રાસચંદ્રિકા/પોયણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  લજામણીની વેલી રાસચંદ્રિકા
પોયણી
અરદેશર ખબરદાર
ચાંદલિયા ! ફર તો જરા રે! →
. ગોવાળિયે ઘેલાં કીધાં રે .
પોયણી

♦ ગોવાળિયે ઘેલાં કીધાં રે. ♦


નીચે ઊભી હું ડોલું નીરે,
ચાંદલિયે આંખો ઠરી રે ! -

સોના રૂપાથી ઘડ્યું નાવડું એ આવશે,
વહાલમ હંકારે ધીરે ધીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૧

જ્યોતિનાં મોતી તરે આભને સરોવરે,
નાખશે ત્યાં જાળ તદબીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૨

ગરશે કૈં મોતી નીચે મારે સરોવરે,
ઝીલી તે રાખું મારાં ચીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૩

પૂઠે એ ખોળતો ત્યાં આવે ચાંદલિયો,
ડુબકી ભરે હો નીરે તીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૪

આવો, ચાંદલિયા ! આ મારા આવાસમાં !
રોજ હું જમાડું મોતી ક્ષીરે :
ચાંદલિયે આંખો ઠરી રે ! ૫

ઘડીક ઠરી શું જાઓ પાછા ગગનમાં ?
જોઈ જોઈ રહેવું તગદીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૬

રાતભર જોઈ સુધા ઝીલવી શું દૂરથી ?
હૈયે શું ન ધારું એ લગીરે ?
ચાંદલિયે આંખો ઠરી રે ! ૭

આવો અંધારિયાં, આવો અજવાળિયાં :
હું તો જડાઈ આ જંજીરે !
ચાંદલિયે આંખો ઠરી રે ! ૮