રાસચંદ્રિકા/રૂપ

વિકિસ્રોતમાંથી
← ગૃહદ્વારનાં બેલડિયાં રાસચંદ્રિકા
રૂપ
અરદેશર ખબરદાર
અબોલા →
શ્યામ સમીપે ન જાવું





રૂપ

♦ શ્યામ સમીપે ન જાવું ♦


આવડા રૂપાળા કોણે કીધા ?
કહોની, શ્યામ મારા !
આવડા રૂપાળા કોણે કીધા ? —

જોઈ જોઈ આંખ ઠરે એક જ સ્વરૂપમાં,
આંજતા પ્રકાશ આવે સીધા:
કહોની, શ્યામ મારા !

સૂર્યને વલોવિયા કે ચંદ્રને નિચોવિયા?
લાખ લાખ તારા ઢોળી લીધા ?
કહોની, શ્યામ મારા !

સંધ્યાને ઉષાના રંગ રંગ ચોળ્યા અંગમાં,
અમૃતના સાગર શું પીધા?
કહોની, શ્યામ મારા !


પ્રેમીઓનાં કાળજાંને વેંધી વીંધી મારે,
એવા યે કંદર્પને શું વીંધ્યા ?
કહોની, શ્યામ મારા !

જાણતા કળા તે બધી એકમાં સમાવી:
ભૂલું કદી એમ વિધે બીધા ?
કહોની, શ્યામ મારા !

અદ્દલ છો રૂપાળા તેવા થાશો ના નમેરા !
રૂપે તો ઘા છે જ દિલે દીધા !
કહોની, શ્યામ મારા !
આવડા રૂપાળા કોણે કીધા?