લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/પશુ–સુધારણા

વિકિસ્રોતમાંથી
← ૪ ખેતી—સુધારણા ગ્રામોન્નતિ
પશુ–સુધારણા
રમણલાલ દેસાઈ
૬ રસ્તા →








પશુ – સુધારણા

પશુ અને કૃષિ

ગામડાંની આર્થિક ઉન્નતિનો અતિ મહત્ત્વનો વિભાગ ખેતી–સુધારણાનો છે. તેમાં જમીનસુધારણાના મૂલભૂત અંગનું લંબાણથી વિવેચન થઈ ગયું છે. ખેતીમાં જેમ જમીન એ અતિ મહત્ત્વનું અંગ છે, તેમ ઢોર પણ એવું જ ઉપયોગી અંગ છે. હજી વીજળી અને વરાળનો ઉપયોગ કરી ખેતીમાં જનાવરોને નિરુપયોગી બનાવવા જેવી કક્ષાએ જગત પહોંચ્યું નથી. હિંદ તો નહિ જ, અને હજી લાંબા વખત સુધી ઢોર વગર ચલાવી શકાશે નહિ એમ લાગે છે. ઢોર વગર ખેતી અશક્ય બની જાય એમ છે.

પશુ અને માનવ
સંસ્કૃતિ

માનવજીવનમાં – માનવસંસ્કૃતિમાં જનાવરોએ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. હિંદુસ્તાન આટલી ઝડપથી મુસલમાનોએ જીતી લીધું તેનાં કેટલાંક કારણોમાં ઇતિહાસકાર એ પણ કારણ જણાવે છે કે હિંદુઓની પાસે મધ્ય એશિયાના જેવા તેજસ્વી ઘોડાઓ નહોતા. હિંદુઓનાં લશ્કરમાં ઘોડાઓ ઊતરતી પંક્તિના હતા તેથી તેમણે સ્વાતંત્ર્ય ખોયું. આમ સ્વાતંત્ર્યનો અને અશ્વને નિકટ સંબંધ દર્શાવવામાં પશુઓના, માનવ જીવનમાં રહેલા મહત્ત્વના સ્થાનનો વિચાર રહેલો દેખાઈ આવશે.

ગોપ ભૂમિકા

માનવસમૂહના વિકાસમાં એક એવી ભૂમિકા આવે છે કે જેમાં માનવી ટોળાંબંધ પાળેલાં જનાવરોને લેઇને ફરતો હોય છે. વિકાસની આ ભૂમિકા ગોપ–ભૂમિકા – Pastoral Age તરીકે ઓળખાય છે.

ગાચ અને હિંદુ
સંસ્કૃતિ

કૃષિપ્રધાન આર્ય સંસ્કૃતિમાં ગાય એ પવિત્રમાં પવિત્ર સંકેત છે. હિંદુ–સંસ્કૃતિ ગાયને અનુલક્ષીને રચાઇ છે એમ કહીએ તો તે છેક ખાટું નથી. ગાય એ હિંદુને મન માતા છે. પૃથ્વી પણ ગાયનું જ સ્વરૂપ ધારણ કરતી કલ્પાય છે. મનકામના પૂર્ણ કરનાર સ્વર્ગીય સાધનોમાં કામધેનુને ગણાવી છે. રાજાઓનું બિરદ ગૌબ્રાહ્મણ પ્રતિપાળનું ગણાય છે. ગાયના સોગન એ આકરામાં આકરા સોગન છે. ગાયના દેહમાં સર્વ દેવાનો નિવાસ ગણાયો છે. ગૌદાન એ પરમ ધાર્મિક દાન મનાયું છે. ગૌવધ એ મહાપાપ ગણાય છે, અને હિંદમાં આવેલા ઘણા મુસલમાનોએ તથા પારસીઓએ પણ ગૌવધ નિષિદ્ધ ગણ્યો છે. આમ પૃથ્વી–કૃષિ અને પશુસંપત્તિના સંકેત સરખી ગાયનું આવું ઉચ્ચ સ્થાન દરેક રીતે સૂચક છે. માનવસંસ્કૃતિમાં જનાવરના હિસ્સાનું માપ તેમાં દેખાય છે. ગાય, ભેંશ અને બળદ એ કૃષિકારનાં નિત્યસાથી. એમના વગર ખેતી શક્ય નથી. પશુ વગરનો ખેડૂત હોઈ શકે જ નહિ.

પશુના વર્ગ

જેમ જમીન એ ખેતીનું મુખ્ય સાધન, તેમ જમીનને ફળદ્રુપ બનાવવાની મહેનત કરનાર જનાવર એ ખેતીનું બીજું મુખ્ય સાધન. પશુને પણ આપણે બે વિભાગમાં વહેંચી શકીએ: (૧) કૃષિ ઉપયોગમાં આવતાં અને (૨) અન્ય ઉપયોગમાં આવતાં.

કૃષિની સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતાં જનાવરોમાં આપણે ગાય અને બળદને ગણાવી શકીએ. હળ ખેંચવા, ગાડાંમાં જોડવા, ઘાણી કે શેરડી પીલવાના યંત્રને–કોલુને ચલાવવા, કોસે જોડવા બળદનો જ મુખ્યત્વે ઉપયોગ થાય છે. બળદ વગર ખેતી શક્ય નથી.

ગાય વગર બળદની ઉત્પત્તિ ન જ હોય.

ઉપરાંત ગાય કૃષિ સાથે સંકળાયેલા ગોપાલનના ધંધામાં પણ બહુ ઉપયોગી પ્રાણી છે. એવી જ રીતે ભેંશ પણ ખાસ કરીને ગુજરાતમાં ગોપાલન–દૂધઘીના ઉત્પાદનમાં બહુ જ મહત્ત્વનું પ્રાણી ગણી શકાય.

આમ એક પાસ ખેતી દ્વારા અનાજ આપતા અને બીજી પાસ દૂધઘી જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પૂરા પાડતા આપણા પશુધનની દશા આપણા કૃષિકારો સરખી જ–તેથી પણ વધારે દીન છે એમ કહીએ તો ચાલે.

હિંદમાં જેટલો માણસ એથી અર્ધાં જનાવર એમ કહેવું એ તેમ રહેલા કટાક્ષને ગાળી કહાડતાં સંખ્યાની દૃષ્ટિએ પણ સાચું છે. લગભગ અરાઢ કરોડ કૃષિઉપયોગી અને ભારવહન તથા ગૃહઉદ્યોગમાં કામ લાગતાં પશુઓ, ઘેટાં, બકરાં, ઘોડા, ઉંટ, ગધેડાં, ગાય, ભેંશ તથા બળદ એ સર્વ માનવજાતનાં પશુમિત્રો આપણા જીવનની સાથે જ જડાયલાં છે એમ કહીએ તો ચાલે. પશુ વગર ખેતી નહીં.

પશુ પ્રત્યેનું વર્તન

પરંતુ એ મહામોંઘા મિત્રોને આપણે કેવી રીતે રાખીએ છીએ ? તબેલામાં તેમને રાખતા હોઈએ તો એ જગા ગંદામાં ગંદી હોય.

ગૌચર પૂરતું ન હોય અગર હોય તો તે ખરાબમાં ખરાબ જમીનમાં આવેલું હોય. કુદરતી રીતે જે ઘાસ કે ઝાંખરાં ઉગે તેને ઉગવા દેવામાં આવે છે, અને જનાવર સામાન્યતઃ, અગર કામ ન લાગ્યું હોય ત્યારે તો ખાસ કરીને, એ છંડાયેલાં ગૌચરનાં તણખલાં ઉપર જ જીવે છે. એ ગૌચરમાં વધારે સારી જાતનું ઘાસ પૂરતા પ્રમાણમાં થાય છે કે નહિ એ નથી ખેડૂતોની કાળજીનો વિષય, નથી પંચ પટેલોની કાળજીનો વિષય, કે નથી સરકારી અમલદારોની કાળજીનો વિષય. બહુ જ થોડા ખેડૂતો જનાવરો માટે પોતાનાં ક્ષેત્રોમાં પૂરતું ઘાસ ઉપજાવતા હોય છે.

પશુરોગને અટકાવવા માટે આપણે જરાય કાળજી રાખતા નથી. કમોડી, ખરવાસ, ગળસુણાં, ઓરી, મોવાસો વગેરે દર્દોથી લાખો ઢોર નાશ પામે છે. ઘણાં દર્દો ચેપી હોય છે. એટલે એક જાનવરને દર્દ થયું કે સેંકડોને અસર થવાની. પાંજરાપોળ દર્દોને અટકાવનારી સંસ્થા નથી. નિરુપયોગી બનેલાં જનાવરોને આશ્રય આપતી એ સંસ્થાઓનો પૈસો દર્દી અટકાવવાના કામે અગર ઉપયોગી જનાવરોને બચાવવાના કામે વપરાય તો ઢોરના રોગ સંબંધી કૈંક પ્રશ્નોનો ઉકેલ કરી શકાય. જનાવર જીવતાં આપણને પોષણ આપે છે, અને મૃત્યુ પછી ચામડાં અને હાડકાંને પણ માનવીની સેવામાં મૂકે છે. એ જનાવરોને જીવતાં પૂરતું પોષણ આપવું, દર્દ થયે તેમની દવા કરવી અને તેમની જાત સુદૃઢ, સબળ અને રૂપાળી બને એવા સુપ્રજન પ્રયોગો કરવા એ શું ખરો દયાધર્મ નથી ? દયાધર્મ સાથે એ ખેડૂતોનો તો મોટામાં મોટો સ્વાર્થ છે. ખેડૂતોનો સ્વાર્થ એ સૌનો સ્વાર્થ છે.

કાંકરેજી બળદ, ગીરની ભેંસ, કાઠિયાવાડી ઘોડા એ આખા હિંદભર પંકાયલા જનાવરોની જાત ગૂજરાતે ખીલવી છે. એ જાત શુદ્ધ રહે, જીવતી રહે, વધારે બળવાન થાય એ માટે પશુઉછેરના કાર્યમાં પણ ગ્રામજનતાનું પૂરતું લક્ષ રહેવું જોઇએ.

ઢોર ઉછેરની વર્ત-
માન સ્થિતિ

પરંતુ પશુ પ્રત્યેના વર્તનમાં આપણે કેટલા બેદરકાર બન્યા છીએ તેનો સહજ વિચાર કરીશું તો નીચેની બાબતોનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી.

૧ આપણાં કૃષિ ઉપયોગી જનાવરોની જાત બગડતી જાય છે.
૨ તેમના દેહ અને તેમની શક્તિ ગૂજરાતી જનતાની માફક ઘસાતાં જાય છે.
૩. એમાં ખેડૂતની નિષ્કાળજી પણ ઘણે અંશે જવાબદાર છે.
૪. ઢોર ઉછેરની જૂની પદ્ધતિ ભૂલતા જઈ નવી પદ્ધતિના લાભ લેતા હજી પણ થયા નથી.
૫. ઢોરની જાત સુધારવાના પ્રયોગો જોઇએ એટલા પ્રમાણમાં થતા નથી; અને થયા છે તે જોઈએ એટલા સફળ થતા નથી.
૬. પ્રયોગોની નોંધ રહેતી નથી, અને ખેડૂતોમાં એ પ્રયોગોનાં પરિણામોનો પ્રચાર પણ થતોનથી.
૭ ઢોરનો શૉખ ઓછો થતો જાય છે. એટલે પોતાની ગાય કે પોતાના બળદમાં અભિમાન લેવાની ઉત્સુકતા ભાગ્યે જ કોઈનામાં હોય છે.
૮ ઢોરના રોગચાળાની ચિકિત્સા તથા તેના ઉપાયોનાં સાધનો નહિ જેવાં છે.

ઢોરની ઉત્પત્તિનો
પ્રશ્ન

ઢોરની ઉત્પત્તિના કારણભૂત યોગ્ય વાલી – નરની પસંદગીમાં ભાગ્યે કાળજી રાખવામાં આવે છે. પસંદ થયેલા નરની સંભાળમાં તો અતિશય બેકાળજી રહે છે. ગામની સહિયારી મિલક્ત તરીકે તે અસહ્ય બેદરકારીનો ભોગ થઈ પડે છે. અને હરાયા જનાવર તરીકે તે પોતાનો ખોરાક ગમે તે રીતે મેળવી ટોળા ભેગો ફરતા રહી અવ્યવસ્થિત રીતે પ્રજોત્પત્તિનું કાર્ય કરે છે. સારા ખેડૂતો કદાચ એમાં અપવાદરુપ હશે, ને સરકાર તરફથી પણ વાલી જનાવરો પૂરાં પાડવાના નહિ જેવા પ્રયત્નો થાય છે. પરંતુ જનાવરની જાત સુધારવા માટે એ પૂરતું નથી. લોકોની ઉદાસીન વૃત્તિ તો આમાં જવાબદાર છે જ. પરંતુ લોકનો વાંક કાઢી બેસી રહેવાથી સરકારની કે આગેવાનની ફરજ અદા થતી નથી.

ગોપાલન (Dairy)

જનાવરો એકલાં ખેતીમાં જ ઉપયોગી હોત તો પણ તેમની મહત્તા ઓછી ન ગણાત. પરંતુ તેઓ બીજી રીતે પણ ઉપયોગી છે એટલે તેમનું મહત્ત્વ બમણું વધી જાય છે. દૂધ અને ઘી એ મધ્યમ તથા ઉચ્ચ વર્ગના ખોરાકમાં મહત્ત્વને સ્થાને છે, અને છાશ એ ગરીબ વર્ગમાં એટલું જ મહત્ત્વનું સ્થાન લે છે. દૂધ, ઘી તથા છાશ માટે ગાય અને ભેંશના આપણે આભારી છીએ. ખોરાકને લગતા કંઈક પ્રશ્નો જનાવરોના ઉછેર સાથે જોડાયેલા છે, તેમનો વિચાર અત્રે ન કરતાં આર્થિક દૃષ્ટિએ જોઈએ તો પણ ઢોરઉછેર એ હિંદનો મોટામાં મોટો ગૃહઉદ્યોગ બની રહ્યો છે. ઘીનો ગાડવો ઊંચકી મજૂરીના પૈસામાંથી મરઘી વેચાતી લાવી, તેમાંથી આગળ વધી ગાય ભેંશ વસાવી તેમાંથી એક સારા વ્યાપારી કે કૃષિકાર બની મોટા કુટુંબવાળા પ્રતિષ્ઠિત ગૃહસ્થ બનવાની આકાંક્ષા રાખનાર એક મજૂરને આપણી લોકવાર્તાએ શેખચલ્લી કહી હસી કાઢ્યો છે. એની ઊતાવળને આપણે ભલે હસીએ – જીવનમાં આપણે બધાએ ઘણીવાર હાસ્યપાત્ર શેખચલ્લી બન્યા હોઈએ છીએ. પરંતુ શેખચલ્લીના સ્વપ્નમાં અશક્ય કશું જ નહોતું. ભાવી દીકરાને જમવા ઉઠવાની ના પાડવાનો અભિનય તેણે મુલતવી રાખ્યો હોત તો તે જરૂર ગૃહપતિ બન્યો જ હોત. અને ‘તારો તો ગાડવો ભાગ્યો પણ મારૂં તો ઘર ભાંગ્યું’ એવા ઘીમાલિકને જવાબ આપનાર શેખચલ્લી બીજી મજૂરીમાંથી, જરૂર પોતાની કલ્પનાને અમલમાં મૂકી ગૃહસ્થ બની ગયો હોય તો તેમાં કશી નવાઈ નથી. આજે પણ કંઈક વિધવાઓ એક ભેંશ કે ગાય રાખી તેમાંથી પોતાનું અને પોતાનાં નિરાધાર બાળકોનું પૂરું કરે છે.

ઘી, દૂધ, દહીં અને છાશ આપનાર ઢોર આમ ગૃહઉદ્યોગનું મોટું સાધન બની રહે છે, અને ખેડૂતને ખેતી ઉપરાંત બીજી આવકનું સાધન પૂરું પાડે છે. એ ગૃહઉદ્યોગને મોટા વ્યાપારના રૂપમાં ફેરવી નાખવાથી–એટલે કે ડેરી (ઘી માખણ તૈયાર કરવાનાં કારખાનાં) કાઢવાથી લાભ છે કે કેમ એ પ્રશ્નનો ઉત્તર આપી શકાય એવી સ્થિતિ હજી ઉત્પન્ન થઈ નથી. છતાં દૂધનું ખોરાક તરીકેનું મહત્ત્વ સ્વીકારાતું જાય છે અને તે મોટા પ્રમાણમાં ઉપજે એમ થવાની જરૂર સહુને લાગે છે, કારણ ખોરાક તરીકે દૂધ બાળક, યુવાન અને વૃદ્ધ એ સૌને માટે આવશ્યક હોવા ઉપરાંત તે સ્વચ્છ, જંતુરહિત અને ભેળસેળ વગરનું હોવું જોઈએ એમ આરોગ્યરક્ષક નિષ્ણાતો પણ જણાવે છે.

ખેડૂતો ઉપરાંત રબારી સરખી કોમો પણ એ ગૃહઉદ્યોગને આધારે જ જીવી રહી છે.

રબારી

રબારી કોમ એ પશુઉછેરને પોતાનો વંશપરંપરાનો અને મુખ્ય ધંધો બનાવી રહેલી કોમ છે. ગૌચરો અને બીડને ભાંગી ખેતીના ઉપયોગમાં લઈ લેવાની ખેડૂતોની તથા સરકારની ઉતાવળે રબારી કોમને બહુ મુશ્કેલીમાં મૂકી દીધી છે. જમીન-આબાદીના ઉત્સાહમાં જમીનને જીવતી રાખનાર પશુઓના ઘાસચારાનાં સ્થાન આપણે ખૂબ ઘટાડી દીધાં છે, અને પશુ ઉછેરતા રબારીઓને ગુનેગાર બનવા આપણે જ કારણો આપ્યાં છે. ઢોરને માટે બીડ ન હોય તો રબારીના ઢોરસમૂહે ક્યાંથી ખોરાક મેળવવો ? રબારી ઢોરને ખેડાયલાં ખેતરોમાં છોડી મૂકવા ટેવાય છે, ખેડૂતોના પાકને એથી નુકસાન થાય છે, અને ખેડૂત તથા રબારી એ બે વર્ગ વચ્ચે વૈમનસ્ય વધી મારામારી અને ભેલાણના ગુનાઓ બનતાં ગામની સ્વસ્થતા ડગમગી જાય છે. રબારી અને ખેડૂત વચ્ચે ખૂબ મીઠો સંબંધ હોવો જોઇએ એને બદલે એ કોમો વચ્ચે દુશ્મનાવટ જાગે છે.

રબારીને પશુઉછેરનું ઐતિહાસિક કામ કરવા દેવું હોય તો તેનાં ઢોરને પૂરતો ચારો મળે એટલી જમીન તેને આપવી જ જોઇએ.

જનાવરોનાવાળ
તથા ઉન અને
ગૃહઉદ્યોગ

વળી બકરાં અને ઘેટાંના વાળ કે ઉનમાંથી થતા કામળા, ધાબળા અને ઘોડાના વાળમાંથી થતી ચમરી આપણને જનાવરોના પાલનમાં રહેલી બીજી શક્યતાનો વિચાર કરવા પ્રેરે છે, જે વિષે ગૃહઉદ્યોગના વિવેચનમાં આપણે સહજ જોઇશું. હાલ તો ઢોર એ ખેતીમાં આવશ્યક અને ગોપાલનના ગૃહઉદ્યોગને લીધે અતિ ઉપકારક આર્થિક સંપત્તિ છે એટલું જ કહેવું બસ થશે. વળી જનાવરો ભારવાહક બની માલ લઈ જવા લાવવાના સાધન તરીકે પણ બહુ મહત્ત્વનું કાર્ય કરે છે એ વસ્તુસ્થિતિ તરફ ધ્યાન આપવાની પણ જરૂર છે.

ભારવાહક પશુઓ

હજી કપાસનાં ગાડાં ભરાઈને જતાં આપણે જોઈએ છીએ ત્યારે બળદની ભારવાહક તરીકેની અગત્ય આપણા ધ્યાનમાં આવે છે. કપાસ જ માત્ર નહિ પરંતુ અનાજ, ઈંટો, માટી, લાકડાં, ઘરવાખરો, વ્યાપારની વસ્તુઓ અને વળી માણસોને સુદ્ધાં લઈ જવા લાવવા માટે હજી પણ ગાડાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને આગગાડી તથા મોટર લારીઓના ઝડપભર્યા પ્રવેશ છતાં ગાડાંએ પોતાનું મહત્વ સાચવી રાખ્યું છે. અનેક ગામડાં એવાં છે કે જ્યાં ગાડાં વગર જઈ આવી શકાય જ નહિ. અરે રેલવે સ્ટેશને ઉતરેલા માલને પણ ગામ કે શહેરમાં ખેંચી જવા માટે આજે પણ આપણે ગાડાં વપરાતાં જોઈએ છીએ !

અને એ ગાડાં ખેંચનાર તો બળદ જ ને ?

વણઝારાની પોઠઠ હજી તદ્દન લુપ્ત થઈ ગઈ નથી.

ઊંટ અને ગધેડાં હજી ગુણ ઉપાડી જાય છે.

પશ્ચિમની માફક ઘોડા હિંદના કૃષિ ઉપયોગમાં ખાસ આવતા નથી એ ખરું. પરંતુ લશ્કરમાં રહેલું તેમનું મહત્ત્વ બાજુએ રાખીએ તો પણ સવારી માટે, તેમજ ગાડી ટાંગાના ભાર ઉપાડી જવા માટે ઘોડા હજી ઘણા જ ઉપયોગી છે. એ સુંદર જનાવર ગામની માફક માનવીના સંસ્કારવિકાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આમ ખેતીમાં, પોષણમાં, નિત્ય ઉપયોગમાં, ભારવહન કરવામાં, ગૃહઉદ્યોગમાં કામ આવતા આપણા પશુધનને આબાદ કરવાની બહુ જ જરૂર ઊભી થઈ છે. એ માટે

પશુનું પોષણ કરવામાં વિપુલ સાધનો આપણે રાખવાં જોઈએ. પૂરતાં ગૌચર અને ગૌચરની દક્ષતાભરી વ્યવસ્થા એ સાધનોમાં મુખ્ય સાધન છે. જો કે બની શકે ત્યાં ખાનગી ઘાસ–ઉછેરનાં વિશિષ્ઠ ક્ષેત્રો રખાય તો તે પણ સારૂં.

પશુને રોગમાંથી મુક્ત રાખવું જોઈએ અને તેને માટે દવાખાનાં અને દર્દના ઉપચારનાં સાધનો બહોળા પ્રમાણમાં રાખવાં જોઈએ. સરકાર અને પંચાયતો આ સંબંધમાં ઘણું કરી શકે.

ઢોરની જાત સુધારવા માટે સુવંશી ઢોરની કાળજી રાખવી જોઈએ અને સુપ્રજન પ્રયોગો ઉપર વધારે લક્ષ આપવું જોઈએ.

રબારીઓ પ્રત્યે વધારે સહાનુભૂતિભર્યું વર્તન રાખી તેમની સગવડો પૂરી પાડવી જોઈએ.

ગોપાલન અને અન્ય ગૃહઉદ્યોગોનો પદ્ધતિસર વિકાસ થવો જોઈએ. દૂધ, ઘી, ઉન કે વાળ ગમે તેમ ઉપજે, ગમે તેમ કપાય, ગમે તેમ વેચાય એ વાસ્તવિક નથી. અવ્યવસ્થિત ધંધો નિષ્ફળતા જ આપે છે.

એક ટૂંકો જ વિચાર કરીએ :—હિંદુસ્તાનનું પશુધન એટલે સમગ્ર જગતના પશુધનનો ત્રીજો ભાગ. હિંદુસ્તાનની પશુસંપત્તિ ૧૮,૦૦૦,૦૦૦૦ જેટલી. એ અરાઢે કરોડ પશુ આપણી ખેતી કરે છે, આપણો ભાર વહન કરે છે, અને આપણી અવરજવરમાં સરળતા કરી આપે છે. ઉપયોગની દૃષ્ટિએ અત્યંત મહત્વનું પશુધન આપણે સાચવી રાખવું જોઈએ અને તેને વધારે બળવાન, વધારે ઉપયોગી, અને વધારે પાત્રતાવાળું બનાવવું જોઇએ.

કૃષિ ઉપરાંત ગોપાલનની દૃષ્ટિએ પણ આપણાં જનાવરો, આપણાં પશુ કેટલાં ઉપયોગી છે, તે સમજવા સરખું છે. દૂધનું ઉત્પન્ન વધારેમાં વધારે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોમાં થાય છે. એનાથી બીજા જ ક્રમે હિંદુસ્તાનની દૂધની પેદાશ આવે છે. ડેન્માર્કમાં દુધ અને દૂધમાંથી બનતા પદાર્થોનો ધંધો બહુ જ આગળ વધેલો છે, અને બહુ જ શાસ્ત્રીય ઢબે રચાએલો છે. એ ડેન્માર્ક કરતાં પાંચગણુ દૂધ હિંદ ઉત્પન્ન કરે છે, છતાં દૂધનું ઉત્પાદન અને દૂધના ધંધા આપણે ત્યાં બહુ જ પછાત સ્થિતિમાં હજી રહેલા છે.

હિંદમાં એક અબજ રૂપીઆ જેટલું ઘી દર વર્ષે ઉત્પન્ન થાય છે. ગણતરી કરનારાઓ કહે છે કે હિંદમાં ૭૦ કરોડ મણ દૂધ ઉત્પન્ન થાય છે અને તેમાંથી ૩૬ કરોડ મણ જેટલા દૂધમાંથી બે કરોડ ત્રીસ લાખ મણ જેટલું ઘી દર વર્ષે તૈયાર થાય છે. બાકી રહેલી છાશ કોઈ પણ પ્રકારનો આર્થિક નફો આપી શકતી નથી–માત્ર ઘી દૂધ ઉપજાવનારાં કુટુંબોના અગર તેમના પડોશીઓના ખોરાકમાં લગભગ વગર મૂલ્યે વપરાય છે. એને વ્યવસ્થિત ધંધામાં ફેરવી નંખાય તો કેટકેટલું ધન બચે ?

સંખ્યાની દૃષ્ટિએ આટલાં બધાં પશુઓ હોય તો હાડકાં અને ચામડાંને લગતા ધંધા પણ આપણે ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં ખીલી શકે. એટલે પશુસંરક્ષણનો પ્રશ્ન આપણી કૃષિ સાથે જોડાએલો હોવા ઉપરાંત ઉદ્યોગની દૃષ્ટિએ પણ શાસ્ત્રીય વિચાર, વ્યવસ્થિત બંધારણ અને કલ્પનાજન્ય સાહસ માગી લે છે.

પશુઉછેરના પ્રશ્નને એક સામટો આપણે નીચે પ્રમાણે જોઇ શકીએ:—

પશુ સુધારણા
કૃષિ ઉપયોગી પશુઅન્ય ઉપયોગમાં આવતા પશુ
ગાયબળદઆખલાગોપાલન
Dairyમાં
ઉપયોગી
ગૃહ ઉદ્યોગમાં
ઉપયોગી
ભાર
વહનમાં
ઉપયોગી
ગાયભેંશબકરાંઘેટાંબકરાંઘેટાં
બળદઘોડાંગધેડાંખચ્ચરઊંટ
સુધારણાના માર્ગ
નરમાદાની
યોગ્ય
પસંદગી
પોષણના
વિપુલ
સાધનો
રોગની સારવારખેડૂતોમાં પશુ
સુધારણાના
જ્ઞાનનો ફેલાવ
પશુ દવાખાનાંદવાની
સગવડનો
વિસ્તાર
ઉછેર
ક્ષેત્રો
પૂરતા
પ્રમાણમાં
ઉપલબ્ધિ
ગૌચરવાડાખેતરો
ગોપાલનના ધંધાનો
શાસ્ત્રીય વિકાસ