લખાણ પર જાઓ

ગ્રામોન્નતિ/ગામડું અને ઉન્નતિપ્રકાર

વિકિસ્રોતમાંથી
← ૨ ગ્રામોન્નતિ ગ્રામોન્નતિ
ગામડું અને ઉન્નતિપ્રકાર
રમણલાલ દેસાઈ
૪ ખેતી—સુધારણા →







ગામડું અને ઉન્નતિ પ્રકાર


ઉન્નતિનો અર્થ

ઉન્નતિનો અર્થ ઊંચે ચઢવું એવો થાય છે. ગામડાં હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાંથી ઊંચી કક્ષાએ જે જે રીતે ચઢાવી શકાય તે બધી રીતનો ગ્રામોન્નતિમાં સમાવેશ થાય. સામાન્યતઃ ગામડાં કેવાં હોય છે તે આપણે જોયું. પરંતુ ખરેખર ગામડાંની સ્થિતિ કેવી છે તેનો ખરો ચિતાર તો ગામડાંમાં ભળ્યા વગર ન જ આવે.

એક ગામડાનો
ચિતાર

સરકારી કામને અંગે એક ગામડાનું શાસ્ત્રીય અને પદ્ધતિસર અવલોકન કરવાનો અને તે સંબંધી નિવેદન રજુ કરવાનો મારે પ્રસંગ આવ્યો હતો. ગામનું નામ જાહેર કરવાની જરૂર નથી, તથાપિ ઉત્તર ગુજરાતમાં આવેલું એ ગામડું સામાન્યતઃ આપણાં હિંદનાં ગામડાંનો – ઠીક કહેવાતાં ગામડાંનો – નમૂનો ગણી શકાય. ઊંડા અવલોકન પછી અને બની શકે એટલા ખરા આંકડા મેળવ્યા પછી એ ગામડાનું સ્વરૂપ કેવું છે તેનું એ નિવેદનમાં કરેલું દિગ્દર્શન અત્રે આપું છું. નિવેદન અંગ્રેજીમાં લખ્યું હતું એટલે એક ફકરો ગુજરાતીમાં ઉતારું છું. ગામડાંની પરિસ્થિતિ એ ગ્રામવ્યક્તિની સાધારણ સરાસરી સ્થિતિ ઉપરથી સહજ જણાઈ આવશે.

‘આ અવલોકનને પરિણામે … … … ગામનો રહીશ એટલે શું તેનું ચિત્ર આપણે સ્પષ્ટ સમજી લઈએ. એ ગામડાનો રહિશ ત્રણ વીઘાં જમીનનો માલિક અગર કબજેદાર છે. એ ત્રણ વીઘાંમાંથી બાર મહિને તે ત્રીસ રૂપીઆની કિંમતનો પાક ઉપજાવે છે, તેમાંથી સાડાચાર અગર પાંચ રૂપિયા સરકારધારાના તેને ભરવા પડે છે. તે અને તેનો પડોશી એ બે જણ મળી એક જાનવરની માલીકી ભાગદારીમાં ધરાવે છે. એ જ જાનવર ભેગો તે બીજા ત્રણ કુટુંબીઓ સાથે હવા અજવાળાથી રહિત ઘરમાં રહે છે. દર માસની તેની આવક પાંચ છ રૂપિયા થવા જાય છે. તેમાંથી પોતાના ખોરાક પાછળ તે દર મહિને અઢી રૂપિયા ખરચી શકે છે. રોજનું સવાશેરથી દોઢશેર અનાજ તેને મળે – મરચું મીઠું ન ગણીએ તો. ત્રીસવાર જાડું કાપડ એ તેનો વાર્ષિક પોષાક. એટલે દર માસે અડધા રૂપિયાનું તે વસ્ત્ર પહેરી શકે. મોટે ભાગે તો એ અભણ હોય છે. એકસો પાંસઠ રૂપિયાનું તેને માથે દેવું છે. પાંચ રૂપિયાની માસિક આવકમાં તેનો ખર્ચ છ રૂપિયાનો થાય છે એટલે આવક કરતાં દર માસે એક રૂપિયો વધારે ખર્ચ તે કરી નાખે છે. એટલે દેવું તો જેમનું તેમ રહે જ : અને વધ્યે જાય.

રૂા. ૧૬૫નું તેને માથે દેવું ગણાવ્યું તેમાંનું રૂા. ૯ર જેટલું એટલે અડધા ઉપરાંતનું દેવું લગ્ન અને મરણના કરાવરાને અંગે થયેલું હોય છે. શાહુકારો એકલા જ નહિ પરંતુ સામાજિક રૂઢિયો પણ તેને કેટલો બધો ચૂસે છે તે આ ઉપરથી સમજાશે.

બારમાંથી ત્રણ માસ તો તે નિરુદ્યમી જ રહે છે; તે દરમિયાન અંગમહેનત કે મનમહેનતનું કશું જ કામ તેને હોતું નથી. આ ત્રણ નિરુદ્યમના મહિનામાં તેની આર્થિક આવકમાં મીડું જ હોય છે.

તેનો મુખ્ય ધંધો ખેતી કે ખેતીના અંગની મજૂરી. એ કામ પણ અત્યંત નિરુત્સાહથી તે કરે છે, અને તેના બાપદાદા જે ચીલે ચાલ્યા હોય તે ચીલાથી રજ જેટલો પણ તે બહાર આવતો નથી.

તે ધર્મે હિંદુ છે, પરંતુ જતા આવતા સાધુ ફકીરને મૂઠી દાણો આપવો અગર કુરસદ હોય ત્યારે ગમે તે કઈ દેવને પગે લાગવું તે ઉપરાંત ધર્મ વિષે તેને કશી જ ખબર હોતી નથી.

આરોગ્યરક્ષણ અને સ્વછતાનું તેને ભાગ્યે જ ભાન હોય છે. મેળા, ઉજાણી અને ગરબા જેવાં આનંદનાં જૂનાં સાધનો તે ભૂલતો જાય છે અને નવા આનંદના પ્રકાર તેને જડતા નથી. સામાન્યતઃ તે મજબૂત હોય છે. અને કુદરત સાજો રાખે ત્યાં સુધી તે તંદુરસ્ત પણ હોય છે. પરંતુ જરૂર પડ્યે વૈદ્યકીય સારવાર તે મેળવી શકતો નથી. તેનું શરીરબળ તેના પૂર્વજ કરતાં ઓછું થતું જાય છે, એમ તે માન્યા કરે છે; પરંતુ તે સુધારવા માટે કશું જ કરતો નથી. સુધરેલી ઢબની ખેતી શું છે એ જાણતો નથી, અને ખેતી સુધરી શકે એ વાતને તે માનતો નથી. ગામમાં એક સહકારી મંડળી છે, પરંતુ તે કશું જ કામ કરતી નથી. સહકાર્યનો સિદ્ધાંત ગ્રામજીવનને સ્પર્શી શક્યો જ નથી, એમ કહીએ તો ચાલે. તે રોજ ખોરાક મેળવી શકે છે એટલી તેની સ્થિતિ સારી છે એમ કહી શકાય. એ ખોરાક પૂરતો અને પુષ્ટિકારક છે કે કેમ એ પ્રશ્ન જુદો જ અભ્યાસ માગી લે છે. ગામમાં સરકારી મહેસૂલની બાકી બિલકુલ રહેતી નથી એ જોતાં ઠાકરડાઓનાં અત્યંત નિર્ધન ગામ જેટલી અવદશાએ આ ગામ પહોંચ્યું નથી એટલું ખરું. તે ગુન્હાઇત વૃત્તિવાળો નથી. વર્ષો થયાં એકે ય ગુન્હો આ ગામે નોંધાયો નથી. તેને દાવાદુવીનો બહુ શોખ નથી—જોકે તેના શાહુકારો વખતો વખત તેને અદાલતમાં ઘસડે છે. સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયત સંસ્થામાં તેને કશો જ રસ નથી; ઊલટું તેને એમ લાગે છે કે આ અર્ધ સરકારી સંસ્થાથી દૂર રહ્યા સારા. તેની સ્થિતિમાં તે નિરુત્સાહભર્યો સંતોષ માની બેસે છે, અને તે સુધારવા તરફ તેનું જરા પણ વલણ હોતું નથી. આમ છતાં તેના તરફ માયાળુ અને સમભાવભર્યું વર્તન કોઈ રાખે તો તેને અપાર આનંદ થાય છે, અને વિવેકથી તેને જે કહેવામાં આવ્યું હોય તે કરવા પ્રવૃત્ત થાય છે.’

ગ્લાનિભર્યું ચિત્ર

આ આપણો ગ્રામ્યવાસી. એના ઉપરથી એના ગામડાની કલ્પના કરી લેવાય એમ છે. આ હિંદુઓનું ગામડું હતું. કોઈ ગામડામાં હિંદુમુસલમાન ભેગા રહેતા હોય. વળી આ ગામડું તો કાંઈક ઠીક ગણાય. બીજાં ગામડાં ઘણાં એવાં છે કે જેમની સ્થિતિ આના કરતાં પણ ઊતરતી હોય. સામાન્યતઃ ઉપરના ચિત્રને નમૂના તરીકે સ્વીકારી લઈએ તો પણ તે અતિશય ગ્લાનિ ઉપજાવે એમ છે. બે આનામાં પોતાનું પેટ ભરતો, ૩૦ વાર કાપડમાં આખા વર્ષ સુધી પોતાના દેહને ઢાંકતો ગામડિયો નિહાળી ગાંધીજી સરખા યુગપુરુષને પૂરો દેહ ન ઢંકાય એટલું ટૂંકું વસ્ત્ર પહેરવાની અને બે આનામાં પોતાનું ગુજરાન કરવાની વૃત્તિ જાગૃત થઈ આવે એમાં શું આશ્ચર્ય ? ખરેખર ગ્રામ્ય–જનતાની દરિદ્ર અવસ્થા વિચારશીલ મનુષ્યોને નીચું જોવડાવે એવી છે, સહૃદયી મનુષ્યોનાં દિલને હલાવી નાખે એવી છે, અને મૉજશોખમાં પૈસા ગાળતા ધનિકને લજાવે એવી છે. દરિદ્રનારાયણની હરકોઈ પ્રકારની સેવા આજે હિંદવાસીઓનો પ્રથમ ધર્મ થઈ પડી છે.

ગ્રામોન્નતિના
પ્રકાર

ગ્રામોન્નતિ એ બહુ વ્યાપક શબ્દ છે. ગ્રામજનતાનું ક્લેવર હાડપીંજર સરખું બન્યું છે, અને તેનું માનસ મૂર્છાવશ થયું છે. એટલે ગ્રામોન્નતિ સર્વ પ્રકારની ઉન્નતિ માગી લે છે. કોઇને તેનો

પૈસો વધે એમાં ઉન્નતિ દેખાય; કોઈને તેમાં ધર્મભાવના જાગે તો ઉન્નતિ દેખાય; ગામડાંની અનિષ્ટ રૂઢિયો દૂર થાય એમાં કોઈને ગ્રામોન્નતિ થતી લાગે; અને ગામડાંનું અભણપણું નાબૂદ થાય એને જ કોઈ ગ્રામોન્નિતિનું મૂળબીજ માને. અત્રે એ સર્વ પ્રકારની ઉન્નતિને બે વિભાગમાં વહેંચી નાખી ગ્રામોન્નતિનાં જુદાં જુદાં મહત્ત્વનાં તત્ત્વોનો સહજ સ્પર્શ કરવા પ્રયત્ન થઈ શકે એમ છે.

ગ્રામોન્નતિ
આર્થિકસામાજિક.

આમ ગ્રામોન્નતિના પ્રશ્નને (૧) આર્થિક અને (૨) સામાજીક ઉન્નતિમાં વહેંચી નાખવાથી તેનાં જુદાં જુદાં અંગો સમજવાં સહેલાં થઈ પડશે, જો કે ગ્રામોન્નતિના બંને પ્રકાર પરસ્પરનું અવલંબન લઈ જ રહ્યા છે એ ન ભૂલવું જોઈએ. આર્થિક ઉન્નતિ સામાજિક વિકાસને સાધવામાં સહાયભૂત છે, અને સામાજિક ઉન્નતિના પ્રયાસોમાં આર્થિક સુખ પણ સમાયલું છે, એટલે આ બંને વિભાગો પરસ્પર ઉપકારક છે જ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.

મૂડીવાદ અને
સામ્યવાદ

ગામડાંની દરિદ્રાવસ્થા આપણે જોઈ. માનવીને પેટપૂર ખાવાનું ન મળે અગર તાત્કાલિક ક્ષુધા તૃપ્ત થાય એટલું જ મહામુશીબતે મળે એ જગતને શરમાવનારી સ્થિતિ ટાળવાના પ્રયત્નો અતિ આવશ્યક છે. માનવજાતની ગરીબી મૂડીવાદને આભારી છે કે નહિ એ અર્થશાસ્ત્રના મહાપ્રશ્નની ચર્ચા અહીં આપણે નહિ કરીએ; છતાં એટલું તો ખરું જ કે માનવજાતની એકેએક વ્યક્તિને માટે પૂરતો ખોરાક  અને પૂરતું દેહઢાંકણ ઊપજી શકે છે–ઊપજે છે જ, છતાં તેની વહેંચણી કરતાં હજી આપણને આવડ્યું નથી. તેથી જ માનવજાતનો એક વિભાગ ખોરાકપોષાકના ઢગલા ઉપર બેસી ગંજીના કૂતરાનો ભાવ ભજવે છે, જ્યારે માનવજાતનો બીજો મોટો વિભાગ પેટભર અન્ન પામતો નથી, એટલું જ નહિ પરંતુ એ અન્નવસ્ત્રના ઢગલાને વેડફાતો અગર નિરર્થક સંગ્રહાતો જોઈ બળીઝળી રહે છે. જગતની આર્થિક ઉન્નતિ મૂડીવાદથી સધાય કે સામ્યવાદથી સધાય તેનાં અન્વેષણો અને પ્રયોગો ચાલુ થઈ ગયાં છે, અને મૂડીવાદના મોરચા પાછો હઠતા જાય છે એમ સ્પષ્ટ દેખાઈ આવે છે. મૂડીવાદ–અર્થવાદ માનવજાતની ગરીબી ટાળી શક્યો નથી, માનવજાતના સંસ્કારને દીપાવે એવી વ્યવસ્થા ઊભી કરી શક્યો નથી અને ભૂમિલોભ, રાજલોભ, ધનલોભમાં ઘડી ઘડી યુદ્ધની મહા જંગલી, ઘાતકી, અને માણસાઈને લજાવનારી ભૂમિકાએ માનવીને લેઈ જાય છે એટલું તો સહજ સમજાય એમ છે.

આ અર્થવાદ અને સામ્યવાદના ઝડપથી સામે આવતા પ્રશ્નનો માત્ર ઉલ્લેખ કરી ગ્રામોન્નતિનાં વ્યવહારુ આર્થિક અંગોને એક પછી એક વિચારીએ.

આર્થિક ઉન્નતિ

આર્થિક ઉન્નતિ એટલે શું તેનો એકત્ર વિચાર આવી શકે એટલા માટે તેનાં અંગ ઉપાંગોનું વૃક્ષચિત્ર નીચે આપ્યું છે. આ ઉપરથી જ જણાઈ આવશે કે ગ્રામોન્નતિનો પ્રશ્ન એ ફક્ત વાતો કરવાનો કે ખેડૂતોને શિખામણ આપી બેસી રહેવાનો પ્રશ્ન નથી. એનો ઉકેલ બહુ વિચારણા, પ્રયોગ અને ભોગ માગે એમ છે.


આર્થિક ઉન્નતિ.
ખેતીની સુધારણા.ખેતીની પેદાશનો
વ્યાપાર.
ધીરધાર.ગૃહઉદ્યોગ
રસ્તાબજારશાહુકાર
પદ્ધતિ.
સહકાર્ય
પદ્ધતિ.
જમીન
સુધારણા.
પશુ
સુધારણા.
રેંટિયો.સાળ.પાટી, દોરડાંનો
વણાટ.
ટોપલા
ગૂંથણ.
મધમાખીનો
ઉછેર.
પોલ્ટ્રી
પક્ષિ
ઉછેર
વગેરે

હવે એક પછી એક આર્થિક ઉન્નતિનાં અંગોની ઉપરછલી સમીક્ષા કરી લઈએ.