઇ આ : શું બોલું ?
મારો કંઠ આ રૂધાય, મૈયા ! શું બોલું ? ૭