લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/રસ્તા

વિકિસ્રોતમાંથી
← 5 પશુ–સુધારણા ગ્રામોન્નતિ
રસ્તા
રમણલાલ દેસાઈ
૭ બજાર →








રસ્તા

માલ ઉપજાવવો
અને તેની વહેંચણી
કરવી

અર્થશાસ્ત્રના સિદ્ધાન્તોમાં ઉંડા ઉતર્યા વગર ખેતી અગર ગોપાલનમાં એટલું તો સહુ કોઈ સમજી શકશે કે માલ ઉપજાવવો કે માલ ઉપજાવીને બેસી રહેવું એ પૂરતું નથી. માલને ખપાવવો એ પણ એટલું જ જરૂરનું છે. જીવનની જરૂરીયાતો દરેક જણે પોતે ઉપજાવી પોતે જ વાપરવી એ વર્તમાન યુગમાં પૂરેપૂરૂં બને એમ નથી, અને જ્યાં યંત્રવાદનું બળ જામે છે ત્યાં તો એ અશક્ય જ બની જાય છે. કઈ સ્થિતિ સારી એ ચર્ચા અહીં નહિ કરીએ. યંત્રવાદ મક્કમપણે વધતો જાય છે એ ભૂલવાનું નથી. તેમાં ઘણી ખામીઓ રહેલી છે એ ખરું; પણ તેમાં છુપાયલી સફળતા તરફ પર દુર્લક્ષ કરવું ન જોઈએ. યંત્ર માટે માણસ નહિ, પણ માણસ માટે યંત્ર એ ભાવના તરફ આપણે વળી શકીએ તો અનેક અનર્થોના મૂળ સરખા ગણાતા યંત્રવાદને પણ માનવ ઉપયોગી વાદ બનાવી શકાય.

જરૂરીયાતો ઉપજા-
વવી અને તેનો ઉપયોગ
કરવો

પરંતુ કૃષિપ્રધાન હિંદુસ્તાનમાં હજી ખેડૂતોની એવી સ્થિતિ છે કે તેઓ જીવનની ઘણી જરૂરીયાતો પોતે ઉપભોગમાં લઈ શકે એમ છે. વિચારશીલ ખેડતો પોતાના કુટુંબનું પોષણ થાય એટલું અનાજ રાખીને જ વધારાનો માલ વેચી નાખે છે, એમ આજ સુધી થતું આવ્યું છે.

વેચાણ

ઘણી વખત એમ પણ બને છે કે અનાજનો ભાવ સારો હોય તો તેઓ જરૂરીયાત પૂરતું અનાજ પણ વેચી તેનાં નાણાં ઉપજાવે છે, અને એ નાણાંમાંથી ઓછી ખર્ચાળ જરૂરીયાતો પૂરી પાડે છે. કેટલાક બાગાયતી પાક લેનારા ખેડૂતો પણ માલના વેચાણમાંથી પોષણ મેળવી શકે. કેટલાક સારો ભાવ અપાવતા પાક પણ વેચવાના હોય છે. એટલે કંઈક અંશે કુટુંબના પોષણરૂપ બનતો પાક મોટે ભાગે વેચવો તો પડે જ છે.

રસ્તા

આ માલ શાહુકારો, વેપારીઓ અને વેપારીઓના દલાલો જે તે ગામે આવી ખરીદ કરે છે અગર ખેડૂતો બજાર કે હાટમાં જઈ વેચે છે. ગામે વેચાણ થયેલો માલ પણ પીઠમાં તો વહી જવો જ પડે છે. આમ કૃષિકારના માલની આવજાવ માટે રસ્તા અને વેચાણ સ્થાન–બજાર એ ગ્રામજીવનનું બહુ ઉપયોગી અંગ બની જાય છે.

રસ્તાનું મહત્ત્વ

રસ્તા — માર્ગનું મહત્ત્વ ગ્રામ્યજનતાને બહુ સમજાતું નથી. પરંતુ રસ્તા એ તો પ્રજાજીવનની રક્તવાહિનીઓ છે એમ કહીએ તો ચાલી શકે. રસ્તાની કળા રોમનલોકોએ સાધ્ય કરી હતી. રસ્તાનું મહત્ત્વ રામનલોકો પૂરેપૂરું સમજી શક્યા હતા એટલે રસ્તાઓને પ્રતાપે રોમન સામ્રાજ્ય લાંબા સમય સુધી જગતના મોટા ભાગમાં ફેલાયેલું હતું. હિંદુસ્તાનમાં આપણા ઉન્નતિકાળે આપણે રસ્તાનું મહત્ત્વ સમજી શક્યા હતા. રસ્તાઓની સગવડને લઈને જ લશ્કરોની હીલચાલ થઈ શકે. રસ્તાઓ હોય તો જ માલની અવરજવર સરળતાથી કરી શકાય. પરસ્પર સંબંધમાં આવવાને માટે માર્ગની જ જરૂર. માર્ગ હોય તો જ માનવીની, પશુઓની, અને વસ્તુઓની અવરજવર અને હીલચાલ કરી શકાય. અને તે વગર સંસ્કાર, વ્યાપાર અને રાજકીય વિકાસ અશક્ય થઈ પડે છે. પૂર્વકાળમાં પણ પહાડો અને ખીણો ઓળંગીને આપણા રસ્તા આપણને હિંદ બહાર જવરઅવરનું સાધન આપી શકતા હતા. આપણી વણજારો અને પોઠો હિમાલય, હિંદુકુશ અને કારાકોરમ ઓળંગી મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને ઠેઠ રોમ, ગ્રીસ સુધી પહોંચતી, આપણા વ્યાપારીઓ ખુશ્કી તેમ જ તરી રસ્તે સિયામ, બ્રહ્મદેશ, ચીન, મોંગોલીઆ અને મંચુરીઆ સુધી પહોંચી જતા અને તે તે દેશો સાથે સંબંધ બાંધી બુદ્ધ ધર્મ જેવા સંસ્કૃતિપ્રવાહને એ સઘળાં સ્થળોએ વહેવરાવવામાં સાધનભૂત બન્યા હતા એ ઇતિહાસસિદ્ધ વાત છે. એ જ રસ્તાઓને પ્રતાપે હિંદુઓએ હિંદ બહાર રાજ્યો પણ સ્થાપ્યાં.

સુધરેલાં રાજ્યોનો મુખ્ય ધર્મ એ ગણાય છે કે તેમણે અવરજવરના ધોરી માર્ગ તૈયાર કરવા અને તૈયાર રાખવા. અશોક, શેરશાહ, અકબર વગેરે મહાન રાજકર્તાઓની રાજનીતિમાં રસ્તાનું બાંધામ મહત્વની બાબત ગણાઈ હતી.

જાત્રાનાં સ્થળો એ આપણાં જૂનાં સંસ્કાર સ્થળો હતાં. તેમના જોડાણને માટે પણ રસ્તાઓ જરૂરી ગણાતા.

અવરજવરનાં સાધનો
અને રસ્તા

વળી જવરઅવરનાં સાધનો ઉપર આધાર રાખીને પણ રસ્તાઓની રચના કરી શકાય છે. બળદગાડાં, ઘોડા, ઊંટ, ખચ્ચર, હાથી એ બધાં આપણાં વાહનોને અનુલક્ષીને પણ જુદા જુદા રસ્તાઓની રચના થએલી છે. વરાળ, વીજળી અને યંત્ર આવતાં વાહનોનું સ્વરૂપ બદલાઈ ગયું અને બાઈસીકલ, રેલગાડી, મોટરકાર વગેરે વાહનોનો હવે છૂટથી ઉપયોગ થવા લાગે છે. એ બદલાયેલી પરિસ્થિતિ રસ્તાને પણ એક વિશાળ વિજ્ઞાનનું સ્વરૂપ આપી રહ્યાં છે.



રાજ્ય અને રસ્તો

સુધરેલી જનતાનો સુધારો તેના રસ્તાઓ ઉપરથી માપી ન શકાય. છેક જંગલી લોકોનાં રહેઠાણમાં રસ્તા ભાગ્યે જ હોય છે. રસ્તાનો મુખ્ય ઉદ્દેશ માણસની અવરજવર અને માલની લાવજા માટે હોય છે. પરંતુ એ અવરજવરનાં કારણો ઉપર રસ્તા મોટાનાના થાય છે. એ કારણો અને એને અંગે કેવા રસ્તા કરવા પડે છે તેનો સહજ વિચાર કરીએ તો પ્રથમ રાજકીય કારણ નજરે પડે છે.

રાજ્યનાં મહત્ત્વનાં સ્થાનોમાં ઝડપથી લશ્કરો મોકલી શકાય એ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને પ્રથમ તેમ જ આજ પણ રાજસત્તા તરફથી રસ્તાઓની રચના થાય છે. રાજ્યનાં મહત્ત્વનાં સ્થળ રાજધાનીને લીધે, અધિકારીઓનાં મુખ્ય સ્થળ હોવાને લીધે અગર સરહદ સાચવવાના કારણે મહત્ત્વ ધારણ કરે છે, અને એ રાજકીય મહત્ત્વને લીધે ઔદ્યોગિક મહત્ત્વ પણ તે સ્થળો પ્રાપ્ત કરે છે. કેટલીક વખત મહત્ત્વનાં સ્થળ હોવાથી પણ તે સ્થળો રાજકીય મહત્ત્વ પ્રાપ્ત કરે છે. આવાં સ્થળોને જોડનાર રસ્તાઓ બનાવવાનું અને તેમને દુરસ્તીમાં રાખવાનું કાર્ય રાજસત્તા કરે છે, અને એવા રસ્તા રાજમાર્ગ–Trunk Roads તરીકે ઓળખાય છે.

જળમાર્ગ અને રેલ-
માર્ગ

જળમાર્ગ અને રેલમાર્ગની અત્રે સમીક્ષા કરવાની જરૂર નથી. જળમાર્ગને રેલમાર્ગે બહુ ધક્કો પહોંચાડ્યો છે. જળમાર્ગ હવે લગભગ નિરર્થક બની ગયો છે. રેલમાર્ગ મૂળ બ્રિટિશ કંપનીઓએ વ્યાપારી દૃષ્ટિથી અને બ્રિટિશ અમલની સલામતીના ઉદ્દેશથી સ્થાપેલો છે. એના ઉદ્દેશમાં જ નફો રહેલો છે, એટલે આડકતરી રીતે તેનાથી ન છૂટકે લાભ થયા હોય તે સિવાય ગ્રામ્યજનતાના લાભ કેટલે અંશે જોવાયા કે જળવાયા છે તેનું વિવેચન મોટા નિષ્ણાતો માટે જ રહેવા દઈશું. એટલું કહી શકાય કે જવઅવર ઝડપી બન્યાં છે, અને આયાતનિકાસની સગવડ સારી થઈ છે – જો કે માલ ઉપજાવનાર કરતાં માલની દલાલી કરનારાઓને એથી વધારે લાભ થયો છે.

સહાયક અને ગ્રામ-
રસ્તા.

આવા રાજકીય મહત્ત્વવાળા રસ્તાઓ ગ્રામોન્નતિમાં આડકતરી અસર તો કરે જ છે, છતાં આપણા કાર્યને અનુલક્ષી આપણે રાજમાર્ગની પૂર્તિ કરનાર સહાયકારી માર્ગો–feeder roads અને ગામ ગામને જોડનારા ગ્રામરસ્તા village roads અને ગામમાંથી સીમમાં જવાના રસ્તા તરફ જ ધ્યાન આપવાની જરૂર છે. સહાયક માર્ગો–feeder roads ઘણુંખરું પ્રાંત કે તાલુકા પંચાયતો – District and Taluka Local Boards કરે છે. એવા રસ્તાઓની બનાવટ અને દેખરેખ માટે એ સંસ્થાઓ પાસે સારું મહેકમ Establishment પણ હોય છે. માત્ર ગામરસ્તાઓ જ એવા છે કે જેની દરકાર કઈ જ રાખતું નથી.

ગ્રામરસ્તાઓની વર્ત-
માન સ્થતિ.

ગામના અને સીમના રસ્તાઓ કાં તો અતિશય દડ, રેતી કે કાદવવાળા હોય છે. તેના ચીલામાં ઠેકાણું હોતું નથી. ચીલામાં ખાડા ટેકરા એટલા બધા હોય છે કે ગાડાં હાંકનાર માણસ અને બળદને મહામુશ્કેલી પડે છે. ટેવાઈ ગયેલી જનતા કદાચ એને મુશ્કેલી ન કહે તેથી એ મુશ્કેલી મટી જતી નથી. જનાવર અને ગાડાંના જીવન ઉપર રસ્તાઓ ભારે અસર પહોંચાડે છે એ ભૂલવું ન જોઈએ. રસ્તામાં કશી યોજના કે નિયમિતપણું હોતું નથી. આસપાસના ખેતરવાળાઓને વાડ આગળ લાવી રસ્તાને સાંકડો બનાવી દેવાની નિરર્થક ટેવ પડેલી હોય છે. ઘણે ભાગે ચોમાસાનાં વહેણ એ રસ્તે વહી જાય છે, અને રસ્તાને નાદુરસ્ત બનાવે છે. શિયાળામાં એટલાં ઢેફાં જામી ગયાં હોય છે કે તેના ઉપર મુશ્કેલીથી ગાડું જાય. ઉનાળામાં એટલી ધૂળ થાય છે કે માણસ અને જનાવર ધૂળથી ઢંકાઈ જાય.

રસ્તા – દુરસ્તીના
ઉપાય

આવા રસ્તા દુરસ્ત કરવામાં ભારે મુશ્કેલી નથી. ગામના સઘળા લોકો ભેગા થઈ પોતાની અંગ–મહેનત રસ્તા માટે વાપરે તો બધા ય ગામાત રસ્તા વર્ષોવર્ષ દુરસ્ત રહે. એટલું જ નહિ, પણ આપણે ત્યાં વહેતી નાની મોટી નદીઓ અને ખાડીઓની આસપાસ એટલાં ગામડાં વસી રહેલાં છે કે લગભગ અડધા ભાગનાં ગામડાંને રેતી કાંકરી ઓછી મહેનતે મળી શકે એમ છે. એ કુદરતી સાધનનો સદ્‌ઉપયોગ થાય તો ચાર પાંચ વર્ષમાં ગામના સઘળા રસ્તા પાકા જેવા બની જાય એમ છે. રસ્તા સારા હોય તો માણસને, જનાવરને અને વાહનને ઓછામાં ઓછો ઘસારો લાગે, અને સમયનો બચાવ થઈ જાય.

રસ્તા અને તંદુરસ્તી

રસ્તાનો અને જાહેર તંદુરસ્તી – Public Health–નો સંબંધ પણ ભૂલવા સરખો નથી. રસ્તાની ધૂળ એ તંદુરસ્તીને હાનિકરતા જંતુઓ ફેલાવે છે. ધીમે ધીમે જતાં બળદ ગાડાં જેટલી ધૂળ ઉરાડે એના કરતાં ઝડપથી જતી ઘોડાગાડી વધારે ધૂળ ઉરાડે છે. અને ધૂળભરેલા રસ્તામાં મોટરકાર અને મોટરબસ—ખટારા નાખવામાં આવે ત્યારે તેમની આસપાસ ધૂળનાં વાદળો રચાય છે એ સૌના અનુભવની વાત છે. એટલે ધૂળ દાબી દે એવા પ્રકારની સપાટીવાળા રસ્તાઓની રચના હવે બહુ જરૂરી થઈ પડેલી છે. પથ્થર, ટાર, કૉંક્રીટ તથા ઍસ્ફાલ્ટના રસ્તાઓ – રસ્તાના પ્રકારો સર્વમાન્ય બનતા જાય છે – જો કે એ પ્રકારો અત્યંત ખર્ચાળ હોવાથી મોટાં શહેરો અને રાજનગરો સિવાય બીજે બહુ ઉપયોગમાં લેવાઈ શકાયા નથી. યુરોપ અમેરિકાના દેશોમાં તો આવા રસ્તા ગામડે ગામડે હોય છે એમ કહીએ તો ચાલી શકે. મૈસોર, સિલોન, જાવા, બાલી, પંજાબ વગેરે પ્રદેશોમાં પણ આવા ડામરના રસ્તાઓનો ગ્રામવિકાસમાં સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગામડે ગામડે સારી સપાટીવાળા, ઝડપી વ્યવહારમાં ઉપયોગી, તંદુરસ્તીને લાભપ્રદ થઈ પડે એવા રસ્તા બનાવી શકાય એ સ્વપ્ન શક્ય ત્યારે જ બને કે જ્યારે હિંદની આખી રાજ્યપદ્ધતિ બદલાઈ જાય, રાજ્યનાં નિરર્થક ખર્ચ ઓછાં થાય, રાજ્ય–ઉત્પન્નનો ઘણો ભાગ લોકોપયોગી કાર્યોમાં જ ખર્ચાય અને ગ્રામજનતા સંગઠિત બની પોતાના હક સાથે પોતાની ફરજો અદા કરવાની પણ તૈયારી બતાવે. પરંતુ ગામડે ગામડે ડામરના રસ્તા થાય તે પહેલાં આપણા ઉપમાર્ગો અને ગ્રામમાર્ગો નિદાન સીધા, ખાડા વગરના, જવરઅવરને સુલભ બનાવે એવા પહોળા અને છાયાવાળા તો બનાવી જ શકાય. હાલ તો રસ્તાઓ માત્ર ચોમાસામાં પાણી જવાના વહેળારૂપ અગર ઢંગધડા વગરના, નિરર્થક વાંકવળોટવાળા અને મોટે ભાગે દુર્ઘટ બની ગયેલા હોય છે. ગ્રામજનતા ધારે તો પોતાની અંગ મહેનતથી ગ્રામરસ્તા તો સારા રાખી જ શકે.

રસ્તા ઉપર રોપવાનાં વૃક્ષોનો ખ્યાલ પણ આ સાથે ભૂલવા સરખો નથી. વૃક્ષોનું જૂથ રસ્તાને શિતળતા આપે છે, શોભા આપે છે અને થાકેલાં માણસો અને વાહનોને વિશ્રાંતિ આપે છે. બળતણનાં સાધન અને વરસાદના આકર્ષણ તરીકે પણ ગ્રામરસ્તાઓ સુઘટિત અને ભરચક વૃક્ષારોપણની યોજનાઓવાળા હોવા જોઈએ.

રેલ્વે સ્થાપન થઈ ચૂકી છે એટલે હવે બધા જ રસ્તાઓ એને મદદરૂપ થઈ પડે એવા રચાવા જોઈએ. ખેડૂતોનો માલ મોકલવો અને અવરજવર કરવી એ ગ્રામરસ્તાનું મુખ્ય કામ. બજારો સાથે એ રસ્તાઓ જોડાય, અને તાલુકા સાથે એ રસ્તાઓ મળે એવી રીતે સહાયકારી રસ્તાઓ પણ થવા જોઈએ. ગામડાને હવે શહેરોથી બહુ દૂર રાખી શકાય એમ નથી.

આ રસ્તાઓ કોણ કરે ? રાજમાર્ગ કે સહાયકારી માર્ગ માટે આપણે નિષ્ણાતો જોઇએ, અને ખર્ચાળ યોજનાઓની પણ જરૂર પડે. સરકાર કે પ્રાંતપંચાયતો તે ઉપાડી લે.

ગ્રામરસ્તાઓમાં અંગ મહેનત માત્ર ગ્રામજનતા આપી શકે. ગ્રામજનતા પોતાના રસ્તા દુરસ્ત પણ રાખી શકે. સરકારને આધારે બેસી ન રહેતાં ગ્રામલોકો ગામના અને સીમના રસ્તા માત્ર અંગ મહેનતથી જ બનાવી લેવા માંડે તો ગ્રામજનતાનું આત્મભાન કેટલું જાગ્રત થાય ?

અલબત્ત, નાથ બાંધવી, પાણીના પ્રવાહો વાળવા, નાના પૂલ કે કાંસ બાંધવા એ બધાં કાર્યો ગ્રામરસ્તા પણ માગી લે છે અને તે માટે સરકાર તરફથી જ પ્રબંધ થાય એ જરૂરી છે, કારણ અંગ સિવાય બીજી કયી મૂડી ગ્રામજનતા પાસે રહેલી છે ? છતાં ગ્રામોન્નતિ ઈચ્છતી ગ્રામજનતા સરકારને આધારે બેસી તો ન જ રહે. લાકડાના નાના પૂલ અને તરાપા તથા દોરડાંના રસ્તાદ્વારા નદીઓ અને ખીણો કૂદી જવાની યોજના કરનાર હિંદવાસી સરકારની સહાય વગર નિરાધાર તો ન જ બનવો જોઈએ.

રસ્તા બદલનો સમસ્ત વિચાર નીચે પ્રમાણે ગોઠવી શકાય:—

રસ્તા
રાજમાર્ગસહાયકારી માર્ગગ્રામ માર્ગ
જળમાર્ગરેલ્વેધોરી–ટ્રંક રસ્તા
ધોરી રસ્તાને
મળતા રસ્તા.
ઉદ્યોગ વ્યાપારે કે રાજ્ય
મથકો સાથે જોડતા રસ્તા.
ગ્રામ રસ્તાને
ધોરી માર્ગ
સાથે જોડતા
ગામઠાણના રસ્તા.સીમના રસ્તા.એક ગામને બીજા ગામ
સાથે જોડતા રસ્તા.