રાસચંદ્રિકા/હૈડાંની આગ

વિકિસ્રોતમાંથી
← રૂસણાં રાસચંદ્રિકા
હૈડાંની આગ
અરદેશર ખબરદાર
હૈયાનું રાજ →
પ્રેમની પીડા તે કોને કહીએ રે




હૈડાંની આગ

♦ પ્રેમની પીડા તે કોને કહીએ રે . ♦


આવડું તે આળ નવ ધરીએ રે,
હો રસિયાજી!
આવડું તે આળ નવ ધરીએ ! —

હૈડાની આગ તે તો હૈડે ધૂંધવાડીએ,
અબલા તે અમો કશું કરીએ રે?
હો રસિયાજી!

વાંકું વચન તમ કાળજું આ વીંધે,
ડૂબતાંને દાબો નવ દરીએ રે !
હો રસિયાજી!

રાતદિન બળી જળી રાખ થઈ રહીએ,
ઠાર્યાં તે કેમ કરી ઠરીએ રે ?
હો રસિયાજી!

અબલા અમો તો સદા રહીએ પરાધીન,
પળપળ લોકલાજે ડરીએ રે:
હો રસિયાજી!


પ્રીતડી કરી તમોશું પીધાં અમે વિખડાં,
તમે શું પુરુષ જાણો જરીએ રે ?
હો રસિયાજી!

જીવન ને પ્રાણ અમ સોંપ્યા તમ હાથે,
તારો જો તમે જ તો તરીએ રે:
હો રસિયાજી!

સાગર તજીને જવું ઊડવા આકાશે,
પાંખો વિના બાથોડાં ક્યાં ભરીએ રે?
હો રસિયાજી!

પ્રીતડીની યારી તરવાર છે બેધારી :
ચૂકતાં કપાઈ ઝટ મરીએ રે;
હો રસિયાજી!

ઘેલાં થયાં અમો તે તમો ડાહ્યા માટે;
અદ્દલ અટળ સ્નેહ સ્મરીએ રે!
હો રસિયાજી!
આવડું તે આળ નવ ધરીએ!