રાસચંદ્રિકા/લજામણીની વેલી
← કોયલ બહેનાં | રાસચંદ્રિકા લજામણીની વેલી અરદેશર ખબરદાર |
પોયણી → |
લજામણીની વેલી
♦ વહાલા લાગો છો વિશ્વઆધાર રે, સગપણ તમ સાથે . ♦
હું તો નમણી લજામણીની વેલી રે, હાથ કોઈ અડશો મા !
મારું હૈયું આ પળમાં ભિડાય : હાથ કોઈ અડશો મા !
કૂંળી કૂંળી આ પાંખડી છે મારી રે, હાથ કોઈ અડશો મા !
જરી અડતામાં ઝૂમી એ જાય : હાથ કોઈ અડશો મા ! ૧
હું તો આકાશી વીજળીની વેલી રે, હાથ કોઈ અડશો મા !
રહું સંતાઈ વાદળીને વાસ : હાથ કોઈ અડશો મા !
મારી આંખડી બિડાય નહીં બીડી રે, હાથ કોઈ અડશો મા !
સહેજે જોતામાં ઝબકું ચોપાસ; હાથ કોઈ અડશો મા ! ૨
હું તો અલબેલી પ્રાચીની વેલી રે, હાથ કોઈ અડશો મા !
ઉષા લજ્જાતી જોતી દિગંત; હાથ કોઈ અડશો મા !
લાલ ગુલો હું વેરતી વ્યોમે રે, હાથ કોઈ અડશો મા !
કિરણ અડતામાં તૂટે ઉરતંત હાથ કોઈ અડશો મા ! ૩
હું તો ઉગતી ચંબેલીની વેલી રે, હાથ કોઈ અડશો મા !
મારાં પુષ્પો છે પુણ્યોશાં શ્વેત; હાથ કોઈ અડશો મા !
પડ્યાં છૂંદણાં જગતને હાથે રે, હાથ કોઈ અડશો મા !
પુષ્પો નંદાશે અડતાં સમેત : હાથ કોઈ અડશો મા ! ૪
હું તો અદ્ભુેત આનંદની વેલી રે, હાથ કોઈ અડશો મા !
મારી પાંખડીઓ પળમાં વિલાય : હાથ કોઈ અડશો મા !
હું તો સારા સંસારની લક્ષ્મી રે, હાથ કોઈ અડશો મા !
મારે હૈયે તો સ્વર્ગો લહેરાય : હાથ કોઈ અડશો મા ! ૫