ગ્રામોન્નતિ/સહકાર-વર્તમાન યોજના

વિકિસ્રોતમાંથી
← ૧૦ સહકાર્ય-એક વ્યાપારી પદ્ધતિ ગ્રામોન્નતિ
સહકાર-વર્તમાન યોજના
રમણલાલ દેસાઈ
૧૨ ગ્રામઉદ્યોગ →





૧૧
સહકાર
વર્તમાન યોજના
આર્થિક સિદ્ધાંત

સહકારના ગુણદોષ તરફ આપણે નજર કરી. ગુણદોષ સમજીને સહકારનો આશ્રય લેવામાં આવે તો ગ્રામપુનર્ઘટનાની આર્થિક બાજુને બહુ વિકસાવી શકાય એમ છે.

સહકાર એક સનાતન આર્થિક સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને આર્થિક જીવનમાં ઉપયોગી બનાવતાં તે વર્તમાન યુગની એક શાસ્ત્રીય આર્થિક યોજના બની શકે છે. આર્થિક યોજના બનતાં તે એક વ્યાપારી પદ્ધતિ પણ બની જાય છે, અને તેનો ધીરધારમાં પણ સારો ઉપયોગ થઈ શકે એમ છે.

શુભ તત્ત્વોનો સ્વીકાર
સહકાર પશ્ચિમમાંથી આવ્યો એ ખરું–પરંતુ પશ્ચિમની આવેલી બધી જ વસ્તુઓને ખરાબ કહેવી એનો કશો અર્થ નથી. આપણી ભાવનાને, આપણા સંસ્કારને અને આપણા જીવનને પરતંત્ર બનાવતી કોઈ પણ પરદેશી વસ્તુ સારી નહિ. પરંતુ જો એ પરદેશી વસ્તુ આપણા સંસ્કારને પુષ્ટ કરે, આપણી ભાવનાઓને વેગ આપે, આપણા જીવનને

અનુકૂળ માર્ગે વિકસાવે અને આપણને પરતંત્રતાનું ભાન ન કરાવતાં તે આપણી જ બની જાય, તો તેનો સ્વીકાર કરવામાં હરકત હોવી જોઈએ નહિ. સહકાર પશ્ચિમથી આવ્યો હોવા છતાં આપણે તેને આપણો બનાવી શકીએ, અને જો કે સહકારની નિષ્ફળતા જોઈ શકાય એમ છે, તો પણ એ નિષ્ફળતાનાં કારણો દૂર કરતાં સહકાર એક અસરકારક આર્થિક તેમ જ સામાજિક પ્રવૃત્તિ બની શકે તેમ છે.

પ્રજામાંથી તેનો
વિકાસ નથી.

સહકાર પરદેશી રાજસત્તાએ હિંદમાં દાખલ કર્યો. આર્થિક મુંઝવણમાં અટવાયલી ગ્રામજનતા પાસે બ્રિટિશ અધિકારીઓ અને બ્રિટિશ રાજસત્તાએ સહકારને મૂક્યો. એટલે સહકારની પ્રવૃત્તિ પ્રજાની આંતરિક ખિલાવટમાંથી નથી થઈ. તેથી જ એ પ્રવૃત્તિ હજી સુધી આપણી પોતાની ન લાગતાં ઊછીની લાગ્યા કરે છે.

પ્રજાકીય પ્રવૃત્તિઓ

સહકારને પ્રજાના આગેવાનોએ ઠીક ઠીક સાથ આપ્યો છે. સહકાર એ રાજકારણથી પર વિષય છે એવું કહેવાથી સહકારનું ક્ષેત્ર કંઈક અંશે પરદેશી સરકારના અમલદારો અને લોકના નેતાઓને ભેગા મળી કામ કરવાનું એક ક્ષેત્ર પણ બની શક્યું છે. આદર્શ પણ એ જ છે કે સહકાર સરકારની પ્રવૃત્તિ મટી પ્રજાકીય પ્રવૃત્તિ બને–જો કે પરાધીન દેશની કોઈપણ પ્રવૃત્તિને રાજકીય સંબંધથી દૂર કરવાનું કામ લગભગ અશક્ય છે.

ધીરધારનું ક્ષેત્ર

સહકાર્યની પ્રવૃત્તિ હિંદમાં દાખલ થઈ તે પ્રથમ તો ધીરધારના જ ક્ષેત્રમાં. પરતંત્ર રાજ્યની–પરતંત્ર દેશની ધીરધાર પણ પરાધીન જ હોય, છતાં તેને દાખલ કરવામાં જાણીબુઝી ગ્રામજનતાને મુશ્કેલીમાં મૂકવાની સત્તાધારીઓનો વિચાર હતો, એવું અનુમાન કરવાને કારણો નથી. એનો પ્રાથમિક ઉદ્દેશ કરકસર, સ્વાશ્રય અને પરસ્પર—સહાયના સિદ્ધાંત ઉપર ગ્રામ–ધીરધારની યોજના કરવાનો જ હતો. મૂડીમાં પ્રથમ તો શાખને જ મહત્ત્વ આપવામાં આવતું અને દસ માણસો ભેગા થઈ બંધારણવાળી મંડળી નોંધાવે એટલે એકબીજાની શાખ ઉપર ખેતી ઉપયોગી કાર્યો અને જરૂરિયાતો માટે સરકારમાંથી નાણાં મળે એવી વ્યવસ્થા રાખવામાં આવી હતી.

પરંતુ સરકારથી શાહુકાર થવાય નહિ, એવી માન્યતાને લીધે મંડળીઓને સહાય આપવા માટે ખેતીવાડી પેઢી અગર શાહુકારી સહકારી પેઢીની રચના ભાગ–ભંડોળથી કરવામાં આવી અને તેને સરકારે ઘણો આર્થિક ટેકો આપ્યો. આમ ગામડાંની આર્થિક વ્યવસ્થાને સુઘટિત બનાવવા સહકારી સિદ્ધાંત ઉપર શરાફી પેઢીઓ પણ ઊભી થઈ.

ધીરધારથી આગળ
વિકાસ

ધીમે ધીમે સહકાર્યના સિદ્ધાંતનો માત્ર ધીરધારમાં જ નહિ પરંતુ જીવનની અનેક આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સફળતાથી ઉપયોગ થઈ શકે છે એમ દેખાવા લાગ્યું. દસ માણસો ભેગાં થઈ પોતાની શાખ ઉપર એક બીજાની ધીરધાર પ્રવાહી બનાવી શકે તો એ જ રીતે દસ માણસો ભેગાં થઈ પોતાનો માલ પણ ઉત્પન્ન કરી શકે. એ જ પ્રમાણે ઉત્પન્ન કરેલો માલ દસ માણસો ભેગા થઈને વેચી શકે. એટલું જ નહિ પણ દસ માણસો જરૂરિયાતનાં સાધનો ભેગા મળી મંગાવી શકે. સહકાર્યની ભાવના એથી વધારે ખીલે તો એ દસે માણસોને પોતપોતાનાં વ્યક્તિગત સાધનો જુદાં જુદાં વસાવવાને બદલે મઝીયારાં વસાવવા પણ વિચાર થાય. બે ખેડૂત વચ્ચે એક હળે ચાલી શકતું હોય અને એકબીજાની સગવડ સાચવી શકાય એટલી સમજ ખેડૂતોમાં ખીલી હોય, તો બે વચ્ચે એક હળ લાવી એક હળનું મિથ્યા ખર્ચ બચાવી શકાય. એટલે સહકાર્ય માત્ર ધીરાણ મટી ખરીદી, વેચાણ, અને ઉત્પાદનના વ્યહવારોમાં પણ ઉપયોગી થઈ પડ્યું. દસ માણસો ભેગા થાય અને વ્યહવાર કરે તેમાં સંગઠનનું બળ આવે છે, જે એકલ માણસના કરતાં ખરેખર વધારે જ હોય. દસ માણસને સ્થાને પચીસ પચાસ કે સો માણસે વધે તો તેટલું સંગઠનનું બળ પણ વધારે વધે, ખરીદી અને વેચાણ મોટા પાયા ઉપર થઈ શકે અને વ્યહવાર તથા શાખ પણ વિસ્તૃત બની શકે.

નગર સહકાર–Urban
Cooperation

સહકાર ગ્રામજનતાને જ ઉપયોગી છે, અને તે પણ ધીરાણના જ વ્યહવારમાં એવી જૂની માન્યતા બદલાઈ વિકાસ પામી અને જેમ ધીરાણ ઉપરાંત અન્ય વ્યવહારમાં તેનો ઉપયોગ કરવાની શક્યતા દેખાઈ તેમ તે ગ્રામવિભાગની બહાર જઈ નગરવિભાગને પણ ઉપયોગી છે એમ સમજાવા લાગ્યું. હવે સહકાર સર્વોપયોગી વ્યહવાર તરીકે ગણાવા લાગ્યો છે.

ચારિત્ર્યની જરૂર

આપણી પરાધીનતા, આપણો સ્વાર્થ, આપણી ચારિત્ર્યહીનતા, આપણી અકસ્માત આફતો અને આપણી અણઆવડત ગ્રામ તેમ જ નગરસહકારમાં અનેક વિટંબણાઓ ઊભી કરે છે અને સહકાર્યના પાયા ડગમગી જાય એવી નિષ્ફળતાઓ પણ ઉપજાવે છે. એમાં સહકાર્ય કરતાં આપણી અણસમજ વધારે દોષપાત્ર છે. એટલે આપણે તો માત્ર ગ્રામજીવનમાં તેનો બહુ સારો ઉપયોગ થઈ શકે એમ છે એટલું જ અત્રેને કહીશું. સહકાર્યો દ્વારા સંગઠન થાય છે, ચારિત્ર્ય ખીલે છે, વ્યહવાર વિશુદ્ધ થાય છે, દક્ષતા આવે છે, અને અરસપરસ મદદરૂપ થઈ પડવાની લાગણી પણ આપણામાં ખીલી નીકળે છે.

ઉદ્દેશ

સહકારી મંડળીઓએ ધોરાણ, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ જેવો એક જ ઉદ્દેશ રાખવો કે એ સર્વનો સમાવેશ થાય એમ વધારે ઉદ્દેશ રાખવા એ સંબંધમાં નિષ્ણાતો જુદા જુદા મત સેવે છે. ધીરધાર કરનારી મંડળી એકલું ધીરધારનું કામ કરીને બેસી રહે એના કરતાં ધીરધાર ઉપરાંત જરૂરી વસ્તુઓની ભેગી ખરીદી કરે, ઉપજેલો માલ ભેગા મળી વેચે, અને વધારે જથ્થાની વેચાણખરીદીમાંથી સહજ મળતા લાભને મેળવી લે તો તેમાં કાંઈ ખોટું નથી એવી એક માન્યતા છે. સામો મત એવો છે કે ખરીદી, વેચાણ અને ધીરધાર એ ત્રણે આર્થિક વ્યહવારો એવા પ્રકારની વ્યવસ્થા માગે છે કે જેમાં જુદા જુદા વ્યવહારની ગૂંચવણ ઊભી કરવી એ બધા જ ઉદ્દેશોને નિષ્ફળ બનાવવા સરખું છે.

સિદ્ધાંતોના ઝઘડાની બહુ જરૂર નથી. વ્યવહાર અતિ વિસ્તૃત થાય ત્યારે જુદાં જુદાં વ્યવસ્થાચક્રો માગે એ સ્વાભાવિક છે, અને વિકાસની એ ભૂમિકામાં વ્યવસ્થાની ખીચડો ન કરવો એ પણ જરૂરી છે. છતાં ગ્રામજીવનના આપણા નાનકડા વ્યહવારોમાં એટલી બધી ગૂંચવણ હજુ ઊભી થઈ નથી કે જેથી દરેક ઉદ્દેશને માટે જુદી જુદી મંડળીઓ કાઢી શકાય. એ વિચારથી માત્ર ધીરધાર કરનારી મંડળીઓમાં અન્ય સેવાઓ ઊમેરી શકાય એવી પણ યોજના રાખી શકાય એમ છે. આવી મંડળીઓને સાધનમંડળી એ નામે હવે ઓળખવામાં આવે છે.

વહીવટ

મંડળીઓની સંખ્યા વધે એટલે તેમનાં જૂથ પાડી એકાદ સંઘની સાથે જોડી દઈ તેમના સામાન્ય પ્રશ્નો વિચારવા, હિસાબની તપાસણી કરવી, અને સભ્યોની દોરવણી કરવી એ પણ સહકાર્યનો મહત્ત્વનો કૉ’યડો છે.

કેળવણી

વળી આર્થિક ઉન્નતિનો મોટામાં મોટો શત્રુ અજ્ઞાન છે એ માન્યતાને આધારે મંડળીના સભ્યોમાં કેળવણી અને ખાસ કરીને સહકાર્યના સિદ્ધાંતોની કેળવણી આપવી બહુ જ જરૂરી છે એમ કાર્યકર્ત્તાઓ માને છે. તેને અંગે મોટા સંઘ સ્થાપી, માસિકો, પત્રિકાઓ, સામાયિકો કાઢી પ્રદર્શનો અને પરિષદો ભરી સહકાર્યનું જ્ઞાન ફેલાવવું એ પણ આજની સહકારી પદ્ધતિનું મહત્ત્વનું તત્ત્વ થઈ પડેલું છે. પ્રજા સહકાર્યના ધોરણે કાર્યો કરે, અને રાજ્ય દેખરેખ અને દોરવણી રાખે એવો સિદ્ધાંત સ્વીકારાઈ ચૂકયો છે.

મૂડીવાદ ઉપર અંકુશ
આમ સહકાર્ય એક વિસ્તૃત આર્થિક ઘટના બનવાની અભિલાષા સેવે છે. એ અભિલાષા હજી સંપૂર્ણ ફળીભૂત થઈ નથી. છતાં તેમાં અનેક શક્યતાઓ રહેલી છે, અને ગ્રામોન્નતિમાં ધીરધાર ઉપરાંત વેચાણ, ખરીદી અને ઉત્પાદનનાં કાર્યોમાં પણ પ્રબળ વેગ આપી શકે એમ છે એ જાણી લેવાની ખૂબ જરૂર છે.

એના મૂળભૂત સિદ્ધાંતો પ્રચલિત બન્યા છે અને એનો કાર્યક્રમ નિયમબદ્ધ ઘડાય છે. મંડળીઓની વ્યવસ્થા મતાધિકારના ધોરણે ચાલે, ચર્ચાને તેમાં અવકાશ હોય અને તેના વહીવટમાં નિયમાનુસાર કશી બાહ્ય દખલ ન થાય એવું સ્વતંત્ર બંધારણ પણ તેનું ઘડવામાં આવ્યું છે. Planning under capitalism–મૂડીવાદના ચોકઠામાં વ્યવસ્થિત વ્યવહાર અને નફાખોરીનો વિરોધ યોજવાની સેવા તેણે બજાવી છે. નફાનું નિયંત્રણ કોઈપણ મૂડીવાદી યોજનાએ કર્યું હોય તો તે સહકારે જ. સહકારમાં રહેલાં પ્રજાકીય બંધારણ અને યોજનાબદ્ધ આર્થિક વ્યવહારનાં તત્ત્વો તેને વિશિષ્ટતા અર્પે છે, એટલું જ નહિ પણ મૂડીવાદ સિવાયના સમાજ, સામ્ય કે અન્ય વાદમાં પણ તેનો બહુ સારો ઉપયોગ થઈ શકે એમ છે એ તો નોંધ્યા વગર ચાલે એમ નથી.

સહકારના વ્યવહારનો ન્યાય પણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. સમાધાનનું તત્ત્વ સદા સ્વીકારાય છે અને ખર્ચાળ ન્યાય પદ્ધતિને બદલે જૂજ ખર્ચે સહકારી ખાતા મારફત ન્યાય મળે એવી પણ યોજના રાખવામાં આવી છે.

વિશિષ્ટ સમાજ-
રચના
મંડળીઓની વ્યવસ્થા સર્વદા સંતોષકારક હોતી નથી. ધંધાનું શિક્ષણ એ કપરો વિષય બને છે. અને અનેક કારણોને લઇને મંડળીઓ કાં તો પુષ્ટ અને બળવાન રહેતી નથી, તેમાં મંદતા પ્રવેશે છે અને ઘણી વાર ગાઢ નિદ્રામાં પડી એ મંડળીઓ અસ્તિત્વને લાયક પણ રહેતી નથી.

મંદતાને વેગ આપી શકાય. પરંતુ જીર્ણોદ્ધાર માટે અશક્ય બનેલી મંડળીઓને બંધ કરવાથી જ લાભ થાય છે. એટલે એ મંડળીઓને ફડચામાં લઈ જઈ તેમના સભ્યોના અને મંડળીઓના દેવા લહેણાનો નિકાલ કરવાની પણ ઇલાયદા વ્યવસ્થા રાખવામાં આવે છે. એટલે આખો સહકાર દ્વારા થતો વ્યવહાર સારી અને ખરાબ સ્થિતિમાં પણ વિશિષ્ટ વ્યવસ્થા અને વિશિષ્ટ વહીવટ માગી લે છે, અને આમ સર્વ વાતે એક વિશિષ્ટ સમાજરચનાનાં તત્ત્વો ઘડતો હોય એમ લાગે છે. ખેડૂતનું અજ્ઞાન અગર તેની રહેણી તેની આર્થિક ઉન્નતિમાં આડે ન આવે એ ઉદ્દેશથી નિયંત્રિત ધીરાણ–Controlled creditની પણ એક વ્યવસ્થા પ્રચારમાં આવતી જાય છે.

સહકારની શાસ્ત્રીય ચર્ચા કરવાનું આ સ્થળ નથી. વળી નગરસહકાર (Urban co–operation) નો પ્રશ્ન પણ આ સ્થળે ચર્ચવાની જરૂર નથી. સામાન્ય સમજ અર્થે સહકારનાં જુદાં જુદાં અંગોનું કરેલું વિવેચન નીચેના કોષ્ટકથી સમજાઈ જશે. નગરસહકારના પણ ગ્રામસહકાર સરખા જ વિભાગો પડી શકે એમ છે. અને તેમાં પણ ધીરાણ, દેખરેખ, અને કેળવણીનાં તત્ત્વો જરૂરી છે.

સહકાર
ગ્રામનગર
ધીરાણદેખરેખકેળવણી
યુનીયન–
મધ્યવર્તી
મંડળ
તપાસણી કામદાર
તથા બીજું
તપાસણી તંત્ર
પેઢી
ખેતીવાડી
પેઢી
સહકારી
પેઢી
જમીનગીરો
પેઢી
પ્રચારકપ્રદર્શનપરિષદસભાશિક્ષણ વર્ગપત્રપત્રિકા
સાધન
મંડળી
ઉત્પાદન
મંડળી
વેચાણ
મંડળી
ખરીદી
મંડળી
ઘર બાંધનારી
મંડળી
ગ્રામજીવન
સુધારણા
મંડળી
–Better
Living
Society
ધીરાણ
મંડળી
બહુ હેતુવાળી
-multipurpose
મંડળી