ગ્રામોન્નતિ/ખેતી—સુધારણા

વિકિસ્રોતમાંથી
← ૩ ગામડું અને ઉન્નતિપ્રકાર ગ્રામોન્નતિ
ખેતી—સુધારણા
રમણલાલ દેસાઈ
૫ પશુ–સુધારણા →






ખેતી – સુધારણા
ખેતી ઉત્તમ ખરી ?
ગામડાંની આર્થિક ઉન્નતિનો મૂળ પાયો ખેતી સુધારણામાં રહ્યો છે. ખેતી ઉપર જ હિંદુસ્તાનનો આધાર છે. ખેતી એ હિંદનો મોટામાં મોટો ધંધો છે. હિંદની એંશી ટકા વસ્તી ખેતીને આધારે જીવે છે. એ ખેડૂતને એક વાચનમાળામાં જગતનો તાત કહ્યો છે તે હિંદ માટે તો તદ્દન ખરું છે. એ ખેતી અત્યારે દરિદ્ર ધંધા તરીકે ગણાતી જાય છે. ભણેલી પ્રજાનું લક્ષ ખેતીમાં જરા પણ ચોંટતું નથી. જેનામાં અક્કલ, આવડત અને હોશિયારી હોય તે ખેતીના ધંધામાં રહે જ નહિ એવી સામાન્ય માન્યતા થઈ પડી છે. ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ ચાકરી એ કહેવત આજે નિર્જીવ બની ગઈ છે, પલટાઈને ઊલટસૂલટ બની ગઈ છે અને ગામડાનું બુદ્ધિસત્ત્વ કનિષ્ઠ ચાકરીની લાલચમાં પડી ગ્રામજીવનને—જીવનઆધાર ખેતીને દરિદ્ર બનાવી રહ્યું છે.
ભણેલાઓની
નિષ્ફળતા

કેટલા ભણેલાઓ ખેતી કરે છે ? ખેતીવાડીની કૉલેજમાં શિક્ષણ લઈ પસાર થયેલા ગ્રૅજ્યુએટોમાંથી કેટલાએ ખેતી સુધારણાના સ્વતંત્ર પ્રયોગો કર્યા ? ખેતીવાડીનું શિક્ષણ લીધા છતાં ખેતીથી દૂર રહી સરકારી તથા ખાનગી નોકરીઓ કરનાર શિક્ષિતોએ  પોતાના શિક્ષણને દીપાવ્યું છે એમ જરા ય માની શકાતું નથી. ખેતી સુધારણા માટે સરકારે કાઢેલાં ખેતીવાડી ખાતાંમાં નોકરી સ્વીકારી લીધાથી ખેતીની ઉન્નતિ જરા પણ થઈ શકે એમ નથી. ખેતીને બોધની જરૂર નથી; બુદ્ધિની જરૂર છે, પ્રયોગની જરૂર છે, કલ્પનાની જરૂર છે. ભણેલી પ્રજા ખેતીથી નાસતી ફરશે તો ખેતી દુર્બળ જ રહેશે. બુદ્ધિમાનો ખેડૂતોને માત્ર બોધ કરવામાં કર્તવ્યસમાપ્તિ અનુભવશે તો ખેતીમાં કશો જ સાર રહેશે નહિ. ભણતર–નવીન ભણતરને માથે અનેક આરોપ આવેલા છે અને તે મોટે ભાગે ખરા છે. નવીન ભણતરે હિંદવાસીને સુંવાળો બનાવી દીધો છે, શૉખીન બનાવ્યો છે, સાહસરહિત કરી નાખ્યો છે, અને શ્રમજીવનનો કાયર બનાવ્યો છે. એને પરિણામે રાજ્યનો આશ્રય ખૉળી માસિક વેતનની સ્થિરતા અને અમલદારીની તુમાખી અનુભવતો ભણેલો હિંદી જેમ રાજકીય પરાધીનતા વધારતો જાય છે તેમ આર્થિક પરાધીનતા પણ તે વધારતો જાય છે. ભૂમિમાતાને પ્રસન્ન કરતો તપશ્ચર્યા ભૂલી તે સરકાર માબાપનાં બારણાં ઠોકતો ભિક્ષુક બની ગયો છે. ભણેલી અને બુદ્ધિમાન જનતાએ ભૂમિ-અભિમુખ થવાની પહેલી જરૂર છે. તે સિવાય ખેતીસુધારણા અશક્ય છે, એટલું જ નહિ પણ ગામડાંની આર્થિક ઉન્નતિનાં બીજા અંગો પણ નિષ્ફળ જ રહે એમ છે. એથી ખેતીસુધારણાનું પ્રથમ પગલું તો એ જ છે કે બુદ્ધિમાન શિક્ષિત જનતાને ખેતીના સંસર્ગમાં સતત રાખવી.

સુધારણાના ઈલાજ

ખેતી સુધારણાના વ્યવહારુ પ્રશ્નને આપણે બે વિભાગમાં વહેંચી નાખ્યો છે : ૧ જમીન–સુધારણા અને ૨ પશુ–સુધારણા. પ્રત્યક્ષ ખેતી કરતી પ્રજા આપણે માનતા હોઈએ એવી બુદ્ધિવિહીન નથી. વ્યાવહારિક જ્ઞાન આપણી કહેવતોમાં ગુંથાઈ ગયું છે એનો દાખલો ખેતીસુધારણાના પૂર્વ કાળથી જાણીતા થયેલા ઇલાજોની ઉક્તિમાં આપણને જડી આવશે : ખેડ, ખાતર અને પાણી : એ ખેતીનાં સાધનો. અને આજ પણ એ ત્રણ મુખ્ય સાધનો ખેતીસુધારણાને અંગે સહુએ વિચારવાનાં રહે છે.

ખેડૂતો અને ભણેલા-
ઓનો સહકાર

જમીનની જાત, ખાતરના પ્રયોગ, પાકની વિવિધતા એ બધી વિગતમાં અત્રે ઉતરવાનું પ્રયોજન નથી જ. એ સંબંધમાં સંરક્ષક પણ પ્રયોગશીલ ખેડૂતો, અને અનુભવહીન ભૂમિવિમુખ ભણેલાઓ વચ્ચે સર્વદા મતભેદ રહે છે. ખેતીવાડી કૉલેજમાં ભણી આવેલો ગ્રૅજ્યુએટ અગર યુરોપીય ઉપરીઓના હુકમોનો અમલ કરતો અમલદાર ખેડૂતને જ્યારે ખેતીસુધારવાનો બોધ કરે છે, અને તેના સ્વાનુભવરહિત ઇલાજો બતાવે છે ત્યારે ખેડૂતને હસવું જ આવે છે. તેમ થાય એમાં નવાઇ નથી. બી. ટી. ડુ. કે કિર્લોસ્કરનાં હળ ખરેખર ખેડને સુધારશે કે કેમ ? ટ્રેક્ટરના ખેડાણથી બચતી મહેનત પાકના વધારામાં ઊગી નીકળશે કે નહિ ? પુસા ઘઉંના વાવેતરથી ગેરુ બધે જ ઘટી જશે ? અગર અમુક ખાતર નાખવાથી દોઢો પાક થશે કે નહિ ? એ બધા પ્રશ્નો ખેડખાતરને લગતા હોઇ ધીમે ધીમે ખેતી કરતી પ્રજામાં વિચારાતા જાય છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને રશિયામાં મબલખ અનાજ શાસ્ત્રીય ઢબની ખેતીથી ઊપજે અને હિંદુસ્તાનમાં શાસ્ત્રીય ઢબના પ્રયત્નો નિષ્ફળ નીવડે એમાં જેટલા ખેડૂતના સંરક્ષકપણાનો દોષ છે એટલો જ–કદાચ એથી પણ વધારે દોષ શાસ્ત્રીય ઢબની ખેતીનો માત્ર બોધ કરી મોટાઈ લેનારા નોકરિયાત ભણેલાઓનો છે.



યાંત્રિક શોધનો
ઉપયોગ
એટલું તો ચોક્કસ કે આપણી ખેડ કરવાની જૂની પદ્ધતિમાં અનેક સુધારાનો અવકાશ છે; વરાળ, વીજળી કે બીજી યાંત્રિક શોધખોળનો દેશ કાળને અનુરૂપ લાભ લીધા વગર આપણે કૃષિમાં પછાત પડતા જઈએ છીએ. ખાતર વિષે પણ આપણા વિજ્ઞાનવિદોએ હજી ઘણું કરવાનું છે. ગુજરાતમાં કાચું સોનું પાકે છે એ જૂની વદંતાને ખરી કરી બતાવવાની છે. કચરો, હાડકાં અને તદ્દન નાખી દેવા જેવી ચીજોમાંથી ઉત્તમ ખાતર તૈયાર થાય છે. એ ખાતર બનાવવામાં, રાખવામાં અને વાપરવામાં ઘણી આવડત અને કુનેહ જરૂરનાં છે. નિરર્થક ગણાતી વસ્તુઓ આપણા પાકનું જીવન બની જાય છે એ જેટલું વહેલું સમજાય તેટલું સારું.
વરસાદ

પાણી એ ખેતી સુધારણાનું ત્રીજું અતિ મહત્ત્વનું અંગ છે. કુદરતી પાણીનું સાધન વરસાદમાંથી મળી રહે છે, પરંતુ તેનું અનિશ્ચિતપણું એટલું બધું છે કે એ વરસાદ સાથે બીજાં સાધનોની પણ ખરી જરૂર ઉપસ્થિત થાય છે. માત્ર વરસાદ ઉપર આધાર રાખી બેસનારની ખેતી ભાગ્યે સફળ થાય છે. એવી કુદરત ઉપર આધાર રાખનારી વૃત્તિને આપણી અર્થસૂચક ભાષામાં ‘આકાશ વૃત્તિ’ કહીએ છીએ એ વાસ્તવિક છે. ખેતીમાં ‘આકાશ વૃત્તિ’ સફળ થાય નહિ.

પાણીનાં સાધનો

એટલે પાણીનાં સાધનોની વિપુલતા એ ખેતીનું અતિ મહત્ત્વનું અંગ થઈ પડે છે. સામાન્યતઃ (૧) કૂવા (૨) તળાવ અને (૩) નહેર અને (૪) નદી એ વરસાદ ઉપરાંતનાં આપણાં પાણીનાં :–ખેતીનાં સાધનો ગણાય.

કૂવા

સામાન્યતઃ ગુજરાતમાં કૂવાનું પ્રમાણ ધીમે ધીમે ઠીક વધતું જાય છે. સરકાર તરફથી મળતી તગાવી, ખેડૂતોની સારી સમજ, વચમાં વચમાં આવી જતાં ખેડૂતોને લાભકારી વરસ એ બધું મળી કૂવાની સંખ્યામાં વધારો થતો દેખાય છે.

તળાવોની દુરસ્તી

સાથે સાથે એ ભૂલવું ન જોઈએ કે આપણાં તળાવો મોટે ભાગે પૂરાતાં જાય છે. હિમાયત–ખેતી ઉપયોગી તળાવો તેમ જ ગામાત–ગામની વસ્તીને ઉપયોગી તળાવો ધીમે ધીમે છીછરાં બની રહ્યાં છે, અને જો ગુજરાતની જનતા વખતસર જાગશે નહિ તો આવતી પચીસી પછી તળાવો મોટે ભાગે દંતકથા રૂપ બની જશે એવો ભય રહે છે. નિરર્થક વહી જતા વરસાદના પાણીને ભરી રાખી આખા વર્ષ સુધી પાણીનો દુષ્કાળ ફિટાડવાનું એક મહત્ત્વનું સાધન તળાવો છે. તળાવો એ માત્ર ગામ કે સીમની શોભારૂપ નથી; તે અતિ મહત્ત્વનાં કૃષિસાધનો છે, જેમને સરકારે તેમ જ લોકોએ વિસારી મૂક્યાં છે. તળાવો દ્વારા પાણીનો સંચય થાય છે એટલું જ નહિ પણ તળાવની આસપાસની જમીનઅંદરનાં પાણી ઊંચાં આવી જમીનને કસવાળી - ભીનાશવાળી રાખે છે.

નદીઓના પાણીનો
ઉપયોગ

અને ગુજરાતમાં નહેરો તો છે જ નહિ. નર્મદા, તાપી, મહી અને સાબરમતી સરખી જબરજસ્ત પાણી વહી લાવતી નદીઓને આપણે નિરર્થક દરિયામાં ખાલી થવા દઈએ છીએ. ચોમાસાનું પૂર આસપાસની જમીનમાં કોતરો પાડી જમીનને નિરુપયોગી બનાવી દે છે એ આપણે જોઈએ છીએ. પરંતુ એ જમીનો તોડતું પાણી સ્થળે સ્થળે પાળ બંધારામાં બંધાઈ બારે માસ જમીનને લીલી રાખવાનું સામર્થ્ય ધરાવે છે એ ગુજરાત ક્યારે સમજશે ?

નહેરો

ગંગાની નહેરોએ આખા ગંગાના પ્રદેશને ફળદ્રુપ બનાવી દીધો છે. જુલમી અને અજ્ઞાન કે ધર્માન્ધ તરીકે ચિતરાતા મુસ્લીમ બાદશાહોએ નહેરોનું મહત્ત્વ વિચારી નહેરો ખોદાવી ખેડૂતોને સુખ કરી આપ્યું હતું. સિંધ અને પંજાબમાં નહેરોદ્વારા જમીનની ભારે આબાદી સાધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે—જો કે સક્કર બરાજ જેવી ખર્ચાળ યોજનાઓનો ખાડો એ રીતે પૂરાશે કે કેમ એનો ભય રહે છે. ગુજરાતમાં નહેરની બહુ જરૂર નથી એમ પણ કદાચ દલીલ થાય. નદીઓનાં ઉંડાણ બંધારા અને નહેરોને ખર્ચાળ બનાવી મૂકે છે એમ પણ કહેવાય છે. ગુજરાતના કમનસીબ રાજકીય ટુકડા મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે એ પણ ખરું હશે. છતાં એ પ્રશ્નો ઊભા થાય છે એ જ બતાવી આપે છે કે એનો ઉકેલ અત્યંત જરૂરી છે. તેની ચર્ચામાં અત્રે ન ઊતરતાં એટલું જ કહેવું બસ થશે કે ગુજરાતની મહા નદીઓનાં પાણી નિરર્થક વહી જાય છે. ખેતી, વ્યાપાર કે વીજળી માટે તેમનો ઉપયોગ કરવાનું સ્વપ્ન ખરું પાડનાર કોઈ વિશ્વેશ્વરૈયા ગુજરાતમાં શું નહિ જન્મે ?

ક્ષેત્રોના ટુકડા

ખેતીસુધારણામાં હજી બીજા અનેક પ્રશ્નો વિચારવાના રહે છે. આપણા ક્ષેત્રોના ટુકડા એટલા બધા પડી ગયા છે કે નાની નાની માલિકીની જમીનોમાંથી શ્રમના પ્રમાણમાં ઉત્પન્ન આવી શકતું નથી. હિંદુ વારસાઈના નિયમો તેમ જ આપણી સામાજિક અને આર્થિક સ્થિતિ આ નિરુત્પાદક ટુકડાઓના કારણરૂપ છે. આર્થિક વિકાસ કેટલેક અંશે આવા વિભાગીકરણને લીધે પણ અટકે છે એ ભૂલવું ન જોઈએ. એકત્ર કુટુંબની ભાવના જ્યારે જાગ્રત અને જીવંત હતી ત્યારે જમીનના ટુકડાઓ ઉપર સહજ અંકુશ રહેતો, અને કુટુંબીઓ સઘળા મળી અમુક જમીનની ખેતીમાં હિતસંબંધ ધરાવતા. તેથી એક જાતનો સહકાર્ય સિદ્ધાન્ત અમલમાં આવતો. હવે સંયુક્ત કુટુંબ વિભક્ત બનતું જાય છે એટલે જમીનો પણ ટુકડે ટુકડે વહેંચાઈ જાય છે. પરિણામ એ આવે છે કે ખેતીથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે.

જમીન એકજથે
કરવાની જરૂર
આવા ટુકડાઓના ગેરલાભ અટકાવવા જમીન એકજથે કરવાના પ્રયત્નો પણ સહકાર્યના સિદ્ધાન્ત અનુસાર કરવામાં આવે છે. તેનું પરિણામ જોઈએ

એવું નથી જ આવ્યું. છતાં ટુકડાઓ પાડવામાં સમાયલું અનિષ્ટ એ સહુને દેખાય એવું છે. એ વ્યક્તિગત ટુકડાઓને કૃષિના કાર્ય અર્થે ભેગા કરી સામટી જમીનમાં ખેતીના વિસ્તૃત પ્રયોગો કરી ઉત્પન્ન વધારી વહેંચી લેવાની મોટી જરૂર આજે ઊભી થઈ છે.

જમીન મહેસૂલની
પદ્ધતિ, ભાગબટાઇ
અને રૈયતવારી

ઉપરાંત જમીન મહેસૂલની પદ્ધતિ પણ કૃષિના વિકાસમાં કેટલેક અંશે વિઘ્નરૂપ છે એમ વિચારકો જણાવે છે. જમીન સહન ન કરી શકે એવો જમીન ઉપર વેરો રૈયતવારી પદ્ધતિમાં દાખલ થઈ જાય છે એવી માન્યતા જોર ૫કડતી જાય છે. પ્રાચીન ભાગબટાઈ પદ્ધતિમાં એક તત્ત્વની ચોકસાઈ હતી : જમીનમાં જે ખરેખર ઊપજે તેનું અવલંબન લઇને સરકાર પોતાનો દર વર્ષે ભાગ લે. રૈયતવારી પદ્ધતિમાં જમીનમાં ઊપજવાની જે શક્યતા સરકારી અમલદારો નક્કી કરે તે શક્યતાનું અવલંબન લઇ સરકાર પોતાનો ભાગ દર વર્ષ માટે પંદર કે ત્રીસ વર્ષ સુધી નિશ્ચિત કરી તે પ્રમાણે વેરો લે છે. એક ખરેખર ઉત્પન્ન ઉપર અને બીજુ શક્ય ઉપર આધાર રાખે એમાં શું પસંદ કરવા જેવું હોય તે સહજ સમજી શકાય એમ છે.

બન્ને પદ્ધતિના દોષ

છતાં ભાગબટાઈ પદ્ધતિમાં દોષ નહોતા એમ કહેવાય નહિ; સરકારના નોકરોમાં એથી લોભલાલચ મોટા પ્રમાણમાં જાગવાનો સંભવ રહેલો છે એ ભૂલવાનું નથી. તે જ પ્રમાણે રૈયતવારી પદ્ધતિમાં જમીનના દર નક્કી કરનારા અમલદારો સામાન્યતઃ સરકારમાં વધારો દેખાડવાની લાલસા છોડી શકતા નથી એ પણ ભૂલવા જેવું નથી. એટલું તો ચોક્કસ છે કે આજના દર ખેડૂતને પોસાતા નથી. ખેતીવાળી જમીનનું મહેસૂલ આયપત વેરાની ઢબે – ખરેખરા ઉત્પન્ન ઉપર લેવું જોઈએ એવી પણ સંભાવના કેટલાક વિચારકોને માન્ય બની છે.

ખેતીવાડી કમીશન

ખેતીનો આ મહત્ત્વનો પ્રશ્ન હિંદમાં તો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. એક મહા મંડળ–કમીશને એક દસકા ઉપર હાલના નામદાર વાઇસરૉય લૉર્ડ લીનલીથગોના પ્રમુખપણા નીચે એક વ્યાપક નિવેદન પણ બહાર પાડ્યું છે.

સરકારી ખાતાં અને
પ્રયોગક્ષેત્રો

પ્રાન્તિક સરકારો અને દેશી રાજ્યોમાં ખેતીવાડી ખાતાં સ્થપાઈ ગયાં છે, અને એ ખાતા દ્વારા પ્રયોગક્ષેત્રો ઉપર પાકના અખતરા થાય છે, ખાતર અને પાકનાં પ્રમાણ વિચારાય છે, ખેતીનો નાશ કરનારાં જીવજંતુનો તથા રોગનો સામનો કેમ કરી તેના પ્રયોગો થાય છે, અને પ્રયોગક્ષેત્ર ઉપર મેળવાયલા અનુભવને પ્રચાર દ્વારા ગામડે ગામડે ખેડૂતો પાસે મૂકવાની યોજનાઓ રચાય છે.

એ પ્રવૃત્તિ પાંગળી ન રહેતી હોય તો ઘણું લોકોપયોગી કામ થઈ શકે.

નવીન કૃષિ વસવાટ
સિંધ, પંજાબ વગેરે પ્રાન્તોની નહેરોના પ્રદેશમાં નવીન કૃષિ વસવાટો પણ થાય છે, અને પરપ્રાન્તીય સાહસિક ખેડૂતોને અને કૈંક અંશે બેકાર ભણેલાઓને તેમાંથી જમીન આપવાની પ્રથા પણ શરૂ થઈ ગઈ છે.
ગણોત અને સાંથ

ખેતીની સાથે જમીનદાર, ખાતેદાર, ખેડૂત, અને મજૂર-કિસાનના હક્ક સંબંધી પ્રશ્નો પણ આગળ આવી રહ્યા છે. વિશાળ જમીન ક્ષેત્રો હાથ કરી તલપૂર શ્રમ વગર ખેડૂત અને મજૂરની મહેનત ઉપર મૉજ કરતો જમીનદાર એ કૃષિજીવનનું પક્ષાઘાતી અંગ બનતો જાય છે. ખાતેદાર કાં તો જમીનને ભાડે આપી જમીનદારનો સ્વાંગ લે છે અગર મજૂરો પાસે કામ કરાવી જાતે કામ કર્યાનું મિથ્યાભિમાન સેવી એક નિષ્ફળ દેખરેખ રાખનાર બની જાય છે. એ બન્ને વર્ગને જમીનનો નહીં, પણ જમીનના શ્રમરહિત ઉત્પન્નનો મોહ છે. ભૂમિ એ તેમની સગી નહિ પણ ઓરમાન મા બની ગઈ છે. જમીનને કેળવનાર ખેડૂત અને મજૂરની પાસેથી વધારેમાં વધારે લાભ ખેંચી લેવાની આકાંક્ષાવાળા આ વર્ગ ખેતીની અવનતિના એક મહત્ત્વના કારણરૂપ છે.

ધીરધાર કરનાર શાહુકાર કેટલીક વખત મૂડીના બળે ખેડૂત ખાતેદારોની જમીનનો માલિક બની જમીનદાર વર્ગમાં ઘૂસી જઈ જમીનદાર જેવો હાનિકારક ભાગ ખેતીને અંગે ભજવી રહ્યો છે.

જેણે જમીન જોઈ નથી, જેને જમીન જોવી નથી, જમીન ઉપર જેને પ્રત્યક્ષ પ્રેમ નથી, ખેતીની જેનામાં આવડત નથી, ખેતીમાં જેને રસ નથી, ખેતી સુધારણાનો વિચાર કરવાની જેને ઈંતેજારી નથી, એવા જમીનદાર, ખાતેદાર, અને શાહુકારોના હાથમાં જમીનની માલિકી આવી જતાં પ્રત્યક્ષ ખેતી કરનાર ખેડૂત અને મજૂર ચુસાઈ જઇ જમીન અને જમીનના પાકો પ્રત્યે સ્વાભાવિક રીતે જ ઉદાસીન રહે છે. સઘળાં કાર્યમાં ઉત્સાહની જરૂર છે. ખેતીમાં તો ઉત્સાહ અવશ્ય અને વિશેષ જોઈએ. જમીન ભાડે રાખનાર ગણોતિયા અને મજૂરોની મહેનત–જમીનને કૃષિને જીવતી રાખતી હોય તો જમીનદાર, શાહુકાર અને ખાતેદારે કોઈ પણ કારણે જમીનની માલિકી મેળવી લીધી એટલા જ બહાના નીચે જમીનભાડાની ગણોતની–સાંથની રકમને બોજા રૂ૫ બનાવવાની પૂર્ણ સત્તા ધરાવે એ ઈચ્છવા યોગ્ય તો નથી જ. સ્વાર્થની દૃષ્ટિએ જોઈએ તો ઉત્સાહરહિત ખેડૂત ખેતીને બગાડશે જ; સુધારશે નહીં. તેની મહેનતનો મોટો ભાગ જમીનદાર કે ખાતેદાર લઈ જાય તો તેને મહેનત કરવાનો, બુદ્ધિ વાપરવાનો, પ્રયોગ કરવાનો ઉત્સાહ પણ શાનો રહે ?

એટલે જમીનભાડાં ઉપર અંકુશ મૂકવાના કાયદાઓ પણ ઘડવાની જરૂર પડી છે, અને લગભગ દરેક પ્રાન્ત કે મોટા રાજ્યમાં આવા કાયદાઓ અમલમાં આવી ચૂક્યા છે, અગર અમલમાં મૂકાવાની તૈયારીમાં છે.

દેવાનું ભારણ

વળી ખેડૂતનાં જૂનાં દેવાનો પ્રશ્ન પણ વિકટ બની ગયો છે. ખેડૂતનું કુલ દેવું કરોડો અને અબજો રૂપીઆ જેટલું ગણાય છે. એ દેવું ખેડૂતને શાહુકારનો આજન્મ નહિ–પેઢી દર પેઢી ગુલામ બનાવી રાખે છે. આ દેવાં ઘટે, ખરેખર દેવાં નક્કી થાય, ખાટા હિસાબો પકડાય, અમાનુષી અને અસહ્ય વ્યાજભારણ ઘટાડી દેવાય, ખેડૂતની દેવું વાળવાની શક્તિનો વિચાર થાય, અને હિંદમાં ખરું ઉત્પાદન કાર્ય કરતો ખેડૂતવર્ગ ભાંગી ન જાય એ સઘળા વિચારોને પરિણામે શાહુકારોના ધીરાણના ધંધાને પણ કાયદા–દ્વારા અંકુશમાં મૂકવાના પ્રયત્નો થઈ રહ્યા છે, અને આ અત્યંત મહત્ત્વના વર્ગને સામાન્ય કાયદાઓનું યંત્ર પીસી ન નાખે એ અર્થે તેને રક્ષણ આપે એવા વિશિષ્ઠ નિયમો અને કાયદાઓ ઘડવાની પણ જરૂર પડી છે.

ખેતી ઉન્નત કરવી હોય તો ખેતી કરનારને સહુએ સાચવી સંભાળી રાખવો પડશે. ગુલામી ઉપર રચાયલી સંસ્કૃતિ રેતીના પાયા ઉપર ઉભેલી છે એમ ઇતિહાસ કહી રહ્યો છે. નોકરો ઉપર રચાતી વર્તમાન સંસ્કૃતિ પણ ગુલામીનો જ એક પ્રકાર છે. ખેડૂતને, મજૂરને વેચાતો લેવાની પ્રથા ખેતીનાં મૂળ ખોદી નાખે છે.

કૃષિનો પ્રશ્ન બહુ વિકટ છે. છતાં તેને ઉકેલ્યે જ છૂટકો.

સારાંશ

ગામની આર્થિક ઉન્નતિમાં કૃષિ એ સહુથી પહેલો અને સહુથી મહત્ત્વનો ભાગ છે. તેમાં જમીનસુધારણાના અંગમાં નીચેની બાબતો વિચારવાની જરૂર છે.

જમીન સુધારણા
૧ ખેડ૨ ખાતર૩ પાણી૪ જમીનના ટુકડાનો
અટકાવ
વૈજ્ઞાનિક ઢબે
કૂવાતળાવનદીનહેરો
નવી ઢબના
ઓજારો
જૂની ઢબના
ઓજારો
બંનેનો
સમન્વય
૫ જમીન મહેસૂલનું
તથા સાંથનું ભારણ
૬ ખેડૂતના આર્થિક
જીવનનું પુનર્ઘટન
દેવાનો ફંડચાલુ જરૂરિયાતને
પહોંચી વળવાના
સાધનો
ખેડૂત મજૂર ગણોતિયાના
કાયમ હક્કની
સ્થાપના.

ઊપરનો આખો પ્રશ્ન બુદ્ધિમાન અને ભણેલાઓ જ્યાં સુધી જાતે ઉકેલે નહિ ત્યાં સુધી ગૂંચવણભર્યો જ રહેશે. એક વિચારકે કહ્યું છે કે ઘાસના એક પાંદડાને બદલે બે પાંદડાં ઉપજાવનાર પુરુષ જગત ઉપર સાચો ઉપકાર કરે છે.