.
૨૩
ખોરાક, બાળઉછેર અને કેળવણી
ખોરાક
આરોગ્યરક્ષણનાં બીજાં અંગોને આપણે ઝડપથી જોઈ લઈએ. જેમ હવા, પાણી અને પ્રકાશ જીવનનાં આવશ્યક તત્ત્વો છે તેમ ખોરાક પણ જીવનનું આવશ્યક તત્વ છે. ખોરાકમાંથી શરીરને પોષનારાં તત્ત્વો મળે છે, અને દેહના ઘડતરમાં એ તો અગત્યનું સ્થાન ભોગવે છે. શરીરની રચના અને ખોરાકના સંબંધની શાસ્ત્રીય વાતમાં આપણે ઊંડા ઉતરવાની અત્રે જરૂર નથી. એટલું જાણવું બસ થશે કે ખોરાક એ જીવન છે, ખોરાક ઉપર આરોગ્યરક્ષણનો મોટો આધાર છે, અને ખોરાક પ્રત્યે આપણે નિષ્કાળજી રાખી શકીએ નહિ.
પ્રજીવનક-વિટેમિન્સ
ખોરાકના પદાર્થોમાં પ્રજીવનક–Vitamins રહેલાં છે, અને વર્ગીકરણનો શોખ ધરાવતી શાસ્ત્રીયતા એ પ્રજીવનકોને અ–બ–ક–ડ જેવા વિભાગમાં વહેંચી નાખે છે. આ ગૂંચવણભર્યા શાસ્ત્રને વિજ્ઞાનવિદો માટે રાખી આપણે એટલું જ સમજી લઈએ કે દેહના સંરક્ષણ અને વર્ધન માટે એ જીવન આપનારાં પૌષ્ટિક તત્ત્વોની દેહને ખૂબ જરૂર છે.
મિશ્રણ અને
વિવિધતા
ખોરાકની પ્રત્યેક વસ્તુમાં એ બધાં ય પૌષ્ટિક તત્ત્વો પૂરા પ્રમાણમાં હોતાં નથી. એટલે ખોરાકની વસ્તુઓમાં વિવિધતા પ્રવેશ કરે છે. ખોરાકમાં મિશ્રણ કરવું પડે છે, ખોરાકને બાફવાની, શેકવાની,
ઉકાળવાની, તળવાની, આથવાની કે ઠારવાની ક્રિયાદ્વારા પ્રજીવનકોને જાગ્રત કરવાની જરૂર પડે છે, અને રૂચિ તથા પાચનક્રિયાનો સંબંધ નિકટનો હોવાથી રુચિપ્રેરક ખાદ્યપેય પદાર્થો બનાવવાની પ્રવૃત્તિ વિસ્તૃત બની એક મોટા શાસ્ત્રનું સ્વરૂપ ધારણ કરી પાકશાસ્ત્રને નામે ઓળખાય છે.
આમાં કોઈ સ્થળે ખામી આવે એટલે આપણું આરોગ્ય ભયમાં આવી પડે છે. ખોરાકની સ્વચ્છતા તો અતિશય જરૂરી છે જ. પરંતુ ખોરાકનું પ્રમાણ, મિશ્રણનું પ્રમાણ, સમય અને ઋતુની અસર એ બધું સમજવા સરખું છે. એકલા ઘઉં કે એકલી બાજરી, એકલા ચોખા કે એકલી દાળ દેહને જોઇતાં સઘળાં તત્ત્વો આપી શકતાં નથી. એટલે ખોરાકમાં મિશ્રણ અને વિવિધતા જોવામાં આવે છે. આપણાં ચાલુ ખોરાક મિશ્રણોમાં આવો કાંઇ વિચાર રહેલો છે એમ તો દેખાઈ આવે છે. અને શોધકો જેમ જેમ તપાસ કરે છે તેમ તેમ તેમની સાર્થકતા પણ સમજાઈ આવે છે.
અનાજ ઉપરાંત દૂધ, ઘી, માખણ, છાશ, શાક અને ફળ પણ આપણા ખોરાકની વસ્તુઓ છે જેમાં રહેલાં તત્ત્વો સમજી આપણે તેમનો ઉપયોગ કરીએ તો આપણું આરોગ્ય સચવાઈ રહે.
ખોરાક, સ્વાદ અને આરોગ્ય પરસ્પર સંકળાયેલાં છે.
ધનિક વર્ગનો ખોરાક
પરંતુ આ તો જાણે આપણે બધા ખૂબ ખોરાક મેળવતા હોઈએ એવી વાત થઈ. સુખી–એટલે ધનિક અગર ઊંચો મધ્યમ વર્ગ વિવિધતા ભર્યો ખોરાક મેળવી શકે–જો કે એ વર્ગે ભાગ્યે જ ખોરાકની બાબતમાં જગતને બહુ સારો દાખલો બેસાડ્યો હોય. આમે ધનિક વર્ગ કે એ વર્ગની લગોલગ આવતા ઉચ્ચ મધ્યમ વર્ગે કશીયે બાબતમાં સારું દૃષ્ટાંત પૂરું પાડ્યું હશે કે કેમ એની જ હવે સહુને શંકા ઉપજવા માંડી
છે. ખોરાકની બાબતમાં યે ઉચ્ચ વર્ગે દોરેલા માર્ગે જતાં રોગનો ભય વધી જાય એમ છે.
ખોરાકનો અભાવ
અને આરોગ્ય
પરંતુ એ તો ખોરાકની અતિશયતા અને બિનજરૂરી વિપુલતાનું પરિણામ. ગ્રામજનતાને તો ખોરાક પૂરતો મળતો નથી એવી બૂમ છે. પૂરતો ખોરાક ન મળવાથી મનુષ્ય તત્કાલ મરી જતો નથી, પરંતુ તેનો દેહ પૂરો ખીલતો નથી, જે કાંઈ ખિલાવટ થઈ હોય તેમાં ખામી આવે છે, તેની શક્તિ ઘટી જાય છે, તેનું માનસ મનુષ્યત્વ ભૂલતું જાય છે અને જોતજોતામાં તે રોગનો ભોગ થઈ પડે છે અને મૃત્યુવશ ન થાય તો નિરુપયોગી કંટાળાભરેલી જિંદગી લંબાવી તે વધારે દુઃખી થાય છે.
એ જ પ્રમાણે પૌષ્ટિકતારહિત ખોરાક ખાનાર ગરીબ ગ્રામજનતામાં એટલા જ કારણે રોગ ફેલાય છે. વળી સંયોગાનુસાર ફેરફાર અને મિશ્રણ ન કરવાથી પણ ખોરાકનું સામર્થ્ય ઘટે છે અને તેથી પણ રોગ ફેલાય છે. ચોખાની અતિશયતાથી ‘બેરી બેરી’ નામનો રોગ થાય છે એ જાણીતી વાત છે.
આમ ખોરાક પૂરતો ન હોવાથી, ખોરાકમાં પૌષ્ટિકતા ન હોવાથી અને ખોરાકમાં યોગ્ય મિશ્રણનો અભાવ હોવાથી ઘણા રોગ થાય છે.
પૂરતો ખોરાક કેવી રીતે ગ્રામજનતાને પહોંચાડવો ?
પૂરતા ખારાકનો અ-
ભાવ
સહુનો ખોરાક ઉપજાવનાર ગ્રામજનતાને જ પૂરતો ખોરાક ન મળે તો આપણે સમજી જ લેવાનું કે કોઈ ભયંકર ખામીઓ આપણી આર્થિક વ્યવસ્થામાં પ્રવેશ કરી ચુકી છે. હિંદ સ્વાતંત્ર્ય માગે છે એનો અર્થ એક દૃષ્ટિએ એટલો જ કે તે પોતાનાં કરોડો
ગ્રામનિવાસીઓને પેટભર ખોરાક આપવા માગે છે. ગ્રામ ઉદ્યોગનો વિકાસ, બૃહદ ઉદ્યોગોની સ્થાપના, ખેતીનો સુધારો, મિલકતની પુનર્ઘટના એ બધી જ યોજનાઓની પાછળ એક જ વિચાર ચમકી રહ્યો છેઃ હિંદનાં ભૂખે મરતાં માનવીઓને પોષણ આપવું ! ગાંધીજીએ તો પોતાની પયગંબરી ભાષામાં કહ્યું જ છે કે આજનો ઈશ્વર રોટલીના સ્વરૂપમાં જ ગરીબોને દર્શન દે. એટલે આજનો મહત્ત્વનો-જીવ સટોસટનો–પ્રશ્ન એક જ છે : પૂરતો ખોરાક સહુને શી રીતે પહોંચાડવો. પાક વધારીને, નિકાસ અટકાવીને, ભાવ ઉપર પ્રતિબંધ મૂકીને, ધનિકો ઉપર વધારે ભારણ નાખીને, કામો નવાં નવાં ઉપાડીને, ગ્રામઉદ્યોગની વસ્તુઓ ખરીદવાનું ફરજિયાત કરીને, અને છેવટે મફત અનાજ આપીને પણ સાત લાખ ગામડાંની વસતી બે ટંક પોષણ અને તે પૂરતું પોષણ પામે એ માર્ગ લેવાની જરૂર છે. ગ્રામોન્નતિનો મુખ્ય પ્રશ્ન–આત્મા–પોષણ છે. જે ગામડામાં એકાદ માણસને પણ ભૂખે સુવું પડે એ ગામડાની ઉન્નતિ થઈ નથી એમ જ માનીને ચાલવાનું.
ખોરાક અને તેમાં
૨હેલાં તત્ત્વો
બીજા પ્રશ્નો અગત્યના છે, અને ખોરાકની વસ્તુઓનાં પ્રથ:કરણો કરી તેમાં રહેલાં તત્ત્વોનો અભ્યાસ કરવાના પ્રયત્નો પણ સરકારી રાહે થાય છે. કુનૂરમાં ખાદ્ય વસ્તુઓના અભ્યાસ પ્રયોગ હિંદ માટે ચાલ્યા કરે છે. મિલમાં સાફ થએલા ચોખા રોગવર્ધક છે, અને ઘેર ખાંડેલા ચોખા વધારે પૌષ્ટિક છે એમ પણ લગભગ સિદ્ધ થઈ ગયું છે. દૂધ ઘી જેવા પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવાનાં પગલાં પણ ધીમે ધીમે વિચારાય છે. સરસ પેય પદાર્થ તરીકે થતી છાશની ગણના આપણાં ગરીબ ગ્રામ ભાઈબહેનને બહુ ઉપયોગી થઈ પડશે. ફળના ઉપયોગ તરફ જનતાને વાળવાનો પ્રયત્નો પણ થાય છે. મગફળી, પાઉં અને બકરીના દૂધનો ગાંધીજીનો પ્રયોગ ગાંધીજીના
યુગપુરુષપણાની સાબિતી આપે છે. એમની દૃષ્ટિમાં શું નહિ આવ્યું હોય એ જ એક પ્રશ્ન છે. સદ્ગત શ્રીમંત સયાજીરાવ પણ અદ્ભુત પ્રયોગશીલ પુરુષ હતા. સોયાબીન વિષે તેમણે પણ સરસ અભ્યાસો કરાવ્યા છે. એકંદરમાં ખોરાક પ્રત્યે શાસ્ત્રીય દૃષ્ટિ ફેંકાવા માંડી છે અને આપણે આશા રાખીશું કે હવામાન પ્રદેશ વગેરેને અનુકૂળ થઈ પડે એવી રસોઈરચનાનું આપણું જ્ઞાન વધતું જશે. એ બધું ખૂબ ઉપયોગી છે. પરંતુ એથી યે વધારે ઉપયોગી તો એ છે કે ગ્રામજનતાને પૂરતો ખોરાક પહોંચાડવો. ઘઉંમાં પ્રજીવનક કેટલાં છે એ જાણવું જરૂરી છે. પરંતુ વધારે જરૂરી તો એ છે કે ગ્રામજનતાને પૂરતા ઘઉં કેમ કરીને મળે.
માંસાહાર
માંસાહાર અને વનસ્પતિ–આહારનો પ્રશ્ન અહીં બહુ મહત્વનો નથી. ગુજરાત તો મોટે ભાગે વનસ્પતિનો આહાર લે છે. ગ્રામજનતામાં અનાજ, કઠોળ અને શાક એ જ મુખ્ય ખોરાક. માંસનો બાધ ન માનનાર વર્ગોનું પણ નિત્ય ખાણું તો વનસ્પતિ જ.
જમવાનું મહત્ત્વ
જમવું એ અતિ મહત્ત્વની ક્રિયા છે. જીવવા માટે જમવું તો જોઇએ જ જગતના મોટા ભાગને એને યજ્ઞનું, ધાર્મિક ક્રિયાનું, આનંદવિધિનું, સમારંભનું સ્વરૂપ આપી સમાજે તેનું મહત્ત્વ સ્વીકાર્યું છે, અને એ મહત્ત્વ ચાલુ જ રહેશે. માત્ર ધનિકો, બ્રાહ્મણો કે શોખીનોનો નિરુપયોગી હાનિકારક વ્યવસાય એ ન બની રહે, અને સામાન્ય ગ્રામજનતા પણ તેનું મહત્ત્વ સમજતી થાય એમ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવી જોઇએ. ખોરાક પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને પૂરતો હોવો જોઇએ. ગ્રામજનતાને એ ન મળતો હોય તો ગ્રામોદ્ધારમાં એનું અગ્રસ્થાન જોઈએ.
વસતિની વૃદ્ધિ
વળી બાળઉછેરનો પ્રશ્ન પણ ગ્રામઆરોગ્ય સાથે બહુ જ સંબંધ ધરાવે છે. સાથે સાથે સંતતિ-નિયમનનો અતિ ચર્ચાપાત્ર બની ગએલો પ્રશ્ન પણ વિચારણા માગે છે.
હિંદની પાંત્રીસ કરોડની વસતિ હવેની ગણતરીમાં ચાળીસ કરોડની સંખ્યાએ પહોંચવાની આશા રખાય છે. વસતિ હોવી એ સારું છે, પરંતુ એ વસતિ ગુલામોની બનેલી હોય તો વસતિનો વધારો માત્ર બંદીવાનની જ સંખ્યા વધારે છે.
સાધનની વૃદ્ધિનો
અભાવ
વળી વસતિ વધે તેમ વસતિનાં પોષણ સાધનો વધતાં હોય તો એ વધારાની હરકત નહિ. પરંતુ સાધનો એનાં એ રહે અને પોષણપાત્ર સંખ્યા વધ્યા કરે તો એ સાધનોની વહેંચણી ઘટતી ચાલવાની.
દેશનો આધાર
ઉદ્યોગનો અભાવદેશમાં ઉદ્યોગ એટલો બધો વધતો નથી કે જેથી વધારાની વસતિને રોજગાર મળી શકે.
સરકારી નોકરીની
મર્યાદા
સરકારી નોકરીમાં તો સ્થાન મર્યાદિત જ હોય. એટલે ગ્રામજનતાને જમીન ઉપર જ આધાર રાખવાનો. જમીન એટલીને એટલી જ રહે અને વસતિ વધે એટલે તે પ્રમાણમાં પોષણ પણ ઘટવાનું. પોષણ ઘટે એટલે આરોગ્ય પણ ઊતરતી કક્ષાનું થાય. પરદેશી સત્તાએ ઉપજાવેલી ભયંકર શાંતિએ વસતિ વધારી અને સાથે સાથે દરિદ્રતા પણ વધારી
સંતતિનિયમન
ગ્રામજનતા આમ વસતિના વધારાનો પણ ભોગ થઈ પડેલી છે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી જેવા દેશોમાં સંતતિવર્ધન તરફ પ્રજાનું લક્ષ દોરવામાં આવે છે. જ્યારે હિંદુસ્તાન જેવા ગરીબ દેશને તો સંતતિનિયમન એ મહા પ્રશ્ન થઈ પડ્યો છે. સંતતિનિયમનની જરૂર સહુ કોઈ સ્વીકારે છે. પરંતુ ગાંધીજીનો સંયમ માર્ગ અને અન્ય વિચારકનો સંતતિરોધક સાધનોના વપરાશનો માર્ગ, એ બન્ને વચ્ચે વિરોધ ઊભો રહે છે. ગાંધીજીનો માર્ગ ઉત્તમ છે એ ખરું, પરંતુ એને માટે જે ઉચ્ચ કક્ષાનું માનસ જોઈએ તે શિક્ષિત અને સંસ્કારી વર્ગમાં પણ નથી. એટલે ગ્રામજનતામાં તો એવું માનસ ક્યાંથી કલ્પી શકાય ? એવું માનસ જ્યાં સુધી વિકસે નહિ ત્યાં સુધી બ્રહ્મચર્યપાલનનનો આગ્રહ રાખી વસતિવર્ધન થવા જ દેવું કે વસતિનિરોધનાં સાધનોનો પ્રચાર કરવો એ પ્રશ્ન નિર્ણય માગે છે. સામાન્યતા તો એમ જ માને કે વસતિનિરોધ અર્થે સંતતિ થતી અટકાવવાનાં ભૌતિક અને શાસ્ત્રીય સાધનોનો ગ્રામજનતામાં પ્રચાર કરી નિરર્થક અને ભારરૂપ થઈ પડતી ગ્રામવસતિને વધતી અટકાવવી જોઇએ.
બાળક
આને જ સંકળાઈને રહેલો બાલઉછેરનો પણ પ્રશ્ન અતિ મહત્ત્વનો છે. સંતતિનિયમન વધારેમાં વધારે વ્યક્તિગત પ્રશ્ન તરીકે લઈ શકાય. એને સામાજિક કે કાયદાબદ્ધ નિગ્રહનું સ્વરૂપ ઘણાં વર્ષ સુધી આપવું અશક્ય છે. એટલે બાળકોના જન્મ પણ થવાના અને બાળકોના ઉછેરના પ્રશ્નો પણ આપણે ઉકેલવાના રહ્યા.
સુવાવડ અને મરણ-
પ્રમાણ
સને ૧૯૩૬ના બ્રિટિશ હિંદના નિવેદનમાં બ્રિટિશ હિંદના કેટલાક આંકડા આપેલા છે તે સુવાવડ અને બાલઉછેરની ગંભીરતાનો કંઈક ખ્યાલ આપે એમ છે. એક વર્ષમાં ત્રીસ લાખ ઉપરાંત
સ્ત્રીઓ સુવાવડમાં કાયમની અગર થોડા સમય માટે શક્તિ સામર્થ્યથી હીન બની નિરુપયોગી બની જાય છે. તે ઉપરાંત એક લાખ સાઠ હજાર સ્ત્રીઓ તો એ સાલમાં સુવાવડને જ લીધે મૃત્યુવશ થઈ. એમાંથી એંશી ટકા જેટલી સ્ત્રીઓ સારવાર પામી હોત તો ખરેખર બચી શકત. આમ માતાઓ પ્રત્યે અને તેમના બાળકો પ્રત્યે જનસમાજની બેદરકારી લગભગ ગુન્હાનું સ્વરૂપ ધારણ કરે છે. બચાવી શકાય છતાં જિંદગી ન બચાવીએ એ માત્ર ગુનો જ નહિ પરંતુ નિર્દયતા-ક્રૂરતા-પા૫ છે.
શિક્ષિત દાયણો
ગામડાંમાં દાયણોની પૂરતી સગવડ હોતી નથી. દાયણો હોય તો તેઓ તદ્દન અજ્ઞાન હોય. બાલજન્મ સરખી શરીરની નાજુકમાં નાજુક અને ભવ્યમાં ભવ્ય ક્રિયાનું મહત્ત્વ એને સમજાતું નથી. એટલું જ નહિ પણ અંગવિજ્ઞાનની બારાખડીનું પણ તેને ભાન હોતું નથી. સ્વચ્છતાની કીંમત એને કશી જ હોતી નથી, અને દાયણના અભાવ અને ભયંકર અજ્ઞાનને લીધે અસંખ્ય સ્ત્રીઓનાં મૃત્યુ થાય છે. દાયણનો ધંધો બહુ પવિત્ર, ઉપયોગી અને જરૂરી છે. પરંતુ એ ધંધા માટેની પાત્રતા ઘણી વધારે જોઇએ. એટલે દાયણોને શરીરવિજ્ઞાન, સુવાવડ, સ્વચ્છતા, બાળઉછેર એ સર્વ વિષયનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે.
એટલું જ નહિ. એવી શિક્ષિત દાયણોની સંખ્યા પણ ખૂબ વધારવી જોઈએ. સ્ત્રીઓને આ જમાનામાં સરખા જ હક્ક હોવા જોઈએ એ વાત સાચી. કોઈ પણ ધંધો કરવા માટે સ્ત્રીઓને છૂટ હોવી જોઇએ એ સિદ્ધાન્ત તરીકે આપણે કબુલ રાખીએ. પરંતુ સ્ત્રીઓની કુદરતપ્રેરી દેહરચના તેમને અમુક પ્રકારના ધંધા માટે વધારે પાત્રતા અર્પે છે. શિક્ષણ, વૈદક અને પરિવાર–સારવાર એ
કાર્યો તેમને સહજ ફાવી જાય છે. એટલે ઘણી મોટી સંખ્યામાં સ્ત્રીઓ આ કાર્ય કરે તો સ્ત્રીઓને ઉપજીવિકાનાં સાધન મળે અને આરોગ્યરક્ષણનું કામ દક્ષતાપૂર્વક કરી શકાય.
બાળજન્મ પૂર્વે
સારવાર
એ જ પ્રમાણે બાળઉછેરનો પ્રશ્ન પણ આરોગ્યરક્ષણમાં મહત્ત્વને સ્થાને રહે છે. બાળકની પહેલાં પણ બાળકની થનારી માતા બહુ જ કાળજીભરી સારવાર માગી લે છે. ભાવિ માતાને અણઘટતી મહેનત કરવી પડે તો તેની અસર બાળક ઉપર જરૂર થવાની. એને પૂરતું પોષણ ન મળે તો ભાવિ બાળક નિર્બળ જન્મવાનું. માત્ર તેને બેસાડી રાખવામાં આવે તો પણ માતાનું અનારોગ્ય બાળકમાં ઉતરવાનું.
ઉપરાંત માતાના વિચારો પણ બાળકના માનસને ઘડવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એ ભૂલવાનું નથી. માતાનું અશાંત અસ્વસ્થ માનસ ઘડાતા બાળકને અશાંતિ અને સ્વાસ્થ્યહીનતાનો જ વારસો આપે છે. અતિ ઉગ્રતા, ચીડ, રીસ, વેરઝેર એ બધી લાગણીઓની રેષાઓ માતાના હૃદયમાંથી બાળકના હૃદયમાં છપાઈ જાય છે. એટલે બાળકને સામાજિક જવાબદારી તરીકે સ્વીકારવું હોય–અને ખરેખર બાળકનું ઘડતર એ સામાજિક કાર્ય ગણાવું જ જોઇએ–તો સમાજની ફરજ છે કે માતા બનતી સ્ત્રીને પૂરતું પોષણ તથા પૂરતી કસરત આપવાં જોઈએ અને સ્વચ્છ, આનંદમય તથા શાંતિભર્યું વાતાવરણ તેની આસપાસ રચી આપવું જ જોઈએ.
ગામડામાં આ બની શકશે ? બનવું જ જોઈએ. ન બને તો નિર્બળ, નિર્માલ્ય, ક્લેશી અને સંકુચિત માનસવાળાં અવિકસિત બાળકોમાંથી જ આપણે આપણી ભાવિ પ્રજા ઊભી કરવી રહી, એ બાળકો દેશનું દળદર ફેડે એ આશા રાખવી એ ઝેર વાવી અમૃત
ઉગાડવાની ઈચ્છા કરવા સરખું છે. Prenatal – બાળજન્મ પહેલાંની માતાની માવજત ઉપર ભાવિ પ્રજાની શારીરિક અને માનસિક પ્રગતિનો ખૂબ આધાર રહેલો છે. પશુઓની જાત માટે કાળજી રાખનાર માનવી પોતાની જાત વિષે ઓછામાં ઓછી કાળજી રાખે છે. એ નિષ્કાળજી સમગ્ર જનતાના વિકાસની રોધક છે. જન્મપૂર્વના સંસ્કાર અને માનવજાતની પ્રગતિ સાથેનો સંબંધ પૂરેપૂરાં સમજાશે ત્યારે માનવજાતની ક્રૂરતા, કજિયા, અન્યાય અને રોગગ્રસ્ત સ્થિતિ ઘણી ઘટી જશે. ગ્રામોદ્ધાર કરવો હોય તો ગ્રામબાળકો પણ નિરોગી અને સંસ્કારસંપન્ન અવતરે એમ થવું જ જોઇએ.
બાળઉછેર
અને બાળકના જન્મ પછી તો બાળઉછેરના અનેક પ્રશ્નો સામે આવી ઊભા રહે છે. અમુક વયના બાળકની ઉંચાઈ, પહોળાઈ અને તેનું વજન એ તેના આરોગ્યનાં માપ ઠરેલાં હોય છે. એથી ઓછી ઉંચાઈ, પહોળાઈ કે વજન એ અનારોગ્યનાં સૂચક છે. એટલે બાળકો આરોગ્યવાળાં ગણાય એવી કક્ષાએ લાવવાં જ જોઇએ.
બાળકોને પોષણ કેમ આપવું અને કેટલું આપવું, એને કેટલી નિદ્રા લેવા દેવી, એને કેવી રીતે નવરાવવું, કેમ રમાડવું, શું પહેરાવવું એ બધા પ્રશ્નો બાળઉછેરને લાગીને રહ્યા છે. માતા બનવું, પિતા બનવું એ મહા ગંભીર જવાબદારીનું કામ છે. એને માટે શારીરિક અને માનસિક આરોગ્ય ઊંચા પ્રકારનું હોવું જોઈએ. અનારોગ્ય દેહ અને અનારોગ્ય માનસવાળાં માતાપિતા પ્રજોત્પત્તિમાં બિનજવાબદાર વર્તન રાખે એટલે ભાવિ પ્રજા માટે રોગ, ઉગ્ર માનસ, ચાંચલ્ય અને ગુનેહગારીભર્યા તત્ત્વો સજીવન રહે છે અને તેમાં ખૂબ ઉમેરો થયા કરે છે.
ગ્રામજનતાનાં બાળકોને તો પોષણના, સ્વચ્છતાના, પહેરવેશના અનેક પ્રશ્નો ગૂંચવે છે. એમાંથી માર્ગ કાઢી વાતાવરણને અનુકૂળ જીવન ઘડતાં માતાપિતા–ખાસ કરીને માતાની સંખ્યા ગ્રામજનતામાં વધતી ચાલે એ ગ્રામોન્નતિનો મહા પ્રશ્ન આખી ગ્રામજીવનની કાયાપલટ કરવા સરખો છે.
કેળવણી દ્વારા કાયા-
પલટ
એ કાયાપલટનો મહા મંત્ર કેળવણી. શિક્ષણ એ સમગ્ર જીવનનું ઉચ્ચાલન છે. મનુષ્યને માનવતા અર્પનાર શક્તિ એટલે તાલીમ. કેળવણીના મધ્યબિંદુની આસપાસ આખા ગ્રામોદ્ધારની સામાજીક રચના ઘડી શકાય–જેવી રીતે કૃષિની આસપાસ આખી આર્થિક પુનર્ઘટના રચી શકાય એમ. કૃષિ અને કેળવણી એ ગ્રામોન્નતિનાં મહા ચક્ર. એ ચક્રને પૂરતી ગતિ મળે તો જ ગ્રામોન્નતિ સાધ્ય થાય
કેળવણી એટલે ?
કેળવણી એટલે ?
બી. એ., એમ. એ., એલ.એલ. બી., બી. ઇ. કે એમ. બી. બી. એસ થવું એનું નામ કેળવણી? હા. એ કેળવણી ખરી. પરંતુ એનો મોટો ભાગ નિરુપયોગી, સ્વાર્થ સાધક અને સમાજવિરોધી નીવડે છે. સમાજરચનામાં કારકુને ય જોઇએ, વિદ્વાન પણ જોઈએ, વકીલ પણ જોઈએ, ઈજનેર પણ જોઈએ અને ડોક્ટર પણ જોઈએ. પરંતુ જે કેળવણી આપણા ગ્રામજીવનને વેગ આપતી ન હોય એ કેળવણી ગ્રામોન્નતિની દૃષ્ટિએ નિષ્ફળ નીવડે છે. ભણવા માટે સારા સારા બુદ્ધિશાળી ગ્રામયુવકો ગ્રામ–વાતાવરણની બહાર ચાલ્યા જાય છે, આસાયેશભરી કારકુની કે શીરસ્તેદારીમાં, તુમાખીભરી અમલદારીમાં, જુઠાણું અને તકરાર વધારતી વકીલાતમાં, મોટરકારમાં
અને બંગલામાં ભરાઈ રહેતા વૈદકમાં અને મોંઘા કન્ટ્રાક્ટરોની કાવાદાવાભરી સૃષ્ટિ જગાડતા સ્થાપત્યમાં જ એ યુવકો ગરકી જાય છે. એમની આવડતનો ઉપયોગ ગ્રામજનતાની દૃષ્ટિએ કશો જ થયો નથી એમ કહીએ તો સત્યથી આપણે દૂર નથી જતા.
અંગ્રેજી રાજ્યનો સ્વીકાર અમુક અંશે અંગ્રેજી ભણતર માગી જ લે છે. અને પશ્ચિમની આશ્ચર્યજનક પ્રગતિ અંગ્રેજી ભાષા દ્વારા બહુ સારી રીતે પ્રત્યક્ષ થાય છે. પરંતુ આખા હિંદને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપવું અશક્ય છે એટલું જ નહિ પણ બિનજરૂરી અને પ્રજાવિકાસનું રોધક છે. હિંદની પ્રાંતિક ભાષાઓ સમર્થ અને સમૃદ્ધ બનતી જાય છે. પશ્ચિમની પ્રગતિનો ધબકાર ઝીલવાનું બળ તેમનામાં આવ્યું છે, અને રાજકીય–રાષ્ટ્રિય જાગૃતિ અંગ્રેજી ભાષા અને સંસ્કારનો આશ્રય લેતી હોવા છતાં તેનું હિંદમાં અવતરતું સત્ત્વ તેને એ ભાષા અને સંસ્કારનું વિરોધી બનાવે છે. હિંદી ધીમે ધીમે રાષ્ટ્રભાષાનું સ્થાન લે છે.
અજ્ઞાન–અભણપણું
અંગ્રેજી રાજ્યની એક મહાન નિષ્ફળતા હિંદવાસીઓના ભયંકર અજ્ઞાનથી સાબિત થઈ ચૂકી છે. પશ્ચિમમાં અભણ કોઈ નહિ. હિંદની પાંતરીસ કરોડની વસતિમાંથી એકત્રીસ કરોડ અભણ હોય. એટલે પુનર્ઘટના થાય પણ શી રીતે ? અંગ્રેજી અસરવાળી કેળવણી નિષ્ફળ નીવડી અને મોટા ભાગને તે સુલભ બની પણ નહિ. જૂની ઢબના કેળવણી કે સંસ્કારમાર્ગો અદૃશ્ય થયા, અને ધર્મને નામે પણ જે આશ્વાસન પ્રજાને મળતું હતું તે અદૃશ્ય થયું. ગ્રામજીવન ઘોર તિમિરાવસ્થા અનુભવી રહ્યું. આર્થિક અશક્તિ અને સંસ્કારરહિત માનસસંકોચે ગ્રામજીવનને છિન્નભિન્ન, અશક્ત, જડ, નિરાશામય, અને ચૈતન્ય રહિત બનાવી દીધું. શ્રીમંત સયાજીરાવના ફરજીયાત કેળવણીના
પ્રયોગ એ ગ્રામોન્નતિના અંધકારમાં ચમકતા દીપકરૂપ છે. પરંતુ એમના સર્વ પ્રયોગોને રાજકીય મર્યાદા સહન કરવાની રહી. ગાંધીજીની વિદ્યુતશકિત ગામડાંને–ગ્રામજનતાને સુષુપ્તિમાંથી જાગ્રત કરી રહી છે. અને હવે સહુને એટલું તો સ્પષ્ટ જ થયું છે કે ગ્રામપુનર્ઘટનાનો કોઈ પણ પ્રશ્ન કેળવણી વગર સફળતાથી ઉકલે જ નહિ.
ગ્રામકેળવણી
આખા હિંદને અંગ્રેજી ભણતરની જરૂર નથી. ભણતરની ચાલુ પ્રથા ગ્રામજનતાને જરા ય અનુકૂળ નથી. ચાલુ પ્રથા અતિ ખર્ચાળ. એમાં કશું ધ્યેય નહિ. ધ્યેય હોય તો ય કારકૂનો ઉપજાવવાનું. ગ્રામજનતાને કારકૂનો ઉપજાવવા નથી. ગ્રામજનતાને મોટે ભાગે પ્રફુલ્લ આરોગ્યભર્યા સંસ્કારી કૃષિકારો જોઈએ. એટલે ગ્રામકેળવણીનો પ્રશ્ન જુદી જ ઢબે ઉકેલી શકાય.
સામાન્ય જ્ઞાન
ગ્રામજનતાને અક્ષરજ્ઞાન જોઈએ. સામાન્ય વાચન પણ જોઇએ. વર્તમાનપત્રો ગામડે ગામડે ફેલાવા માંડ્યાં છે, અને ગ્રામજનતા પશ્ચિમ પૂર્વની ઝડપને માનસિક રીતે પણ ઓળખે એમ થવાની જરૂર છે. એટલે સામાન્ય
લેખન વાચન, ભૂગોળનો સહજ ખ્યાલ, હિંદનો અને જગતનો સામાન્ય ઇતિહાસ તથા ગણિત એટલું આવડે તો ઘણું.
યોજના
આજની કેળવણી માત્ર માનસિક ધુમસને વળગી રહી છે. એ સ્થિતિ બદલી નાખવી જોઈએ. વર્ધા શિક્ષણ યોજનાએ આખા હિંદનું ધ્યાન અત્યારે તો ખેંચ્યું છે, અને મહાત્મા ગાંધીની સર્વસ્પર્શી અસરનું એ એક ભવ્ય ઉદાહરણ છે. કેળવણી કોઇપણ ઉદ્યોગની આસપાસ ગુંથવી જોઇએ, કેળવણી લેનાર ઉત્પાદન કાર્ય માટે અશક્ત અને નિરુપયોગી ન બની રહે એવી ઢબે કારીગરી અને માનસશિક્ષણનું મિશ્રણ થવું જોઈએ, અને કેળવણી સ્વાવલંબી બની શકે એટલી સોંધી અને
ઉત્પાદક કાર્ય સાથે સંકળાયેલી હોવી જોઈએ. આ સિદ્ધાંતો જો વર્ધાયોજનામાં રહેલા હોય તો એ વધાવી લેવા સરખા છે. અલબત્ત, પ્રસંગાનુસાર એમાં ફેરફાર થઈ શકે એમ છે. છતાં એટલું તો ચોક્કસ કે ગ્રામજનતાને કેળવણી આપવી હોય તો આ માર્ગે આપી શકાય.
કેળવણીની અસર
કેળવણી વગર જ્ઞાન નથી; જ્ઞાન વગર પ્રકાશ નથી; પ્રકાશ વગર જીવન નથી; જીવન વગર શક્તિ, ઉત્સાહ, સાહસ, ધૈર્ય, નીતિ એ કશું ન આવી શકે. એ ન આવે ત્યાં સુધી ગ્રામજીવનની જાગૃતિ પણ ન થાય, અને ગ્રામજનતા જાગ્રત નહિ થાય તો આખું હિંદ સુષુપ્ત, નિર્ધન અને પરાધીન જ રહેશે. કેળવણી લેઈ સ્વાવલંબી અને સાહસિક બનેલી ત્રીસ એકત્રીસ કરોડ જેટલી ગ્રામજનતા સુતેલી ઊભી થાય અને ઊભી થઈ ચાલવા માંડે તો એની પ્રગતિને કોણ રોંધી શકે ? અને એ મહા પ્રગતિમાં જગતને ફેરવી નાખવાનું કેટકેટલું બળ ઉભરાતું હશે ? ગ્રામજનતાને કેળવણી આપનાર જગતની પ્રગતિને વેગ આપવાનું મહા કાર્ય કરે છે.
કેળવણીનો આદર્શ
કેળવણીમાં સામાન્ય જ્ઞાન જોઈએ. કેળવણી ગ્રામથી વિમુખ રાખે એવી હોવી ન જોઈએ. ભણીને શહેરની ચમક અને સરળતા તરફ આકર્ષણ રહ્યા જ કરે તો એ કેળવણી ગ્રામજનતાને જરૂરી નથી. કેળવણી પરાવલંબી બનાવે એવી હોવી ન જોઇએ. ભણીને શું ખાવું, ક્યાંથી ખાવું એ પ્રશ્ન ઊભો થાય તો તે ખરી કેળવણી કહેવાય નહિ. ખેતી, ગૃહઉદ્યોગ અને કારીગરી સાથે એ કેળવણી સંકળાયેલી જ હોવી જોઇએ. અંગમહેનતમાં કાયરતા શરમ ઊભી કરે એ કેળવણી તો ગ્રામ અને શહેર એ બંને વિભાગમાંથી દૂર થવી જોઈએ. માનસિક સ્વચ્છતા અને લાગણીઓની વિશુદ્ધિ તરફ વાળે એવી એ કેળવણી હોવી જોઈએ. સાથે સાથે એ કેળવણી ગ્રામજનતામાં સ્વમાન અને સ્વભાન પ્રેરે એવી હોવી જોઈએ.