રાસચંદ્રિકા/સંધ્યાનાં સોણલાં
← વહાલમજીનો રાસ | રાસચંદ્રિકા સંધ્યાનાં સોણલાં અરદેશર ખબરદાર |
દાંપત્યનો વિજયકાળ → |
સંધ્યાનાં સોણલાં
♦ રાતલડી રળિયામણી, મનમોહનજી. ♦
કૂંળી ઉષા, કૂંળા આભલાં, મુજ વહાલમજી !
કૂંળા કૂંળા સૂરજના પાદ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
મોંઘી વસંત, મોંઘાં ફૂલડાં; મુજ વહાલમજી!
મોંઘા ઉર ઉરના આહ્લાદ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૧
હૈડે લીલા લચી કૈં હતી,મુજ વહાલમજી !
કરતી કોયલ ટહુકાર:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
જોબન હતાં જાદુભર્યાં, મુજ વહાલમજી !
આંખે ઓજસના અંબાર:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૨
આંજણ અંજાયાં આંખમાં, મુજ વહાલમજી
દીઠી અદ્ભૂત સોનલ દેહ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
દીધાં-લીધાં દેહદાન એ, મુજ વહાલમજી!
મૉર્યા ફાલ્યા તે અમૃતનેહ:
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૩
આજે ઊભાં સંધ્યા તળે, મુજ વહાલમજી !
કેવી મીઠી મનોહર શાંત !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
રેલ્યા આ જીવનતરંગ સૌ, મુજ વહાલમજી !
ઝૂલે નભ ધરણી એકાંત :
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૪
આવી હેમંત, આવ્યા વાયરા, મુજ વહાલમજી !
પેલામ્ રજનીનાં આવે રજપૂર !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
મીઠાં સૌ સ્નેહલ સોણલાં શું, મુજ વહાલમજી?
ઝગો તારાશું ઉર પૂરનૂર !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૫
ઘેરી આ સાંઝ, ઘેરી રાતડી, મુજ વહાલમજી !
ઘેરી ઘેરી સુખદુઃખની ગાથ :
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી?
હવે લેવાં-દેવાં આત્મદાન કૈં, મુજ વહાલમજી !
હૈયે હૈયાં ગૂંથી, હાથે હાથ !
ભૂલશો સોણલાં તે, મુજ વહાલમજી? ૬