ગ્રામોન્નતિ/બજાર

વિકિસ્રોતમાંથી
← ૬ રસ્તા ગ્રામોન્નતિ
બજાર
રમણલાલ દેસાઈ
૮ ધીરધાર—શાહુકારી પદ્ધતિ →








બજાર

બજાર

બજાર તો સહુએ જોયાં છે. શહેરનાં બજાર શહેરીઓના ધ્યાન બહાર ન જ હોય. પરંતુ ગામડાંમાં પણ બજારો હોય છે, એની શહેરવાસીઓને પૂરી ખબર હશે ખરી ? કદાચ ખબર હોય તો પણ બજાર એ ગ્રામજીવનનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે, એની ખબર ન હોય તો પણ સહુએ એ ખબર રાખવા જેવી છે.

શહેરોમાં અમુક દિવસે વિશિષ્ટ બજાર ભરાય છે. શહેરોમાં ભરાતા બજારને ‘ગુજરી’ કહે છે. એ નામ ધીમે ધીમે શહેરમાંથી પણ ભુલાતું જાય છે. ગામડાંમાં પણ બજારો ભરાય છે, અને કેટલીક જગાએ એ ‘હાટ’ ને નામે પણ ઓળખાય છે. શહેરનાં ચાલુ બજારો ઉપરાંત અઠવાડિયાના અમુક વારે આવાં બજારો અગર ગુજરીઓ જેમ ભરાય છે તેમ, ગ્રામવિભાગમાં પણ એકાદ મધ્યસ્થ અગર મહત્ત્વના ગામડામાં અગર વારાફરતી જુદાં જુદાં ગામડાંમાં બજારો અને હાટ ભરાય છે.

ઉપયોગ

આ બજારમાં કપાસ, અનાજ, કરિયાણાં, ખજુર, કોપરાં, કાપડ, રમકડાં, હલકાં ઘરેણાં, છીપકોડી કે શંખના અલંકાર, લાકડાંલોઢાનાં ઓજારો વગેરે વેચાય છે. આ બજારો ગ્રામજનતાને વખતોવખત ફરવા માટે, ઉજાણીઓ માટે અને વાતાવરણનો ફેરફાર કરી મનને આનંદ આપવા માટેના સાધનરૂપ પણ બને છે. એટલે તે હળવા મળવાનાં તથા આનંદના ગ્રામસ્થાનો અગર ગ્રામ્યસ્થાનો તરીકે પણ ગણી શકાય.

જૂની વેચાણ
વ્યવસ્થા.

ગામડાંની માલ વેચાણપદ્ધતિ બહુ જ પ્રાથમિક ભૂમિકામાં હજુ રહેલી છે. ખેતીમાં ઉત્પન્ન થતો માલ મોટે ભાગે ગામડાંમાં વસતા અગર કેટલાંક ગામડાંને હાથ કરી બેઠેલા વ્યાપારીઓને વેચી દેવામાં આવે છે. આ વેચાણ ઘણી વખત તો માલ પાકતા પહેલાં જ થઈ ગએલું હોય છે. કૃષિકાર દેવામાં દટાઈ ગએલો માનવી છે. પૈસાની તેને વારંવાર જરૂર પડ્યા કરે છે, એટલે કોઈ બુદ્ધિશાળી શાહુકાર ખેડૂતનો લેણદાર બની બહુ ઝડપથી ખેડૂતના માલને પણ પોતાને બનાવી દે છે. એટલે ઘણી વખત ખેડૂત જાણે પોતાનું દેવું ભરવાને માટે જ ખેતી કરતો ન હોય એવી સ્થિતિ બની રહે છે. શાહુકારને અપાયલો માલ શાહુકાર ગામડામાં ભેગો કરી એક જથ્થે રાલી બ્રધર્સ અગર એવી જ બીજી કોઈ મોટી વ્યાપારી નફા ઉપર રચાએલી દેશી પરદેશી કંપનીઓને વેચી દે છે. મોટા જથ્થામાં માલ વેચાય એમાં જેટલો ફાયદો મળે એના કરતાં વ્યકિતગત ખેડૂત પૃથક્‌ પૃથક્ માલ વેચે તેમાં માલની કિંમત ઘણી ઓછી મળે છે.

વળી પોતાના જ શાહુકારને માલ આપવાનો હોય એટલે ખેડૂત સ્વાભાવિક રીતે શરમ અને દબાણને વશ થાય છે. પ્રચલિત ભાવ કરતાં સહજ ઓછે ભાવે માલ વેચી દે છે, અને તોલની વિચિત્રતાને વશ થઈ તોલમાં પણ વધારે માલ આપી દે છે. આમ ભાવ તેમજ તોલમાં પણ ખેડૂતને સહન કરવું પડે છે.

હાટમાં અગર બજારમાં ખેડૂત પોતાનો માલ લઈ જાય ત્યારે પણ નાના મોટા વ્યાપારીઓ ખેડૂતોના અજ્ઞાનનો અને સંગઠનના અભાવનો લાભ લેવાને તત્પર જ હોય છે.

કાં તો દાણા સાટે બીજો માલ ખેડૂતને લેવાનો હોય, તો તેમાં દાણાને બદલે આપવાના માલની કિંમતમાં ખૂબ વધારો કરી દેવામાં આવે છે, અને રોકડ રકમ આપવાની હેય તો તેમાં પણ અભણ ખેડૂતને માલની કિંમત ઘણી ઓછી મળે છે. હાટમાં આવતા કપાસના વેચાણની નજરે જોએલી પરિસ્થિતિ બધા જ વેચાણનાં દૃષ્ટાંતરૂપ થઈ પડશે.

પદ્ધતિનો ચિતાર.

ગાંસડી અગર ગાડામાં ખેડૂત કપાસ લઈ હાટમાં આવે છે. કાપડ અગર કરિયાણાની દુકાનો માંડી બેઠેલા વ્યાપારીઓ અગર સારે ભાવે માલ વેચી આપવાનો ડૉળ કરનાર દલાલો કપાસમાંથી મૂઠી ભરી કપાસની જાત જોવા માટે કપાસ ઉઠાવી લે છે, અને ભાવ ઠરાવવાને બહાને એ મૂઠી કપાસ પોતાની પાસે જ રાખે છે. ભાવ પૂરતો કરતો નથી, ખૂબ ખેંચતાણ થાય છે, અને કપાસનો માલિક બીજા વ્યાપારી પાસે જાય છે, અને ત્યાં પણ તેની એ જ દશા થાય છે. પાંચ કે સાત વ્યાપારીઓની પકડમાં આવી ચૂકેલો ખેડૂત કંટાળી જાય છે, અને પોતાનો માલ વેચવાની અને પોતાને જરૂરનો માલ ખરીદવાની ઉતાવળમાં પડે છે. બપોર થતાં તે થાકી સાથે લાવેલો રોટલો ખાઈ ગાડાની ઓથે અગર ઝાડના શીળા નીચે સહજ આરામ લે છે. વ્યાપારીઓ વારંવાર તેની પાસે આવી જાય છે, ભાવ ઠરાવવાની વારંવાર માથાકૂટ કરે છે, અને અંતે જૂના સંબંધની, કોઈ વખત મદદ કર્યાની, અગર ભવિષ્યમાં થનાર લાભની દલીલને વશ થઈ વ્યાપારીઓમાંથી એક વ્યાપારીની દલીલને તે વશ થાય છે, અને તેને પોતાનો બધો માલ આપી દે છે. તોળવાનાં ત્રાજવાં અગર કાંટા વ્યાપારી પાસે જ તૈયાર હોય છે, અને એ કાંટા, ત્રાજવાં તથા કાટલાં વ્યાપારીને જ મદદરૂપ થઈ પડે એવા પ્રકારે ગોઠવાએલાં હોય છે. એટલે મોટે ભાગે ખેડૂતે વધારે તોલ આપવો પડે છે. ઉપરાંત છેવટ રહેલા કપાસમાં કીટી છે, કચરો છે, જાતફેર છે એવાં એવાં બહાનાં વેચાણ લેનાર તરફથી રજૂ થાય છે, અને નહિ જેવા ભાવે પાછળ રહેલો માલ લઈ લેવાની યુક્તિઓ રચાય છે. તેમ ન થાય તે આખો સોદો રદ કરવાની પણ ખેડૂતને ધમકી અપાય છે. ખેડૂત બીજે જાય તો ત્યાં પણ તેની એની એ સ્થિતિ થવાની હોય છે, એટલે કંટાળીને પરવશતા અનુભવી રહેલો ખેડૂત છેવટનો માલ ઠરેલા ભાવ કરતાં પણ ઓછે ભાવે આપી દે છે, અને આમ વેચાણની વાત કરવાથી લૂંટાતો લૂંટાતો તે છેવટના માલની આપલેમાં પણ લૂંટાય છે.

હાટમાં માલ લેનાર તેનો જ લેણદાર હોય તો આ વેચાણમાંથી અર્ધો પોણો ભાગ પોતાના લેણા પેટે રાખી લે છે. એટલે પોતાની અઠવાડીક અગર માસિક જરૂરિયાત માટેની ચીજો ખરીદવા આવેલા ખેડૂતને નવું દેવું કરી માલ લઈ જવાનો હોય છે. અને જે ચીજોની તેને ખરીદી કરવી હોય છે તે ચીજોના ભાવ અને તોલમાં તે પાછો લૂંટાય છે, એ તો જુદું જ.

ઉપરાંત હાટની વ્યવસ્થા કરવા આવેલા નાના પોલીસ કે મુલકી નોકરો જમીન રોકાણ માટે ધમકી આપી, ગાડાં બળદ અવ્યવસ્થિત રીતે મૂકવા માટેની ધમકી આપી, અથવા ન બેસવું જોઈએ ત્યાં બેઠા બદલ ખેડૂતને ગભરાવી બાચકો રૂ, મૂઠી અનાજ, અગર થોડું થોડું શાક પાન વગર કિંમતે ઊંચકી લઈ ખેડૂતનો ભાર હળવો કરે એ તો જુદું જ.

લૂંટાતો ખેડૂત

આમ ખેડૂત ઘર આગળ માલ વેચે કે હાટ આગળ માલ વેચે, તો પણ તેનું અજ્ઞાન તેને પોતાના માલનો પૂરો ભાવ પામવા દેતું નથી. વ્યાપારીઓ છડેચોક પોતાના તોલને ઠરેલા તોલ કરતાં બશેર પાંચ શેર જેટલો પણ વધારી મૂકે છે. ચાળીસ શેરનો મણ એ ઠરેલી વાત છે તે છતાં ગ્રામવિભાગમાં અનેક સ્થળે જુદા જુદા પાક માટે બહેંતાળીસો, પીસ્તાળીસો, અગર અડતાળીસો તોલ હોવાનું આપણે સાંભળીએ છીએ. એનો અર્થ એટલો જ કે ખેડૂત વેપારીને ત્યાં માલ વેચવા જાય ત્યારે તેણે માલ આપતી વખતે ચાળીસ શેરનો મણ ગણવાને બદલે બેંતાળીસ, પીસ્તાળીસ, કે અડતાળીસ શેરનો જ મણ ગણવો જોઇએ. અનાજ, કપાસ, મગફળી, કઠોળ, બીયાં, કે ઘી એ બધી જ ખેડૂતોદ્વારા ઊપજતી વસ્તુઓ માટે આ પ્રમાણે થાય છે.


કારખાનાં અને
વેચાણ.

કપાસનું મોટું વાવેતર કરનારા ખેડૂતો પ્રત્યે અગર સાધારણ સારા પ્રમાણમાં મગફળી ઉપજાવનાર ખેડૂતો પ્રત્યે રૂ કે મગફળીના દલાલો તેમ જ રૂ લોઢનાર તથા મગફળીનું તેલ બનાવનાર કારખાનાના માલિકો કેવું વર્તન રાખે છે, એ જાણીતી વાત છે. નાના ખેડૂતોની સ્થિતિ જેવી હાટમાં થાય છે, તેવી સ્થિતિ મોટા ખેડૂતની કારખાનામાં થાય છે. તોલ અને ભાવના ઝગડા ઉપરાંત ધર્માદાના નામ હેઠળ પાછો વધારાનો માલ ખૂંચવી લેવાની કારખાનાદારોની તરકીબ માલ પેદા કરનારને ખંખેરી લેવાનું એક નવું સાધન વેપારીને પૂરું પાડે છે. ખેડૂતોની સાથે થતી રકઝક, તેનું થતું અપમાન, તેની આખો દિવસ થતી હલાકી અને તેનો માલ પાછો વાળવાની ધમકી એ બધું તો બાજુએ મૂકીએ !

વેચાણમાં નિયંત્રણ

આવા સંજોગોમાં ખેડૂત અને વ્યાપારીઓ વચ્ચે થતા વ્યવહારને નિયંત્રિત અને નિયમિત કરવાની ખાસ જરૂર ઊભી થએલી છે. જેને માલ પકવવો નથી અને જેને માલના ખરા વેચાણમાં કંઈ પણ લાગતું વળગતું નથી એવા માત્ર નફો ખાઈ જનારા, મધ્યસ્થ માણસો – દલાલોની જરૂર જેમ બને તેમ ઘટવી જોઈએ. માલ ખેડૂત જ સીધો વેચી શકે એવી વ્યવસ્થા બનવી જોઇએ. વેચાણ કરવાના સ્થળો પણ ખેડૂતને સગવડ પડતાં સ્થળે ગોઠવવાં જોઈએ. એ સ્થળોએ ખેડૂતને પોતાનાં ગાડાં છોડવાની, માલ મૂકવાની, દિવસભર રહેવાની, ગોઠવણ પણ થવી જોઇએ. ગમે તેમ વપરાતા વજન માપ ઉપર પૂરેપૂરો અંકુશ મુકાવો જોઈએ. અને વેચાણના વ્યવહારમાં લાગવગ, દેવાલેણાની ધમકી તથા લાલચ અદૃશ્ય થાય એવું નિયમન થવું જોઇએ. વળી ભાવ ઠરાવવામાં ખેડૂતોના અજ્ઞાનનો લાભ ન લેવાય એમ ભાવની પણ જાહેરાત થવી જોઈએ; અને ખરીદનાર તથા વેચનાર વચ્ચે માલની જાત તથા કિંમત સંબંધી મતભેદ ઝઘડાનું સ્વરૂપ ન લઈ લે, તેમ જ કોઈને પણ શહેજોરી કરવાની તક ન મળે એ અર્થે સમજદાર ખેડૂતો તથા વ્યાપારીઓની નાની સરખી સમિતિ પણ આ બધી બાબતનું નિયંત્રણ કરવા માટે સ્થાપન થવી જોઈએ. આમ હોય તો જ બજાર, હાટ, પીઠ કે ગુજરીની વ્યવસ્થા ખેડૂતોના લાભાર્થે ઉપયોગમાં લાવી શકાય. નહિ તો આ બધાં બજારો માત્ર મેળાનું સ્વરૂપ ધારણ કરી, આપણી ગ્રામરચનાનાં આર્થિક વિભાગને ડામાડૉળ સ્થિતિમાં રાખી ખેડૂતોને ખેતી પ્રત્યે અભાવ જ ઉત્પન્ન કર્યા કરશે.

ચાલુ બજારોનો
વિકાસ

આપણે ત્યાં દાણાપીઠો હોય છે, હાટ હોય છે, તેમ જ ઘીનાં બજાર પણ હોય છે. ઘોડા કે બળદનાં વેચાણ માટેનાં પણ બજારો અલગ ભરાય છે, અગર સામાન્ય બજારો અને હાટોમાં આ જનાવરોનાં વેચાણ કરવામાં આવે છે. જૂની ઢબે ચાલતાં આ બધાં જ બજારોની વ્યવસ્થિત રચના કરવાનો સમય હવે આવી પહોંચ્યો છે. ખેડૂત સહેલાઈથી જઈ શકે, ખેડૂત સહેસાઇથી રહી શકે, ખેડૂતને ભાવ અને તોલના દગા ફટકામાંથી રક્ષણ મળે, તેમ જ તેને પોતાનો વ્યાપાર કરવામાં કાયદેસર અને નિઃસ્વાર્થ સલાહ મળે એવી રીતનાં બજારોની વ્યવસ્થા કરવાની જરૂરિયાત સઘળી સરકારોએ સ્વીકારેલી તો છે જ, પરંતુ તેનો જોઈએ તેવો અમલ હજી સુધી થયો નથી. આવી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી ખેડૂતની સ્થિતિ ખરેખર અસંતોષકારક જ રહેશે. ખેડૂતો અજ્ઞાન છે, પોતાનો લાભ શામાં રહેલો છે, તે પૂરેપૂરું સમજી શકે તેવી સ્થિતિમાં પણ નથી અને તેમની આર્થિક સ્થિતિ એવી કઢંગી છે કે તેઓ પોતાને મળતા તાત્કાલિક પૈસાને માટે સહજ પ્રયત્નથી આગળ ઉપર મળવાના ભારે લાભને જતા પણ કરે. એટલે માત્ર સરકારે જ નહિ પરંતુ ગ્રામોન્નતિનો પ્રયત્ન કરનાર પ્રજાસેવકોએ તેમજ સેવકસંસ્થાઓએ ખેડૂતોની વેચાણ વ્યવસ્થા નિયમિત પદ્ધતિ ઉપર લાવી, વ્યવસ્થિત અને નિયમબદ્ધ બજારના સ્વરૂપમાં વિકાસ પામે એમ કરવાની બહુ જ જરૂર છે. ગ્રામસેવકોનો એકાદ જથ્થો આ કાર્યમાં પણ રોકાય તો તે બહુ ઉપયોગી સેવા બજાવશે, કારણ પાકનું ઉત્પન્ન થતા પહેલાં લૂંટાતા ખેડૂતનો દલાલીમાં, વધારે તોલમાં, અનિશ્ચિત ભાવમાં, ધાકધમકીમાં, તેમજ ધર્માદાને બહાને ખૂંચવાતો માલ તેનો જ રહેશે અને તેમાંથી તેને માલની કિંમત મળશે જે હાલ તેને મળતી નથી. ખેડૂતના લૂંટાતા રૂપિયામાંથી એક આનો પણ બચાવી શકાય તો તે ભારે સેવા ગણી શકાય એમ છે.

ખેડૂતોનાં સંગઠન

ખેડૂતો ભેગા થઇ સંગઠન કરે અને પોતાનો માલ સંગઠન દ્વારા એક સામટો વેચવાની યોજના કરે તો તે બહુ જ ઇચ્છવા યોગ્ય છે. બજારો યોજવાથી ખેડૂતોના સંગઠનને પણ પ્રેરણા મળી શકે. વળી વ્યવસ્થિત બજાર થાય તો માલની જાતમાં પણ સુધારો કરવાની પ્રવૃત્તિ વધે, માલમાં ભેળસેળ કરવાની લાલચ ઓછી થાય. સારા, મધ્યમ, અને કનિષ્ટ માલનું વર્ગીકરણ થઈ શકે એટલે વ્યાપારીઓને પણ ભેળસેળ માલથી નુકસાન થવાનો સંભવ ઘણો ઓછો થઈ જાય, અને ખેડૂત તથા વ્યાપારી એ બન્ને પક્ષને પ્રમાણિક રહેવાની જરૂર જ ઊભી થાય.

બજારની રૂપરેખા

આમ ગ્રામોન્નતિમાં બજારની સ્થાપના પણ એક મહત્વનું તત્ત્વ છે. બજાર સ્થાપન કરવામાં નીચે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઇએ :–

(૧) રાજકીય, ધાર્મિક, અગર લાંબા વખતથી વ્યાપારની અનુકૂળતા માટે પ્રખ્યાત થયું હોય, અગર મધ્યમ સ્થળને લીધે અગર બીજા કોઇ કારણે વ્યાપારને ઉપયોગી થઈ પડ્યું હોય એવું સ્થળ બજાર માટે નિયુક્ત કરવું. શરૂઆતમાં તાલુકાવાર બજાર વિકસિત થાય એ ઈચ્છવા યોગ્ય છે, જો કે જરૂર પડ્યે એક તાલુકામાં બે ત્રણ બજારો પણ ઊભાં કરવાં પડે.

(૨) અસ્તિત્વમાં હોય એવાં બજાર કે હાટને પણ વિકસાવી શકાય.

(૩) બજારની સાથે આસપાસનાં ગામોને જોડતા દુરસ્ત અને સારા પહોળા રસ્તાઓ પણ રચાવા જોઈએ.

(૪) બજારને સ્થળે ગાડાં ઊભા રહેવાની જગા તેમ જ માલ ભરવાની વખારો તથા માલ વેચવા માટેની દુકાનોનું સાધન તૈયાર કરવું જોઇએ. હિંદમાં મકાનો પાછળ બહુ ખર્ચ કરવાની સરકારોને ટેવ પડેલી છે. એ ખર્ચાળ ટેવ જેમ બને તેમ ઓછી કરી નાખી, બહુ જ ઓછા ખર્ચે તૈયાર થઈ શકતી માટીની પડાળીઓ, વાંસ કે પાલાના માંડવા, અગર એવી જ કોઈ સોંઘી રચના બજારો માટે કરવી જોઈએ. નહિ તો તાલુકે તાલુકે બજાર કરવાના બાંધકામમાં કરોડો રૂપિયાનો વ્યય થઈ જાય, જેમ કરવાની હિંદુસ્તાનમાં જરા ય જરૂર નથી.

(૫) બજાર સ્થાપન કરવાનું કાયદાથી ઠરાવવું જોઈએ.

(૬) બજારમાં વાપરવાનાં વજન, માપ, તોલ, તથા કાટલાં સર્વગ્રાહ્ય અને કાયદાપૂર્વક ઠરેલાં હોવાં જોઇએ, અને તે જ વ૫રાય છે કે કેમ, તે જોવાની સરકારી તથા અર્ધ સરકારી અમલદારોની ફરજ ગણાવી જોઈએ.

(૭) ભાવ સંબંધમાં ખેડૂતો સમજી શકે એવી માહિતિ બજારમાં ઉપલબ્ધ રહેવી જોઈએ.

(૮) વ્યાપારીઓ તથા ખેડૂતોની બનેલી એક સમિતિ બજારના નિર્બન્ધ માટે સ્થાપન કરવી જોઇએ. અને ભાવતાલના ઝગડાનું નિરાકરણ કરવાની સત્તા એ સમિતિને અપાવી જોઈએ.

(૯) બજારનું ખર્ચ ચલાવવા માટે સરકારે અને લોકોએ મળીને રકમ ઊભી કરવી જોઈએ. ચારે પાસથી ચાલતી લૂંટ અટકતાં પોતાના ફાયદા માટે વિકસેલી બજાર જેવી સંસ્થા ચલાવવા, બજારનો લાભ લેનાર ખેડૂતો જરૂર પ્રવૃત થશે જ.

(૧૦) બજારો સગવડ પ્રમાણે જુદી જુદી વસ્તુઓનાં પણ હોઈ શકે, અગર મિશ્ર વસ્તુઓ માટે પણ હોઈ શકે.

(૧૧) બજારમાં ચાલેલા વ્યવહારની તથા તેના ખર્ચના હિસાબની પૂરેપૂરી જાહેરાત થવી જોઈએ.

બજાર ખાતાં.

હિંદી સરકારે મોટે ખર્ચે બજાર ખાતું સ્થાપ્યું છે અને કેટલાંક પ્રાંતિક તેમજ દેશી રાજ્યોમાં બજાર અમલદારોની નિમણુંકો પણ કરવામાં આવેલી છે. હજી ભારે ખર્ચ પગારદાર નોકરોદ્વારા ચલાવાતાં આવાં ખાતાંમાં અવલોકનો અને તપાસનું જ કામ ચાલુ છે. આ તપાસોમાંથી ખેડૂતની સ્થિતિ સુધરે એવી યોજનાઓ ખીલી નીકળે એમ આપણે આશા રાખીએ—જો કે અત્યાર સુધી તો ખર્ચાળ નિમણુંકો અને માત્ર અંગ્રેજી ભણેલાઓ–અને તે પણ જેમનો તે વાંચ્યા વગર છૂટકો ન થાય તેવા અમલદારો–એવાં વિદ્વત્તાભર્યાં નિવેદનો અને જૂજજાજ પ્રયોગશાળાઓ સિવાય બીજું કંઈ પરિણામ આવેલું દેખાતું નથી. આવાં ખર્ચાળ મહેકમો પાછળ થતો પગાર અને ભથ્થાભાડાંનો ખર્ચ જોતાં ખેડૂતનાં દૃષ્ટિબિંદુથી ફરિયાદ કરવાનું કારણ તો રહેશે જ કે ખર્ચાતી રકમ જેટલો પણ બદલો ખેડૂતના ઉત્પન્ન વધારવા માટે મળતા હશે કે કેમ એ શંકા ભરેલું છે.

ગ્રામોન્નતિ અને
ખર્ચાળપણું.

મોટાં મકાનો, ભારે પગારો, અને મોગલાઈ ઠાઠ જો ગ્રામોન્નતિના પ્રદેશમાં પ્રવેશ કરશે તો એ ગ્રામોન્નતિ પોકળ, નિર્જીવ, અને નિર્માલ્ય દેશદ્રોહી અમલદારો ઉપજાવવાની જ યોજના બની રહેશે. ભારે પગારનું ભૂત જેમ બને તેમ હિંદમાંથી વહેલું અદૃશ્ય થાય તેમ વધારે સારું. અને ગ્રામોન્નતિને નામે ખોલવામાં આવતી જગાઓમાં તો ભારે પગાર કલંકરૂપ જ ગણી શકાય.