સ્રોતસ્વિની/આશા

વિકિસ્રોતમાંથી
← નરમેધ સ્રોતસ્વિની
આશા
દામોદર બોટાદકર
વિસ્મૃતિ →


<poem>

આશા

( ૧ ) ( મન્દાક્રાન્તા ) સૃષ્ટિ કેરા સકળ રસને, વારિને શેાષી લેતાં, ને વૃક્ષોના મૃદુલ વપુને ક્રોધથી બાળી દેતાં; ચારે બાજુ પ્રખર કિરણો સર્વદા સૂર્ય ફેંકે, વર્ષાભાવે હત જગતનું શેષ સર્વસ્વ લૂંટે !

દુર્ભિક્ષેથી દુઃખિત સઘળાં પ્રાણિનાં પિંડ ભાસે, સૂકાં વૃક્ષો, નહિ તૃણ તણું નામ દેખાય ક્યાંએ; રેતી કેરા રણ સમ દીસે ખેતરો શૂન્ય જેવાં, શાંતિ માટે હરિણગણને સ્થાન એકે મળે ના.

ભૂંડું ઉડું ઉદર ભરવા માનવે વ્યગ્ર થાય, લાખે પ્રાણી મરણ–મુખમાં પેસતાં નિત્ય જાય; કેઈ કોની ખબર સુખ કે દુઃખ કેરી ન પૂછે, ઉઠ્યો અગ્નિ પ્રલયપળનો, કોણ એમાં ઉગારે?

દુઃખી જોડું કૃષીવલ તણું ગામડામાં રહેતું, મૂંગે મોઢે અનશન તણું કષ્ટ કૈં કાળ વેઠયું; અંતે હારી પરભૂમિ વિષે તે જવાને તણાયું, વ્હાલું વ્હાલું વતન ત્યજતાં દીલ દુઃખે દુભાયું. <poem>

સંતાનો બે પ્રિય અધિક જે પ્ર ણના પ્રાણરૂપ, હા ! હા ! આવા વિષમ સમયે ભાસતાં ભારરૂપ ! વૃત્તિ શેાધી ઉદર એજ જ્યાં કષ્ટસાધ્ય, સંભાળી બે શિશુક સુખથી તે રહી કયાં શકાય ?

છોડી દીધાં નિજ ઉટજમાં અાશ-વિશ્વાસ આપી, શિંકે રાખ્યાં અશનવિણ બે પાત્ર ખાલી બતાવી; "સંધ્યાકાળે ઘર ભણી અમે અાવશું બાપુ જ્યારે, "આ શિંકેથી તુરત તમને આપશું અન્ન ત્યારે !"

એવું કે'તાં અહહ ! ઘરનાં બારણાં બંધ કીધાં, ને મૃત્યુના કઠિન કરમાં ઉગતાં બાળ દીધાં; આહા ! કેવો જન-જીવનમાં કષ્ટકારી પ્રસંગ ! શાં શાં કર્મો મનુજ ન કરે સૃષ્ટિનો પામી સંગ ?

માતા ભૂલે નિજ હૃદયથી માતૃતા સર્વ રીતે, એથી બીજે ગજબ જગમાં સંભવે શો વધારે ? રે  ! રે ! પાપી ઉદર કરથી કામ કેવાં કરાવે ? જેને જોતાં જરૂર યમનું કાળજું કષ્ટ પામે !

આશાઘેલાં મૃદુ મુકુલ શાં સાંજની વાટ જોતાં વારે વારે ઉપર નયનો ફેંકતાં, મૂક જેવાં: ને માતાને સહજ શુણવા શબ્દ ટાંપી રહેલાં, કારાગાારે પરવશ બની ભાઈ ને બ્હેન બેઠાં ! <poem>

વીત્યું અર્ધું વરસ, વરસ્યો મેઘ આવી ફરીને, રીઝી પૃથ્વી સુભગ નવલો વેષ અંગે ધરીને; ક્ષેત્રે નાનાવિધ કણ થકી ઉભરાતાં જણાય, વૃક્ષો કોટિ ફળ, કુસુમ ને પત્ર પામી સુહાય.

મૃત્યુ કેરા અનવરત એ ચર્વણેથી બચેલાં, એના લાંબા વિષમ ક૨માં જે જઈ ના પડેલાં; પામ્યાં હૈયે હરખ અતિશે શિષ્ટ સર્વત્ર પ્રાણી, કો સ્થાને ના રહી કઠિન એ કાળ કેરી નિશાની.

અતે પેલું મુદિત મનથી યુગ્મ પાછું વળ્યું છે, જેણે કિંચિત ધન ઉદરને પોષી પેદા કર્યું છે. સંધ્યાકાળે નિજ સદનનું દ્વાર આવી ઉઘાડે, ત્યાં એ બન્ને કુણપ સરખાં બાળ બેઠાં નિહાળે.

ધીમે ધીમે શ્વસન વહતો અંતરે છેક ઉંડો, સુકાં અંગો, કંઈ ચળકતી સ્તબ્ધ દેખાય અાંખો, માને દેખી "અશન અમને આપ માડી ! ઉતારી," બેાલ્યાં ધીમે "બહુ સમયથી જે ક્ષુધા પૂર્ણ લાગી !"

"શિંકે કાંઈ નથી, તુરત હું રાંધીને અન્ન આપું, "વ્હાલાં મારાં શિશુક ! ધરજો બે ઘડી ધૈર્ય બાપુ!" બોલી એવું સહજ સઘળાં પાત્ર નીચે ઉતાર્યાં, ભોળી માતા ! નિકટ જઈને બાળને તે બતાવ્યાં ! <poem>

જોતાં ખાલી ઉભય ઉરની આશને અંત આવ્યો, ને એ સાથે સહજ વહતા શ્વાસને અંત આવ્યો ! તાકી તાકી બહુ સમયથી વાટ જોઈ રહેલો, ઝુંટી બને હૃદય પળમાં કારમો કાળ ઉડ્યો.

આશા કેરી પ્રબળ રશના માતને હાથ તૂટી એની છાયા શિશુકશિરથી સાંભળી શબ્દ છૂટી ઉત્સંગોથી ત્યજી શિશુકજે એ ગઇ દૂર દેવી, ત્યારે ફાવ્યું મરણ સહજે સ્થાન ખાલી નિહાળી.

* * * * *

દેવી આશા ! અયિ ભગવતી ! પ્રાણીના પ્રાણ તું છે ! તારી સત્તા સકળ જગમાં વ્યાપ્ત સર્વત્ર ભારો; દૂરે તારો ક્ષિતિજ ઉપરે ભવ્ય આવાસ શોભે, ભાનુથી આ અતિ ભભકતા તેજથી એ પ્રકાશે.

એના દૈવી કનક-કળશો વ્યોમ-અંકે વસેલા, ને આકર્ષી મનુજગણથે રમ્યતાથી રહેલા; એમાં બેસી સતત સહુને સાદ સ્નેહે કરે તું, ને ઉત્સાહે અજબ કરતી ગાન મીઠા સ્વરે તું.

તારી પાસે વિકળ થઈ સૌ આવવાને તણાય, ઘેલાં જેવાં કમર કસીને દોડતાં જો ! જણાય ! ભાસે રસ્તો વિકટ પણ ના કોઈ એને ગણે છે, શ્વાસેાચ્છ્વાસે ભરિત સહસા સર્વદા સંચરે છે. <poem>

દેવી ! તારો જગત-જનને જો ન આધાર હોત, તો પ્રાણીને પળ પળ મહિં લેત ઝાલી કૃતાંત; દીસે સાચી અમ જીવનની એક તું દિવ્ય દોરી, સંસારીની સુખદ સરણિ, મેાહિની માત મીઠી !

ઝાંખી તારી ક્ષણ ક્ષણ વિષે સ્વાન્તને સદ્ય થાય, એ આલંબે પથ જગતને ના જરા એ જણાય; શ્રાંતાત્માને શ્રમ સ્મરણના નીરથી તું નિવારે, ને એ પંથે ગમન કરવા નવ્ય ઉત્સાહ આપે.