રાસચંદ્રિકા/સંદેશ

વિકિસ્રોતમાંથી
← આમંત્રણ રાસચંદ્રિકા
સંદેશ
અરદેશર ખબરદાર
દિવ્ય દેશનાં પંખીડાં →
(ઢાળ : સરોવરે પાણીડા ગઈ'તી, સાહેલડી ! શરદનું સરોવર હેલે ચેડ્યું)





સંદેશ

♦ કુંજલડી રે સંદેશો અમારો ♦


હૈયાના હોજ આ હેલે ચઢ્યાં હો !
રેલે બ્રહ્માંડ રસધારા રે લોલ :
ઝીલો-ઝીલાવો મનમહેલે , રસિકડાં!
નીતરે સંદેશ કંઈ ન્યારે રે લોલ :

ઊંડા આકશની ખાણો ખોદીને,
કાઢ્યા છે રત્નરૂપ તારે રે લોલ :
એવે તે આંગને આવો, રસિકડાં !
પ્રાણે સમાવો ચમકરા રે લોલ :

પૂર્વે સૂર્યોદયનાં પીછાં પોપટિયાં
રંગે છે દેવના ઉતારા રે લોલ :
પશ્ચિમ પતંગિયાની પાંખો રસિકડાં !
વીંઝે અહિં સ્વર્ગપલકારા રે લોલ :

ચંદાની દૂર દૂર ચમકે કીકી ત્યાં
ઉછળે મહેરામન ખારા રે લોલ :
એવા સંકેત ઉર ધારો, રસિકડાં !
ઊંડા છે આત્મના ઉધારા રે લોલ :


પલક પલક પ્રાણકુંદન કસીને
ઝરતું આકાશ અંગારા રે લોલ :
જીવનના જોગ કંઈ એવા, રસિકડાં !
એવા છે પ્રાણના પુકારા રે લોલ :

જીવન-રૂદનના તારે ઝૂલાઈ
પૂરે છે સ્વર્ગ લલકારા રે લોલ :
અશ્રુમીઠાં તે એનાં ગીતો, રસિકડાં !
કરશે કંઈ દિવ્ય અણસારારે લોલ :

મીઠા હતા આજ ઘેરા દીસે તે,
કાલે કલ્યાણ કરનારા રે લોલ :
એ રે સંસારના સૂરથી, રસિકડાં !
ફળજો આ દેહના ઇજરા રે લોલ :

હૈયાની હોજ આજ હેલે ચઢ્યાં હો !
રેલે છે આત્મના ઓવારા રે લોલ :
આવો, આવો રસાઆંગણ, રસિકડાં !
ઝીલજો સંદેશ અહિં ન્યારા રે લોલ: