લખાણ પર જાઓ


લાખા હાં… લાવો રે કૂંચી તો તાળાં ખોલિયે

વિકિસ્રોતમાંથી
લાખા હાં… લાવો રે કૂંચી તો તાળાં ખોલિયે
લોયણ



લાખા હાં… લાવો રે કૂંચી તો તાળાં ખોલિયે

લા ખા…! હાં… લાવો… રે… કૂંચી… તો… તાળાં… ખોલિયે…
કૂંચી મારા મેરમ ગુરુ ને હાથ… લા ખા… હાં…
કૂંચિયુ છે માલમ ગુરુજી ને હાથ… ગુરુજી આવે તો તાળાં ઉઘડે…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા…! હાં…! અમ્મર આંબો આયાં રોપિયો‚ એની પાળ્યું રે પોગી છે પિયાળ‚ લા ખા…
હે… શાખું રે સરગાપર પુગિયું‚ એનો વેડનહારો હુશિયાર… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! એ… ખુંદી રે ખમે માતા ધરણી… અને વાઢી રે ખમે વનરાઈ‚ લા ખા…
હે… કઠણ વચન મારાં સાધુડાં ખમે‚ નીર તો સાયરમાં સમાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! એ… સૂરજ સમો નહીં ચાંદલો‚ ધરણી સમો નહીં આભ‚ લા ખા…
હે… ગુરુજી સમો નહીં ચેલકો‚ જેણે મૂળગો ગુમાવ્યો છે લાભ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! દૂધે રે ભરી તલાવડી‚ જેની મોતીડે રે બાંધેલ પાળ… લા ખા…
હે… સુગરા હશે તે એને ચાખશે‚ નુગરા પિયાસા રે જાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! કાશી રે નગરના ઘાટમાં‚ લખ રે આવે ને લખ જાય‚ લા ખા…
હે… સાધુ રે જનનો સંદેશડો‚ ખુલાસે કહ્યો નવ જાય… લા ખા…

એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! લાખો તો લાખુંમાં મ્હાલતો‚ કરતો હીરા હુંદા મૂલ‚ લાખા…
હે… કરણી ચૂક્યો ને થિયો કોઢિયો‚ ઈ તો થઈ ગ્યો કોડીને તૂલ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! સોનું રે જાણી ને સેવિયો‚ કરમે નિવડિયું કથીર… લા ખા…
હે… શેલણશીની ચેલી લોયણ બોલિયાં‚ ગુરુ આવ્યે થાશો રે કંચનને તોલ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…