ગ્રામોન્નતિ/સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ

વિકિસ્રોતમાંથી
← ૯ શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો ગ્રામોન્નતિ
સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ
રમણલાલ દેસાઈ
૧૧ સહકાર-વર્તમાન યોજના →






૧૦
સહકાર્ય
એક વ્યાપાર પદ્ધતિ.

ગુણદોષ

પરદેશી યોજના

રાજકીય, સામાજિક અને આર્થિક વિષયોમાં આપણે પશ્ચિમના દોરાયા દોરાઈએ છીએ. એમાં સઘળું જ કંઈ ખોટું છે એવું કહેવાનો ઉદ્દેશ નથી. આપણે પ્રગતિ કરી શકતા હોઇએ તો પાશ્ચિમાત્ય સિદ્ધાંતો પશ્ચિમના જ છે એટલા સારુ આપણે તેમને તરછોડવા ન જોઈએ. ઊંડા ઊતરીએ તો એક પિતાના પરિવાર સરખી માનવજાતના મૂળભૂત સિદ્ધાંતોમાં પૂર્વ પશ્ચિમના ભેદ હોવા જ ન જોઈએ. છતાં સિદ્ધાંતોને વ્યવહારની સપાટી ઉપર લાવતાં પૂર્વ પશ્ચિમના દિક્‌પાળો, યુરોપ, અમેરીકા, એશીયા, આફ્રિકાનાં ભૌગોલિક ભૂતો, રંગબેરંગી નૃત્ય કરતી ગોરી, કાળી, પીળી અને ઘઊંવર્ણી ચર્મપરીઓ, ધર્મ અને સંસ્કારને નામે કાલખંજરી બજાવતા કુષ્માણ્ડો, કાળાઓને સંભાળવાનું ભારણ માથે ઉપાડતા હિરણ્યાક્ષો અને નફા માટે જ વેપાર એ સિદ્ધાંતને વળગી રહેલા વૈતાલો આપણા મૂળભૂત સિદ્ધાંતોને દાબે છે, કચરે છે, વિકૃત બનાવે છે, ઓળખાય નહિ એવા બનાવી દે છે, એટલું જ નહિ પણ સિદ્ધાંતોના અર્કને–આત્માને ઉરાડી દે છે. એથી જ પશ્ચિમના સિદ્ધાંતોને સ્વીકારતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે પશ્ચિમનું સંસ્કારબીબું આપણને ફાવશે કે આપણે તેની આકૃતિમાં કંઈ ફેરફાર કરવો પડશે. સંભવિત છે કે આપણા સંસ્કારબીબામાંનું એકાદ વધારે અનુકૂળ હોય અને તે આપણે જ કદાચ પશ્ચિમને આપવા સરખું હોય. જેમ આપણે સર્વજ્ઞ નથી તેમ પશ્ચિમ પણ સર્વજ્ઞ નથી–જોકે આપણો જ્ઞાનઝરો હમણાં તો પશ્ચિમથી જ વહી આવે છે. છતાં જેમ આપણે સર્વશક્ત નથી તેમ પશ્ચિમ પણ સર્વશક્ત નથી. પછી ભલે પશ્ચિમ આજ આપણા ઉપર રાજકીય અને આર્થિક સત્તાનાં બંધનો વીંટાળતું હોય. આજ આપણે એટલું તો સમજતા થયા જ છીએ કે કોટપાટલૂન પહેરેલો હિટલર કે ચેમ્બરલેન એકલો જ સુધરેલો મનુષ્ય નથી; હિંદનો અર્ધ નગ્ન ફકીર પણ પૂર્વપશ્ચિમની સંસ્કૃતિને પૂરતી રીતે ઝીલે અને ઝીલાવે એટલો સંસ્કારી તો છે જ.

મૂડી તથા મજૂરીની
તુલના

સહકાર્ય એ પશ્ચિમનો ફાલ. મૂડી અને મજુરીનાં વેરઝેર ઓછા ઓછાં તો ય જૂના કાળનાં છે. અર્થશાસ્ત્રનાં તત્ત્વોની ઘટમાળમાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે સામાન્ય દૃષ્ટિથી મૂડી અને મજૂરીનું મહત્ત્વ વિચારીએ. જગત સમગ્રની મૂડીનો અહીં ઢગલો કરીએ. સામે માત્ર એક જ મજૂર–સકળ શ્રમજીવીઓના પ્રતિનિધિ તરીકે–આપણે ઊભો રાખીએ. ચોવીસ કલાક સુધી આપણે અહીં સતત બેસીએ. ધનભંડારને અને શ્રમભંડારને જોઈએ, તપાસીએ, તોળીએ, આંકીએ અને તેમનાં મહત્ત્વ ઠરાવીએ. અલબત્ત, આપણે એવા મૂર્ખ નથી કે મજૂરના લાભમાં ચુકાદો આપીએ. ચોવીસ કલાકે આપણે નિર્ણય આપ્યો કે આ ધનભંડાર આગળ પેલા શ્રમજીવીના ખોખાની તુલના થઈ શકે જ નહિ. મૂડી પાસે મજૂરનો હિસાબ નથી.

પરંતુ આપણે બધા ય ઉપવાસથી ટેવાયેલા ન હોવાથી ચોવીસ કલાકે આપણને ભૂખ તરસ લાગે એ સહજ છે. આપણે ચુકાદો આપનાર મોટા માણસો છીએ. મોટા-બુદ્ધિજન્ય કાર્ય કરનારાઓનું મુખ્ય લક્ષણ એ છે કે તેમનાથી શ્રમ થઈ શકે નહિ. એટલે આપણે હુકમ કરવાનો રહ્યો. ધનની તુલનામાં નાપસંદ કરેલા શ્રમજીવી ખોખાંને આપણે આજ્ઞા કરીએ છીએ:

‘ઘડો ભરીને પાણી લાવ.’

મજૂર સાંભળતો નથી. આપણે તેને ધમકાવીએ છીએ, એટલે એ જવાબમાં ધનના ઢગલા તરફ ગર્વભરી આંગળી કરે છે. ધનનો ઢગલો કાંઈ ખસીને પાણી લાવે એમ બનતું નથી. આપણે તેને ધમકાવીએ છીએ:

‘તું નહિ લાવે તો અમે તરસે મરવાના નથી. તું નહિ તો તારો ભાઈ, કોઈ બીજો.’

મજુર કહે છે :—

‘માફ કરો. હું શ્રમજીવીઓનો પ્રતિનિધિ છું. મારી આજ્ઞા વગર કોઈ મજૂર પાણી લાવી શકશે નહિ.’

‘અરે ન શું લાવે. આ ઢગલામાંથી ખોબો આપ્યો કે ઘડા ઉપર ઘડા. પાણીની ખોટ શી ?’ આપણે તેના ગર્વને હસી કાઢી કહીએ છીએ.

મજૂર પ્રતિનિધિ આપણને જણાવે છે : ‘એ આપે નવું તત્ત્વ દાખલ કર્યું. આજ સુધી મજૂરો વેચાયા છે. આજે તેમણે નિશ્ચય કર્યો છે કે ધનથી વેચાવું નહિ.’

ત્યારે આપણે પાણી કેવી રીતે પીવું ? મજૂર કહે છે કે ધનને આજ્ઞા કરો. ધન આપણી આજ્ઞા માનતું નથી. તે ખસી શકતું નથી અને તેનાથી પાણી લાવી શકાતું નથી. આપણે જાતે પાણી લાવીએ તો મજૂરના ટોળામાં ભળી જઈએ છીએ. આ ક્ષણે આપણને સમજાય એમ છે કે ધન કરતાં શ્રમ શ્રેષ્ઠ છે, કારણ ધનિક નહિ પણ શ્રમજીવી ઉત્પાદનનું કાર્ય કરે છે. શ્રમ ધનને ઉત્પન્ન કરે છે. શ્રમના અદલાબદલી તરીકે સ્વીકારેલું ચલણ શ્રમનું જ માલિક બની જાય એ સ્થિતિપરીવર્તન અકુદરતી છે. મજૂરને શ્રેષ્ઠ ગણવામાં લાગતી મૂર્ખાઈ હવે આપણને ડહાપણ લાગે છે.

મૂડીવાદનું ૫રિણામ

પશ્ચિમમાં યંત્રસર્જન થયું અને તેની સહાય વડે મૂડીવાદ અણઘટતી મોટાઈ મેળવી શ્રમજીવીને ગુલામીમાં નાખતો ચાલ્યો. સામે જબરદસ્ત પ્રત્યાઘાત શરૂ થયો. યંત્રે મૂડીમાં ન ધારેલું બળ અર્પણ કર્યું; મૂડીમાંથી વ્યાજ, ભાડું અને નફાના પાતાળકૂવા ફૂટી નીકળ્યા. મૂડી એક પતિવ્રતા સતીની માફક વ્યક્તિની સોડમાં જ ભરાતી ચાલી. રણવાસપ્રિય રાજા – બાદશાહની માફક મૂડીવાદીઓએ જેટલી લક્ષ્મી આવી તેટલી ભેગી કરી, અને એ જગતમાતા સમસ્ત માનવજાતનું પોષણ કરવું મૂકી વ્યક્તિની ભોજ્ય બનતી ચાલી. સુખનાં સાધનો અનેકગુણ વધ્યાં, પણું સુખ ઘટ્યું, કારણ ધનની અને ધનિકોની શક્તિ વિસ્તૃત, સ્વાર્થી, અને કાતીલ બનતી જતી હતી. એક પાસ ધનનો–સાધનનો–સુખનો ઢગલો ઊભો થવા માંડ્યો; બીજી પાસ ભૂખમરો, અનારોગ્ય, વિષાદ અને નિરાશાની ભયાનક આંખો ઉઘડવા માંડી. વિચારો, સુધારકો, જનહિતવાદીઓ – Humanitarians ચમકી ગયા. માનવહૃદય, માનવસંબંધ અને સમાજનાં અન્વેષણ શરૂ થયાં, અને યંત્ર સામે નહિ પણ યંત્રવાદ સામે–મૂડી સામે નહિ પણ મૂડીવ્યવસ્થા સામે જબરદસ્ત પ્રત્યાઘાત શરૂ થયો : જેનું એક પરિણામ સમાજવાદ અને બીજું પરિણામ તે સહકાર્ય. આમ  સહકાર્યને એક પાસ મૂડીવાદ સાથે સગપણ છે, કારણ મૂડીવાદને જીવતો રાખી તેના અનર્થોને હળવા કરવાનું સહકાર્યનું ધ્યેય છે. બીજી પાસ તે સમાજવાદ સાથે બીતુંબીતું સગપણ ધરાવે છે. ખાનગી મિલકતનો મોટા ભાગ સુરક્ષિત રહેવા દઈ મિલકતના અલ્પાંશને બહુ જ મર્યાદિત સામાજિક સ્વરૂપ આપવાનો એ આર્થિક અખતરો છે. જો કે અનિયમિત શાખ–Unlimited liabilityના સિદ્ધાન્તમાં સમાજવાદનો નાનકડો ટુકડો દાખલ થવા જાય છે જ. એમાં આર્થિક પલટો આઘાતભર્યો ઇચ્છવામાં નથી આવતો. પરંતુ ચાલુ પરિસ્થિતિને સુધારવાનો જ પ્રયત્ન છે. તેને રાજસત્તાનો લોભ નથી; રાજસત્તા મેળવી આખી સામાજિક ઘટનાને ઊથલપાથલ કરવાની તેને જરૂર લાગતી નથી. એક પાસથી તે વાણિજ્ય બનવા મથે છે, અને બીજી પાસથી તે સેવાધર્મ બનવાના અભિલાષ સેવે છે. તેને વાણિજ્ય પ્રામાણિક બનાવવું છે, ઉચ્ચ કાર્યદક્ષતા અને વ્યવહાર સાધવાં છે, નફાની ખેંચાખેંચીમાં તેને ઘણું પડવું નથી, પરંતુ નફામાં સહકારીઓને સરખો લાભ મળે એવી યોજના કરવી છે. અઢળક ધન મેળવનારી વ્યક્તિઓ અગર વર્ગોને સહકારની દરકાર ન જ હોય. પરંતુ નબળી આર્થિક સ્થિતિને ટાળવા સંગઠન કરવું, વચગાળાના દલાલો અને મારફતિયાઓ ઉત્પાદકોના કરતાં પણ વધારે લાભ ખેંચી જાય એવા સંભવો ઓછી કરવા, અને મૂડીધારીઓ ઉત્પાદકોને વેચી ખાય એવા એ ઉત્પાદકો કમજોર ન રહે એમ કરવાનો સહકાર્યનો ઉદ્દેશ છે. મૂડીવાદીઓ મજૂરીને ભાડે રાખે છે. સહકાર્યની એવી આકાંક્ષા છે કે મજૂરી મૂડીને ભાડે રાખે.

સહકારનો વિજય

ઉદાર ભાવનાવાળા મૂડીવાદીઓએ પણ સહકાર્યના સિદ્ધાંતો ખીલવવામાં સહાય કરી છે, એ ભૂલવા સરખું નથી. પશ્ચિમમાં મોટા સ્ટોર્સ, કોઠારો, ધંધા, ખેતી, ગોપાલન એ બધું સહકાર્યના સિદ્ધાંત વડે અમુક અંશે શક્ય બન્યું છે. આજ પણ ઇટાલીમાં ફાશીઝમ અને રશિયામાં બોલ્શેવિઝમ સહકારી પદ્ધતિનો ઉપયોગ કરે છે એમાં સહકાર્યના સિદ્ધાંતોનો વિજય ન ગણીએ તો પણ તેના ઉપયોગની શક્યતાનું દર્શન આપણને થાય છે.

અંગ્રેજોના સ્પર્શનું
પરિણામ.

આ સહકાર્ય—પારિભાષિક અર્થમાં વપરાતો સહકાર્ય–પશ્ચિમની પ્રજા અને પશ્ચિમના સિદ્ધાંતોની માફક વહાણે ચઢી આપણા હિન્દમાં આવ્યો. યંત્રે જેમ મધ્યકાળના યુરોપને ફેરવી નાખ્યું, તેમ યંત્રોથી પણ વધારે બળીઆ અંગ્રેજોએ હિન્દને પણ અજબ પરિવર્તન કરાવ્યું. રાજનીતિના પ્રશ્નને આપણે અડકીશું નહિ; રાજનીતિના સીધા આર્થિક પરિણામનો આપણે વિચાર કરીશું નહિ. છતાં અંગ્રેજ સરકારને વફાદાર રહીને પણ આપણે એટલું તો જોઈ અને કહી શકીશું કે પશ્ચિમનો રંગબેરંગી માલ આપણે ત્યાં આવ્યો, અને આપણા ગ્રામઉદ્યોગો નષ્ટ થયા; યંત્રે સોંઘવારી દેખાડી અને આપણા લાખો હિંદવાસીઓ ધંધા વગરના થયા; ભણેલાઓએ ગામડાં છોડ્યાં અને ગામડામાં વાપરવાની બુદ્ધિ કારકૂની અને સાહેબગીરીમાં તેમણે વાપરવી શરૂ કરી; ખેતી નિષ્ણાતોના હાથમાં રહી શકી નહિ; જમીનના એક પાસ ટુકડા થતા ચાલ્યા, એટલે જમીનમાં થતી મહેનત નિરર્થક નીવડી; બીજી પાસથી શાહુકારો, ખટપટીઆઓ અને જમીનદારોએ મળી મોટી જમીન ખેડૂતો પાસેથી એક અગર બીજે માર્ગે લઇ લીધી અને જમીનને મહેનતનું નહિ–ઉત્પાદનનું નહિ–પણ નફાનું સાધન બનાવ્યું. જમીનમહેસૂલની નાણાના રૂપમાં ચોકસાઈ થઈ, એટલે રૂપિયાનું બળ વધ્યું. મૂડીદારો ખાતેદાર બનતા ગયા, અને જમીનને ફળદ્રુપ બનાવતો ખેડૂત મજૂર બની ગયો. જગતવ્યાપારના હેલકારા હિંદને પણ વાગ્યા અને આર્થિક ચઢતીપડતીમાં હિંદ જગતનો એક ભાગ–લાભદાયક ભાગ બની ગયું. નિયમ, ન્યાય અને શાસનની નવીન સ્થાપનાને લઇ જૂની ગ્રામસંસ્થાઓના વક્કર ઘટી ગયા, અને ગામડું–એટલે ખરું હિંદ–નિસ્તેજ, નિર્માલ્ય, નિરુદ્યમી, નિરુત્સાહી અને નિરાશ બની ગયું.

હિદમાં સહકાર

સને ૧૮૫૭ના બળવો શમ્યાને વીસ વર્ષ પણ થયાં નહિ એટલામાં સને ૧૮૭૫માં ખેડૂતોનું એક નાનું–પણ ચોંકાવનારું છમકલું પૂના અને અહમદનગરમાં થયું. સને ૧૮૭૯માં ડેક્કન એગ્રીકલચરલ રીલીફ એક્ટ પસાર થયો. સને ૧૮૮૨–૮૩માં હિંદના હિતસ્વી સર વિલિયમ વેડરબર્ન તથા શ્રી. મહાદેવ ગોવિંદ રાનાડેએ મળી ખેડૂતો માટે એક રાજ્ય તરફની પેઢી ખોલવાની યોજના ઘડી. પણ તેને મંજૂરી ન મળી. ખેતી તથા જમીનની સુધારણા માટે તગાવી આપવાના નિયમો ઘડાયા. સને ૧૮૯રમાં પશ્ચિમની ઢબની સહકારી મંડળીઓ સ્થાપવાના વિચારો અમલદાર મંડળમાં ઘુમવા લાગ્યા. સને ૧૯૦૧માં સહકાર્યની સ્થાપનાનો વિચાર કરવા માટે સમિતિ નીમાઇ, અને સને ૧૯૦૪માં સહકારી મંડળીઓ વિષે હિંદની સરકારે કાયદો ઘડ્યો ત્યારથી આખા હિંદમાં અને દેશી રાજ્યોમાં–ખાસ કરી વડોદરા જેવાં પ્રગતિમાન ગણાતાં રાજ્યમાં – સહકારી સંસ્થાઓની સ્થાપના શરૂ થઈ અને સહકાર્યના સિદ્ધાંતે જોર પકડ્યું. સહકાર્યના નિયમો અને કાયદાઓમાં પ્રાંત પ્રાંતની પરિસ્થિતિ અનુસાર સુધારા વધારા અને ફેરફાર થયે જાય છે, અને સંખ્યાબંધ મંડળીઓ સ્થપાયે જાય છે. ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવાના સરકારના પ્રયત્નોમાંથી સહકાર્યની ચળવળનો જન્મ આમ થયો, અને આ યોજનાની ઉમર પણ આજ પાંતરીસ વર્ષની થઈ ચૂકી છે.

સહકાર્યનો વિકાસ

આ હિલચાલની શરૂઆત ખેડૂત અને ખેતીને અનુલક્ષીને કરવામાં આવી હતી, અને પ્રાથમિક ભૂમિકામાં કૃષિકારોને ધીરાણ કરવાનું કાર્ય જ તેનું ધ્યેય બની ગયું હતું. શાહુકારો ખેડૂતોને ફોલી ખાય છે એવી માન્યતા ઉપર બધો કાર્યક્રમ ગોઠવાયો હતો. પરંતુ ધીમે ધીમે સહુના ધ્યાન ઉપર આવતું ગયું કે એકલા શાહુકારો જ નહિ પરંતુ આખી જનતા ખેડૂતને ફોલી ખાય છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો અભ્યાસ હિંદની પરિસ્થિતિને અનુકૂળ થાય એવી રીતે થવા લાગ્યો. ઉત્પાદન, વહેંચણી અને ભોક્તૃત્વ Production, Distribution and Consumption–એમાં શ્રમફળની વહેંચણી થઇ શકે એનો ખ્યાલ આવતાં એ દરેક ભૂમિકાને સહકાર્યના સિદ્ધાંત અનુસાર ખીલવી શકાય એવી ભાવના જાગૃત થઇ; ખેડૂતનું અજ્ઞાન અને ખેડૂતના જૂનવાણી સંસ્કાર સહકાર્યના સિદ્ધાંતનો અમલ કરવામાં વિઘ્નરૂપ છે એમ લાગ્યું, અને સહકાર્યે માત્ર આર્થિક પ્રવૃત્તિ મટી, સામાજિક–નૈતિક ઉન્નતિના કાર્યક્રમમાં પ્રવેશ કરવા માંડ્યો. એમાં કરકસરની ટેવ પાડવી જોઇએ, પ્રમાણિકપણું કેળવવું જોઇએ, મોટાઈનો ઘમંડ છોડવો જોઇએ, અંગત મત અને અંગત લાભ મંડળીને ખાતર જતા કરવા જોઈએ, પરસ્પર મળી ધંધો કરવાથી સંઘબળ કેળવી લાભ મેળવવા જોઇએ–અને સંઘબળથી પોતાનું હિત સારામાં સારી રીતે જાળવી શકાય છે એમ સમજવું જોઈએ, રીતરિવાજના ગુલામ ન બનવું જોઇએ, ખોટા વહેમ દૂર કરવા જોઇએ અને દેખાદેખી ખર્ચ કરવાની આદતમાંથી આપણે મુક્તિ મેળવવી જોઈએ, એવા એવા વ્યવહારુ છતાં નૈતિક કે સુધારક વિચારોએ સહકાર્યમાં પ્રવેશ કર્યો.

આમ માત્ર ધીરાણથી આગળ વધી સહકાર્યની પ્રવૃત્તિએ વ્યાપારનાં અંગઉપાંગ સ્વીકાર્યાં અને વહીવટનું એક વિશાળ તંત્ર ઊભું કર્યું. મંડળીઓને સંયુક્ત કરતા સંઘો અને ધીરાણ કરતી શરાફી પેઢીઓ સ્થાપન કરવામાં આવી. ધીરાણ ઉપરાંત ખેતીસુધારણા, પાકનું વેચાણ, યંત્ર બળની ખેતી વગેરે સહકાર્યમાં સમાયાં, અને કપાસ જેવા Commercial crops–નાણાં આપતા પાકની મંડળીઓએ વ્યાપારી જીનીંગ ફેક્ટરીઓનો સામનો કરી ભાવ મુકરર કરવાની ફરજ પાડી, એટલું જ નહિ પણ જીનીંગ ફેક્ટરીઓ ઉઘાડવાની શક્તિ મેળવી.

નગર સહકાર્ય

વળી સહકાર્યનો લાભ ખેડૂતને અગર ગામડાંને જ મળી શકે એવો ખ્યાલ બદલાઈ ગયો, અને શહેરો તથા કસ્બાના વ્યવહારમાં પણ સહકાર્યનો ઉપયોગ થઇ શકે એમ સ્પષ્ટ થયું. ઉત્પાદન, વહેંચણી અને ભોક્તૃત્વના નાના મોટા પ્રકારમાં સહકાર્યનો સિદ્ધાંત અમલમાં મૂકાવા માંડ્યો. દૂધ પૂરું પાડનારી મંડળીઓ, શિક્ષકોની મંડળીઓ, જ્ઞાતિની મંડળીઓ, જમીન એક જથે કરનારી મંડળીઓ, સ્ટોર્સ, વખારો, વિમા મંડળીઓ, શાળા વગેરે સંસ્થાઓ સહકાર્ય ઉપર અવલંબન રાખીને રચવામાં આવે છે, એટલું જ નહિ પણ ઘરની સગવડ થાય એ અર્થે ઘર બાંધનારી સહકારી મંડળીઓ પણ શહેરમાં સ્થપાયે જાય છે.

પ્રકારો

આમ સહકાર્યનું ક્ષેત્ર ઘણું વિસ્તૃત બન્યું છે. સહકાર્યના પ્રકારો ચોકસાઇ પામતા ચાલ્યા છે. શરાફી અને બિન–શરાફી, ગ્રામ્ય સહકાર અને નગર સહકાર, ખેતી અને બિન-ખેતી સહકાર, ઉત્પાદન માટે અને ભોક્તૃત્વ માટે સહકાર : આવા આવા વિભાગો નીચે સહકાર્યનું વર્ગીકરણ કરવાની જરૂર ઊભી થઈ. હજારો મંડળીઓ, લાખો સભાસદો અને કરોડોનીં મૂડી સહકાર્યના નિયંત્રણ તળે મૂકાઈ ગઈ છે. તેની સેવામાં માસિકો પણ મૂકાય છે, અનેક પુસ્તકો સહકાર્ય વિષે લખાય છે, સભાઓ ભરાય છે, અને યોજનાઓ વિચારાય છે.

સહકાર્યને ટેકો

સહકાર્યને સરકારનો ભારે ટેકો છે. એને પ્રથમથી જ સંરક્ષણ આપવામાં આવ્યું છે – કાયદાઓ ઘડીને તેને પૂરતો ટેકો નહિ આપ્યો હોય એમ આપણે કદાચ કબૂલ કરીએ. છતાં પ્રજાએ તેનો સામનો તો કર્યો જ નથી. ઊલટું જેમ બને તેમ તેનો સ્વીકાર કરવાની સામાન્ય વૃત્તિ હરવખત બતાવ્યા કરી છે. મિ. યુબેન્ક, સર લલ્લુભાઈ, સદ્‌ગત જી. કે. દેવધર, પ્રિન્સિપાલ કાઝી, દિ. બ. ગાંધી, દિ. બ. મલજી, રા. બ. ગોવિંદભાઈ શ્રી. મણીલાલ નાણાવટી, ગતાયુ સર વિઠ્ઠલદાસ, અને શ્રી. બી. એફ. માદન જેવા કાર્યકરોનાં નામ એ ક્ષેત્રમાં સુંદર કામ કરનાર તરીકે નિદાન ગુજરાતમાં જાણીતાં છે. વ્યાપાર, નફો, વ્યાજ વગેરેથી આગળ વધી આરોગ્ય મંડળો, ગ્રામ મંડળો અને એવી એવી સામાજિક પ્રવૃત્તિઓ પણ સહકાર્યના કાર્ય પ્રદેશમાં આવી ગઈ છે. કોઈ સહકારને business–ધંધો કહે છે; કોઈ સહકારને નીતિ કહે છે; કોઈ સહકારને જીવનવિધાન કહે છે. આમ વિના સહકાર નહિ ઉદ્ધારનું સૂત્ર ચારે પાસથી સંભળાય છે.

પ્રશ્નો.

હવે આપણે થોડી અણગમતી વાત કરી લઇએ. આપણી ભૂલ જોવી અને ભૂલ સ્વીકારવી એમાં સરવાળે લાભ જ છે. પાંતરીસ વર્ષની આપણી આ પ્રવૃત્તિ. વિસ્તારમાં તે ઘણી વધી, વિચારમાં તો ઘણી વધી. પરંતુ જે ઉદ્દેશથી સહકાર્યની સ્થાપના થઈ છે એ ઉદ્દેશ બર આવ્યો છે ખરો ? આપણે આપણી જાતને નીચે પ્રમાણે થોડા પ્રશ્નો પૂછીએ :—

૧. મૂડીવાદના અનર્થો વિરુદ્ધની આ ચળવળ. મૂડીવાદના કેટલા અનર્થો સહકાર્યથી દૂર થયા ?
૨. ખેડૂત અને એના નફા વચ્ચે શાહુકાર ઘુસી જતો હતો. એ બદી દૂર કરવા આપણે સહકાર્યની સહાય લીધી. શાહુકાર દૂર થયો ? ધીરાણ કરનારી મંડળીઓ નવા શાહુકારનું સ્વરૂપ ધારણ કરી શાહુકારની એક નવી પદ્ધતિ તો ઉપજાવતી નથી ?
૩. શાહુકારને આપણે ખૂબ વગોવ્યો, તેને વગોવવા માટે આપણે ઘણી દલીલો શોધી કાઢી. પરંતુ શાહુકારનાં બધાં functions–કર્તવ્યો સહકાર્યથી બજાવી શકાયાં છે ? શાહુકાર અને દેણદાર વચ્ચેના અંગત સંબંધ–intimate touch–શાહુકારને રાક્ષસ તરીકે ચીતરવા છતાં હજી સહકાર્યે મેળવ્યો નથી એમ કોઈ કહે તો એને માટે શો ઉત્તર છે ?
૪. ખેડૂતની ઉન્નત્તિ અર્થે સહકાર. ખેડૂતની સહકારદ્વારા કેટલી ઉન્નતિ થઈ એનાં દૃષ્ટાંતો આપણને મળી શકશે ? પાંતરીસ વર્ષમાં તો ખેડૂતની બૂમ બહુ વધી ગઈ છે.
૫. ખેડૂત સહકારદ્વારા કેટલે અંશે દેવામાંથી મુક્ત થયો એના આંકડા આપણને મળી શકશે ?
૬. દેવામાંથી મુકત થઈ એણે બીજું દેવું નથી કર્યું એવી જાતની તપાસ આપણે કરીએ છીએ ? કરકસરનો સદ્‌ગુણ આપણે ખેડૂતમાં ખીલવવા માગીએ છીએ. સહકાર્યની humours–હાસ્યકથનીઓ પણ નોંધવા સરખી છે. એક સહકારી મંડળીના સભ્ય તરીકે મળેલા ફાયદાની ખુશાલીમાં બ્રહ્મભોજન કરાવી દીધાનો દાખલો બહુ જાણીતો છે.
૭. સહકાર્ય જગતના કોઈપણ દેશમાં ખરા ગરીબો સુધી પહોંચ્યું નથી એ સહકારીઓ જાણે છે ? મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગની આ લાભકારક રમત બની જાય છે એ તો ઉપલક નજરે આપણને જણાઈ આવે છે. સમાજવાદીઓ આ પ્રવૃત્તિને માથે આરોપ મૂકે કે ચૂસણવર્ગ–exploitersને વધારનારાં તત્ત્વો એમાં છે તો તે વિરુદ્ધ આપણે કાંઈ કહેવાનું છે ? હરિજનની પણ કેટલીક વ્યવસ્થિત મંડળીઓ છે, અને પરીક્ષિતલાલ સરખા આદર્શ સેવકો અને ઠક્કરબાપા સરખા મહાનુભાવો એ મંડળીઓને ટેકો આપી રહ્યા છે એ હું ભૂલતો નથી. છતાં ગરીબોને બિન–ગરીબ બનાવવાની એમાં સગવડ કેટલી રહી છે એ આપણે વિચારવા સરખું છે. ગરીબો સુધી સહકાર પહોંચ્યો નથી એ મત મારો જ નથી. રાવબહાદુર તલમાકી સરખા પીઢ સહકાર–ચાલકનો પણ એ મત છે.
નમૂના તરીકે હું એક housing society–ઘર બાંધનાર મંડળીને અનુલક્ષી ટૂંકા પ્રશ્નો પૂછું – જે પ્રશ્નો બધી યે મંડળીઓ માટે અમૂક અંશે પૂછી શકાય.
૮. આવી મંડળીનો ઉદ્દેશ શહેર અગર ગ્રામમાં જણાતી ઘરની અગવડ, સંકડાશ, અને ગીચપણું દૂર કરવાનો કે મનોરંજન માટે કુટીર બાંધવાનો ? પ્રથમ પ્રશ્નનો જવાબ હામાં આવશે જ. હવે આપણે ઊંડા ઊતરી ઉપલક પ્રશ્નો પૂછીએ. એમાં ઘરની ખરેખર સંકડાશવાળા કેટલાક સભ્યો છે ? જેમને માલિકીનું એકાદ ઘર પણ હોય એવા કેટલા સભ્યો છે ? વધારાના ઘરનો માલિક જૂના અગર નવા ઘરનું ભાડું મેળવે છે કે નહિ ? લખપતિઓને પણ એ મંડળીઓના ઓથા નીચે મહેલો બાંધવાની એમાં તક મળે છે કે નહિ ? એ તક મળતી હોય તો સહકાર્ય ગરીબોનો ઉદ્ધાર કરશે ?
૯. આટઆટલી મંડળીઓ, આટઆટલા સભ્યો, અને આટઆટલાં નાણાં હોવા છતાં સહકારે હિંદના લોહીમાં હજી ફરવા માંડ્યું નથી. સહકારની જડ જામી નથી. સરકારની માફક સહકાર પણ હજી કેમ પરદેશી લાગ્યા કરે છે ? લોકોને દોષ દેવો મિથ્યા છે. લોકો અભણ છે, અજ્ઞાન છે, વહેમી છે, નવા વિચારો ઝીલવાની  તેમનામાં શક્તિ નથી, તેઓ જડ છે, જીવનરહિત છે, સાહસરહિત છે, અપ્રમાણિક છે, શઠ છે, ખટપટિયા છે, નગર કે ગ્રામાભિમાનથી વંચિત છે એ બધી ગાળો ખુશીથી આપણે આપણા દેશબંધુઓને દઈ શકીએ. એ માત્ર ગાળો નથી. એમાં સત્ય છે, એ હું કહેવા લાગીશ. પરંતુ એક ડગલું આગળ વધી આપણે વિચારવું ઘટે કે એ બધું છે માટે તો હિંદ પરતંત્ર છે, પાયમાલ છે, પરાવલંબી છે; માટે જ આપણી રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ આપણે શરૂ કરી છે; માટે જ આપણા સરખા વાચાળ અને સમજદાર મનુષ્યોને અજ્ઞાન પ્રજા બોલવા દે છે, અને આગળ પડવા દે છે; દેશ પછાત છે માટે તો પ્રગતિ વાંછીએ છીએ. પ્રગતિનો ધ્વજ લઈ ધસતી વખતે સાબરની માફક પગની કુરૂપતા વખોડવામાં કશો અર્થ નથી. આપણાં શિંગડાં તો સુંદર છે જ, દલીલોની પટાબાજીમાં–બુદ્ધિના ઢગલાઓ ઉછાળવામાં તે અવશ્ય કામનાં છે. પરંતુ આપણે ઊભા થવું હોય, ચાલવું હોય, દોડવું હોય, કે ધસવું હોય તો પગને વેગળા મૂકાશે નહિ. બુદ્ધિનો ઇજારો લઈ ફરતા હિંદના નાનકડા મગજે સમજવું જોઈએ કે આપણા દેશ – શરીરમાં એંશી ટકા જેટલો ભાગ તો પગે રોક્યો છે. એ પગને ચેતનવાન – પ્રાણવાન બનાવવા હોય તો પગને ગાળો દીધે વળવાનું નથી. ભાવિના ન્યાયાસન સમક્ષ ન્યાય તોળાશે ત્યારે પૂછાશે કે હિંદની બુદ્ધિએ હિંદના હાડપિંજરને કેટલું જીવંત બનાવ્યું ! તે વખતે બુદ્ધિથી એમ દલીલ નહિ થાય કે મેં હાડપિંજરને મનભરી ગાળો દીધી છે !

આથી વધારે પ્રશ્નો પૂછવાની જરૂર નથી. માત્ર ટીકાના રૂપમાં આ પ્રશ્નો પૂછાયા નથી. એ પ્રશ્નોના ઉત્તર લાભમાં મળે એવા હોય તો તે જરૂર આપવા, અને એક ઉમદા પ્રવૃત્તિનો પ્રચાર કરવામાં સહુએ કમર કસવી. એના ઉત્તર લાભમાં આવે એવા ન હોય તો તેમ જણાવવામાં આપણે આપણી મર્યાદા અને ખામીઓને જોઇ શકીશું, અને એ ખામીઓ દૂર કરવાના માર્ગ પણ લઇ શકીશું.

સહકારસાધુ કોઈ
જાગ્યો નથી

પ્રત્યેક પ્રવૃત્તિને વિજય મળતાં વાર લાગે છે. સહકાર જેવી વ્યાપક પ્રવૃત્તિ ત્રીસ પાંતરીસ વર્ષમાં ભારે ચમત્કાર ન કરી બતાવે તેથી જ માત્ર નિરાશ બનવાની જરૂર નથી. અલબત્ત, સરકાર અને પ્રજા બંને જેને આવકારે છે એ હિલચાલ ફળીભૂત ન થાય એ સહજ ચોંકાવનારું તો છે જ. સરકારની આંખ હિંદના ખેડૂત કરતાં લેન્કેશાયરના મિલમાલિક તરફ વધારે ઠરે છે એ જગજાહેર બિના છે. પરંતુ સરકારનું ભૂંડું બોલવામાં કશો અર્થ નથી. આપણી –સમસ્ત હિંદવાસીઓની જેવી પાત્રતા તેવી આપણી સરકાર. છતાં સહકારને સરકાર તરફથી સારો ટેકો મળે છે એ આપણે યાદ રાખવું જોઇએ. સહકારના સેવકો પણ છે, સહકારના હિતસ્વીઓ પણ છે, સહકારના મુરબ્બીઓ પણ છે, સહકારના શૉખિનો પણ છે. સહકારને નથી મળ્યો માત્ર એક સહકારસાધુ ! એકાદ ઘેલો સ્પષ્નદૃષ્ટા, એકાદ આત્મઆહુતિ આપતો કર્મકાંડી, એકાદ ભસ્મ ચોળેલો અવધૂત, કે એકાદ અર્ધ નગ્ન ફકીર જ્યાં સુધી ન જડે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ ઉપર–છલ્લી જ રહે, એમાં પ્રાણ ન જ પૂરાય, એમાં જીવનપલટાની શક્તિ ન જ આવે. આપણને એવો સહકારસાધુ જડ્યો છે ?

વ્યવહાર

બીજી એક વાત. સહકાર્ય એ અમુક અંશે–મર્યાદિત રીતે બહુ જ અસરકારક Business method–વાણિજ્ય વહેવાર બની શકે એમ છે. પરંતુ એ method—એ પદ્ધતિ આખા જીવનવ્યવહારને વળગવા જાય ત્યારે આપણને શું એમ નથી લાગતું કે પદ્ધતિ એ સર્વગ્રાહી સિદ્ધાંત ન બની શકે ? સહકાર્ય પોતાને અનુકૂળ પડે ત્યારે વાણિજ્ય બની જાય છે, અને અનુકૂળ પડે ત્યારે નીતિ બની જાય છે. તે ઘડીકમાં ધનવાનોને વાનોને બંગલે બેસે છે અને ઘડીકમાં ઝૂંપડીના ઝાંપા ઠોકે છે. માનવજીવનના મૂળભૂત વ્યવહારમાં ભારે ફેરફાર કરવાની તેનામાં શક્તિ નથી એમ આપણે સ્વીકારીએ તો સહકાર્યની હોડી ઓછી ડામાડૉળ ન બને ? પદ્ધતિને ધર્મ માનવા મનાવવાની ભૂલ કરી આપણે આપણને પોતાને તો છેતરતા નથી ? આખા જીવનને સ્પર્શતો સહકાર જોઇએ તો સહકારે માત્ર–વાણિજ્ય મટી જવું પડશે.

સહકાર એ જીવનમંત્ર
આ તો technical પારિભાષિક અર્થમાં વપરાતા સહકાર્યની બધી વાત થઈ. બાકી સહકાર એ તો ખુલ્લો જીવનમંત્ર છે; સમાજના પાયામાં જ તે રહે છે. એ જગત–ધર્મ છે, માનવતાનો એ શાશ્વત સિદ્ધાન્ત છે. એ સહકાર વગર ઉદ્ધાર નથી જ, રાજકીય વિષયમાં તે આંતરરાષ્ટ્રિય International ભૂમિકા ઉપર જગતને લાવવા મથે છે; સામાજિક વ્યવહારમાં તે મોટા નાનાના ભેદ ટાળી સમત્વની કક્ષા ઉપર જગતને મૂકવા મહેનત કરે છે. નૈતિક–Humanitarian વૃત્તિ દ્વારા તે વિશ્વબંધુત્વ સિદ્ધ કરવાના પ્રયત્નો કરે છે. સહકારનું પરિણામ સર્વોદ્ધાર. સર્વના ઉદ્ધારમાં સર્વનો સ્વાર્થ પણ સમાયલો છે. સહકાર્યની પ્રવૃત્તિ આવા સહકારને સિદ્ધ કરવામાં સહાયભૂત થાય એવાં સ્વપ્ન પણ સહકાર્યના ચિંતકોએ સેવેલાં છે. એ સ્વપ્ન સિદ્ધ થાઓ એવી શુભેચ્છા સહુ સેવે. કારણ સહકાર્યની ટીકા કરવા છતાં સહકાર્યમાં રહેલી અનેક પ્રકારની શક્તિ જોઈ શકાય છે. આપણા હિંદને સહકારી પદ્ધતિએ અમુક અંશે કામ લીધા વગર ચાલે એમ નથી. પદ્ધતિ તરીકે સહકાર્યને વિશિષ્ટ સ્થાન છે. અને સહકાર પ્રવૃત્તિના અને સર્વોદયના સ્વપ્નમાં બહુ ફેર દેખાતો નથી. આપણાં ધ્યેય ઉન્નત હોય, મળતાં હોય તો પછી વિગતો માટે ભારે ઝગડા આવશ્યક નથી. એટલે સહકાર્ય પ્રવૃત્તિને સફળતા ઈચ્છતાં મને જરા ય સંકોચ થતો નથી.