લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/ગ્રામઉદ્યોગ(૨)

વિકિસ્રોતમાંથી
← ૧૨ ગ્રામઉદ્યોગ ગ્રામોન્નતિ
ગ્રામઉદ્યોગ
રમણલાલ દેસાઈ
૧૪ ગૃહઉદ્યોગનું વર્ગીકરણ →





૧૩
ગ્રામઉદ્યોગ

યંત્રવાદ
ઉદ્યોગોનો ઇતિહાસ
આપણા દેશના ઉદ્યોગોનો ઇતિહાસ પદ્ધતસર લખાયો નથી. આપણા ઉદ્યોગો સંબંધી પૂરતી શોધખોળ પણ થઈ નથી. જ્યારે ત્યારે હિંદુસ્તાન પછાત જ હતો એમ માનીને ચાલવામાં આવે છે. પછાત દેશમાં મોટા ઉદ્યોગો, વ્યાપારો અને ઉદ્યોગ તથા વ્યાપારમંડળો ન હોય એવું અનુમાન પણ સહજ કરવામાં આવે. પરંતુ હિંદ એક વખત– લાંબો વખત વ્યાપાર ઉદ્યોગમાં બહુ જ આગળ પડતો દેશ હતો એવું ઇતિહાસના મળી આવેલા ટુકડાઓ ઉપરથી આપણે જોઈ શકીએ એમ છે. હિંદુસ્તાનનું આકર્ષણ જ તેની સમૃદ્ધિ, કારીગરી અને ઉદ્યોગોને લીધે જ હતું એમ ઇતિહાસ સળંગ ન હોવા છતાં આપણે જાણીએ છીએ.
પર્યટનપ્રિય હિંદવાસી
અરબી સમુદ્ર ઓળંગીને હિંદવાસીઓ અરબસ્તાન, તુર્કસ્તાન, ગ્રીસ અને એથી પણ આગળ વેનીસ, રોમ સુધી પહોંચી જતા. હિંદી મહાસાગર ઓળંગીને હિંદવાસીઓ મોરીશીઅસ, માડાગાસ્કર, આફ્રિકા, સુમાત્રા, જાવા, બોર્નીઓ, ફીજી, ચીન અને જાપાન જેવા દૂર દૂરના

દેશોમાં પહોંચી ગયા છે એવો ઇતિહાસ તો આજ પણ આપણે વાંચી શકીએ એમ છે. સુમાત્રા, જાવા, બોર્નીઓ , હિંદીચીન, સિઆમ વગેરે દેશોમાં હિંદુ રાજ્યો સૈકાં સુધી હતાં. ઉપરાંત ચીન અને જાપાનમાં ફેલાયલો બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનની પરદેશગમનની પ્રવૃત્તિનો બહુ સચોટ ખ્યાલ આપે છે.

સંસ્કારસંબંધ

નિત્યની અવરજવર વગર એક દેશના સંસ્કાર બીજા દેશમાં જાય નહિ અને કદાચ જાય તો એ સંસ્કાર સ્થિરપ્રાય બની રહે નહિ. આ અવરજવરની શરૂઆત વ્યાપારને અવલંબીને થાય છે; વ્યાપારમાંથી રાજસત્તા અગર રાજ સંબંધ બંધાય છે; અને આવા વ્યાપારસંબંધ અને રાજસંબંધને અંગે જ સંસ્કારસંબંધ અને ધર્મસંબંધ બંધાય છે અને ફેલાય છે. ચીન, જાપાન સુધી પહોંચેલા બૌદ્ધધર્મ અને જાવા સુમાત્રા સુધી પ્રસરેલા હિંદુ ધર્મની પાછળ વ્યાપાર ઉદ્યોગનો એક ભવ્ય ઇતિહાસ છૂપો પડેલો છે.

વહાણ બનાવટ

આ અવરજવરને શક્ય બનાવતું વહાણવટું હિંદનો બહુ મોટો ઉદ્યોગ હોવો જોઇએ. હિંદના વહાણવટાનો ઇતિહાસ છેક ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના આગમન સુધી પ્રયત્ન કર્યે વાંચી શકાય એમ છે. ફીરંગીઓનાં, અંગ્રેજોનાં અને ખાસ કરીને ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનાં અનેક વહાણો સત્તર, અરાઢ અને ઓગણીસમી સદીમાં ગુજરાતને દરિયા કિનારે બંધાતાં હતાં. ટ્રંફાલ્ગરની સુપ્રસિદ્ધ લડાઈમાં નેલ્સને નેપોલીયન વિરૂદ્ધ ઉપયોગમાં લીધેલું ‘વિક્ટરી’ વહાણ પશ્ચિમ હિંદુસ્તાનની બનાવટ હતું. વહાણની બનાવટમાં પારસીઓનો ઘણો મોટો હાથ હતો એમ ઈસ્ટ ઈંડીઆ કંપનીનો ઇતિહાસ આપણને કહે છે. આ વહાણનો ઉદ્યોગ મોટા ઉદ્યોગ તરીકે ગણી શકાય.

મોટા ઉદ્યોગો

કુતુબમિનારની સામે આવેલો એક લોખંડનો અતિ પ્રાચીન સ્તંભ આ દેશના લોખંડના ઉદ્યોગની સાક્ષી આપણને હજી આપી રહ્યો છે. લોખંડ ઢાળવાની ક્રિયા છેક હમણાંની જ છે અને તે વર્તમાન વિજ્ઞાનની મદદ સિવાય અસ્તિત્વમાં ન જ હોઈ શકે એવી માન્યતાને આ પ્રાચીન બ્રાહ્મી લિપીના લેખથી શોભતો લોહસ્તંભ ફટકો મારે છે. આવડો મોટો લોહસ્તંભ સળંગ ઢાળીને બનાવી શકાય એ સ્થિતિ લોખંડનાં કારખાનાં, લોખંડ ઢાળવાની શાસ્ત્રીય ક્રિયા અને તેને લગતા ઉદ્યોગોની જ્વલંત સાક્ષી રૂપ છે. ઉપરાંત પત્થરનાં ભવ્ય અને કારીગરીવાળાં દેવાલયો, આરસ, સ્ફટીક તેમ જ બીજા પત્થરોની ખાણો, પત્થર ઘડવાના ધંધા, પત્થરો લઈ જવા લાવવાનાં ઉચ્ચાલનો અને બાંધકામના અંગના બીજા ઉદ્યોગોનો મોટો સમૂહ સૂચવે છે કે આપણા દેશમાં મોટા ઉદ્યોગો ન હતા એમ માનવાની જરૂર નથી. જે દેશે મોટા ઉદ્યોગો ભૂતકાળમાં ઓળખ્યા તે ભવિષ્યમાં મોટા ઉદ્યોગોને ન જ ઓળખે એવું માનવાને કારણ નથી.

ગ્રામઉદ્યોગો

એની સાથેસાથે ગ્રામ ઉદ્યોગો પણ આપણા ગ્રામજીવનને સ્વતંત્ર અને આબાદ બનાવી રહ્યા હતા.


યંત્રવાદ

પશ્ચિમમાં વરાળની શક્તિ જડી આવી અને તેમાંથી યંત્રવાદે જીવન ઉપર હુમલો કર્યો. અંગ્રેજોની રાજકીય સત્તાને યંત્રનું જોર મળ્યું. આ યંત્રવાદમાંથી નીચેનાં પરિણામે નિપજ્યાં :—

(૧) ઝડપી ઉત્પન્ન.
(૨) ઘણા મોટા પ્રમાણમાં ઉત્પન્ન.

 (૩) મજૂરીને ગ્રામપ્રદેશમાંથી ખેંચી લાવી ટૂંકા વસવાટમાં કેન્દ્રિત બનાવતાં કારખાનાંભર્યાં શહેરોની રચના – factory towns.
(૪) કલાને બદલે બિબાનું એકમાર્ગીપણું.
(૫) નાની જરૂરીઆતો માટેનું પરાવલંબન.
(૬) પૈસા વધ્યા પરંતુ પૈસાની કિંમત ઘટી.
(૭) વગર જરૂરની આકર્ષક વસ્તુઓની પુષ્કળ પ્રમાણમાં બનાવટ થવા માંડી અને જરૂરીઆતો વધી પડી – મોટે ભાગે ખોટી જરૂરીઆતો.
(૮) એમાંથી દેખાદેખી અને ખર્ચાળપણું વધ્યાં.
(૯) ધન સમાજમાં ફરતું રહેવાને બદલે મર્યાદિત જગાઓમાં – થોડાના જ હાથમાં – એકઠું થવા માંડ્યું.
(૧૦) ધન સર્વશક્તિવાન બની ગયું. તેનામાં માણસ અને વસ્તુઓ વેચાતી લેવાની ભારે શક્તિ આવી.
(૧૧) યંત્રવાદી દેશોએ બજારની શોધખોળ કરવા માંડી અને માલ ખપાવવા પરદેશો ઉપર રાજસત્તા સ્થાપી તેમને પોતાનાં બજારો બનાવી લૂંટવા માંડ્યાં. સંસ્થાનોનો ઇતિહાસ આમ જ કહે છે.
(૧૨) યંત્રવાદમાંથી શાહીવાદ જન્મ્યો, અને તેણે પશ્ચિમના અને ખાસ કરીને પૂર્વના ગ્રામજીવનને છિન્નભિન્ન કરી નાખ્યું.

વરાળયંત્રોએ ઉત્પન્ન કરેલી અસર વીજળીએ દૃઢ બનાવી, અને સંસ્થાન તથા સંસ્થાનિકો શાહીવાદની પકડમાં વધારે જકડાયા.


યંત્રવાદની હિંદ ઉપર
અસર
હિંદુસ્તાનમાં યંત્રવાદની મુખ્ય અસરો નીચે પ્રમાણે થઈ:—

(૧) કાચો માલ ઓછા મૂલનો બન્યો.
(૨) માલ પકવનારા બાજુએ રહ્યા અને વચલા વર્ગના દલાલો –Middle men–ના નફા વધી ગયા.
(૩) જૂનાં બજાર તૂટ્યાં.
(૪) ગૃહઉદ્યોગો નષ્ટ થયા. કયા ગૃહઉદ્યોગો નષ્ટ થયા તે જોવું હોય તો નીચેના છિન્નભિન્ન બની ગએલા ઉદ્યોગો સહજ નજરે આવશે :—
(ક) પાટણના પટોળાં.
(ખ) રેશમ.
(ગ) કીનખાબ.
(ધ) મલમલ.
(ઙ) અત્તર અને સુગંધી વસ્તુઓ.
(ચ) દવાઓ, અર્કો અને ભસ્મો.
(છ) પીત્તળ, માટી તથા લાકડાનાં રમકડાં.
ઉપરના સઘળા ગૃહઉદ્યોગો અને ગ્રામઉદ્યોગો લગભગ નષ્ટ થઈ ગયા છે.
(૫) થોડા મનુષ્યો પાસે ધનના ઢગલા થયા—પરંતુ એ ઢગલા ઉપર પરદેશીઓની સત્તા રહી.
(૬) હિંદના માલની કિંમત પરદેશમાં અંકાવા લાગી. પરદેશમાં પરતંત્ર હિંદની – હિંદના માલની કિંમત શી ?

(૭) દેશ પરાધીન હોવાથી યંત્રવાદનો જે લાભ પશ્ચિમ ઉઠાવી શક્યું તે લાભ ઉઠાવવાનું હિંદમાં ન બની શક્યું. હિંદના અંગ્રેજ માલિકો હિંદના ઉદ્યોગો ખીલવી હિંદને ઇન્ગ્લેન્ડના ઉદ્યોગ–હરીફ તરીકે શાના તૈયાર કરે ?
(૮) પરિણામે
(ક) ખેતીની દુર્દશા થઈ.
(ખ) ગ્રામજનતાના દેવામાં ગજબનો વધારો થયો.
(ગ) ચારે પાસ દારિદ્ર્‌ય ફેલાયું.
(ઘ) અને હિંદના આખા ગ્રામજીવનમાં નિરાશા, નિરૂત્સાહ અને નિસ્તેજપણું વ્યાપી ગયાં. ટૂંકામાં ગ્રામજીવન જીવવાને પાત્ર રહ્યું નહિ. તેનાં અનેક આકર્ષક તત્ત્વો ભસ્મિભૂત થયાં અને ગ્રામજીવન સ્મશાનવત્ બની ગયું.