લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/આરોગ્યરક્ષણ અને જીવજંતુ

વિકિસ્રોતમાંથી
← ૨૦ શેરી અને ગામ ગ્રામોન્નતિ
આરોગ્યરક્ષણ અને જીવજંતુ
રમણલાલ દેસાઈ
૨૨ રોગનિવારણ →


.





૨૧
આરોગ્યરક્ષણ અને જીવજંતુ
રોગ ન થાય એવી
સાવચેતી
સ્વચ્છતા એ આરોગ્યરક્ષણનો મૂળભૂત પાયો છે. એ આપણી ઉન્નતિનું આવશ્યક ચિહ્ન પણ છે. ગ્રામજનતાની વ્યક્તિથી માંડી એ સ્વચ્છતા આખા ગામ ઉપર પથરાવી જોઈએ. સ્વચ્છતામાંથી આપણે આપોઆ૫ નિરોગી રહેવાના માર્ગે ચઢી શકીએ છીએ. રોગ મટાડવાના ઇલાજ તો કરવા જ જોઈએ. પરંતુ વધારે સારો માર્ગ તો એ જ કે રોગ થાય જ નહિ એવી સાવચેતીભરી સ્થિતિ ઊભી કરવી. ઘણાં દર્દ મટી શકે એવાં હોય છે, અને ઘણાં દર્દ તો થવાં જ ન જોઈએ. થવાં ન જોઈએ એવાં દર્દો આપણા ગ્રામજીવનને નિર્જીવ બનાવતાં હોય તો એમાં આપણો જ દોષ ગણાય.
સાવચેતીનું માપ
ગ્રામજીવનની સ્વચ્છતાનું માપ આપણે સમજી લઈએ. સ્વચ્છતાને ધૂળ ન ગમે; સ્વચ્છતામાં દુર્વાસને સ્થાન ન હોય; સ્વચ્છતાને જીવજંતુનો ઉપદ્રવ ન ખપે. ધૂળ અને દુર્વાસ ઉપરાંત આપણાં ગામડાંમાં જંતુઓનો કેટલો ઉપદ્રવ હોય છે એ આપણે સહુ જાણીએ છીએ. શિયાળામાં મચ્છર, ઉનાળામાં માખી અને ચોમાસામાં મચ્છરમાખી ઉપરાંત અનેકાનેક જંતુઓની પરંપરા ! આ ગામડાનો નિત્ય અનુભવ, સ્વચ્છતામાં આવાં જીવજંતુની શક્યતા હોઈ શકે જ નહિ.

માખી અને મચ્છર
આપણી સુઘડતાને માખી ન ગમે એટલો જ વાંધો હોત તો આપણે ગ્રામજીવનમાં માખીઓને ચલાવી લેત. પરંતુ આપણી આંખને ન ગમતી ઘણી વસ્તુઓ ખરેખર આપણા આરોગ્યને હાનિકારક હોય છે. માખી આપણી આંખને નથી ગમતી એટલું જ નહિ. એ જંતુની ઉત્પત્તિ ગંદકીમાં હોય છે, અને એ જ્યાં બેસે છે ત્યાં ટાઈફૉડ-વિષમજ્વર, કૉલેરા અને આંતરડાના અનેક રોગને ઉપજાવતાં જંતુઓની સ્થાપના કરે છે. મચ્છર અને મેલેરિયાને ગાઢ સંબંધ સિદ્ધ થઈ ચૂક્યો છે અને હવે તો ગામડાં પણ એટલું જાણતાં થયાં છે કે મચ્છરને લીધે જ મેલેરિયા-ટાઢીઓ તાવ આખા હિંદભરમાં ફેલાય છે–પછી ભલે એ વાતને ખરી ન માનતાં તેઓ તેને હસી કાઢે. ગ્રામજનતાનો–ખેડૂતોનો મેલેરિયા તો કટ્ટો દુશ્મન છે. રોગથી બચવું હોય, રોગ સામે સાવચેતી રાખવી હોય, રોગની શક્યતા જ નિમ્ન કરવી હોય તો માખી અને મચ્છર જેવા રોગવાહકોની ઉત્પત્તિ જ ન થવા દેવી.

ગ્રામજનતાને માખી તથા મચ્છરનો રોગ કે તાવના ઉપદ્રવ સાથેનો સંબંધ પૂરો સમજાતો નથી. પરંતુ એ તો શાસ્ત્રીય રીતે સાબિત થઈ ચૂક્યું છે. માખી તથા મચ્છર અનેક ન થવા પાત્ર રોગનો ફેલાવો કરનાર ખેપિયા છે. ગંદી કહોડ, ઉકરડા, અજીઠવાડ તથા કહોવાણ એ માખીઓની ઉત્પત્તિ તથા વૃદ્ધિનાં પોષક છે. પાણીની નીક, ખાબોચિયાં, ખાડા, બંધિયાર પાણી, કાદવ કીચડ એ સર્વ મચ્છરનાં પોષક સ્થાન છે. એ માખી તથા મચ્છરનાં ઉત્પત્તિ સ્થાન ઉપર આપણે નજર રાખીએ તો ઘણા ઘણા રોગમાંથી આપણે બચી શકીએ.

ગ્રામજીવનની ઉન્નતિની ખરી કસોટી કાઢવી હોય તો એક સ્પષ્ટ

ચલાવી લેવાની ટેવ
માર્ગ છે. ગામડામાં માખી છે ? મચ્છર છે ? એ પ્રશ્નોના ઉત્તર નકારમાં આવે તો જાણવું કે ગામડું ખરેખર ઉન્નતિને શિખરે સ્થિત થયું છે. માખી મચ્છરને ચલાવી લેવાનું નિર્માલ્ય માનસ જ્યાં સુધી ગ્રામજનતા ધરાવશે ત્યાં સુધી તે એક ડગલું પણ આગળ વધી શકશે નહિ. ગામડામાં માખી તો હોય ! ગામડાંમાં મચ્છર ન હોય એ કેમ બને ! અમુક ગંદકી તો આપણે ચલાવી જ લેવી જોઈએ ! આવું આપણું માનસ થઈ પડેલું છે. ચલાવી લેવાની પાછળ જો ખરેખર સેવાભાવ રહેલો હોય તો તે ઈચ્છવા જોગ છે, અને સેવા અર્થે નીકળેલા કંઈક સેવાભાવીઓએ ગામડાંની મુશ્કેલીઓ પોતાની જાત પૂરતી ચલાવી લેવી પડશે. પરંતુ એનો અર્થ એમ નથી કે ગ્રામસેવકોએ જે ચલાવી લેવું જોઈએ તે ગ્રામજનતાને પણ ચલાવી લેવા દેવું જોઇએ. એટલે ગામડામાંથી માખી અને મચ્છર સમૂળ અદૃશ્ય થાય એમ કરવાની સહુની ફરજ થઈ પડે છે. ચોખ્ખાઈ વિષે આગ્રહ રાખવાની ટેવ આપણે યુરોપિયન પાસેથી ખરેખર શીખવી જોઈએ. યુરોપિયનો સહરાના રણમાં, હિમાલયના બરફમાં અને બ્રાઝિલનાં જંગલમાં પણ જાય છે, અને આપણે કલ્પી ન શકીએ એવાં દેહકષ્ટ સહન પણ કરે છે. છતાં મુસાફરીના મુખ્ય ધ્યેયની સાથે બીજુ એક ધ્યેય તો એ સદા યે રાખે છે કે જેથી તેઓ રહેવામાં અને જમવાખાવામાં તેમણે નક્કી કરેલી સ્વચ્છતાની કક્ષા તો મેળવી જ લે છે. આપણે પણ ઈચ્છીએ તો ગામડાંને માખી અને મચ્છર વગરનાં બનાવી શકીએ.
માખી અને મચ્છર
રહિત ગ્રામનિવાસ
ઘરની ગંદકી, ગામની ગંદકી અને સાથે સાથે ગામની હદમાં આવેલી સીમની ગંદકી દૂર કરીએ તો વર્ષે બે વર્ષે નિદાન દસવર્ષે તો આપણી ગ્રામજનતા માખી અને મચ્છર વગરની

બની નાની નાની અગવડોમાંથી મુક્ત થવા ઉપરાંત કૉલેરા અને મેલેરિયા જેવા મહા રોગોમાંથી પણ મુકિત મેળવી શકે.

નાની નાની બાબતો-
નાં ભયંકર પરિણામ
આપણે જોઈએ છીએ કે કેરીનો ચૂસેલો ગોટલો પડેલો હોય ત્યાં માખી ભેગી થાય છે. મલોત્સર્ગને સ્થાને માખીઓ ભેગી થઈ જાય છે. સહેજસાજ ગંદકી હોય ત્યાં માખીઓ ભેગી થઈ જાય છે. અને આમ નાની મોટી ગંદકીઓમાંથી તે આપણા ઉપર અને આપણા ખોરાક ઉપર બેસી અનેક રોગજંતુઓને આપણા દેહમાં દાખલ કરી દે છે.

પાણીનું કૂંડું બે દિવસ એમનું એમ પડી રહે તો એમાં મચ્છર પેદા થાય. પાણીનું ખાબોચિયું ઉલેચાયા વગરનું રહે તો તેમાંથી મચ્છર પેદા થાય. ખાડામાં પાણી અને કાદવ ભરાઈ રહે તો તેમાંથી મચ્છરની ઉત્પત્તિ. અને આવાં મચ્છરનાં ઉત્પત્તિસ્થાનો આપણા ઘર આગળ, આપણી શેરીમાં, આપણી ભાગોળે અને સીમમાં જોઈએ એટલાં હોય છે.

વળી એક ગામના મચ્છર લાંબે સુધી પહોંચી શકે છે. મચ્છર માખીની ઉત્પત્તિ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે તેમનાં મૂળને ન અટકાવીએ તો તેમની વૃદ્ધિને અટકાવવી અશક્ય થઈ પડે એમ છે. અને જ્યાં સુધી માખી અને મચ્છરની ઉત્પત્તિ આપણે અટકાવી શકીશું નહિ ત્યાં સુધી ગ્રામજનતાના અનેકાનેક રોગને પણ આપણે અટકાવી શકીશું નહિ.

હિંદુસ્તાનનાં શહેરોમાં મચ્છર અને માખીનો ઉપદ્રવ ઘણો જ હોય છે. અડધો ઉનાળો અને પોણા ભાગનું ચોમાસું તો શહેર અને ગામડાં માખીમચ્છરમય બની જાય છે. માખીમય વાતાવરણમાં જમવા બેસવું એ પાપ બની જાય છે અને છતાં આખું હિંદ એ પાપમય વાતાવરણમાં પવિત્ર ગણાતું ભોજનકાર્ય કર્યે જ જાય છે. એ પાપકાર્યનો બદલો આપણને રોગના રૂપમાં મળે તેમાં શું આશ્ચર્ય !

જંતુ ઉપદ્રવ દૂર કર-
વાનાં સાધનો
હિંદને પશ્ચિમની ખર્ચાળ યોજનાઓ ભાગ્યે જ કામ લાગે. માખી તથા મચ્છરથી બચવા માટે ફ્લાય–પેપર, જાળીવાળાં બારણાં, મચ્છરદાની, ફ્લીટ, પાઉડર, ખાડાઓમાં તેલનું છાંટણ વગેરે યોજનાઓ કરવામાં આવે છે. મોટા પ્રમાણમાં ગ્રામજનતાને આ બધું મળી શકે એમ હોય તો તે ઈચ્છવા જોગ છે. પરંતુ બે ટંક ખાવાનું પૂરું ન પામતી ગ્રામજનતા આની પાછળ કંઈ પણ પૈસા ખર્ચે એ માનવું અશક્ય છે. રાજ્યો, પંચાયતો, ધાર્મિક વૃત્તિવાળા ધનિકો અને સેવા સંસ્થાઓ કંઈ અંશે થોડા વિસ્તારમાં આવાં કાર્યો ઉપાડી શકે. પરંતુ આ પ્રશ્ન તો સમસ્ત હિંદનો છે. હિંદનાં સાત લાખ ગામડાંનો છે. તેને માટે બધે જ ખર્ચાળ યોજના ન થઈ શકે. પણ એક કાર્ય તો થઈ શકે તે એ જ કે ગંદકી પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય એવી સુઘડતા કેળવવી, અંગત ટેવો સુધારવા ઉપર ભાર દેવો અને સાદામાં સાદી રીતે ગંદકી દૂર કરવાના ઈલાજો યોજવા. ગંદકી દૂર કરવાના સાદામાં સાદા ઇલાજ આપણને ચોખ્ખી માટી, ચોખ્ખી ધૂળ અને અગ્નિ તથા સૂર્યના તાપમાંથી મળી રહે એમ છે. ઘણી ગંદકી તો ધૂળ માટી અને રાખોડી પૂરતા પ્રમાણમાં વાપરવાથી અદૃશ્ય થશે. ગંદાં પાણી અને ખાબોચિયાં ઉલેચી નાખવાથી ઘણી ગંદકી તડકો દૂર કરી દેશે, અને નિરર્થક પડેલાં કાદવનાં ખાબોચિયાં તો ગામ લોકોએ ભેગા મળી સીમમાં ફરી પૂરી નાખવાં જોઈએ.
આરોગ્યનાં ભયસ્થાનો
માખી અને મચ્છર એ બન્ને ગ્રામઆરોગ્યનાં ભયસ્થાનો છે. રોગ થાય જ નહિ એમ કરવું હોય તો આ બને જંતુઓને સમૂળ અદૃશ્ય કરવાં.

તેમને અદૃશ્ય કરવાને માટે પશ્ચિમમાં તો લાખ્ખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. પનામાની સંયોગીભૂમિને ખાદી તેમાંથી સામુદ્રધુની બનાવી એ આપણી નજર આગળની વાત છે. એ ખોદતી વખતે દરિયાના મચ્છરમાખી જેવા જંતુઓએ અવર્ણનીય ત્રાસ આપેલો. માખીના સ્પર્શથી અને મચ્છરના ડંખથી લાખો મજૂરો માંદા પડતા અને મરી જતા. આગ્રહી, વિજયી માનસવાળી પશ્ચિમની પ્રજાએ એ અમાનુષી જંતુદુશ્મનીનો સામનો કર્યો અને તેમણે વિજય મેળવ્યો. આજ પનામાની નહેરમાં થઈને વહાણો જાય છે. એ જ સ્થળ જ્યારે જમીન હતું ત્યારે મચ્છર અને માખી માનવીને ઊભા પણ રહેવા દેતાં ન હતાં. રાખોડી, માટી, ધૂણી અને અગ્નિ એટલી જ વસ્તુઓ જો આપણને શાસ્ત્રીય ઢબે વાપરતાં આવડે તો આપણે ગ્રામજનતામાંથી માખી અને મચ્છરને દૂર કરી શકીએ. અલબત, એની સાથે આપણા હાથ, પાવડા, કોદાળા અને સાવરણા તો સાબીત રહેવા જોઈએ.

અન્ય જંતુઓ
માખી અને મચ્છરની સાથે જ, જુવા અને ચાંચડનો પણ વિચાર કરવા જેવો છે. જેથી વિષમજ્વર-ટાઇફોડ-નો ફેલાવો થાય છે અને ચાંચડના કૂદકા સાથે પ્લેગ-ગ્રંથિકજ્વર પણ આપણા ગ્રામજનોને મોતના મુખમાં ધકેલી દે છે. પ્લેગ વખતે ઉંદરોનો નાશ કરવા ઘોષણા જાગે છે અને સંખ્યાબંધ ઉંદરોને પકડી બાળી નાખવાની એક મહા ક્રૂર પ્રથા શરૂ થાય છે. તેનું કારણ એટલું જ કે ઉંદરનો દેહ પ્લેગનાં જંતુઓને ફેલાવતા ચાંચડનું નિવાસસ્થાન છે. ઉંદર ખેતીના પાકનું તો ભયંકર નુકસાન કરે છે જ, પરંતુ માખી અને મચ્છરની સાથે મેળ સાધી ચાંચડ દ્વારા ગ્રામજીવનનાં આરોગ્યને હણે છે એ ભૂલવા સરખું નથી.

જંતુવિનાશ
આરોગ્યવિરોધી જંતુઓને અગર પ્રાણીઓને અને ખાસ કરીને ઉંદરોને જીવતા બાળી મૂકવામાં આવે છે તે ખરેખર ક્રૂરતાભર્યું, અણઘડ અને માણસાઈને ન શોભે એવું તો હોય છે જ. પરંતુ આ જંતુઓને ઉત્પન્ન જ ન થવા દેવાની કાંઈ યોજના આપણને જડી ના આવે અગર તેમનું રોગવાહકપણું અદૃશ્ય ન થાય ત્યાં સુધી આ અણઘડ પ્રકાર ચાલુ રહેવાનો સંભવ છે. માનવજાતની સાથે અન્ય પ્રાણીસૃષ્ટિનો સમન્વય હજી થઈ શક્યો નથી —અરે માણસ માણસ વચ્ચે પણ હજી સમન્વય ક્યાં થઈ શકે છે ? રોગવાહક પ્રાણીઓને અને જંતુઓને જીવતા બાળી દેવાની ક્રૂરતા અસહ્ય હોય તો સ્વછતાનો અતિ આગ્રહ રાખવો પડશે.
સાદા ઇલાજો
આમ રોગ ન થાય માટેની સાવચેતી સ્વચ્છતા, શુદ્ધ હવા, પ્રકાશ, પૂરતું પાણી, જંતુઓના ઉપદ્રવનો અટકાવ અને ખાસ કરીને માખી તથા મચ્છર જેવા પ્રાણીઓની ઉત્પત્તિને નિર્મૂળ કરવાની શક્યતા માગી લે છે. મચ્છરનાં ઉત્પત્તિસ્થાનોનાં પૂરાણ કરવા ઉપરાંત લીમડાના પાનની ધૂણી અને મચ્છરદાનીનો ઉપયોગ મેલેરિયા સરખા રોગને અટકાવવા જરૂરનો છે.

જો કે ગ્રામજનતા મચ્છરદાની વાપરી શકે એવી સધન છે કે કેમ એ શંકાસ્પદ છે. છતાં યે જ્યાં બની શકે એમ હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ ખરેખર રોગપ્રતિબંધનું એક મહત્ત્વનું સાધન બની શકશે. હાથે કામ કરનારને તો આ કામમાં હરકત આવે જ નહિ.

અને માખી માટે ? અતિ સ્વચ્છતા સિવાય બીજો ઈલાજ ઉપયોગમાં આવે એમ લાગતું નથી. નિદાન રસોડામાં અને જમવાના સ્થળે લોખંડી જાળીઓ ગામડામાં ન બની શકે તો છેવટે કપડાના કે બરૂ અગર રાડાના ઝીણી ગૂંથણીવાળા પડદાની શક્યતાનો કોઈ પ્રયોગ કરી જોશે ? જંતુઓનો ત્રાસ ઘટાડવા માટે આપણે ત્યાં ચાલતી કેટલીક જૂની પ્રથાનો પણ અભ્યાસ અને ઉપયોગ કરવા જેવો છે. હોમ– હવન દ્વારા ગામડાંને સ્વછતા આપી શકાતી. પરંતુ ધર્મ તરફની શ્રદ્ધા ઘટી ગઈ છે, અને ધર્મ તથા આરોગ્યને ભેળવવાના એ જૂના પ્રયત્નો અંધશ્રદ્ધાનો બીજો રોગ ઊભો કરે છે. લીમડાની ધૂણીથી મચ્છર અને અડાયાંની ધૂણીથી માખી દૂર થાય છે એ તો આજ પણ અનુભવી શકાય એમ છે. વળી કુમારપાઠાંના રોપ, તુલસી, ડમરો જેવા તીવ્ર વાસવાળા છોડ પણ મચ્છરની ઉત્પત્તિ પર અંકુશરૂ રૂ૫ ગણાય છે એ ભૂલવા સરખું નથી.

રોગ સામે સાવચેતી રાખવા એકી વખતે વિચાર કરવા માટે નીચેની રચના ઉપયોગી થઈ પડશે :—

સાવચેતી
સ્વચ્છતાજંતુવિનાશવ્યાયામખોરાક
પાણીની વિપુલતા
ખાડા–
ખાબોચિયાંનું
પૂરાણ
તેલ–ફિનાઈલ–
ક્રુડ ઓઇલ–
ઘાસલેટ–, ફ્લીટ–
અજમાનું તેલ
વગેરેનો ઉપયોગ
હવા વિશુદ્ધિજાળી–
મચ્છરદાનીનો
ઉપયોગ
કુમારપાઠું,તુળસી,
ડમરોવગેરે તીવ્ર
વાસવાળા છોડ
ધૂપહોમ–હવનલીમડાની કે
આડાયાંની ધૂણી
ઘર–
ધોળામણી