ગ્રામોન્નતિ/ધીરધાર—શાહુકારી પદ્ધતિ

વિકિસ્રોતમાંથી
← ૭ બજાર ગ્રામોન્નતિ
ધીરધાર—શાહુકારી પદ્ધતિ
રમણલાલ દેસાઈ
૯ શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો →








ધીરધાર

શાહુકારી પદ્ધતિ

શાહુકારને તો સહુ કોઈ ઓળખે છે. ગ્રામજીવનમાં શાહુકાર એક અત્યંત મહત્ત્વની વ્યક્તિ છે. એકાદ મોટા ગામડામાં તે રહેતો હોય અગર ગામડાની પાસે આવેલા કસ્બા કે શહેરમાં રહી, તે ગામડામાં પોતાના લેણદેણની વ્યવસ્થા કરતો હોય. બનતા સુધી ગામડામાં તે પોતાનું ઘર રાખે છે. ખેડૂત અને બીજી ગરીબ વસ્તીના કરતાં શાહુકારનું ઘર જુદું જ પડી આવે છે. એ મકાન પાકું હોય, પ્રમાણમાં વિશાળ હોય અને ધનિકતાનો ભાસ આપનારું હોય.

શાહુકારનો પોષાક પણ ખેડૂત અને મજુર કરતાં જુદો. પ્રમાણમાં સ્વચ્છ કપડાં તે પહેરે છે. સંભાવિતપણુ દેખાય એવી પાઘડી, ખેસ અને જોડા તેને ગ્રામવ્યક્તિઓથી જુદો પાડી દે છે. જનતામાં તેને માન મળે છે, એને બેસવા માટે પાથરણું પથરાય છે, અને કોઇ અમલદાર ગામમાં આવે ત્યારે શાહુકારને આગેવાની મળે છે. કદાચ અમલદારનો ઉતારો જ શાહુકારને ઘેર હોય, અને અમલદારને યોગ્ય સિધું પણ ગામડામાં શાહુકારને ત્યાંથી જ મળે.

શાહુકાર

તે વાચાળ હોય છે, બુદ્ધિશાળી હોય છે, જરુર પડે ત્યાં અત્યંત નમ્ર બનવાની અને સ્વાર્થ હોય ત્યાં અત્યંત સખ્ત થવાની માનસિક શક્તિ પણ ધરાવે છે. તેને મહેનતનો કંટાળો નથી; ટાઢ તાપ કે વરસાદથી તે થાકતો નથી. ગામડે ગામડે, ગામડાનાં ઘર ઘરમાં અને ખેતર ખેતરમાં તે રખડી શકે છે. ખેતીની મોસમનો તેને પૂરો ખ્યાલ હોય છે. ખેડૂતના પાકની તે ઠીક ઠીક ખબર રાખે છે, અને પાક તૈયાર થઈ ખળામાં કે ખેડૂતના ઘરમાં આવે તે અરસામાં જ તે પોતાની ઉઘરાણી માટે તેમ જ માલના વેચાણ માટે હાજરાહજૂર થઈ શકે છે. કોને ત્યાં કેટલો પાક થશે તેને અંદાજ તેણે કાઢી મૂકેલો જ હોય છે.

ઘણીવાર આ શાહુકાર દુકાનદાર પણ હોય છે.

શાહુકાર પ્રત્યે ગ્રામજનતા માન અને ભયની મિશ્રિત લાગણીથી જૂએ છે, કારણ ગ્રામવિભાગની આર્થિક યોજનાનો વિધાયક આ શાહુકાર જ હોય છે. ખેડૂતની પાસે તો પૈસો હોતો નથી. જરુર પડે ત્યારે આ જાદુગર ખેડૂતને પૈસો દેખાડે છે. ગ્રામ-આર્થિક રચનાના પાયારૂપ આ શાહુકારને સારી રીતે સમજવાની જરુર છે.

ખેડૂતની જરૂરીયાત

ખેડૂતને અને ગ્રામજનતાને ડગલે પગલે પૈસાની જરુર પડે. ખેડૂત દેવાદાર તો છે જ, પરંતુ તેણે જીવવા માટે ખેતી તો કરવી જ જોઈએ. ખેતી સિવાય અને ખેતી ઉપરની મજૂરી સિવાય તેને જીવવાનો બીજો માર્ગ નથી. ખેતી માટે તેને બી ખાતર જોઈએ-થોડે અંશે બી સંઘરી રાખવાની પદ્ધતિ હોવા છતાં. ખેડૂતને ઓજાર જોઈએ અને ઓજાર હોય તો તેની દુરસ્તી પણ કરાવવી જોઈએ. ખેડૂતને ખેતી કરવા માટે બળદ જોઈએ, અને એ બળદની જોડ ખેડૂતની આવકના પ્રમાણમાં ભારે કિંમતની ગણાય. ખેતી પહેલાં ખેતરને સાફ કરવાનું હોય, કચરો દૂર કરવાનો હોય, ઢાળીયા કરવાના હોય, ખાડા કરવાના હોય, અને ખેતરને થોરીયાની વાડ કરવાની હોય. કદાચ પાણીની સગવડ માટે તેને કાચો કે પાકો કૂવો પણ કરવો પડે. કોસ, વરત અને દોરડાં પણ ખરીદવાં પડે. આ બધી ખેતીની આવશ્યક વસ્તુઓ વગર પોતાનાથી ખેતી થઈ શકે નહિ.

આ પોતાના ધંધાના અંગની જરૂરિયાત. પરંતુ ખેડૂત માનવી હોઈ તેને જીવવું પડે છે, ન્યાતજાતમાં રહેવું પડે છે, વ્યવહાર સાચવવા પડે છે, લગ્ન, મરણ જેવી મહત્ત્વની ક્રિયાઓ પણ કરવી પડે છે, અને જો કે કેળવણી અને આનંદને માટે ખેડૂતની પાસે ભાગ્યે કંઈ પૈસો રહે છે, છતાં કોઈ કોઈ વાર તે કોઈ આનંદના કાર્યક્રમમાં ભાગ લે તો તેથી ગ્રામજીવનના ઉદ્ધારકોએ ખેડૂતના ઉડાઉપણા ઉપર તૂટી પડવાની જરૂર નથી. આનંદ વગરનું જીવન વેઠરુપ છે, અને વેઠમાં દિવસ ગુજારતા ખેડૂતને જીવતો રાખવો હોય તો તેને જગતે આનંદમાં વધારે સાધનો આપવાં જોઈશે. આમ તેના ધંધાને અંગે અને તેના સામાજીક જીવનને અંગે ખેડૂતને પૈસાની જરૂર રહે છે અને એ પૈસો તે શાહુકારની પાસેથી મેળવે છે.

ધીરધારનો ધંધો

શાહુકારની ત્રીજીચોથી પેઢીનો પૂર્વજ દોરી લોટો લઈ મારવાડમાંથી કે ગુજરાતમાંથી ગામડે આવી વસેલો હોય છે. એની ઝીણી—વ્યાપારી દૃષ્ટિ શૂન્યમાંથી સંપત્તિ મેળવી આપે છે. મીઠુંમરચું વેચવાની શરૂઆતમાંથી શાહુકાર આખા ગામમાં અગર આખા ટપ્પામાં ધીરાણ કરવાનું સામર્થ્ય મેળવી શકે છે. વ્યાપારી બુદ્ધિ પૈસો, મિલકત, અને સત્તા કેવી રીતે મેળવી શકે છે, તેનું દૃષ્ટાન્ત શાહુકારી પદ્ધતિ બહુ સારી રીતે પૂરું પાડી શકે એમ છે.

ધીરધારનો ધંધો અતિ પ્રાચીન છે, મનુસ્મૃતિમાં પણ તેનો ઉલ્લેખ છે જ. ધીરધારના ધંધાને અંગે ઉત્પન્ન થતું સ્વાર્થી, સાંકડું અને ક્લુષિત માનસ, સ્મૃતિકારો, ધર્માચાર્યો, તત્ત્વજ્ઞો, કવિઓ, અને સુધારકો દ્વારા બહુ સખ્ત શબ્દોમાં વખોડાયું છે. વ્યાજખોરોને માટે બાઇબલ બહુ સખ્ત સજા ફરમાવે છે. મુસ્લિમ ધર્મે તો વ્યાજને હરામ ગણેલું છે – જો કે વ્યાજનું નામ ન આપતાં વ્યાજના સાટામાં વ્યાજને પણ આંટે એવો ધીરાણનો બદલો લેવાના માર્ગ મુરિલમ શરાફોને નથી જડ્યા એમ નહિ.

કૃષિકાર અને શાહુ-
કારનાં માનસ

ગ્રામજનતા ધંધાદારી દેવું અને સામાજિક – લૌકિક દેવું એ બેનો ભેદ પાડતી નથી. ખેડૂતને બીજ માટે પૈસો જોઇએ કે હળ માટે પૈસો જોઈએ તો પણ તે શાહુકાર પાસે જાય. બાપનું બારમું કરવું હોય, માનું વરશી વાળવું હોય કે સાધુની ટીપમાં ફાળો કરવો હોય તો પણ તેને શાહુકારની પાસેથી જ નાણાં લેવાનાં. જાત્રા કરવી હોય અગર વૈદ્યની પાસેથી દવા લાવવી હોય તો પણ તેના પૈસા શાહુકારને ત્યાંથી જ મળે. ઊંચી ઢબનું નાણાશાસ્ત્ર ઉત્પાદક અને બિનઉત્પાદક એવા બે પ્રકારના દેવાનું વર્ગીકરણ કરે છે, તેનું ખેડૂતને જ્ઞાન નથી. એક તો તે અભણ હોય છે. એને મન ખેતી એ માત્ર ઉત્પાદક ધંધો નહિ પરંતુ એનો વંશપરંપરાગત જીવનવ્યવહાર છે એવું તે માને છે. ખેતીના ધંધામાં અઠવાડિક કે માસિક આવક મળતી નથી કે જેને લઇને લેણદેણનો તાબડતોબ નિકાલ કરી શકાય. બે પાક લેનાર ખેડૂતને છ માસે અને એક પાક લેનાર ખેડૂતને તો વર્ષે દિવસે પાકની કિંમત હાથમાં આવવાની. અને તે હાથમાં પણ શાની આવવાની ? વર્ષ કે છ માસમાં તેની ધંધાની અને નિત્ય વ્યવહારની જરૂરિયાતો પોતાની શાખ ઉપર જ પૂરી પાડવી રહી. અને ખેડૂતની શાખ એટલે શું ? એની જમીન, એનાં ઢોરઢાંખર, એનું ખોરડું, અને કંઈક અંશે એની સાચી દાનત તથા મહેનત કરવાની શક્તિ. દાનત અને શક્તિ એ બન્ને તત્ત્વો ચલ છે. આજનો સાચો માણસ આવતી કાલે સ્થિતિ પલટાતાં જુઠો પણ બની જાય. આજે પહાડ જેવો દેખાતો ખેડૂત આવતી કાલ ટાઢિયા તાવમાં પોતાની બધી શક્તિ ખોઈને પણ બેસે. એટલે જો કે શાહુકાર એ બન્ને તત્ત્વો ધ્યાનમાં તો લે છે જ, તથાપિ ધીરાણ કરતી વખતે તેની નજર ખેડૂતની જમીન અને ખેડૂતની સ્થાવર જંગમ મિલકત ઉપર જ રહે છે. અંગઉધાર ધીરાણની મર્યાદા બહુ ઝડપથી ખેડૂત ઉલ્લંઘી જાય છે. એટલે તેને પોતાની મિલકત ગીરવી મૂકીને નાણાં લેવાની જરૂર પડે છે. શાહુકાર તો ખુલ્લી રીતે ધીરધારનો ધંધો નફો મેળવવા માટે જ કરે છે. શાહુકારને ગ્રામોદ્ધાર કરવો નથી. શાહુકાર ખેડૂતોની જિંદગી સુધારવાના ધ્યેયથી વ્યાપાર કરવો નથી. એણે ધીરધારના ધંધાનો સ્વીકાર દયાધર્મની ભાવનાથી પ્રેરાઈને કરેલો નથી. સહુ ધંધાદારીઓની માફક શાહુકાર પણ નફો મેળવી પોતાની સ્થિતિ સુધારવાના સ્પષ્ટ ઉદ્દેશથી જ ધંધામાં પડે છે; એટલે તે સ્વાભાવિક રીતે ખેડૂતોની નબળાઇનો લાભ લઈ શકે છે. ધીરાણમાંથી તે વ્યાજ મેળવે છે – ઘણી વાર તે વ્યાજનું વ્યાજ પણ મેળવે છે, ખેડૂતના પાકનું વેચાણ કરાવી આપી તેમાંથી દલાલી મેળવે છે, અગર આખા પાક વેચાતો લઈ તેના નવા ધંધામાંથી પણ ખેડૂતને ન મળતો નફો તે મેળવી શકે છે. અજ્ઞાન, આળસ, નિરાશા અને સતત મહેનતમાં ડૂબેલો ખેડૂત જમીન ઉપર મહેનત કરતો જ રહે છે, અને તેની સ્થિતિ જરા ય સુધરતી નથી. ખેડૂતની મિલકતમાં ભાગલા પડી જાય છે, અને જમીન કે મિલકત પાછી છોડાવવાની આશામાં ગીરોનો વ્યવહાર કરનાર ખેડૂત મુદ્દલ અને વ્યાજવટાવના ભારણમાં એટલો દબાઈ જાય છે કે તેને ધીમેધીમે પોતાનાં ઢોર, પછી પોતાનું ઘર અને પછી પોતાની જમીન શાહુકારને વેચાણ લખી આપવી પડે છે. આમ જમીનનો એક વખતનો માલિક માલકીથી મુક્ત થઈ શાહુકારનો ગણોતિયો કે મજુર બની જાય છે, – અરે ! મજુરી જેટલો પણ તેને પોતાની પ્રિય જમીન સાથે સંબંધ રહેતો નથી.

શાહુકારો વિરૂદ્ધ ટીકા

શાહુકારી પદ્ધતિ વિરુદ્ધ ઘણું ઘણું બોલાયું છે, અને લખાયું છે. શાહુકારોને મૂડીવાદી લોહી ચૂસનારા રાક્ષસો તરીકે પણ ચિતરવામાં આવેલા છે. શાહુકારી પદ્ધતિએ જમીનની સાથે પ્રત્યક્ષ સંબંધ ન ધરાવનારા એવા શાહુકાર વર્ગના હાથમાં જમીનનો મોટો જથ્થો મૂકી દીધો છે, તથા કૃષિ તથા કૃષિકારનું તેણે સર્વથા કલ્યાણ સાધ્યું નથી, એટલું તો આપણે કહી શકીએ. છતાં શાહુકારો વિરુદ્ધ ટીકા કરનાર સમાજસેવકો, વકીલો, અને અમલદારોએ ખાસ કરીને સમજવું જોઈએ કે તેમના પોતાના અસ્તિત્વે પણ ખેડૂતોની ઓછી ખરાબી કરી નથી. હજાર, બે હજાર, ચાર હજારનો માસિક પગાર સરકારી કચેરીઓમાં, વ્યાપારી પેઢીઓમાં અગર શરાફી બેંકોમાં નિયમિત રીતે મેળવી, મૉજશોખનાં સર્વ સાધનો ભરેલી દુનિયા સાથે સાથે ફેરવી કોઇવાર ગામડે જવાનો ડૉળ કરી ખેડૂતોની સ્થિતિનાં હૃદયદ્રાવક વર્ણનો અને શાહુકારોનાં રાક્ષસી વર્તાનનાં બ્યાન કરનારો એ વર્તમાન અમલદાર કે વ્યાપારી વર્ગ ગામડાંના શાહુકારો કરતાં જરાય ઓછો રાક્ષસી નથી. એ વર્ગે પણ સમજવું જોઇએ કે જેમ શાહુકારની સંપત્તિ શાહુકારે ખેડૂતો પાસેથી ઝુંટવી લીધી છે, તેમ તેણે પણ પોતાની ઝાકઝમાળ સ્થિતિ ખેડૂતના પ્રસ્વેદ અને ખેડૂતનાં રુધિર ઉપર જ રચેલી છે. પ્રત્યેક માસે પગાર લેતો પગારદાર શાહુકારાનું ભૂંડું બોલવાનો જરા ય હક્ક મેળવતો નથી. શાહુકાર એક ઉપયોગી કાર્ય તો કરે જ છે, – ગ્રામની આર્થિક વ્યવસ્થા તે જીવતી રાખે છે, અને ખેડૂતની શાખ પહોંચે ત્યાં સુધી તેને ઉપયોગી થઈ પડે છે. શાહુકારને માથે અપવાદ છે કે તે ખેડૂતના અજ્ઞાનનો લાભ લે છે, ખોટા હિસાબો લખે છે, વ્યાજમાં ખેડૂતને કચરી નાખે છે, તેની મિલકત જલદી હાથમાં આવે એવી યુક્તિઓ રચે છે. આ બધું અમુક અંશે ખરું છે. પરંતુ અજ્ઞાનનો લાભ અમલદારો, વકીલો, ડોક્ટરો અને ઇજનેરાએ પણ ક્યાં નથી લીધો ? ખેડૂતો ખરેખર સમજતા થશે તે દિવસે શાહુકારોની સાથે તેઓ આ ભણેલા વર્ગને પણ ઉખાડી નાખવા કેમ ઇચ્છા નહિ રાખે ? શાહુકારે તો ગ્રામની આર્થિક સ્થિતિ પણ જાળવી રાખી છે, અને તેની દુષ્ટતાના અનેક અનેક પ્રસંગો નોંધાયા હોવા છતાં તેણે ધંધા અર્થે ગામડામાં વસવાટ કર્યો છે, અને ભણેલાઓ જેમની સાથે બોલતાં શરમાય છે તેવા ખેડૂતોને ઘેરઘેર જઈ તેને પૈસા આપ્યા છે, અને તેના વ્યવહાર સાચવ્યા છે; ઘણીવાર તો ખેડૂતની શાખ અને મિલકત બન્ને વટાઈ ગયા છતાં તેને જીવતો રાખવાની માણસાઈ ઘણાએ દાખલાઓમાં તેણે દર્શાવી છે. અજ્ઞાન ખેડૂતની સાથે અસહ્ય લમણાઝીક કરી પોતાનાં દેવાં લેણાં પતાવ્યાં છે. ગામડાના માલને બજારભેગો કરવાનું સાહસ પણ તેણે કર્યું છે. શાહુકારમાં દયાનો ભાસ નથી એમ આપણે ભલે કહીએ. તે નહિ હોય. દયાખાતર તે પોતાનો વ્યાપાર કરતો જ નથી. આપણે બધા દયાનું વ્રત લઈ બેઠા હોઈએ એમ જાણવામાં નથી. છતાં ગામડાંના ખેડૂતોને નાણાં ધીરવામાં રહેલું જોખમ શાહુકાર ઉપાડે છે, અને ખેતીવાડી જેવા અસ્થિર ધંધાનો આર્થિક પાયો પોતાના હાથમાં રાખવાનું સાહસ કરવા જેટલું જીગર તે ધરાવે છે, એટલું તો તને માટે કહેવું પડશે. શાહુકારોને દોષ દેતા પહેલાં, આપણે સમજવું જોઇએ કે હિંદુસ્થાનનું રાજ્ય હાથ કરી લેનારી વ્યાપારી ઈસ્ટ ઈડીયા કંપની દયા અને ખ્રિસ્તિ ઉદારતા – Christian charity ઉપર રચાયેલી ન હતી.

શાહુકારી પદ્ધતિની
ખામીઓ

એટલું તો ચોક્કસ કે શાહુકારી પ્રથાએ ગ્રામજીવનના આર્થિક વિભાગમાં બહુ ઉપયોગી ભાગ ભજવ્યો હોવા છતાં – તેણે ગ્રામજીવનને સમર્થ બનાવ્યું તો નથી જ. સઘળો દોષ શાહુકારી પદ્ધતિનો નથી. રાજકીય અને આંતરરાષ્ટ્રિય કારણો ગ્રામજીવનને નિર્બળ કરવામાં સહાયભૂત થયાં છે, એટલે ગ્રામજીવનને સુદૃઢ કરવા માટે શક્તિ જોઈએ તે શાહુકારી પદ્ધતિમાં રહી નથી એટલું તો આપણે તેનાં વખાણ કરવા છતાં પણ કબૂલ કરવું પડશે. શાહુકારી પદ્ધતિને લીધે :—

(૧) ખેડૂતોનાં અજ્ઞાનનો લાભ લેવાની વૃત્તિ જાગૃત થઈ છે;

(૨) ખેડૂતોને સ્વાભાવિક રીતે મળવાના ભાવ તેને મળતા નથી;

(૩) ખેડૂતો જમીન અને મિલકત વગરના થતા જાય છે;

(૪) જમીન સાથે જરા ય સંસર્ગ નહિ એવા પ્રકારના વ્યાપારી વર્ગના હાથમાં જમીનની માલકી આવી જાય છે, એટલે જમીન મેળવવાની શક્તિ ધરાવતા ખેડૂત મજૂર કે ગણોતિયો બની જઇ, જમીન ઉપર પૂરતી મહેનત કરતો નથી, જમીન ઉપર ભાવ રાખતો નથી, અને જમીન વધારે ફળદ્રુપ કરવાની સહજ પણ ઈંતેજારી સ્વાભાવિક રીતે દેખાડતો નથી. લેણદેણ, ઉઘરાણી, ચોપડા, અને વેચાણમાં પડેલા શાહુકારને કૃષિ સંબંધી ગતાગમ હોતી જ નથી, એટલે તેનાથી ડૉળ કરવા છતાં પણ જમીન સુધારવાનું બની શકતું નથી.

(૫) જમીન સુધારણામાં ખેડૂતની સાથે શાહુકારને પણ લાભ છે, એવી ભાવના ધનિક–શાહુકાર વર્ગમાં હજી જાગ્રત થઈ નથી. એટલે વ્યાપારી – લાભ – નફો મેળવવામાં કેળવાયલી – બુદ્ધિ ખેતીને પ્રત્યક્ષ ઉપયોગી ન નીવડતાં ખેતીને ઘાતક નીવડે એવી રીતે ધીરધારની પદ્ધતિ ચાલે છે.

(૬) ખેતી પૈસા રોકવાને પાત્ર ધંધો છે એવી ખાતરી ધંધાદારીઓની થઈ નથી.

(૭) મહેનત અને બુદ્ધિને બળે ટકી રહેતા ખેડૂત વર્ગનો નાનકડો ભાગ પણ શાહુકારી પદ્ધતિમાં લપસી જઈ ખેડૂત મટી જાય છે.

(૮) ખેતી અને ખેડૂત એ ગ્રામજીવનના – હિંદી જીવનના પાયા રૂપ તત્ત્વો છે એ વાત ભૂલાઈને જ બધા વ્યવહાર થાય છે.

એટલે હવે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે શાહુકારો પદ્ધતિને કાં તો તોડી નાખવી, તેને સુધારવા માટે તેનું નિયમન કરવું અથવા ગ્રામજીવનની વધારે સેવા કરી શકે એવી કોઈ આર્થિક યોજનાઓ ગ્રામજીવનમાં દાખલ કરવી. એ પ્રશ્નો મહત્ત્વના બની ગયા છે. સરકાર શાહુકારનાં બધાં કાર્યો બજાવે તો શાહુકારી પદ્ધતિની જરૂર ન રહે. પરંતુ રાષ્ટ્રિય મિલકત રાષ્ટ્ર કે રાજ્યને કબજે કરવા જેવી સામાજીક કે સામ્યતા પ્રેરક રચના ન થાય ત્યાં સુધી એ પ્રશ્ન માત્ર ભંજક દૃષ્ટિએ જ ઉપયોગી થઈ પડે. એટલે સમાજવાદ અને સામ્યવાદની દૃષ્ટિ સિવાયના એ પદ્ધતિના સુધારાનો વિચાર અત્રે કરીશું.