ગ્રામોન્નતિ/આદર્શ ગામડું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૬ ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ ગ્રામોન્નતિ
આદર્શ ગામડું
રમણલાલ દેસાઈ
૨૮ ગ્રામોન્નતિના માર્ગ →

૨૭
ગ્રામોન્નતિ
આ દ ર્શ ગા મ ડું
ગ્રામોન્નતિનું ધ્યેય
ગ્રામોન્નતિનું અંતિમ ધ્યેય શું ? દરેક ચળવળ, દરેક પ્રવૃત્તિ, દરેક સત્કાર્ય અમુક ઉદ્દેશને લક્ષમાં રાખી આગળ વધારાય છે. ઉદ્દેશ વગર કંઈપણ કાર્ય થતું નથી, અને થાય તો તે ફળ આપતું નથી. એટલે ધ્યેય–ઉદ્દેશની સ્પષ્ટતા એ પ્રગતિની ચાવી છે.
આદર્શ ગામ
ગ્રામોન્નતિનું અંતિમ ધ્યેય એટલે આદર્શ ગ્રામવિકાસ. ગ્રામજીવન સુધારવાનો ઉદ્દેશ નમૂનેદાર ગામનું સર્જન કરવાનો જ હોઈ શકે. જ્યાં સુધી આદર્શ ગામ રચાય નહિ ત્યાં સુધી ગ્રામોન્નતિના પ્રયત્ન સફળ થયા કહેવાય નહિ. ગ્રામોન્નતિના પ્રયત્નોની સફળતા આદર્શ ગામની રચનામાં જ પ્રગટ થવી જોઈએ. સાધન – એટલે પ્રયોગ માટે પૂરતું ધન, સેવાભાવી કાર્યકર્તાઓ, પછી ભલે તે સરકારી નોકરી હોય બિનનોકરિયાત હોય, અને ગ્રામનિવાસીઓની સહાનુભૂતિ એ ત્રણ – મળે તો વર્ષે, પાંચ વર્ષે, છેવટે દસ વર્ષે પણ આદર્શ ગામ ઉપજાવી શકાય. એક ગામ આદર્શ બને એટલે બીજાં ગામ

આદર્શ બની ચૂક્યાં એમ સમજી લેવું. સત્કાર્ય સર્વદા પ્રસરે છે. એક આદર્શ ગામ અનેક આદર્શ ગામો ઊભાં કરી શકશે.

નિરાશાવાદ
પરંતુ ધ્યેયને સફળ કરવાનો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે મનુષ્ય નિરાશાવાદી બની જાય છે. ‘એ તે કાંઈ બને ? એ તો કલ્પના છે. આપણા ધાર્યા પ્રમાણે બધું બને જ નહિ. ઠીક છે ! જે થતું હોય તે સાધારણ કરવું. બાકી ગામ નમૂનેદાર બનાવવું અશક્ય છે.’ આવા ઉદ્‌ગાર અને આવા નિરાશાસૂચક ભાવ આછા આછા સંભળાય છે. કારણ સાધનત્રય આપણી પાસે હોતાં નથી. કામ કરનાર હોય તો ધન ન હોય; ધન હોય તો લોકોનો વિરોધ હોય, અને લોકો તૈયાર હોય તો કાર્યકર્તાઓ ન મળે અગર મળ્યા હોય તો ખામીભરેલા હોય.
કામ દુર્ઘટ પણ
અશક્ય નહિ
વાત ખરી છે કે નમૂનેદાર ગામ બનાવવું સહેલ નથી. એ દુર્ઘટ તો છે જ. પરંતુ કાર્યનું દુર્ઘટપણું ભીષણ પ્રયત્ન માગી લે છે, નહિ કે નિરાશા અને નિરુત્સાહ, ધ્યેય સફળ કરવું દુર્ઘટ હોય તેથી તે અશક્ય બનતું નથી. સત્તાના શોખીન નેપોલિયન ‘અશક્ય’ શબ્દનો કોષમાંથી જ બહિષ્કાર કરવા કહેતા. નેપોલિયનના કરતાં પણ વધારે દૃઢ નિશ્ચય ગ્રામસેવકે કરવાનો છે. નેપોલિયનની માફક છેલ્લી ઘડીએ હારવું એ ગ્રામસેવકને જરાપણ પાલવે એમ નથી. આદર્શ સિદ્ધિમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા રાખનારે એ કાર્યમાં બિલકૂલ પડવું જ ન જોઈએ. નિરાશાને ક્ષણ માટે પણ સેવનાર કાર્યકર્તા ગ્રામોન્નતિનું કાર્ય માથે ન જ લે એ ઇચ્છવા જેવું છે. એ જ પ્રમાણે ભાડુતી માણસો – ભાડુતી સેવકો પણ કાર્યને અશક્ય બનાવી મૂકે એમ છે.

ગામડાંનો અને જગ-
તનો સંબધ
અનેક આદર્શો સિદ્ધ કર્યા છે. છતાં હજી ઘણું કરવાનું બાકી રહ્યું છે. એ બાકી રહેલા અસિદ્ધ આદર્શોમાં આદર્શગામનો અભાવ પણ ગણી શકાય. જગતનાં ગામડાં આદર્શરૂપ બનશે ત્યારે જ જગત આદર્શરૂપ બનશે. જગતમાં વહેતી સ્ફૂર્તિ, જગતમાં વિકસતું જ્ઞાન, જગતે ઉપજાવેલી સગવડ, જગતે ઉપજાવેલું સૌન્દર્ય જ્યાં સુધી ગામડાંમાં લાવી શકાય નહિ અને એ સ્ફૂર્તિ, જ્ઞાન, સગવડ અને સૌન્દર્ય ગ્રામજીવનમાં પ્રતિબિંબિત કરી શકાય નહિ ત્યાં સુધી જગતની પ્રગતિ પાંગળી રહેશે. માનવજાતનાં ઉપજાવેલાં સુખસાધન અને સમૃદ્ધિમાં આખી માનવજાતને ભાગ મળવો જોઈએ. અને સાચી સમજ આવે તો એ સુખ, એ સાધન અને એ સમૃદ્ધિ જેમ વહેંચાય તેમ વધતી જાય.
આદર્શ એટલે ?
આદર્શ એટલે પૂર્ણતાની કલ્પના : સર્વાંગી વિકાસનો નકશો. એ કલ્પનામાં, એ નકશામાં સ્થળ સમયના ફેર અલબત પડે. છતાં આપણી શક્તિ અને આપણા સંસ્કારની મર્યાદા વિચારીને આપણે પૂર્ણપણાની છબી દોરી શકીએ. આજના આદર્શ આવતી કાલે અપૂર્ણ લાગે એ સંભવિત છે, પરંતુ એમાં જ આપણી સનાતન પ્રગતિ રહેલી છે. આવતી કાલનો આદર્શ આજના આદર્શને અધૂરો ઠરાવશે એ ભયથી આજનો આદર્શ મૂકી દેવાય નહિ. આજમાંથી કાલ વિકસે છે. આજનો આદર્શ સિદ્ધ થયા વિના આવતી કાલનો આદર્શ ઘડાશે જ નહિ.
આદર્શ ગામની
કલ્પના
એટલે આપણા હિંદુસ્તાનમાં કે ગુજરાતમાં સંપૂર્ણતા સૂચવતા આદર્શ ગામડાની આજ કેવી હોઈ શકે તેની આછી ઝાંખી સમાલોચના અત્યારે કરી શકાય. આદર્શ ગામની એક મનોમય

મૂર્તિ ઘડી રાખી આપણાં ગામડાંને તેવું સ્વરૂપ આપવા આપણે સહુ પ્રયત્નશીલ બનીએ. આજના ગામડાં શું માગી રહ્યાં છે તે એ કલ્પનામાંથી – એ મૂર્તિમાંથી – એ નકશામાંથી આપણને જડી આવશે. અને જ્યારે આપણે આદર્શ ગામની વિગતોનું પ્રથઃકરણ કરીશું ત્યારે એમ પણ લાગશે કે એમાંની ઘણી જરૂરિયાતો પૂરી પાડી શકાય એમ છે.

વ્યાવહારિક
જરુરિયાતો
ગામ એટલે લોકસમૂહનું રહેઠાણ. હિંદુસ્તાનમાં ગામ કૃષિપ્રધાન છે. એ કૃષિ ઉપર જીવતા લોકોને વ્યાવહારિક રીતે નીચેની વસ્તુઓ તો જરૂરની ખરી જ. સામાન્ય વિચાર કરતાં પણ એ જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એમ સહજ જણાશે :—

(૧) સ્વચ્છ અને હવા અજવાળા વાળાં મકાન. ગામડું મહેલ માગતું નથી. પરંતુ તેમાં નિવાસ કરનારને સંકોચ ન પડે એટલી જગા તો તે જરૂર માગે. સૂર્યનાં કિરણો અને હવાની અવરજવર પૂરતી હોય, નાનાં મોટાં સહુ સહુની મર્યાદા અને એકાન્ત સચવાય એવી સગવડ હોય, નિત્ય કાર્યો માટે આરોગ્ય સચવાય એવી ગોઠવણ હોય તથા આંગણું અને વાડાની મોકળાશ હોય એવી ઘરની રચના હોવી જોઇએ. ગામડાનું ઘર આટલું માગે એ શું વધારે પડતું છે ? કીમતી, ઈંટેરી, સીમેન્ટની હવેલીઓ વગર ચાલશે. પરંતુ સામાન્ય મકાન કે ઝૂંપડીમાં આટલી સગવડ તો જોઈએ જ.

(૨) પશુઓ માટેનાં સ્વચ્છ રહેઠાણ. જાનવરોને પણ માણસ જેટલી જ હવા અજવાળાની જરૂર છે. બની શકે તેમ બન્નેનાં રહેઠાણ જુદાં સારાં. ન બને ત્યાં બન્નેનાં રહેઠાણો વચ્ચે યોગ્ય આંતરા તો જોઇએ જ.

(૩) સારા અને સ્વચ્છ રસ્તા. ઈજનેરો અંદાજ બનાવે છે એવા ખર્ચાળ પાકા રસ્તાની આપણે વાત જવા દેવી એ જ ઠીક છે. ગ્રામોન્નતિને અને મોંઘી વસ્તુઓ કે મોંઘાં માણસોને ક્ષણવાર પણ બનતું નથી. પરંતુ ચાર કે પાંચ વર્ષની અંગમહેનતમાં રેતી કાંકરા પાથરેલા રસ્તા લગભગ બધાં ય ગામ ધારે તો બનાવી શકે એમ છે.

આ રસ્તામાં ગામઠાણના તેમ જ સીમના રસ્તાઓનો સમાવેશ થાય છે. રસ્તાઓનાં દબાણ કરવાં બહુ સહેલ છે. પરંતુ આદર્શ ગામમાં તો સાર્વજનિક રસ્તાનું દબાણ કરવું એ પાપ માનવું જોઈએ.

વળી એ રસ્તાઓની સફાઈ ભંગીઓથી અગર સાફસૂફી કરનાર નોકરોથી બને તો રખાવવી. અને તેમ ન હોય તો ગામ લોકોએ પોતાની જાતે રાખવી જોઈએ. ઘરઆંગણે કે રસ્તા ઉપર કચરો પડ્યો રહે એ ગામ આદર્શ તરીકે ન જ ઓળખાય.

આજ ઊડતી ધૂળ પણ આદર્શ ગામડાંમાં ન જ હોય.

(૪) પીવાના પાણીનું પૂરતું સાધન. ગામડાંમાં વૉટરવર્ક્સ નહિ હોય તો ચાલશે. પરંતુ શેરીએ શેરીએ મીઠા પાણીનો કૂવા તો અવશ્ય હોવા જ જોઈએ. કૂવા સ્વચ્છ કરવા માટે ગાળવાની જરૂર સૌએ સમજવી જોઈએ. કૂવાની રચના પણ એવી જોઈએ કે જેથી પાણીમાં કચરો ન પડે અને જંતુઓદ્વારા રોગના ઉપદ્રવ ન ફેલાય.

(૫) માણસ સાથે ઢોરને પણ પીવાના પાણીનાં સાધન જોઈએ. કુવે કૂવે હવાડા ભરાય તો સાધન મળી રહે. તળાવનો પણ ઉપયોગ સાચવીને થાય.

(૬) નાવા ધોવા માટે તળાવ. ગામના પ્રમાણમાં એકાદ બે ઓવારા માણસો માટે અને એકાદ બે ખડીઆટ જાનવરોની ચઢઉતર માટે હોવાં જોઈએ. તળાવમાં પાણી ચાલે એ માટે જરૂરી ખોદકામ અને બાંધકામ પણ થવાં જોઈએ. ખોદકામ તો ગામલોકો ધારે તો વર્ષોવર્ષ ચાલ્યા કરે. કેટલીક પાળ કે બંધારા પણ ગામલોકો જાતે બાંધી શકે.

(૭) પાણી વહી જવાના કાંસ. વરસાદ કે નદીના પાણીને કેળવતાં આવડવું જોઇએ. નહિ તો ગામમાં ખાડાઓ પડી, પાણી ભરાઈ રહી, મચ્છર અને મચ્છરદ્વારા ટાઢીઆ તાવનો ઉપદ્રવ થયા વગર રહે નહિ. વરસાદનાં વહી જતાં પાણી સાથે આપણી જમીનની ફળદ્રુપતાનો કેટલોક ભાગ પણ ઘસડાઈ જાય છે. એ તરફ હજી આપણું ધ્યાન સુદ્ધાં ગયું નથી. પાણીના માર્ગ માટે ગરનાળાં અને પૂલ-પાકા ન બને ત્યાં લાકડીપૂલની પણ જરૂર ખરી.

(૮) અંધારિયામાં શેરીએ શેરીએ દિવાબત્તીની સગવડ. શેરીનાં માણસ ધારે તો વારાફરતી આ કામ માથે લઈ શકે છે. એક શેરીમાં એકબે દિવા હોય તો બસ થઈ જાય.

(૯) અતિથિ અભ્યાગતને માટે અગર ગામાત કામ – સમૂહ વિચારણા–સભા માટે ધર્મશાળા કે ચોરા સરખું મકાન.

ઉપરની જરૂરિયાતો સ્થૂલ પ્રકારની – આંખે દેખી શકાય એવી – નિત્ય વ્યવહારની છે. તેને સ્થૂલ કહેવામાં તેમને ઉતારી પાડવાનો જરા પણ ભાસ થવો ન જોઈએ. આદર્શ ગામમાં ઉપરની એકે વસ્તુ વગર ન ચાલે.

સૂક્ષ્મ જરુરિયાતો
હવે આપણે આદર્શ ગામ માટેની કેટલીક સૂક્ષ્મ સમાજના માનસને સીધી અસર કરનારી – જરુરિયાતો વિષે વિચાર કરીશું. એ જરૂરિયાતો ગામના સામુદાયિક વિકાસનાં સંસ્થા રૂપે – સમૂહરૂપે વ્યક્ત થતાં પરિણામ છે. એમનો ખૂબ ઉપયોગ છે – સ્થૂલ ઉપયોગના પ્રકાર સરખો જ.

છતાં તેમાં સામુદાયિક સંસ્કારની ભાવના અને ગ્રામજીવનના માનસવિકાસનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટતાથી પડે છે. ઓવારાનો પણ નિત્ય ઉપયોગ છે અને એક દવાખાનાનો પણ નિત્ય ઉપયોગી છે. પરંતુ સ્થૂલ ઓવારો બંધાઈ ગયા પછી તેના નિત્ય ઉપયોગ માટે સંસ્થાબદ્ધ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. પરંતુ દવાખાનું સ્થાપ્યા પછી વૈદ્ય ડૉક્ટરની હાજરીનો, દવાના જથાનો, દર્દીઓની નિત્ય સારવારનો એમ સતત રોજના પ્રશ્નો ઉકેલવાનો એમાં વિચાર રાખવો પડે છે. એટલે તે જ્ઞાનની, સંસ્કારની, અને નિત્ય સમૂહ ઉપયોગની વ્યવસ્થા માગે છે. જ્ઞાનસહ ઉપયોગ કરવાની આ સંસ્થાઓને આપણે ગ્રામજીવનના ઉપયોગ અંગમાં જ્ઞાનઅંગ તરીકે ઓળખાવીએ તો ચાલી શકે – બીજા સારા વર્ગીકરણને અભાવે. તેમનો વિચાર કરતાં નીચેની યાદી તરત બનાવી શકાશે :—

(૧) શાળા. વર્તમાનયુગની કેળવણી વિષે અનેક ચર્ચાઓ અને મતભેદો ભલે હોય. પરંતુ એટલું તો સ્વીકારાયું છે જ કે સમાજની પ્રત્યેક વ્યક્તિને લખતાં વાંચતાં આવડવું જોઈએ. જ્ઞાનની ઓછામાં ઓછી યત્તા ઠરાવી આપણે તેને પ્રાથમિક નામ આપીએ છીએ. આદર્શ ગામની એકે ય વ્યક્તિ – પુરુષ કે સ્ત્રી – પ્રાથમિક શિક્ષણરહિત તો ન જ હોય.

(ર) પુસ્તકાલય, ભણેલું ભૂલાય નહિ અને સામાન્ય જ્ઞાન તેમ જ ચાલુ સમયની માહિતી ગ્રામજીવનમાં મળ્યા કરે એ ઉદ્દેશ સાચવવા આદર્શ ગામે પુસ્તકાલય વગર ન જ ચાલે.

(૩) દવાખાનું. ગામડાનો મુખ્ય ઉપદ્રવ મેલેરિયા – ટાઢિયો તાવ – હિમજ્વર. તે ઉપરાંત આંખનાં અને ત્વચાનાં દરદ, સાધારણ પ્રકારની ઉધરસ, બેચેની કે દુખાવો, સાધારણ ઘા, રુધિરવહન એવાં સહજસાધ્ય દર્દો કે પ્રસંગોને તાત્કાલિક પહોંચી વળવા માટે પૂરતી દવાઓ ગામે હોવી જોઈએ. મોટાં દવાખાનાં વગર ગામડાં ચલાવી લેશે.

(૪) અખાડો. ગ્રામજનતાને શીસ્ત એટલે શું ? વ્યવસ્થિત સમૂહ એટલે શું ? સંઘગતિ તથા સંઘશાસન એટલે શું ? એ શીખવવું હોય તો અખાડો નભાવ્યા સિવાય છૂટકો જ નથી. આદર્શ ગામે અખાડો તો હોય જ. શીસ્ત અને તંદુરસ્તી આપતી વ્યાયામશાળા શિક્ષણ આપતી શાળા જેટલી જ ઉપયોગી છે. સ્કાઉટ – બાલચમુ તેમ જ તાલીમબદ્ધ સ્વયંસેવકોની પ્રવૃત્તિઓ આ વ્યાયામશાળાના અંગની જ ગણાય. સ્વરક્ષણ, પરરક્ષણ, ગ્રામરક્ષણની વ્યક્તિગત તેમ જ સામુદાયિક પ્રવૃત્તિઓ અખાડામાં જ વિકાસ પામે.

(૫) પંચાયત. આ સંસ્થાનાં મૂળ આર્યાવર્તના અતિ પ્રાચીન કાળ સુધી પહોંચેલાં છે. ગ્રામવહીવટની સ્વતંત્રતા એમાં સમાયેલી છે. પ્રજાસત્તાનો એમાં પ્રાચીન પડઘો પડેલો છે. એ પંચાયતદ્વારા ન્યાય ચુકવાતા, ઝઘડાઓની પતાવટ થતી, ગામનાં સામુદાયિક કામો થતાં, ફાળા ઉઘરાવાતા, ગામની જરુરિયાતાના વિચારો થઈ યોજનાઓ ઘડાતી. ગામડાંમાં પંચાયત અને શહેરમાં મહાજન એ ગ્રામ અને શહેર વહીવટનાં દૃઢ બંધારણોએ આપણા વિકાસમાં ભારે ફાળો આપ્યો છે. મૂળ કોમોનું બંધારણ ધંધાને અવલંબીને ઘડાયલું. એ કોમોનાં પ્રતિનિધાન વડે રચાયેલી પંચાયત કેન્દ્રિત રાજસત્તાના ફેરફારની અસરથી મુક્ત રહી પોતાનું અસ્તિત્વ છેક આજ સુધી અમુક અંશે જાળવી રહી છે. ગ્રામપુનર્ઘટનામાં પંચાયતનું સ્થાન બહુ મહત્ત્વનું છે. આગળ જણાવી ગયા તે બધાં ય કામ નવેસર અગર દુરસ્ત કરાવવા માટે અગર તે અને તે સિવાયનાં ગામાત કામો ઉપર દેખરેખ રાખવા માટે, ગામનું આરોગ્યરક્ષણ, ગામની સગવડ, ગામનું શિક્ષણ, ગામના ન્યાય એ સઘળી વિગતોનો ઉકેલ કરવા માટે, ટુંકામાં ગામનો વહીવટ કરવા માટે આગેવાનોનું એક મંડળ નીમાય કે ચૂંટાય એનું નામ પંચાયત. પછી તે ગામલોકોએ જાતે સ્થાપ્યું હોય કે સરકારી કાયદા અનુસાર તેનું ઘડતર ઘડાયું હોય. ગામની જરૂરિયાતો સમજી, સરકાર અગર લોકમદદ મેળવી, ગામના ઝઘડા પતાવી, સૌને માર્ગદર્શક બને એવા સ્વાર્થ રહિત આગેવાનો પંચાયતના સભ્યો તરીકે હોવા જોઇએ.

રાજવહીવટ અને ગામવહીવટ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ બાંધી ગ્રામજનતામાં રાજકીય ભાન જાગ્રત રાખનાર આ જ સંસ્થા છે. એટલે આદર્શ ગામની પંચાયત પોતાનાં કર્તવ્યોનું પૂરું પાલન કરતી હોવી જોઈએ, મળી શકે એટલા હકો ભોગવતી હોવી જોઈએ અને પોતાની લાયકાત વડે ગામના વહીવટનું ભારણ સરકારને માથેથી ઓછું કરવા પ્રવૃત્ત રહેતી હોવી જોઈએ.

(૬) સહકારી મંડળી. હિંદનો ખેડૂત એવી સ્થિતિએ પહોંચ્યો છે કે તેનાથી એકલે હાથે સફળતા મેળવાય એમ નથી. ગામની ખેતી, ગામની પેદાશ, પેદાશનો વેપાર અને વેપારમાંથી મળતાં નાણાં એ સર્વમાં આખા ગામને સમગ્ર અને વ્યક્તિગત હિતસંબંધ રહે તો જ ગામની આર્થિક સ્થિતિ સદ્ધર રહી શકે. નાણાંની આપલેમાં પણ એ જ ભાવના પ્રવર્તતી હોવી જોઈએ. એકની આંટ સાચવવા બીજી વ્યક્તિ તૈયાર રહે એ નિકટ આર્થિક સંબંધ ઊભો કરવા માટે પણ સહકારી મંડળીની આવશ્યકતા છે.

(૭) વળી જરૂર પડે તો રાત્રિશાળા તેમ જ રાત્રિશાળા સામાન્યશાળા સાથે અને શિક્ષણવર્ગો પંચાયત કે સહકાર્યની સંસ્થા સાથે અગર વ્યાયામમંડળ સાથે ભેળવી પણ શકાય.

ઉપરની જરૂરિયાતો સંસ્થારૂપે પૂરી પાડી શકાય એ સહજ સમજી શકાય એવું છે. એ સંસ્થાઓની પ્રવૃત્તિમાંથી એક ફળ એ આવવું જોઇએ કેઃ

અવલોકન
() ગામનું શારીરિક, સામાજિક તેમજ આર્થિક અવલોકન–Survey દર વર્ષે તૈયાર રહેવું જોઇએ. એક વખત થઈ ગએલું અવલોકન બીજે વર્ષે માત્ર સહજ સુધારા કે ફેરફાર જ માગશે.
કાર્યક્રમ
() ગામની જરૂરિયાતો, તેમને પૂરી પાડવાનાં સાધન, અને આગળ પ્રવૃત્તિ ધપાવવા માટેની ભાવિ યોજના એટલો કાર્યક્રમ ત્રણ વર્ષ માટે, પાંચ વર્ષ માટે કે પછી નિદાન એક વર્ષ માટે રચેલો તૈયાર હોવો જોઈએ. આ અવલોકન અને કાર્યક્રમ ગામની આદર્શ સ્થિતિનો ખ્યાલ આપનાર માપ છે એમ કહી શકાય.

યોજના. એ રશિયાની જાણીતી થએલી ‘પંચ વાર્ષિક યોજના’ પછી ખૂબ ચર્ચાનો વિષય થઈ પડી છે. અલબત્ત, સફળતા માટે સર્વ કાર્યો અમુક ઢબનું યોજનાબદ્ધપણું તો માગી જ લે છે. છતાં રશિયાએ પાંચ વર્ષમાં કેળવણી, ખેતી, વ્યાપાર ઉદ્યોગ અને સૈનિક તૈયારીનો એક વિસ્તૃત તથા વિગતવાર કાર્યક્રમ તૈયાર કરી એ કાર્યક્રમ બહુ જ કાળજીથી સફળ કરી બતાવ્યો. ત્યારથી યોજના એ સર્વ કાર્યમાં મહત્વનું તત્ત્વ બની રહી છે. યોજનામાં ધ્યેય નક્કી થાય છે, કાર્યની રૂપરેખા નક્કી થાય છે, ખર્ચ અને બીજા સાધનો નક્કી થાય છે, અને તેને પરિપૂર્ણ કરવા માટે ઉત્સાહ અને વેગ વધે એવો પ્રચાર કરવામાં આવે છે. આપણા અવ્યવસ્થિત દેશમાં તો યોજનાની ખૂબ જરૂર છે. આદર્શ ગામની કલ્પનામાં આવી પ્રગતિસૂચક યોજના હોવી જ જોઈએ. અમુક વર્ષે શું શું કાર્ય પૂરું કરવાનું છે તે જાણવાનું અને અમલમાં મૂકવાનું ભાન ગ્રામનેતાઓને તો હોવું જ જોઈએ.

ઉપયોગ, જ્ઞાન, અને
સોન્દર્ય એ ત્રણ વિ-
ભાગમાં વહેચાયેલું ગ્રામજીવન
આ પ્રમાણે આદર્શ ગામનાં સ્થૂલ–આંખે દેખાય એવાં ઉપયોગમાં કામો અને સૂક્ષ્મ ઉપયોગની સંસ્થાઓનો આપણે વિચાર કર્યો. સ્થૂલ ઉપયોગને આપણે માત્ર ઉપયોગ કે વ્યવહારના નામથી ઓળખીએ છીએ. સૂક્ષ્મ રીતે આપણા મન સાથે સીધી રીતે સંબંધમાં આવતા પ્રકારને જ્ઞાન વિભાગમાં મૂકીશું. પરંતુ ઉપયોગ અને જ્ઞાન એ બેમાં જ જીવન સમાઈ જતું નથી. ઉપયોગ અને જ્ઞાન ઉપરાંત જીવનનો એક રસવિભાગ – સૌન્દર્યવિભાગ – આનંદ વિભાગ છે કે જેની ખિલવણી વગર ગામનું આદર્શપણું અધૂરું જ રહેશે. રસનું અવલંબન સૌન્દર્ય, અને સૌન્દર્યનું પરિણામ આનંદ. ઉપયોગ અને જ્ઞાનમાં કલાના અંશો હોય છે, અને કલામાં ઉપયોગ અને જ્ઞાનનાં તત્ત્વો સમાયેલાં છે. તથાપિ પૃથક્કરણથી વધારે સમજુતી થવાનો સંભવ હોવાથી જે વિભાગમાં જે તત્ત્વ આગળ પડતું હોય તેને તે નામે ઓળખવાનો અત્રે પ્રયત્ન થયો છે.

ત્યારે આદર્શ ગામમાં સૌન્દર્ય કયે કયે સ્વરૂપે વ્યક્ત થવું જોઈએ તે આપણે વિચારી લઈએ.

બગીચો
(૧) આદર્શ ગામમાં એકાદ બગીચો હોય. બગીચા માટે ગામડામાં સ્થળ શોધવાની બહુ મુસીબત પડે એમ નથી. શાળા, પુસ્તકાલય, ધર્મશાળા કે ચોરાની આસપાસની મોટી જમીન એક નાનકડા બગીચા માટે ઉપયોગમાં આવી જશે. ગ્રામના નિત્ય શૃંગારમાં આ બગીચાને

ગણાવી શકાય. તથાપિ તેનું મહત્વ વિચારતાં તેને આમ જુદા ક્રમ આપ્યા છે.

ઉત્સવ
(૨) ઉત્સવો પણ આપણા જીવનના આનંદવિભાગમાં આવી જાય, જે ગામ ઉત્સવ ન કરી શકે તેને આદર્શ ગણાવાનો અધિકાર નથી. આપણા જૂના જીવનમાં ઋતુઋતુના જાહેર ઉત્સવ ઉજવાય છે. આજની પરિસ્થિતિને અનુસરી આપણા ઉત્સવને આપણે સજીવન કરીશું તો જ ગામડાનું જીવન રસભર્યું અને જીવવા યોગ્ય થશે.

ઉત્સવોની ઉજવણી અનેક રીતે થઈ શકે એમ છે. દષ્ટાંત તરીકેઃ

(૧) શાળાનો ઇનામસમારંભ,
(ર) વ્યાયામસંમેલનો અને શરતો,
(૩) સમૂહસંગીત – પ્રભાતફેરી, પ્રાર્થના તથા ગરબા, રાસ વગેરે
સ્વરૂપમાં,
(૪) પ્રદર્શન,
(૫) નાટક,
(૬) ઊજાણી,
(૭) પર્યટન,
(૮) કથાવાર્તા,
(૯) મેળા તથા બજાર, જેમાં આનંદ જેટલું જ ઉપયોગનું તત્ત્વ રહેલું છે.

ગૃહશૃંગાર
(૩) આંખને ગમે એવી ચોખ્ખાઈ અને વ્યવસ્થાથી ઘરવખરી ગોઠવવાની કળા આપણે ત્યાં લુપ્ત થતી જાય છે. ઘર ગોઠવવા માટે બહુ વસ્તુઓની જરૂર નથી. એક ઝૂંપડી પણ કલાકારને હાથે મહેલ કરતાં વધારે ઝાકઝમાળ બનાવી શકાય. લગ્નપ્રસંગનાં ગણેશકોબાં, નાગપંચમીનાં નાગચિત્ર, નવરાત્રીના કુંભજ્વારાની સ્થાપના, અને દીવાળીનાં કોડિયાં, એ આપણાં બિનખર્ચાળ કલાચિત્રો આજના યુગને અનુસરતાં બનાવી શકાય એમ છે.
આંગણાનો શૃંગાર
(૪) આંગણાનું સ્થળ એવું છે કે જ્યાં ઘરમાલિકની વ્યક્તિગત મમતા અને તેનું ગ્રામજન તરીકેનું સાર્વજનિક અભિમાન ભેગું મળે છે. બે ઘડા પાણી છાંટી, આંગણામાં એક સાથીઓ કે ચાર છીપાં પાડવાં એમાં ઉદ્યોગી ગૃહપત્નીને જરા ય વસમું નહિ લાગે.
ગ્રામશૃંગાર
પ્રસંગવશાત, ખાસ કરીને ઉત્સવોને ટાંકણે, શેરીઓ, ચોક, ખડકીઓ, પ્રવેશસ્થાનો કેળના થાંભલા, ખજુરીનાં ડાળાં, આંબા કે આસોપાલવનાં તોરણો વગેરેની ગોઠવણીથી એવાં સુંદર રીતે શણગારી શકાય છે કે શહેરોના ઉત્સવમાં પણ તેમનું અનુકરણ કરવું પડે છે. આવા ગ્રામશૃંગારને આપણે પ્રાસંગિક ગણીશું. તથાપિ બગીચા ઉપરાંત કેટલાંક નિત્યશૃંગારનાં પણ સાધનો હોઈ શકે. એમાં વૃક્ષારોપણ, ચોતરા, બેઠકો વગેરેનો સમાવેશ થાય, જેને આશ્રયે લોકો શાંતિ, આરામ અને આનંદ મેળવી શકે.
સૌન્દર્ય તત્ત્વો
આદર્શ ગામમાં ઉપર કહ્યાં તેવાં સૌન્દર્યતત્ત્વો હોવાં જ જોઇએ. એ બધાં ય શક્ય છે. શક્ય ન હોય તો ‘શક્ય’ બનાવવાં જોઈએ. રેડિયો, સિનેમા જેવાં આનંદનાં સાધનો, ટેનિસ બિલિયર્ડ જેવી રમતોની કલ્પના ગામડાને અંગે કરવાની હજી વાર છે. એટલે તે બાજુએ રાખી ઉપર કહેલા આનંદ–અંશો આદર્શ ગામમાં વિકસાવી શકાય એમ માનીશું તો પણ ઘણું છે.

આદર્શ ગામની આદર્શતાનો આપણે એક સામટો વિચાર કરી જઈએ. જીવનના ત્રણ અંશો એ જ ગ્રામજીવનના પણ અશોઃ ૧ ઉપયોગ, ૨ જ્ઞાન, ૩ રસ-સૌન્દર્ય—આનંદ. આદર્શ ગામમાં એ ત્રણે અંશો તેના વિભાગોસહ ખીલવવા જોઈએ.

મુશ્કેલ છતાં શક્ય
આ કામ ઘણું મુશ્કેલ છે. એક એક અંગ જીવનભરની સેવા માગે તો ય તે ઓછી પડે એમ છે. છતાં આદર્શ સેવકો, આદર્શ નેતાઓ માટે એ મુશ્કેલ કહેવાય નહિ. દૃઢ નિશ્ચયથી કામ કરનાર ગ્રામસેવક ત્રણ વર્ષ કે પાંચ વર્ષમાં પોતાના ગામને જરૂર આદર્શરૂપ બનાવી શકે એમ છે. ઘણી વસ્તુઓ તો ગામમાં હોય છે જ. માત્ર તેમને ગોઠવવાની સાફ કરવાની જ જરૂર છે.
ગામડું એ દેશનો
આયનો
તો હવે આદર્શ ગામને આપણે કેવી રીતે ઓળખીશું ? નીચે આપેલા નકશાને બંધબેસતું જે આવે તેને જ આદર્શ ગામ કહી શકાય. એમાંનું જે અંગ ન હોય તે ખીલવવું એમાં ખરી જનસેવા અને દેશસેવા રહેલી છે. ગામડું એ દેશનો આયનો છે. દેશની ખરી છબી જોવી હોય તો તેનાં ગામડાં તરફ નજર કરવી. જેટલે અંશે ગામડું આદર્શરૂપ દેખાય તેટલે અંશે દેશ આદર્શરૂપ બનતો જાય છે, એમ માનવું જોઇએ. પશ્ચિમનાં ગામડાં સમૃદ્ધિ અને સાધનોથી ભરેલાં છે. આપણે વિચાર કરીએ કે આપણા દેશનાં લાખ ગામડાંમાંથી કેટલાં ગામડાં પાછળ આપેલા ચોકઠામાં બેસાડી શકાશે.

આદર્શ સિદ્ધિ
કોષ્ટકમાં આપેલી વિગતોમાં ઘણું રહી ગયેલું લાગશે, વર્ગીકરણ ભૂલભરેલું લાગશે; છતાં આમાંનું એકાદ અંગ પણ સફળ કરવાનું જેને સદ્‌ભાગ્ય મળે તેનું જીવન સફળ થયું કહેવાશે. બધાં જ અંગ વિકસાવનારની ધન્યજિંદગી માટે કહેવું જ શું ?
ગ્રામોન્નતિ
આર્થિકસામાજિક
આદર્શ ગામ
વ્યવહાર
અંગ
સૌંદર્ય અંગ-
રસ અંગ-
આનંદ અંગ
ઉપયોગ
અંગ
જ્ઞાન
અંગ
સ્વચ્છ
રહેઠણ
સારા
રસ્તા
પીવાનાં
પાણી-
સાધન
તળાવકાંસપુશ્તાખાડાનો
અભાવ
દીવા
બત્તી
ધર્મ
શાળા
ચૉરો-
સભાગૃહ
ચોગાનશાળાપુસ્તકાલયવાચનલયદવાખાનુંઅખાડોપંચાયતસહકારી
મંડળી
કૂવાહવાડાઓવારાખડીયાટસામાન્યરાત્રિશાળાગ્રામજીવન
સુધારવા
માટે સમિતિઓ
સુધારાની
ચર્ચા માટે
શિક્ષણ વર્ગ
ઘરઆંગણુંવાડાકૉઢપ્રગતિની નોંધ
શારીરિક
આર્થિક
તેમજ
સામાજિક
અવલોકન
જરૂરિયાતોની
નોંધ
યોજનાબદ્ધ
કાર્યક્રમ
બગીચોઉત્સવગૃહશૃંગારઆંગણાંનો શૃંગારગ્રામ શૃંગાર
શાળા સમારંભવ્યાયામ સંમેલનસમૂહ સંગીતપ્રદર્શનનાટકસંવાદઉજાણીપર્યટનકથાવાર્તાબજારમેળાપ્રાસંગિકનિત્ય
પ્રભાતફેરીસાયંફેરીભજનપ્રાર્થનાગરબારાસવૃક્ષારોપણચોતરોબેઠકવિસામા