.
૨૫
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો.
આગેવાનોની ખામી
ગામડાં ઉન્નત કેમ થતાં નથી એનાં અનેક કારણોમાં એક મહત્ત્વનું કારણ નેતૃત્વનો અભાવ છે. ગ્રામજનતા અજ્ઞાન, ભોળી, વિશ્વાસુ, પરાશ્રયી અને અસ્થિર માનસવાળી હોય છે. આવી જનતાને ઉન્નતિને માર્ગે લઈ જવી એ બહુ વિકટ કાર્ય છે. ભણેલાગણેલા અને સમજદાર મનુષ્ય નોકરીધંધાર્થે ગામડાં છોડી જાય છે. તેમને ગ્રામજીવનમાં જરા ય રસ રહેતો નથી. તેઓ ભાગ્યે વર્ષમાં એકાદ બે અઠવાડિયાં પોતાના ગામમાં આવતા હોય. ગામમાં તેઓ આવે તો કાંઈ લગ્ન, જનોઈ, કારજ જેવા પ્રસંગો તેમને ઉકેલવાના હોય, અગર માત્ર આરામ લેવાનો હોય. શહેરના સંસર્ગને લીધે ભણેલાઓ અને સાહસિકો ગામડાં ઉપર અને ગ્રામજનતા ઉપર સરસાઈ અનુભવે છે, અને તેને પરિણામે ગ્રામજનતા તરફ એક પ્રકારનો અભાવ કેળવે છે. એટલે ગામડાંના ભણેલા, અક્કલવાળા અને સાહસિક વર્ગનો ગામને જરા ય ઉપયોગ થતો નથી. એ વર્ગ બહારગામ રહે છે, અને એકાદ સારું મકાન બનાવી સારો વરો કરી કે મહેરબાની દાખલ કાંઈ ઠીક રકમ ગામના કામમાં આપી પોતાની અને ગ્રામજનતાની વચ્ચેનું અંતર વધાર્યા સિવાય બીજું ભાગ્યે સારું કામ કરી શકે છે.
ચાલુ આગેવાનોની
અપાત્રતા
ગ્રામનિવાસીઓ અક્કલ વગરના છે, એમ આ ઉપરથી માનવાનું નથી. પરંતુ અક્કલવાળા વર્ગનો મુખ્ય ભાગ ભણીગણી બહારગામ સેવે છે એટલે નેતૃત્વ ધારણ કરવાની યોગ્યતા ધરાવતા વર્ગનો મોટો ભાગ ગામડાંને નિરુપયોગી થઈ પડે છે. ગામમાં સ્થાયી રહેતા મનુષ્યોમાંના હોશિયાર, અને અક્કલવાળા મનુષ્યોને આગેવાની વરે છે. આ આગેવાનીનાં પરિણામ જોવાં હોય તો ગમે તે ગામડા તરફ દૃષ્ટિ નાખવી. ગામડાં ઉન્નત નથી એનું એક કારણ તો એ છે કે આપણા ગ્રામનેતાઓ–ગામડાંના આગેવાનો નેતૃત્વ માટે લાયકી ધરાવતા હોતા નથી.
જેવો આગેવાન તેવું
ગામડું
ઘણી વખત આપણા અનુભવો કહેવતના રૂપમાં કાયમના જળવાઈ રહે છે. એક જૂની કહેવત છે? જેનો આગેવાન આંધળો તેનું લશ્કર કૂવામાં. આ કહેવત આખા હિંદમાં ઘેર ઘેર, હૃદય હૃદયમાં, સંસ્થાઓ અને સભાઓમાં કોતરી રાખવાની જરૂર છે. હિંદ પરતંત્ર કેમ થયું ? હિંદના અગ્રેસરો નલાયક માટે જ. હિંદ સ્વતંત્ર કેમ થતું નથી ? હિંદમાં આગેવાનો તરફ સહેજ દૃષ્ટિ કરવી એટલે જવાબ આપોઆપ મળી જશે. હિંદને માટે મરવાને કોણ અને કેટલા તૈયાર છે ? હિંદને માટે ફકીરી કોણે અને કેટલાએ લીધી ? હિંદ પરતંત્ર ન રહે તો બીજું શું થાય ?
આગેવાનોના પ્રકાર
ગામડાંની ઉન્નતિનો પ્રશ્ન હિંદસમગ્રના પ્રશ્નનો જ એક વિભાગ છે. ગ્રામજીવનમાં સારી આગેવાની મળતી નથી એટલે ગામડાં પણ અવનતજ રહે છે. ગામડાંની આગેવાનીનું ચાલુ સમયમાં કેવું સ્વરૂપ છે તેનો વિચાર આપણે કરીએ તો નીચે પ્રમાણે આગેવાની સ્વાભાવિક રીતે ગોઠવાઈ જતી લાગે છે :
| | | | | | | ગ્રામ આગેવાનો |
| | | | | | | | | | | | | | | | | | | |
| | | | | | | | | | | | | | | | |
| | પૂર્વપ્રતિષ્ઠા– વંશપરંપરાની પ્રતિષ્ઠાને બળે થયેલા આગે- વાનો: વતન- દાર, ઇનામ- દાર, જાગીર- દાર, વગેરે | સંપત્તિને બળે થએલા નેતા | સરકારી નોકરો : હોદ્દાની રૂઇએ અધિકાર અને પ્રતિષ્ઠા ભોગવતા નેતા; પટેલ, મતાદાર, તલાટી, શિક્ષક, ગ્રંથપાલ (લાય- બ્રેરીઅન) ડૉક્ટર, પંચ વગેરે | ખટાપટીઆ-ચૌદશીયા -લોક ઉપર ભય, ત્રાસ વર્તાવી અગર તેમને લોભ લાલચમાં નાખી પોતાનું અગ્રસ્થાન દૃઢ કરતા આગેવાનો | સેવા- ભાવી |
| | | | | | | | | | | | |
| | | | | |
| | | શાહુકાર | | જમીનદાર, મોટા ખાતેદાર |
વકીલ કે પત્રકાર સરખા આગેવાનો સદ્ભાગ્યે ગામડાંમાં હોતા નથી, એટલે તેમની ગણત્રી આમાં થઈ શકે એમ નથી.
વતનદાર-ઈનામદાર
પ્રથમવર્ગના આગેવાનો ઘણુંખરું ગામમાં રહેતા નથી. તેઓ તાલુકાના મુખ્ય સ્થળે વસે છે. ગામડાંમાં રહેતા હોય તો ગામના કામમાં તેમની સલાહ પૂછાય છે, અને તેમને ગાદીતકીએ બેસાડી માનભર્યું સ્થાન આપવામાં આવે છે. પરંતુ ગામની ખરી આગેવાની કરવાની શક્તિ આ વર્ગ ખોઈ બેઠો છે. કુળની મોટાઈના ઘમંડમાં ઈનામદાર અને જાગીરદારો સામાન્ય જનતાની સાથે ભળતા નથી, અને તેથી સામાન્ય જનતાની જરૂરિયાતો સમજી શકતા નથી. પોતાના નામ પ્રમાણે કરા-વરા અને ખર્ચખૂટણમાં એ વર્ગ એટલો ઘસાઈ ગયેલો હોય છે કે જમીનજાગીરને ગીરે વેચાણ કરવાની, લહેણદારોના વાયદા પતાવવાની અને તેમ છતાં પોતાની મોટાઈ જાળવી રાખવાની જંજાળમાંથી તેઓ ઊંચા આવી શકતા નથી. ઉપરાંત ભાઈ–ભાઈ અને પિતરાઈઓ વચ્ચે ભાગલાગ તથા વહેંચણવહિવટ સંબંધમાં ઝગડાની એવી પરંપરા જામેલી હોય છે કે દીવાની ફોજદારીમાંથી તેનો પરવાર જ આવતો નથી. તકરાર ન હોય એ વતનદાર શોધી કાઢનારને ઇનામ આપવાનું જાહેર થાય તો એ ઇનામ આપવાનો
ભાગ્યે જ પ્રસંગ આવે.
નિરર્થક આગેવાની
આમ આ પ્રથમ વર્ગ ગામડાંમાં રહેતો હોય છતાં ગ્રામ્ય દુનિયાથી જુદી જ દુનિયામાં વસતો હોવાથી એની આગેવાની નિરર્થક છે,—નામની જ છે; ગામને તેની આગેવાની જરા ય કામની નથી. વળી પૂર્વજોના આશ્રયે માંદું જીવન ગાળી રહેલા એ વર્ગમાં ગામની આગેવાની–ખરી આગેવાની-કરવાની શક્યતા પણ રહેલી હશે કે કેમ એ શંકા ભરેલું છે.
શાહુકાર
આગેવાનોનો બીજો વર્ગ એ ગ્રામજીવનની વિલક્ષણતા દર્શાવતો વર્ગ છે. દોરીલોટો લઈ ગામે આવેલા કે નાનકડી મીઠા-મરચાની દુકાન કરતા વણિકને તેની હયાતીમાં જ શેઠાઈ મળી જાય છે. અને તેની એક બે પેઢી થતાં તો તેનું કુટુંબ લક્ષાધિપતિની ગણતરીમાં આવી જાય છે. એટલું જ નહિ પણ વિશાળ જમીનની માલકી પણ એ કુટુંબની થાય છે. ગામડાંમાંથી આ સંપત્તિ મેળવનાર શાહુકાર કેવી રીતે સંપત્તિ મેળવે છે તેનું વર્ણન અહીં કરવાની જરૂર નથી. અહીં એટલું જ જાણવું બસ થશે કે શાહુકાર ગામનો આગેવાન હોય છે, અને માત્ર પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તેનું સ્થાન વતનદારીથી ઊતરતું હોય છતાં તેની આગેવાની પ્રથમ વર્ગ કરતાં વધારે જબરી અને વધારે અસરકારક હોય છે. ગામના ધનની શાહુકાર એ ધોરી નસ છે. એના વગર ખેડૂતોને ચાલતું નથી, એટલે શાહુકારની આગેવાની સ્વીકાર્યા વગર પણ ચાલતું નથી.
શાહુકારનું ધ્યેય
પરંતુ શાહુકારની આગેવાની બે કારણે ઈચ્છવા સરખી નથી : (૧) શાહુકારનું ધ્યેય માત્ર ધન-ઉપાર્જનનું જ હોય છે. એની દૃષ્ટિ ખુલ્લી રીતે સ્વાર્થથી વીંટળાયેલી હોય છે. જે આગેવાની–જે કાર્યમાં શાહુકારનાં નાણાં વધારે નહિ એ આગેવાની–તરફ શાહુકારને જરા ય સહાનુભૂતિ હોતી નથી. (૨) ગ્રામજનતાની સંપૂર્ણ ઉન્નતિમાં શાહુકાર હજી પોતાનો વિનાશ અગર નિરર્થકતા જોઈ શકે છે. એટલે પોતાનો પૈસો વધારવાના તેમ જ પોતાની શેઠાઈ–શાહુકારી કાયમ રાખનારાં કાર્યો સિવાયનાં કાર્યોમાં શાહુકારોને કશું જ લાગતું વળગતું નથી. નિશાળ કાઢવા માટે શાહુકારની પાસે પૈસા નથી; ગામના લોકો શાહુકાર પાસેથી સારા વ્યાજે રકમ લઈ નિશાળ ઉઘાડે તો તેમની
પાસે પૈસો છે. શાહુકારને નિશાળ પ્રત્યે ભાવ નથી પણ તેની મૂડી વધારે તેવી નિશાળ પ્રત્યે અભાવ પણ નથી.
ગ્રામજીવન અને ધ્યે-
યનો વિરોધ :
આવી સ્પષ્ટ સ્વાર્થવૃત્તિ અને ગ્રામોન્નતિમાં સમાયેલી તેમની અવનતિની માન્યતા શાહુકારોને ગામના આગેવાન તરીકે અપાત્ર ઠરાવે છે. શાહુકારોની આગેવાની ગામના લાભમાં વપરાતી હોય એમ જાણ્યામાં નથી. હિંદુસ્તાનના કોઈપણ ગામડાની પ્રજાને તેના કોઈ શાહુકારે તારી એમ સાબિત થાય તો એ શાહુકારની છબી સોનાના ચોકઠામાં મઢી ગામેગામ રાખવાની સૂચના વધારે પડતી નહિ ગણાય.
જમીનદાર શાહુકાર :
મોટે ભાગે આગેવાન શાહુકાર આગેવાન ખાતાદાર થઈ પડે છે, એ પણ ગ્રામજીવનના અભ્યાસીઓ સારી રીતે જાણે છે. વ્યાજ, વટાવ, કોથળી છોડામણી વગેરે વ્યાપારસૂચક નામોની પાછળ એવી કરામત રહેલી હોય છે કે શાહુકારના દેણદાર ખાતાદાર શાહુકારને જમીન સોંપી દઈ તેના જ ગણોતિયા બની જાય છે. એટલે શાહુકાર મોટા જમીનદાર પણ બની જાય છે.
તેમની આગેવાનીના
ગેરલાભ :
પરદેશથી ધન કમાઈ લાવેલા, તેમ જ ગામમાં રહેતા હોંશિયાર માણસ પોતાની કુનેહથી અને પૈસાના જોરે ગામની ઘણી જમીનના માલિક બની જાય છે. એક પાસ મજૂરી કરતા સામાન્ય ખાતેદાર બે પાંચ વીઘામાં પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે બીજી પાસ બસો ને પાંચસો વીઘાંના ખાતેદારો પણ એ જ ગામમાંથી નીકળી આવે છે. આવા શાહુકાર તથા જમીનદાર જેવા સંપત્તિના બળે અગ્રણી બનેલા ગ્રામજનો શહેરના ધનિકોની માફક સામાન્ય જનતાથી ઊંચા અને અલગ બનીને બેસે છે. તેમનું ઉચ્ચ સ્થાન
કાયમ રહે એવા સામાજિક અને આર્થિક પ્રયત્નોમાં રોકાયેલા આ બન્ને વર્ગોની આગેવાનીમાં પરમાર્થનો–સામાજિક સેવાનો અંશ પણ હોતો નથી. તેમની સંપત્તિના પ્રમાણમાં તેમને હાથે થતાં જૂજ સારાં કામ પણ તેમના સ્થાનરક્ષણને ખાતર કરવામાં આવે છે. એટલે તેમની આગેવાની પણ ગ્રામજીવનને લાભદાયક નથી.
રાજસત્તાના પ્રતિ-
નિધિઓ
ગામડાંમાં રાજસત્તાના પ્રતિનિધિઓને પણ સ્થાન છે–મહત્વનું સ્થાન છે. હિંદુસ્તાનમાં રાજસત્તા એ આદરપાત્ર દેવસત્તા કરતાં પણ વધારે બની ગઈ છે. રાજામાં વિષ્ણુનો અંશ જોનારી પ્રજા રાજવિષ્ણુના પાર્ષદોને પણ પૂજતી આવી છે. એટલે ગ્રામજનતાના માનસમાં જ રાજભક્તિ દૃઢીભૂત થયેલી હોય છે. રાજ્યને પણ ગામડાં સાથે અમુક અંશે તો સંબંધ રાખવા જ પડે છે. જમીનમહેસૂલ એ રાજ્યનું મુખ્ય ઉત્પન્ન હોવાથી ગામડે ગામડે સરકારનું વસૂલાત કરનારા નોકરો વેરાયલા હોય એ સહજ છે. જમીનવ્યવસ્થા અને જમીન મહેસૂલના અતિ મહત્ત્વના કાર્યની જવાબદારી ગામના જ કોઈ મુખ્ય માણસને માથે નાખવામાં આવે છે. અને તેને પટેલ અગર મુખી તરીકે ઓળખવામાં આવે છે. ગામનું દફતર–કામ કરવા સરકાર તરફથી પગારદાર તલાટી મુખો કે પટેલની સહાયમાં નીમવામાં આવે છે. આ પટેલ તલોટીઓ ગામ પૂરતા સત્તાધિશ હોય છે. સત્તાના બળે તેમનું ગામમાં સારું માન હોય છે, અને અનેક રીતે તેઓ ગામના સક્રિય આગેવાનો બની જાય છે.
શિક્ષક
વળી શાળા કાઢવાની ઉદારતા સરકારે બતાવી હોય તો શાળાના શિક્ષક પણ સરકારના પગારદાર પ્રતિનિધિ તરીકે અમુક અંશની પ્રતિષ્ઠા અને
આગેવાની મેળવી શકે છે. ક્વચિત્ કોઈ ગામડે પુસ્તકાલય પણ હોવાના સંભવો વધતા જાય છે. બનતા સુધી શિક્ષક જ પુસ્તકાલયનું કામ સંભાળતા હોય છે. છતાં પુસ્તકાલય પ્રવૃત્તિ સારી ચાલતી હોય તેવાં ગામડાંમાં જુદા ગ્રંથપાલો પણ રોકવા પડે એ સહજ છે.
મોટે ભાગે ગામડાં વૈદ્યકિય સારવારથી વંચિત રહેલાં હોય છે. છતાં કવચિત ગ્રામઔષધાલય સ્થપાય તો ડોક્ટરો અને વૈદ્યો પણ પોતાના ધંધાને લઈને સ્વાભાવિક રીતે આગેવાનોમાં દાખલ થઈ શકે છે.
પંચો
વડોદરા સરખા આગળ વધેલા રાજ્યમાં તેમ જ અમુક અંશે બ્રિટિશ હિંદમાં પણ ગ્રામપંચાયતની સ્થાપના દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ખીલવણીના પ્રયત્નો થાય છે. ગામનો કારભાર ચલાવવા ચૂંટાયેલા અને નિમાયલા ગ્રામપંચાયતના સભ્યો પણ સભ્ય તરીકે અમુક અંશે આગેવાની ભોગવે છે. આમ સરકાર સાથે સીધો સંબંધ ધરાવતા, સરકારી નોકરો તથા સરકારે નીમેલા ગામ આગેવાનો સત્તાના પ્રભાવે આગેવાની કરવાની પાત્રતા ધરાવતા થાય છે.
સરકારી કામમાં રહેલી
મૂળભૂત ખામી
આ સત્તાધારી ગામનેતાઓ ધારે તો ઘણું કામ કરી શકે એવી સ્થિતિમાં મુકાયેલા હોય છે. પરંતુ કેટલાંક કારણો તેમની આગેવાનીને પણ વિષમ બનાવી દે છે. પ્રથમ તો ગામનું ભલું કરવાની તેમનામાં ભાવના જ હોતી નથી. સરકાર તરફથી નિમાવું એટલે સરકારી રાહે ઠર્યું હોય તે કામ કરવા ઉપરાંત બીજી કશી જ ફરજનો તેમને ખ્યાલ હોતો નથી. ઠરેલું કામ કરી ઠરેલો પગાર લેવાની યાંત્રિક સરળતાને લીધે તેમનું માનસ એવું શિથિલ
બની જાય છે કે સરકારી કામથી આગળ તેમની દૃષ્ટિ જઈ શકતી જ નથી. ગ્રામજીવનને અને સરકારી કામને સમગ્ર દૃષ્ટિએ પિછાનવાની, એકના ભલામાં બીજાની ઉન્નતિ સમાઈ છે એ સમજવાની તેમનામાં શક્તિ હોતી નથી.
સત્તાનું દુરૂપયોગ
તરફ વલણ
છતાં સરકારી નોકરીમાં ઊંચી આવડતનો અભાવ જ હોય એમ કહેવાય નહિ. ઘણા ય પટેલ તલાટી તથા શિક્ષકો અમુક પ્રકારની હોશિયારી અને કાબેલિયત બતાવી શકે છે. પરંતુ કમનસીબે સત્તામાં પોતાનો જ દુરૂપયોગ કરનારાં તત્ત્વો વાસ કરી રહેલાં હોય છે. સત્તાને જીરવવી સહેલ નથી; સત્તાનો સન્માર્ગે જ ઉપયોગ કરવો એ બહુ મુશ્કેલ છે; સત્તામાં તટસ્થપણું સાચવવું અત્યંત દુર્ઘટ છે. મોટા મોટા અમલદારો, અધિકારીઓ અને હોદ્દાદારો સત્તાના ઉપયોગમાં ગોથું ખાઈ જાય છે. ગ્રામઅધિકારીઓ સત્તાના ઉપયોગમાં સર્વાંગે ન્યાયી અગર લોકોપયોગી રહી શકે એમ બનવું કઠણ છે. તેમની ખામીનો આ બચાવ નથી. ખામીનું સ્વાભાવિક વ્યાપકપણું દર્શાવવાનો આ કથનનો હેતુ છે.
સત્તાનું ગ્રામજીવન
પર પરિણામ
આ પટેલ, તલાટી, શિક્ષક, ગ્રંથપાલ, ડૉક્ટર જેવા સરકારી રાહે બની જતા ગ્રામ આગેવાનોમાં સત્તાનું તીવ્ર ભાન જાગૃત થાય છે, સત્તાને અંગે આળસ આવી જાય છે, પગારદારી સેવાવૃત્તિમાં સેવાભાવના જીવતી નથી, સત્તા સ્વાર્થી બને છે એટલે તે વિધાતક અને સમાજને હાનિકારક થઈ પડે છે. આજ ગામડામાં જોઈએ તો પટેલો પોતાની સત્તાના જોરે પ્રજા ઉપર સારી છાપ પાડતા નથી. સહુ ઉપર પ્રભાવ પાડવા માટે જનતાને ખોટી ખોટી રીતે દબાવવાની તેમને ટેવ પડે છે. ગામની ભાંજગડમાં તેઓ
પક્ષાપક્ષી વધારે છે. સરકારી ગામનોકરોને વગર પૈસે ખાનગી ખેતીમાં રોકે છે. ગામના મજૂરવર્ગ ઉપર સત્તાને બળે જુલમ કરે છે, ઓછે પૈસે અને વગર પૈસે તેમની પાસે ખાનગી કામ કરાવે છે, ગુન્હા દાબી દે છે, ગુન્હાનાં સ્વરૂપ બદલી નાખે છે, ન હોય ત્યાં ગુન્હા ઊભા કરે છે અને પોલીસ તથા મુલ્કી નોકરી સાથે મળી જઈ ગુન્હામાંથી ગુજરાન થાય એટલો પૈસો મેળવવાની તરકીબમાં રચ્યાપચ્યા રહે છે. સીમ સાચવવી, ગુન્હા અટકાવવા, શાન્તિ વધારવી, લોકોને સુમાર્ગે દોરી તેમને ભૂલો કરતા અટકાવવા આવાં આવાં કામો કેટલા પટેલો કરતા હશે ? અને પટેલ-મુખી એ ગામનો સહુથી પહેલો-મુખ્ય નાગરિક છે !
તલાટી
તલાટી પોતાને નિયમની માહિતી ધરાવતો માની આવડતના અભિમાનમાં નવી નવી કૂંચીઓ ખોળે છે અને દફ્તરી કામ તેના હાથમાં હોવાથી વળી પટેલ કરતાં પણ તે સત્તાનો વધારે ઘમંડ રાખે છે. પટેલો પૂરતું ભણેલા હોતા નથી; ભણેલા હોય તો તેમની મોટાઈમાં તેમની આવડત કટાઈ ગયેલી હોય છે; એટલે મુલ્કી, ફોજદારી તથા પંચાયતના લખાણમાં તલાટી ઉપર તેમને પૂરો આધાર રાખવો પડે છે. માહિતગાર પુરુષ તરીકે તલાટી આખા ગામનો સલાહકાર બને છે. એની સલાહ–non-commital પોતાની જાતને હરકતહેલો ન આવે એવી : પરંતુ ધણીને કહેશે ધા અને ચોરને કહેશે કે ન્હાશ, એવી બધા ય પક્ષને તેના સકંજામાં રાખે એવી હોય છે. વળી તેની સલાહ મફત મળતી નથી. નિયમને આધારે તલાટી ત્રાસ પણ આપી શકે અને આપેલા ત્રાસનું નિવારણ પણ યોગ્ય ખાનગી બદલો લઈ કરી શકે.
ગામમાં શિક્ષક હોય તો પટેલ તલાટી અને શિક્ષક વચ્ચે મોટાઈ
શિક્ષક :
બાબત હરીફાઈ જરૂર ચાલવાની. પટેલ તલાટીનો તાત્કાલિક ઉપયોગ બધાને હોવાથી ગ્રામમાનસ પટેલ તલાટી તરફ વધારે માનની દૃષ્ટિથી જુએ છે. માનનો આધાર સેવા અગર સંસ્કાર ઉપર હોતો નથીઃ સત્તા ઉપર રહે છે. સત્તાના અધિષ્ઠાતા પટેલ તલાટી અને સંસ્કારના અધિષ્ઠાતા શિક્ષક વચ્ચે આમ જુદી જુદી જાતની સાઠમારીઓ શરૂ થાય છે. શિક્ષક પણ પોતાની આવડતનો ઉપયોગ ગામના ઝગડા વધારવામાં કરતો થઇ જાય છે. અમુક અંશે શિક્ષક ગ્રામસલાહકાર તરીકે તલાટીનો હરીફ બને છે, અને ગામમાં નામજોગ કે નનામી અરજીઓનો પાતાળઝરો ફૂટી નીકળે છે. લોકોમાં જબરા પક્ષ પડે છે.
ચૌદશિયા
આગળ વર્ણવેલા ત્રણે પ્રકારના આગેવાનોમાં એક મહત્ત્વનો ચોથો પ્રકાર સમજવો બહુ જરૂરી છે. આ પ્રકાર ખટપટીયા તરીકે ઓળખાતા આગેવાનોનો છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના આગેવાનોને ચૌદશિયાને નામે ઓળખવામાં આવે છે. કાળી ચૌદશે કરવામાં આવતી મેલી સાધના જેવાં કામ આ લોકો કરે છે એ માટે, કે કાળી ચૌદશ જેવા ભયાનક દિવસે તેઓ જન્મવાને પાત્ર ગણાતા હોય એ માટે એ ચૌદશિયા કહેવાતા હશે કે કેમ એ શબ્દાભ્યાસીઓ જાણે. પરંતુ એટલું તો ખરું જ કે ચૌદશિયા શબ્દ બહુ સૂચક છે. તેમના સંબંધમાં એક સરસ લેખ થોડાં વર્ષો ઉપર ઘણું કરી ‘સાહિત્ય’ માસિકમાં આવ્યો હતો. બીજા ત્રણ પ્રકારના આગેવાનો આ ખટપટિયા વર્ગની આગળ ઝાંખા પડી જાય છે. ગ્રામજીવનમાં તેઓ ઝેરી નાગ સમાન છે.
ખટપટિયા આગેવાનો ખટપટ ઉપર, કાવાદાવા ઉપર, ઝઘડાઓ ઉપર જ જીવે છે, અને પુષ્ટ થાય છે. ભાંજઘડ એ તેમની રોજીનું
સાધન થઈ પડેલું હોય છે. આપણા વકીલવર્ગની માફક આ ખટપટિયા આગેવાનોને તેમનું ભણતર સહાયરૂપ થઈ પડે છે. ઓછું વધતું ભણતર, સહજ નિયમોની માહિતી, વાચાળપણું અને આડંબરની આવડત એ મૂડી ઉપર તેઓ વ્યાપાર ચલાવી ગ્રામશાન્તિને છિન્નભિન્ન કરી નાખે છે.
ગામના માણસોને અંદર અંદર ઉશ્કેરી લઢાવી મારવા, લઢાઈની સમાધાનીનો દેખાવ કરી બન્ને પક્ષનાં ખિસ્સાં હળવાં કરવાં, ન્યાય અપાવવા આગળ વળી અમલદારો અને સરકારી નોકરોને આડે રસ્તે દોરવા, પારકે પૈસે અમલદારોની મહેરબાની મેળવવી, એ મહેરબાનીના દેખાવનો લાભ લેઈ ગામલોકો ઉપર પોતાને કાબુ જમાવવો, અને અમલદાર વિરુદ્ધ ખરી ખોટી હકીકત ચાડીચુગલી રૂપે અગર નનામી અરજીઓ દ્વારા ફેલાવી અમલદારોને પણ દાબમાં રાખવા કોશિશ કરવી : આવાં આવાં કાર્યોની જાળ ફેલાવનાર ચૌદશિયાઓ ગ્રામજીવનના વિકાસમાં ભારે અડચણરૂપ છે.
આવા આગેવાનોને હૃદય હોતું નથી; સ્વાર્થની સાધનામાં તેમને કશું જ નડતું નથી; ખાનદાની, પ્રતિષ્ઠા, ન્યાય, સત્ય એ માત્ર તેમને રમવાનાં રમકડાં રૂપ હોય છે. ગામનો એકે એક માણસ તેનાથી ડરતો રહે છે, અને એ ડરમાં અને ડરમાં તેની આગેવાની કાયમની બની જાય છે વિઘ્ન ઊભાં કરવાની તેની અજબ શક્તિ હોય છે. તેની સંમતિ વગર ગામનું કશું કામ થઈ શકતું નથી. આર્થિક લાભ વગર તેની સંમતિ મળતી નથી.
અમલદારનું ઓળખાણ કરી લેવાની તેમનામાં ભારે આવડત હોય છે. અમલદારનો ફેરો ખાવામાં, અમલદારની સગવડ સાચવવામાં, અમલદારની જરૂરિયાતો પૂરી પાડવામાં આ વર્ગનો આગેવાન એક્કો હોય છે. તેમાં જે તે નિસ્પૃહીપણાનો દેખાવ બહુ સફાઈથી
લાંબા સમય સુધી કરી શકે છે. અમલદારોની મિજબાનીઓ, અમલદારોના ફૂલહાર, અમલદારના મેળાવડા એ બધાની પાછળ આ ચૌદશિયાની મૂર્તિ સૂત્રધાર સરખી ખડી જ હોય છે.
આગેવાન તરીકે ખટપટિયો નિરુપયોગી છે એટલું જ નહિ; તે ભારે હાનિકર્તા છે. ગ્રામજીવનને તે ઝેરી બનાવે છે, કલુષિત બનાવે છે, નિર્માલ્ય બનાવે છે. પ્રજાની ખીલવણી તે અટકાવે છે. ગ્રામજીવનમાં તે ભયંકર મરકી સરખો છે. રાજા પ્રજાએ તેને પિછાની લેવો જોઈએ, તેને નિર્વિષ બનાવવો જોઈએ, અને તેની આવડતનો ઉપયોગ ગામનાં શુભ કાર્યોમાં થાય એવી તજવીજ કરવી જોઇએ. કારણ અમુક પ્રકારની આવડતવગર – અક્કલવગર – ચૌદશિયા થઈ શકાતુ નથી.
નેતૃત્વની કંગાલિયત
આમ આપણા ગ્રામજીવનનું નેતૃત્વ બહુ જ કંગાલ સ્થિતિમાં છે. તેને લીધે આપણાં ગામડાં પણ કંગાલ બની રહ્યાં છે. નિઃરસ, નિર્ધન, નિરાશાદર્શક ગામડાંની આગેવાની અકુશળ, સ્વાર્થી, બિનજવાબદાર મનુષ્યોના હાથમાં રહેલી છે એ ગામડાં જોતાં બરોબર કહી શકાય. ઉપર કહેલા ચારે પ્રકારના આગેવાનોનું ગામમાં સ્થાન છે. તેઓ ધારે તો ઘણું ઉપયોગી કામ ઘણી સારી રીતે કરી શકે. પરંતુ જે કારણોએ તેમને ગામ આગેવાની મળેલી હોય છે તે કારણો ગ્રામઉન્નતિનાં વિરોધી હોય છે. ગામનું ભલું કરવામાં તેમને કશો લાભ હોતો નથી. તેમને લાભ થતો હોય એવા પ્રકારનું ગામનું ભલું કરવાની તેમની તૈયારી હોય છે. પરંતુ વ્યક્તિગત હિત અને સામાજિક હિત પરસ્પર આથડી પડે છે. એટલે આવા આગેવાનોનું અગ્રત્વ રચનાત્મક ન હોતાં વિઘાતક હોય છે.
ખરો આગેવાન તે જ કે જે માત્ર સેવાભાવી હોય. આગેવાની
સેવાભાવના
માંથી જેને પૈસા કમાવા ન હોય, પોતાની સ્થિતિ આગેવાનીમાંથી જેને સુધારવી ન હોય, ગામનું ભલું કરવાની જેને ઘેલછા લાગી હોય, ગ્રામઉન્નતિ એ જ જેણે ધર્મ તરીકે સ્વીકારી હોય, દેશ અને દુનિયાના ભલાનો આધાર ગામડાંના ભલા ઉપર રહેલો છે એમ જેણે ખાતરીપૂર્વક સમજી લીધું હોય, અને ગામડાંને માટે જે સર્વસ્વ હોમવા તત્પર હોય તે જ આ યુગમાં ગ્રામનેતૃત્વ લેઇ શકે એમ છે. જ્યાં સુધી એવો નેતા મળ્યો નથી ત્યાં સુધી ગામડું પછાત રહેવાનું છે.
ગામોન્નતિ એટલે
જીવનભરની તૈયારી
આજ કાલ ગ્રામસેવા માટે બહુ તૈયારીઓ થતી દેખાય છે. એ તૈયારીઓમાંની ઘણી તો ક્ષણિક તમાશા જેવી હોય છે. ક્ષણિક તમાશાઓ પણ અમુક અંશે ઉપયોગી છે એ સહુએ સમજી લેવું જોઈએ. પરંતુ ગ્રામોન્નતિને માટે તો જીવનભરની તૈયારી જરૂરની છે. એ ભાવના વગરની આગેવાનીમાં ઓછાપણું જ રહેવાનું. દેશસેવા કરવાની ઘણા યુવકો ઈચ્છા રાખે છે. ગ્રામસેવામાં ખરી દેશસેવા સમાઈ છે એ સહુને ઝડપથી સમજાય તો વધારે સારું. નેતૃત્વ સદાય અઘરું છે; તલવારની ધાર પર ચાલવા સરખું છે; એને માટે લાયકી મેળવવાની અને પાત્રતાને કેળવવાની જરૂર છે. માત્ર સેવાભાવનો ઉભરો કે ક્ષણિક ઉત્સાહ જરા ય કામ લાગે એમ નથી. ગ્રામનેતૃત્વ નીચેના ગુણો–નીચે બતાવેલી જરૂરિયાતો માગી લે છે. એ સિવાય ગ્રામનેતૃત્વમાં તેટલા પૂરતી ખામી આવી જશે :
ગ્રામનેતૃત્વઃ- ૧ ગ્રામ-નિવાસ.
૨ કેળવણી.
૩ તંદુરસ્તી.
૪ સહનશક્તિ.
૫ યોજનાશક્તિ.
૬ કુનેહ.
૭ ચારિત્ર્ય.
૮ સ્વાર્થત્યાગ.
ઉપર દર્શાવેલા આગેવાનીમાં સમાયલા ગુણો આગેવાનીનું મહત્ત્વ સૂચવે છે. પરંતુ તે સાથે એ ગુણો અશક્ય કે બહુ મુશ્કેલીભર્યા છે એમ માની ભડકવાનું પણ કારણ નથી. ચારિત્ર્ય અને સ્વાર્થ ત્યાગ એ બે સિવાયની બાબતો ચૌદશિયા ખટપટિયા આગેવાનો પણ કેળવી શકે છે. એટલે કોઈપણ ભાવનાશીલ પુરુષ–યુવક કે વૃદ્ધ–ગામને જોઈતું નેતૃત્વ પૂરું પાડી શકે એમ છે.
સ્થાયી નિવાસ
આગેવાન ગામનો સ્થાયી રહીશ હોય તો જ વધારે સારું. ખેતીના ધંધામાં તે પડેલો હોય તો તે વધારે ઈચ્છવા યોગ્ય છે. ખેડૂતના જીવનનો અને ખેડૂતની જરૂરિયાતોને તેને અંગત અનુભવ હોય તો જ તેની કાર્યદક્ષતા સચોટ બની શકે. ગાંધીજીએ કાર્યકર્તાઓને ગામડાંમાં દટાઈ જવાની જે સલાહ આપી છે એ તદ્દન વાસ્તવિક છે. ગામડાંના અંગ તરીકે જ તેણે જીવન ગુજારવું જોઈએ.
કેળવણી
કેળવણીનો અર્થ અંગ્રેજી કેળવણી જ નહિ. અંગ્રેજી ભાષાનો સહજ પરિચય હોય તો ઠીક, ન હોય તેથી નેતૃત્વમાં ભારે ખામી આવી જવાની નથી. પરંતુ અમુક કક્ષાની કેળવણી તો આગેવાનમાં જરૂરની છે જ. તેને સારી રીતે લખતાં વાંચતાં આવડવું જોઈએ. ચાલુ વર્તમાનપત્રો વાંચી સમજી શકે એવું શિક્ષણ જરૂરનું છે. સામાન્ય હિંદી રાજકીય પરિસ્થિતિ અને પરદેશમાં ચાલતી રાજકીય અને સામાજિક પરિસ્થિતિની તેને સમજ પડેલી હોવી જોઈએ. નવીન વિચારોનો
તે સ્વીકાર કરે જ એમ આગ્રહ રાખી શકાય નહિ. તથાપિ નવીનતા તરફ તિરસ્કાર વૃત્તિ ન જાગે એવી ઉદારતા ભરી એ કેળવણી હોવી જોઈએ.
શરીરબળ
આગેવાન બનનારથી માંદગીની મૈત્રી સેવાય નહિ. આગેવાનને અંગમજૂરી તરફ સદ્ભાવ હોવો જોઇએ, અને અંગમહેનત માટે તેની સર્વદા તૈયારી હોવી જોઇએ. નવા યુગની નાજુકી, સફાઈ, આદતો, અને નબળાઈઓ મૂકીને તેણે ગ્રામપ્રવેશ કરવાનો છે. બપોરનો તાપ નહિ ખમાય; વરસતા વરસાદે બહાર નીકળતાં શરદી થશે; શિયાળાની મધરાતે ઠરી જવાશેઃ આવા આવા ભયથી જેનું શરીર ધ્રૂજી ઊઠે તેણે ગ્રામ–આગેવાનીનો ડોળ કરવાની જરૂર નથી.
સહનશક્તિ
આગેવાનની સહનશક્તિ બહુ ઊંચા પ્રકારની હોવી જોઈએ. આગેવાનીમાં દુઃખ પણ પડશે, અપમાન પણ મળશે, અને ડગલે પગલે નિષ્ફળતાના ભણકારા વાગ્યા કરશે. દુ:ખ, અપમાન અને નિષ્ફળતાથી હારી બેસે એ આગેવાન નહિ. ગ્રામઉન્નતિનો હેતુ પાર પડે ત્યાં સુધી તેણે દુઃખ સામે લઢવું પડશે, અપમાન ગળી જવાં પડશે અને નિષ્ફળતાઓને હસતે મુખે વધાવી લેવી પડશે.
યોજનાશક્તિ
ગામડાંના પ્રશ્ના નાના ખરા; છતાં એ પ્રશ્નોનો ઉકેલ યોજનાશક્તિ માગી લે છે. ગામડાના લોકો અજ્ઞાન અને અર્ધજ્ઞાનવાળા. તેમને ઉન્નતિના પ્રશ્નમાં રસ લેતા કરવા અને તેમની પાસે યોજનાઓ અમલમાં મુકાવવી એમાં કુનેહની જરૂર છે. ધમકી, રોફ, મહેણાં એ કશાથી કામ થાય નહિ. માત્ર ભાષણો ગામડાં માટે નિરુપયોગી છે. ગામડાના થઇને રહેવું, ગામડિયા બનવું, યુક્તિપુરઃસર તેમનું મન સંપાદન
કરવું, અને ગ્રામજનતાને સમજ પડે એવી યોજના ઘડવી એમાં ખરી આગેવાની રહેલી છે.
ચારિત્ર્ય
આગેવાન ચારિત્ર્યશીલ હોવા જોઈએ – અને તે જૂની ઢબના ચારિત્ર્યને અનુસરતા હોવા જોઇએ. નવા જમાનાના કાર્ય કરનારને લગ્નની સંસ્થા નિરુપયોગી ભલે લાગે. પરંતુ લગ્નસંસ્થાનો તાત્કાલિક વિરોધ ગામડામાં કરવા તે બેસે તો તેના કાર્યને સફળતા નહિ મળે. સ્ત્રી પુરુષો ભેગાં મળી કાર્ય કરે, પરસ્પરના સહવાસ કેળવી ઔદાર્ય વિકસાવે એ બધું ભલે જરૂરનું હોય. પરંતુ તે કાર્ય હાલ તો શહેરની સીમામાં જ રાખવું. ગામડે જઈને ‘બહેનો' નો અતિ પરિચય સેવવાનો લોભ તદ્દન છોડી દેવો જોઈએ. સ્ત્રીપુરુષના વ્યવહારમાં શંકાને પણ સ્થાન ન મળે એવું – જૂની ઢબનું કહેવાતું હોય તો તેમ – વર્તન આગેવાનોએ રાખવાનું છે.
પૈસા સંબંધી ચો-
ખવટ
જ પ્રમાણે પૈસાની બાબતમાં બહુ જ ચોખવટ રાખવી જોઇએ. હિસાબ પાકો, માગે તે વખતે મળે એવો રાખવાની બહુ જ ચીવટ આગેવાને રાખવી જોઇએ. એક પાઈનો ગોટાળો પણ આગેવાનને કાર્ય માટે નલાયક બનાવી દે છે.
સ્વાર્થત્યાગ
એ જ પ્રમાણે સ્વાર્થત્યાગ પણ આગેવાને અવશ્ય કેળવવો જોઈએ. ગ્રામઉન્નતિની યોજનામાં પોતાને અને પોતાનાં કુટુંબને છેલ્લે લાભ મળે એવી કાળજી આગેવાને રાખવાની છે. દ્રષ્ટાંત તરીકે : જે રસ્તો પોતાને ઉપયોગમાં આવે એ હોય તે બાજુએ મૂકી બીજાના ઉપયોગમાં આવતો રસ્તો દુરસ્ત કરાવવો એ આગેવાનો માટે શોભાસ્પદ
છે. ગામખર્ચે મૂકાતાં ફાનસ આગેવાનોના ઘર આગળ ન રહે એમાં જ એનો સ્વાર્થત્યાગ રહેલો દેખાઈ આવશે.
કીર્તિલોભ
આવી સગવડોના સ્વાર્થ કરતાં પણ કીર્તિનો સ્વાર્થ વધારે પ્રબળ હોય છે. પોતે આગેવાન તરીકે ઓળખાય, ગામમાં અને તાલુકામાં પોતાનાં વખાણ થાય, અમલદારોને હાથે બિલ્લા મળે, સભામાં ગાદી ઉપર બેસવાનું માન મળે : આવો આવો લાલચ આગેવાનોના માર્ગમાં ભારે વિઘ્નરૂપ હોય છે. ખરો આગેવાન તે જ કે જે સહુથી ઓછું માન મેળવવા માટે તૈયાર હોય–જે તદ્દન ભૂલાઈ જવા માટે આતુર હોય. અલબત્ત, કીર્તિલોભથી કામ ઘણાં થાય છે એમ કહેવાય છે. તથાપિ એ કીર્તિલાભથી થતાં કામ શાશ્વત રહેતાં નથી. એમાં દુષિતપણું પ્રવેશે છે.
નેતૃત્વની પરીક્ષા
ગામની આગેવાની બહુ વિકટ હોવા છતાં બહુ આવશ્યક છે. ગામના નેતા–આગેવાન તરીકે અભિમાન લેનાર વ્યક્તિએ નીચેનાં સૂત્ર પ્રમાણે પોતાની પરીક્ષા કરી લેવી :–
ખરો નેતા કોણ ?
- ૧ જેના ગામમાં ખાનગી લઢાઈટંટા ન હોય;
- ૨ લઢાઈટંટા ક્વચિત્ થાય તો લોક અદાલતે ચઢતા ન હોય;
- ૩ જેના ગામમાં લોકો દેવાદાર ન હોય – પૈસાદાર ન હોય તો હરકત નહિ;
- ૪ ગામલોકો અંગ–મહેનતથી પોતાની જરૂરિયાતો પૂરી પાડે એવા સ્વાશ્રયી હોય; સરકાર મદદ લેવામાં હરકત નથી,
- પરંતુ તેની મદદ માટે બેસી રહેનાર ગામના આગેવાન નિષ્ફળ છે;
- ૫ જેના ગામમાં બધા ય લોક ભણેલા હોય – સ્ત્રીપુરુષ બંને;
- ૬ લોકો સ્વચ્છ અને સુદૃઢ આરોગ્યવાળા હોય;
- ૭ લોકજીવનમાં શુષ્કતા નહિ પણ રસ – આનંદ વ્યાપેલાં હોય.
ટૂંકામાં જે આદર્શ ગામ રચી શકે તે ખરો નેતા કહી શકાય. નેતૃત્વ માટેની પાત્રતા ઉપર દર્શાવેલા ગુણોમાં અને નેતૃત્વની પરીક્ષા આદર્શ ગામની સજાવટમાં જ દેખાઈ આવે છે.