ગ્રામોન્નતિ/ગ્રામઉદ્યોગ
← ૧૧ સહકાર-વર્તમાન યોજના | ગ્રામોન્નતિ ગ્રામઉદ્યોગ રમણલાલ દેસાઈ |
૧૩ ગ્રામઉદ્યોગ → |
ગ્રામઉદ્યોગ
પ્રકારની વિચારસરણી
ગ્રામઉદ્યોગ વિષે આજકાલ બે પ્રકારની વિચારસરણી જોવામાં આવે છે. ગ્રામઉદ્યોગો જેવી કોઈ વસ્તુ હાલ છે જ નહિ અને જે કાંઈ છે તે મૃતપ્રાય હોવાથી તેને સજીવન કરવાની જરૂર નથી. દેશની સમગ્ર વિશાળ ઔદ્યોગિક ખીલવણીમાં ગ્રામઉદ્યોગ જરૂર હશે એટલા આપોઆપ ખીલી નીકળશે. ન ખીલી નીકળે તો તેમાં હરકત નથી. મરવાને આળસે જીવતા ઉદ્યોગો ભલે મરે – તેમને જીવાડવાની જરૂર નથી. આવી એક પ્રકારની માન્યતા છે. જેને હાલ સામાજવાદો વિચારકોએ પણ યંત્રવાદી મૂડીધારીઓ સાથે ટેકો આપેલો છે.
બીજો પક્ષ એમ માને છે કે ગામડાંના ઉદ્યોગોને ટેકો આપવાથી તેઓ સજીવન થઈ શકશે અને ગ્રામજીવનની આર્થિક પુનર્ઘટનામાં એ ઉદ્યોગો બહુ મહત્ત્વનું સ્થાન લઈ શકશે. ગાંધીજી અને હિંદી સરકાર બન્ને બહુ વિચિત્ર રીતે આ પ્રશ્નમાં એકમત ધરાવે છે.
ઉદ્યોગોમાં પરવશતા
મોટા પાયા ઉપર રાષ્ટ્રઉદ્યોગો રચવામાં આવે અને ગામડાંના નાના ઉદ્યોગો નિરર્થક બની જાય એવી સ્થિતિ ઈચ્છવા યોગ્ય હોય તો પણ જ્યાં સુધી હિંદી સરકારે હિંદી રાષ્ટ્રિયતાને પોતાની કરી નથી અગર સમાજવાદીઓ પ્રચારની ભૂમિકામાંથી કાર્યની ભૂમિકા ઉપર હજી આવ્યા નથી ત્યાં સુધી આપણે બીજા મતને સ્વીકાર્યા સિવાય ચાલે તેમ નથી. યાંત્રિક બળવાળાં મોટાં રાષ્ટ્રિય કારખાનાં ગામડાંની જરૂરિયાતો પૂરી પાડે એ જરૂર ઇચ્છવા યોગ્ય છે. પરંતુ હિંદુસ્તાનની ઔદ્યોગિક પરવશતા અને અવ્યવસ્થા જે રાજકીય પરતંત્રતાનો પડઘો છે, તે આપણને શીખવે છે કે ગામડાંની જરૂરિયાતો ઉપર જ આપણે લક્ષ આપી શકીએ એમ છે. બીજી રીતે હિંદુસ્તાનના હાથ બંધાએલા છે. આપણે હાથે કરી લઈએ એટલા જ ધંધામાં આપણે સ્વતંત્ર છીએ.
આજનો પ્રશ્ન
ગ્રામઉદ્યોગો આપણી ગામડાની મિલકત અગર મૂડીમાં ધ્યાન ખેંચવા જેવો વધારો નહિ કરી શકે. આંતરરાષ્ટ્રિય દૃષ્ટિએ વિચાર કરનારા મહાવિચારકોને ગામડું અને ગામડાના ઉદ્યોગો ક્ષુલ્લક, નજીવા અને લુપ્ત થાય તો આંસુના ટીપાંને યોગ્ય ન લાગે એ સહજ છે. પરંતુ ગામડાંનો પ્રશ્ન હિંદુસ્તાનને માટે તો આજનો થઈ પડ્યો છે. આજને માટે તો તે અત્યંત મહત્ત્વનો છે. આવતી કાલની પ્રજા આંતર–રાષ્ટ્રિય સંજોગો પૂલટાતાં મહેલમાં રહી શકશે એ સ્વપ્ન આજના તૂટેલી ઝૂંપડીઓમાં રહેતા ગામડિયાને બહુ ભાવી શકે એમ નથી. સમાજવાદ અગર સામ્યવાદની આવતી કાલની જાહોજલાલીમાં પ્રત્યેક ખેડૂત અને મજૂર ઓછી મજૂરી કરી પેટભર ખોરાક મેળવી સિનેમા, નાટક અને સંગીતના જલસાઓની મોજ માણી શકશે એ ખ્યાલ હિંદના ગામડિયાને જરૂર ગમે. પરંતુ એ ખ્યાલને માટે તેનો આજનો ભૂખમરો ચાલુ રાખવા ભાગ્યે જ ગામડિઓ તૈયાર થાય. એને આજે જ રોટલો જોઇએ.
ગ્રામજીવનને પુષ્ટિ આપતા હતા. પરંતુ રેલ્વે, સ્ટીમર અને મોટરે એ સ્થિતિ બહુ બદલી નાખી છે, અને ગામડાંને અનેક સારી માઠી અસરોનું ગ્રાહક બનાવ્યું છે. એટલે આજના ગ્રામઉદ્યોગોએ પણ જૂની ઘરેડમાંથી બહાર નીકળવું પડશે. ગ્રામઉદ્યોગો માટે યાંત્રિક બળની કોઈ વાત કરે, તેલનાં યંત્રોનો ઉપયોગ સૂચવે અગર વીજળી વાપરવા સલાહ આપે તો તેને આજનું ગામડું હસી શકે એમ નથી. સુધરેલી ઢબનું હળ વાપરવાનો પ્રસંગ આવે અગર બળદગાડાને ન્યુમેટીક ટાયર–રબરનાં પૈડાં નાખવાનું કહેવામાં આવે તો તે વાતને તિરસ્કારવી એ હવે ફાવે એમ નથી. નવી વાતોથી ગામડું ભલે ચમકે; પરંતુ એ ચમક સાથે ગામડાએ નવી વાતો સમજવાનો અને નવી વાતોનો પરિચય કેળવવાનો સ્વભાવ રાખવો પડશે. નાના ઉદ્યોગો–ગ્રામઉદ્યોગો–ગૃહઉદ્યોગો હજી દુનિયાના સુધરેલા દેશમાં–ખાસ કરી જાપાનમાં–જીવતા જાગતા છે. એટલે હિંદુસ્તાને પણ તે વાત સમજવી પડશે. હાલના રાજકીય અને આર્થિક સંજોગોનો વિચાર કરતાં કોઈ એમ કહેવાને લલચાય કે હિંદુસ્તાન મોટા ઉદ્યોગો કરતાં નાના ઉદ્યોગો-ગ્રામઉદ્યોગોને સારી રીતે ખીલવવાની ભૂમિકામાં છે તો એ કથન કાઢી નાખવા સરખું નથી.
લિન આર્થિક
કાર્યક્રમ
ગ્રામઉદ્યોગ વિરુદ્ધ એક દલીલ કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે ગ્રામઉદ્યોગથી ગામડાની સંપત્તિમાં પૂરતો વધારો થાય એમ નથી. જુની કહેવત છે કે ‘આંગળી ચાટે પેટ ન ભરાય.’ ગ્રામઉદ્યોગોનો પુનરુદ્ધાર એ કહેવતના દૃષ્ટાંતરૂપ છે. આ દલીલ કંઈક અંશે ખરી છે. ગ્રામઉદ્યોગની પુનર્ઘટનાથી ગામડિયાઓ લક્ષાધિપતિ થાય એ બનવું અશક્ય છે. પરંતુ લક્ષાધિપતિ થવાની યોજના હાથ ન લાગે ત્યાં સુધી કાંઈ પણ ન કરવું અને ચાલુ ગરીબી વધાર્યા કરવી એમાં વ્યવહારશીલતા નથી. આપણી તાત્કાલિક જરૂરિયાત નથી લાખ રૂપિયાની, અને નથી હજાર રૂયિયાની. બારમહિને પચાસથી સાઠ રૂપિયાની સરેરાશ આવકવાળો હિંદવાસી ગ્રામ–ઉદ્યોગ દ્વારા પોતાની આવકમાં પાંચ દસ રૂપીઆનો ઉમેરો કરી શકે તો પણ તે ગ્રામઉદ્યોગની સફળતા જ મનાય. આજની ભૂખમરામાં ગામડિયો એ પાંચ દશ રૂપિયામાં કંઈ ને કંઈ વધારે પોષણ મેળવી શકશે. આવતી કાલના લાખો રૂપિયાની અભિલાષામાં આ ક્ષણનો અડધો રોટલો પણ જતો કરીને મરણપથારીએ સૂવું એ વાસ્તવિક નથી. હિંદુસ્તાનના વિચિત્ર સંજોગોમાં યંત્રવાદીઓને અગર સમાજવાદીઓને હાસ્યજનક લાગતા ગ્રામઉદ્યોગો આજને માટે, આવતા દસકાને માટે, આવતી વીશી માટે બહુ અગત્યનો આર્થિક કાર્યક્રમ છે.
(૧) લુહારી કામ : હળ, લોખંડી ઓજારો, પૈડાંની વાટો વગેરેની બનાવટ.
(૨) સુથારી કામ: ગાડાં, મજુસ, લાકડાંનાં ઓજારો વગેરેની બનાવટ,
(૩) કુંભાર કામ : નળિયાં, માટીનાં વાસણ, રમકડાં, ઈંટો વગેરેની બનાવટ.
(૪) ચમારી કામ : કોસ, વરત, ગાડાંનાં જોતર વગેરેની બનાવટ.
(૫) વણાટ કામ.
ગ્રામજીવનમાં પરિપૂર્ણતા હતી તે કાળે ઉપરના ધંધા પ્રત્યેક ગામમાં હતા અને જે તે ધંધામાંથી ધંધાદારીને પૂરતું પોષણ મળતું. હવે ગામડાં ઉપરના ઉદ્યોગોને સંપૂર્ણ પોષણ આપતાં અટકી ગયાં છે. અને બદલાતા સંજોગોમાં આવા ધંધાદારીઓ કોઈ મોટાં ગામડાં પસંદ કરી તેમાં એકત્રિત થાય છે. એટલે નાનાં ગામડાંને જરૂર પ્રસંગે મોટાં ગામડાંમાં જતા રહેલા આવા ધંધાદારીઓનો આશ્રય શોધવો પડે છે. પાંચ–દસ નાનાં ગામડાંની વચ્ચે એકાદ મોટું ગામડું બંધાયલું હોવાથી અને ગામડિયા લોકો સાધારણ જવરઅવરથી ટેવાયેલા હોવાથી તેમને આવાં કામ કરાવી લેવા માટે બહુ મુશ્કેલી પડતી નથી.
આવા કારીગરો હજી પોતાનાં કામ જૂની ઢબ ઉપર જ કરી રહ્યા છે. એટલું જ નહિ, જૂની ઢબમાં જે મહેનત અને ચોકસાઈ હતી એ મહેનત અને ચોકસાઈ ઓછી કરતા ચાલ્યા છે. થોડી કામચલાઉ Mechanism –યંત્રરચના આવા કારીગરોએ જાણવી જોઇએ. તેમનાં ઓજારો પણ તેમણે સુધારવાં જોઇએ અને નવી ઢબની શક્તિઓ–Powersનો પરિચય સેવવો જોઈએ. સરકાર ધારે તો વરાળ અને વીજળીના બળનો ઉપયોગ પ્રચારમાં લાવી શકે એમ છે–નિદાન ટૂંકા ક્ષેત્રમાં તો તે સંભવિત છે.
પરિણામ
કમનસીબે યંત્રવાદ એટલો ખર્ચાળ છે કે તેનો નાના પ્રમાણમાં પણ ઉપયોગ કરવો એ અજ્ઞાન ગ્રામવાસીઓને મુશ્કેલીભર્યું થઈ પડ્યું છે. વણાટકામ તો મિલોએ લગભગ તોડી પાડ્યું છે. શહેરોનાં લોખંડી કે સુતારી કારખાનાં અનેક કારીગરોને બેકાર બનાવી મૂક્યા છે. એટલે સંપૂર્ણ પોષણ ઉદ્યોગમાંથી મેળવવા ઇચ્છતા ગ્રામકારીગરોએ નવી આવડત અને નવી સફાઈ શીખવી જ પડશે. નહિ તો ગ્રામકારીગરોને વર્ગ બહુ ઝડપથી લુપ્ત થઈ જશે. આવા કારીગરોના લુપ્ત થવાથી ગામડાંને અગર દેશને ખરેખર લાભ હોય તો તેમને લુપ્ત થવા દેવામાં ખાસ અડચણ નથી. પરંતુ તેમને લુપ્ત થવા દેવામાં ભય પણ રહેલો છે. બેકાર કારીગરો ગામડાં છોડી રઝળતા બની અને કોઈ મૂડીવાદી કારખાનાના મજૂર બની જાય છે, અને એ કારખાના દ્વારા દેખીતી સોંઘવારી નીચે ગામડાંને ભયંકર ગરીબી અને સ્વાશ્રય–હીનતામાં ધકેલી દે છે. આ ગામડાંમાં સંપૂર્ણ પોષણ મેળવી આપતા ઉદ્યોગોની વાત થઈ. વધારે મહત્વનો પ્રશ્ન પોષણમાં સહાયરૂપ થઈ પડે તેવા ઉદ્યોગોના પુનઃ ઉદ્ધારનો છે.