ગ્રામોન્નતિ/શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો

વિકિસ્રોતમાંથી
← ૮ ધીરધાર—શાહુકારી પદ્ધતિ ગ્રામોન્નતિ
શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો
રમણલાલ દેસાઈ
૧૦ સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ →








શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો.

શાહુકારી પદ્ધતિ શી રીતે સુધરે ?

શાહુકારી પદ્ધતિની
મુશ્કેલીઓ

ખેડૂતના અજ્ઞાનનો લાભ લેવાતો હોય તો તે દૂર કરવા પ્રયત્ન કરવો. શાહુકારના વ્યાજ વટાવનો બચાવ તેનાં સાહસ, જોખમ અને સેવામાં કદાચ થઈ શકે. શાહકાર જે ધીરાણ કરે છે તે બધું જ પાછું આવે એમ બધા પ્રસંગોમાં બનતું નથી. બહુ કાળજી રાખ્યા છતાં લેણું ડૂબે એ પણ સંભવિત છે.

ધાર્યા પ્રમાણે લેણું પાછું ન આવે એ પણ શાહુકારે સ્વીકારી લેવાનું હોય છે. દેણદારનો માલ ખપે નહિ, માલ પૂરો ઉપજે નહીં, ખપ્યા પછી ઉપજેલા પૈસા દેણદાર બીજે જ ભાગે ખર્ચે એ સંભવો ગ્રામજીવનમાં હોય છે જ. એટલે શાહુકારને વખતસર ન મળતી રકમ માટેની તૈયારી પણ રાખવી પડે છે.

એટલે તો વ્યાજ, વટાવ, કોથળી છોડામણી, પાઘડી, સુખડી જેવાં નામો આપી લ્હેણાની રકમને પોતાના લાભમાં તે હળવી કરે છે, અને ગરજાળુ દેણદાર પૈસાની જરૂરમાં એ માગણીઓ સ્વીકારી લે છે. સો રૂપિયાની રકમ શાહુકાર ખેડૂતને કાઢી આપે એટલે છથી બાર ટકા જેટલું વ્યાજ પૈસાના ભાડા તરીકે લેવાય. બે રૂપિયા કોથળી છોડામણી હોય, બે રૂપિયા વટાવ હોય, એકાદ રૂપિયો પાઘડી ખાતે પણ આપવો પડે. સો રૂપિયામાંથી પંચાણુ – અરે એથી યે એાછા – ખેડૂતના હાથમાં જાય, અને તે સોની જવાબદારી ઉપરાંત પૂરી રકમના ભાડા–વ્યાજનું ભારણ પણ ભોગવે !

શાહુકારને હિસાબ લખવો પડે, ઉઘરાણી કરવી પડે, કાયદાનો ખર્ચાળ અને હેરાન કરી નાખતો આશ્રય લેવો પડે, ધીરાણ સહેલાઇથી વસુલ થાય એવી સરળતા કાયદો તેને આપતો નથી, હપતા પડે તે ચલાવી લેવું પડે, અને પ્રસંગે નાદારીમાં જતા ખેડૂતનું લેણું કે લેણાનો ભાગ જતો પણ કરવો પડે. એનો એ બદલો માગે એ સમજાય એવું છે, એની સલામતી માટે એ સખ્ત થાય એ પણ વાસ્તવિક છે, અને સંભવિત ખાધ પૂરવા માટે એ એક અગર બીજા રૂપમાં લેણાં નિર્ભય કરે એ પણ વાજબી છે. વ્યાજ તો બૅન્કો – શરાફી પેઢીઓ પણ લે છે. તેણે નિર્ભય કરવામાં લેવાતી રકમ વીમાના સ્વરૂપની ગણી શકાય.

અને શાહુકાર ધનને ફરતું કરી ગ્રામજનતાની એક પ્રકારે સેવા કરે છે એમાં પણ શક નહિ. અડધી રાતે પૈસો જોઈતો હોય તે બૅન્ક ન આપે, શાહુકાર આપે. બેન્ક વ્યાપારી યંત્ર છે; એને અંગત લાગણી નથી. શાહુકાર આખરે તો માણસ છે જ. એ દેણદાર પ્રત્યે ઘાતકી બની શકે છે, પરંતુ યંત્રના સરખું આંધળું એકમાર્ગી વર્તન તે કરતો નથી.

એ પદ્ધતિનો અનર્થ

શાહુકારી પદ્ધતિના લાભ છતાં તે અનર્થકારક થઇ પડી એનાં કેટલાંક કારણો છે. ગામને – ગ્રામવિભાગને – સર્વ વાતે સ્વતંત્ર રાખતી જૂની અર્થ વ્યવસ્થા તૂટવા માંડી. અનાજ પોષણ માટે નહિ પણ પૈસા માટે ઉપજાવવાનું શરૂ થયું. વસ્તુ સાટે વસ્તુ આપવાની પ્રથા ઘટી ગઈ અને રૂપિયા પૈસાએ વસ્તુઓ તોળાવા લાગી. રૂપિયા હિંદી સરકારની મારફત બ્રિટિશ ચલણનો આશ્રિત બન્યો. પ્રજા પરાધીન એટલે પ્રજાની સંપત્તિ તથા મિલકત પણ પરાધીન જ હોય ને ? બ્રિટિશ ચલણ જગતનાં બીજા ચલણોની સાથે હરતું ફરતું હતું. ઘઉંની કિંમત ગામનો માણસ કરે એવી સ્થિતિ ટળી ગઇ. ઘઉંની કિંમત રૂપિયે અંકાવા લાગી, અને રૂપિયો એટલે બ્રિટનના પાઉન્ડ શિલિંન્ગ – પેન્સનો ગુલામ ! આપણો માલ ગામડું છોડી જગત વ્યવહાર જોડે જકડાયો.

વ્યાપારનું ધ્યેય નફો.

એ જગતનો વ્યાપાર પશ્ચિમના યંત્રવાદે મૂડીમય કરી દીધો. અર્થશાસ્ત્રમાંથી માનવતા ચાલી ગઇ. નફો એ જ સમસ્ત વ્યાપાર રોજગારનું ધ્યેય બની ગયો. માનવજાતની સગવડ ખાતર વ્યાપાર કરવાનો છે એ વાત વિસરાઈ ગઈ, અને નફા ખાતર વ્યાપાર કરનારના અંગત નફા માટે જ વ્યાપાર હોઈ શકે એવી માન્યતા અંધ અર્થશાસ્ત્રે સ્વીકારી લીધી. અઢળક ઉત્પાદન કરી બજારો ભરી દેવાં, ભાવ તાલની ગુંચવણમાંથી નફો અદ્ધર ઉપાડી જવો, એક વ્યક્તિએ અગર વ્યક્તિઓના સમૂહે નફાખાતર ભેગા થવું અને નફો મેળવવા કુનેહ ઉપરાંત રાજદ્વારી સત્તા કે લાગવગનો પૂરો ઉપયોગ કરવો એ શાસ્ત્રસંમત છે એમ મનાવા લાગ્યું. સોંઘે લેવું અને મોંઘે વેચવું એ માન્ય સિદ્ધાન્ત બની ગયો.

મજુરી કરી વસ્તુ ઉત્પન્ન કરનાર વેઠિયા બન્યા, વ્યાપાર એ બુદ્ધિમાનોનો ખેલ બન્યો, માલની આપલેમાં જુગાર રમાવા લાગ્યા, અને જેણે માલને નજરે પણ જોયો નથી એવા ત્રાહિત માણસો માલના માલિક બની ગયા. વ્યાપાર જુગાર બની બેઠો. ભાવતાલ સટ્ટો બની ગયાં, અને ઉત્પાદકો કે શાહુકારોને બદલે દલાલો અને સટોરીયાઓથી આપણાં બજારો ઉભરાઈ ગયાં. બજારો જુગારના અખાડા બની જાય એમાં શું આશ્ચર્ય ?

હિંદની પરતંત્રતા
અને વ્યાપાર

સ્વતંત્ર દેશ કે પ્રજા હોય તો માલના અવરજવર ઉપર જરુર લાગ્યે અંકુશ મૂકે અથવા જરુર ન લાગે તો માલની અવરજવર નિરંકુશ પણ બનાવે. હિંદ ક્યાં સ્વતંત્ર છે કે તે પોતાના માલનું, માલની અવરજવરનું એવું નિયમન કરે કે જેથી ખેડૂતને–મિલકત પેદા કરનારને લાભ થાય ?

એટલે હિંદનો પૈસો ચલિત બન્યો. શાહુકારો સ્વાર્થી દલાલ બની ગયા, અને ગ્રામજીવનની જરૂરનો પ્રશ્ન પડદા પાછળ રહી ગયો. ગ્રામજીવનમાં વપરાતું ધન અને બુદ્ધિ કારખાનાં તથા સટ્ટા બજારોમાં વહ્યાં ગયાં, અને સુખમય જીવનને બદલે ધનિક જીવન સહુનો આદર્શ બનવા લાગ્યું. શાહુકારે શરાફ-મહાજન તરીકે જીવવાને બદલે લખપતિ શેઠ બનવાની ક્રિયામાં પડ્યા, અને એનું પરિણામ ગ્રામજીવનમાં એ આવ્યું કે ઘટતા બદલાને બદલે વટાવ, વ્યાજ, હિસાબ અને આપલેમાં જુઠ્ઠાણું શરૂ થયું, ગ્રાહકો અને દેણદારોને જીવતા રાખવાની વૃત્તિ ઘટી ગઈ અને તેમની મિલકતો કેમ કરી પોતાને કબજે આવી જાય એની યુક્તિમાં જ આ વર્ગ પોતાની બુદ્ધિ રોકતો થઈ ગયો.


નિરુપયોગી બનતી
પદ્ધતિ

જે પદ્ધતિ જનતાના મોટા ભાગનું કલ્યાણ ન સાધે એ નિરુપયોગી નીવડે છે. જે પદ્ધતિ નિરુપયોગી નીવડે તે પદ્ધતિ કાં તો આપોઆપ ખરી પડે અગર તેને ખેરવી નાખનારાં બળ ઉત્પન્ન થઈ તેની સામે વિગ્રહમાં જોડાય. જે શાહુકારી પદ્ધતિ ખરા કૃષિકારોની જમીન ખુંચવી લે એ પદ્ધતિ કોને ઉપયોગી નીવડે ? હજારો વીઘાં જમીનની માલિકી કરી બેસનાર નાણાવટીને એ જમીન ખેડાવવી તો પડે જ. મજુરો દ્વારા થતી ખેતી વેઠ કાઢવા સરખી જ હોય છે. એટલે અંતે જમીન નિરૂત્પાદક બની જાય છે. ખેતીની ઘટતી આવક અંતે બની બેઠેલા માલિકને –શાહુકારને જ મુશ્કેલીમાં નાખે છે. ખેતી ન કરનારના હાથમાં જમીન મૂકવા દેવી એ સામાજીક વિચારણાને અંગે ભારે દોષ અને ગુનો બને છે.

સુધારણા

એટલે ખેડૂતોની જમીન ખુંચવી લેતી શાહુકારી પદ્ધતિ એ અકુદરતી અને અસ્વાભાવિક ઘટના છે. એને અટકાવવી જ જોઈએ. એ ભાવનામાંથી જમીન અને ખેડૂતોના સંસર્ગ દીર્ઘ બને એ ઉદ્દેશથી કાયદાઓ રચાવા માંડ્યા.

માર્ગ

રૈયતવારી પદ્ધતિમાં જમીન એ ગીરો વેચાણની ક્રિયા અંગે હાથ ફેર–માલિકી ફેર થાય એવી મિલકત ગણાઇ ચૂકી હતી. એ ઉપર અંકુશ એક અગર બીજી રીતે મૂક્યા સિવાય જમીન અને ખેડૂતનો લાભકારક સંસર્ગ ચાલુ રહે નહિ. એટલે ખાસ કરી નીચેના ઉદ્દેશવાળા કાયદાઓથી શાહુકારી સંસ્થાદ્વારા વેડફાતી કૃષિભૂમિને સાચવી શકાય એમ લાગે છે :—

(૧) પછાત વર્ગના લોકોની જમીનના ગીરોવેચાણ હક્ક ઉપર નિર્બંધ મૂકી તેમના હાથમાંથી જમીન જતી રહેતી અટકાવવી.

(૨) ખેડૂત કે ગણોતિયાના ખેડહક્કનું સંરક્ષણ કરવા તેના અને ખાતેદારના હક્કો કાયદાથી જ નિર્ણિત થાય એમ ગોઠવણી કરવી.

(૩) ખેતીની જમીન પ્રત્યક્ષ ખેતી ન કરતા વર્ગના હાથમાં જાય જ નહિ એવી વ્યવસ્થા કરવી.

(૪) ખેડૂત કુટુંબની જરૂરિયાત જેટલી જમીન તો તેના હાથમાં રહે જ રહે એવી યોજના કરવી.

જમીનનું રક્ષણ

હરિજનો, દુબળા જેવી રાની પ્રજાના અશિક્ષિત ખેડૂતો, ઠાકરડાઓ, વાઘેરો, ભીલ કે કોળી જેવી પછાત કોમોની જમીન જતાં તે તદ્દન નિરાધાર બની પોતાને અને સમાજને પણ ભારણરુપ થઈ પડે છે. એટલે તેમની જમીન વેચાય નહિ અને કદાચ વેચાય તો તેમના જેવીજ જાતના કોઈ માણસને મળે, એ કોમ માટે તેમ જ જમીન માટે ઇચ્છવા યોગ્ય છે. શાહુકાર જમીન લઈ લે એટલે બહુ મોટા પ્રમાણમાં જમીન બિનખેડૂતના હાથમાં જાય; જમીનને સુધારવાને બદલે તે વધારેમાં વધારે કસ તેનો કાઢી લે અને ખેડૂત વર્ગને પરાવલંબી કરી નાખે. એટલે અમુક કોમની જમીન વેચાય નહિ એવી યોજના કરવા તરફ હાલમાં વૃત્તિ વળેલી છે. અને પ્રત્યક્ષ ખેતી કરનારને જ એ કાર્ય તરફ રોકાયલો રાખવા માટે એ બહુ જરૂરી પણ છે.

ગણોત નિયમન

વળી કેટલેક સ્થળે જમીનો શાહુકારના હાથમાં મોટા પ્રમાણમાં ચાલી ગયેલી હોય છે. આધ ભાગના ધોરણે શાહુકાર – જમીનદાર ખેડૂત ગણોતિયા પાસેથી પાકેલા માલનો અડધો ભાગ સાંથ તરીકે લઇ લે છે. ખરેખર મહેનત કરનારની પ્રાપ્તિમાંથી અડધો ભાગ લેવો એ વધારે પડતું કહેવાય. એ અડધા ભાગ ઉપરાંત લેણદેણના સંબંધને અંગે દેવામાં, દેવાના વ્યાજમાં ખેડૂતને ભાગે રહેલા અડધા ભાગમાંથી પણ માલ ખેંચાઈ જાય. અહીં ભાવ તોલમાં અભણ ખેડૂત પાછો લુંટાય. આથી તેને જમીનમાં ખેતી કરવાનો ઉત્સાહ જ રહેતો નથી. એટલે રોકડ રકમ આપવાની અને તે પણ જમીનના આકારના અમુક પટ સુધી જ આપવાની યોજના કાયદાથી કરવાના પ્રયત્નો થાય છે.

ખાતેદાર તરીકે શાહુકાર ગણોતિયાને મરજી ફાવે ત્યારે દૂર કરી શકે છે. આવી અસ્થિરતામાં ખેડૂતથી રસ લેઈ જમીન સુધારાતી નથી અને મન મૂકીને ખેતી થતી નથી. આ વર્ષે સુધારેલી જમીન આવતે વર્ષે એના એ જ ખેડૂતને મળશે કે કેમ એ અનિશ્ચિત હોવાથી પણ ખેડૂતો લાચારી અનુભવે છે અને શાહુકારોની–જેઓ માત્ર ધીરધારને જ અંગે જમીનમાલિક થઈ પડ્યા હોય છે તેમની–દયા ઉપર જ ખેડૂતોને રહેવું પડે છે. એટલે નિયમથી બાંધેલું ગણોત ખેડૂત ભર્યે જાય ત્યાં સુધી અગર જમીનની ખરાબી કરી જમીન ઉપર નવી જવાબદારીઓ ઊભી ન કરે ત્યાં સુધી, તેને ખાતેદાર માલિકી હક્કે દૂર ન કરી શકે એવી પણ યોજના થઈ શકે છે.

ખેડૂતોના હાથમાં જ
જમીન રાખવી

એ જ પ્રમાણે ખેડૂતોના હાથમાંથી જમીન ચાલી ન જાય, અને ચાલી જાય તો એ જ વર્ગના માણસોના હાથમાં રહી શાહુકારી સ્વાર્થ અને બેદરકારીનો ભોગ ન બને એમ કરવાની જરૂર હવે બહુ જ ઊભી થઈ છે.

તગાવી

શાહુકારી પ્રથા ગ્રામજીવનની વધારે ખરાબી ન કરે એ અર્થે સરકારે પણ તગાવી આપવાની યોજના કરેલી હોય છે. વ્યક્તિગત ખેડૂતોને બી, બળદ, ઓજારો, મકાન વગેરે માટે પૈસાની જરૂર પડે તો એકલા શાહુકારોનું જ શરણુ શોધવું પડે એ સ્થિતિ ટાળવા મહાલોમાં સરકાર તરફથી થોડી થોડી રકમો ખેડૂતોને આપવા માટે રખાય છે.

શરાફી ધંધાનું નિયંત્રણ
ઉપરાંત શાહુકારો સાચા શરાફ બને, ચૂસણનીતિમાં ખેંચાઇ ન જાય અને ખરેખર ઉપયોગી ભાગ ભજવે એ અર્થે તેમની સંખ્યા ઉપર અંકુશ મુકાય, તેમના હિસાબ કિતાબ વ્યવસ્થિત રહે,

દેણદારને રીતસર પહોંચ પાવતી વખતોવખત આપી હિસાબ તેને પણ સમજાય એવો રાખે, વ્યાજની રકમ વાજબી જ રાખે અને ખેડૂતોની લાચારીનો લાભ લઈ વ્યાજ સિવાયની જુદે જુદે બહાને લેવાતી રકમો ન કાપે એ અર્થે ધીરધારનો ધંધો કરવા માટે પરવાના આપી શરાફો પર અંકુશ મૂકવાની પણ જરૂર છે.

ખેડુતકરજની તપા-
સણી
વળી દીવાની કચેરીઓને લેણદેણનો આખો ઇતિહાસ તપાસી ક્રૂર વ્યાજ કે ખોટા હિસાબની ચોકસી કરી લેણામાં–મુદ્દલ તથા વ્યાજની રકમમાં–ઘટાડો કરવાની સત્તા આપીને પણ શાહુકારી પદ્ધતિની ખામી સુધારી શકાય છે. ઘણી વખત ખેડૂતને લાભ આપવા માટે સ્ટાંપની સારી રકમ પણ માફ કરવામાં આવે છે.
કરજ સમાધાન મંડળો
લેણદાર તથા દેણદારને ભેગા કરી આખી આપલે તપાસી બંને પક્ષનું મન મનાવી તોડજોડથી દેવાનો નિકાલ કરવા માટે સરકારી તથા બિનસરકારી સભ્યોનાં મંડળો સ્થાપીને પણ દેવું ઘટાડી શાહુકારી પદ્ધતિને ચોખ્ખી બનાવવાની પ્રથા ચાલુ થયેલી છે.
સહકાર્ય

સાથે સાથે ખેડૂતોનાં સંગઠન થાય, ખેડૂતો પોતાની આર્થિક લેવડ દેવડની વ્યવસ્થા શાહુકારોની દરમિયાનગીરી સિવાય કરી લે, પોતાના માલના વેચાણવ્યવહારની વ્યવસ્થા ભેગા મળી કરી લે, જરૂર પૂરતી વસ્તુઓની ખરીદીમાં પણ એક સામટો માલ લઈ તેની વહેંચણી કરે અને અરસપરસ એકની શાખ બીજાના ઉપયોગ અર્થે વાપરી તેને પણ સદ્ધર બનાવવામાં પોતાનો ટેકો આપે જાય એ અર્થે સહકાર્યની એક પદ્ધતિ પણ હિંદમાં દાખલ થઈ છે.



ઈલાજોની જરુરિયાત
આ બધા પ્રયત્નો ગ્રામજનતાની સ્થિતિ ઉન્નત કરવા માટે જાણે અજાણે ઉપયોગમાં લેવાય છે. એ જરૂરી છે. એ બધાનો ઉપયોગ થવા છતાં ગ્રામજનતાની ઉન્નતિ થતી નથી એ દલીલ એ બધા ઇલાજોની વિરુદ્ધ વાપરવાની જરૂર નથી. એનો અર્થ એટલો જ કે એ ઇલાજો કાં તો ખરા હૃદયથી લેવાતા નથી, તેમના અમલમાં કાંઈ ખામી છે, અથવા પ્રજાનું પછાતપણું એ ઈલાજોને સફળ બનાવતાં અમુક અંશે અટકાવે છે. છતાં આર્થિક ઘટનાને વ્યવસ્થિત અને લાભપ્રદ બનાવવી હોય તો આ બધા માર્ગ લીધા સિવાય છૂટકો નથી. બીજા માર્ગ દેખાતા નથી – સિવાય કે દેવું બિલકુલ નકારવામાં આવે અને ગ્રામજીવનમાં શહેરી નાદારીના કાયદાનો આશ્રય લેવામાં આવે.

શાહુકાર–શરાફ–શેઠ એ શબ્દોનો સાથે આબરુ, એકવચનીપણું, સચ્ચાઈ, દયા અને ઉદારતાનો ભાવ રહેલો હતો. શાહુકારનો બોલ એટલે બ્રહ્માનું વાક્ય. પરંતુ એ ભાવ ટળી ગયો અને શાહુકાર કે શેઠ શબ્દની સાથે કપટી જાદુગર અથવા છૂપા લૂંટારા જેવો અર્થ દાખલ થવા માંડ્યો એ જ બતાવી આપે છે કે શાહુકારી ધીરધારની પદ્ધતિ અનેક પ્રકારની સફાઈ અને સુધારા માગે છે–જો તેને ટકાવવી હોય તો. ધનની માલિકી ન હોય. ધનની દલાલી ન હોય. ધનના જુગાર ન હોય. ધન તો સમાજે સાચવવા સોંપેલી સહુની મિલકત ગણાવી જોઈએ. ધનના રક્ષક, પાલક કે વ્યવસ્થાપકથી તેને પોતાની મિલકત ન જ બનાવાય. વાલી માલિક બનવા મથે ત્યારે તેને અટકાવવા ઈલાજો લેવા જ જોઈએ. સૌમ્ય સુધારાથી સ્વચ્છતા ન આવે તો ક્રાન્તિદ્વારા બધી બાજી પલટાઈ જવાની જ. ખેડૂત નાદાર બને–ખરી મિલકતનો પેદા કરનારો શ્રમજીવી નાદાર બને તો પ્રચારમાં આવતું ધન એ ખરું ધન નથી જ. એ ધનનો ભ્રમ છે. ઉત્પાદનની સાથે સંબંધરહિત બની ગયેલું ધન એ કાગળના ટુકડા છે. એ જોતજોતામાં એકી ફૂંકે ઊડી જાય એમ છે.

ઇલાજોનું વર્ગીકરણ

શાહુકારી પદ્ધતિને ઉપયોગી બનાવવા માટે નીચે પ્રમાણે યોજનાઓ થઈ શકે એવી છે. શાહુકારી પદ્ધતિને જ નિર્મૂળ કરવાનો પણ એક માર્ગ સૂચવાય છે. પરંતુ એ પરિસ્થિતિ માટે આખી સમાજવ્યવસ્થા, રાજ્ય, મિલકતના સિદ્ધાંત એ બધામાં ક્રાન્તિ લાવવાની જરૂર રહેશે. એ પરિસ્થિતિ આવે ત્યાં સુધી ખેડૂત અગર તેમનો વિચાર કરનાર બેસી રહી શકે નહિ. એટલે શાહુકારી પદ્ધતિ સુધારવા માટે સામેના પૃષ્ઠ પર દર્શાવેલા માર્ગ લેવાની જરૂર છે.

શાહુકારી પદ્ધતિની સુધારણા
અંકુશખેડૂત સંરક્ષણના કાયદાશાહૂકાર સિવાયના ધીરાણ
તગાવીસહકાર્ય
ધોરણબદ્ધ ધીરધારનો
ધંધો કરવા માટે પરવાના
દ્વારા અંકુશ
મુકતો શરાફ કાયદો
વ્યાજ
ઉપર
નિર્બંધ
બજાર
તોલ
ભાવનું
નિયમન
ખેડૂતની
જમીનનું
રક્ષણ
કરનારા
ગણોત–સાંથને
નિયમન
કરનારા
કૃષિકારના
હાથમાં
નિર્વાહ પૂરતી
જમીન રાખવા માટેના
દેવાનો ઉકેલ
કરનારા
હીસાબ જોઈ લહેણું
ચોક્કસ કરવાની
દીવાની અદાલતોને
સત્તા આપતા.
તડજોડથી નિકાલ
કરવાની સત્તાવાળાં
કરજ – સમાધાન
મંડળોની સ્થાપના
કૃષિકાર નાદારી