રાષ્ટ્રિકા/કવિ નર્મદની શતાબ્દી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કવિ નર્મદનું મંદિર રાષ્ટ્રિકા
કવિ નર્મદની શતાબ્દી
અરદેશર ખબરદાર
ગુર્જરીનો અશ્રુપ્રવાહ (સ્વ. ગો. મા. ત્રિપાઠી) →
. અગ્નિશિખા છંદ *[૧] .
સો સો વર્ષતણાં કંઇ વહાણાં વાયાં તુજ પર, હો ગુજરાત !
સો સો વર્ષતણી સંધ્યાનાં તારાં સ્વપ્ન સર્યાં અભિજાત :
સો સો દીપાવલિ ઉલ્લાસી,
સો સો નવલ વસંત વિકાસી,
સો સો વર્ષા વરસી ગઇ ને તારી ખીલી આ મહોલાત !
કોની તગતી ત્યાં તાસીર ? -
એ તો કવિ નર્મદવીર !
એ તો કવિ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !આજે જેનાં સ્મરણાં જગવે ઝરણાં કંઇ અંદર ને દૂર,
અણભૂલાતી જેની મોટપ પ્રગટે ભાવથકી ભરપૂર :
જ્યારે કાવ્યે કવિતા છોડી
શબ્દઝમકમાંહીં જ રતિ જોડી,
નવનવ ભાવભરી રસવાણીથી તવ જેણે દીધાં નૂર,
ને વાળ્યાં તે અવળાં નીર :
રસનંદન નર્મદવીર !
અમ વંદન નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !જ્યારે પ્રેમવિહોણાં હૃદયે માણ્યો સૂનો ભર સંસાર,
જ્યારે દશા ગુલામી વેઠી ભૂલ્યાં શૌર્યતણા ઉદ્‍ગાર,
ત્યારે અંતરમાં ઉભરાતા
સાચા વીર્યથકી છલકાતા
કોણે પ્રેમશૌર્યના મોંઘા મંત્રો દીધા જગઝલકાર ?
એવો આવ્યો કોણ ફકીર ? -
રસિયો એ નર્મદવીર !
બળિયો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !ધોમે ધગધગતા આકાશ સમું જ્યાં સૌ દિસતું વેરાન,
જુલમી રૂઢિતણાં જડબંધનથી જ્યાં સર્વ હતાં હેરાન,
મર્ધાની શિર વ્યોમ ધરીને,
વાણી વર્તન જોમ ભરીને,
કોણે ત્યાં યાહોમ કરીને ઝુકવ્યું જીતવાને મેદાન,
ને તોડી ફોડી જંજીર ? -
વીરો એ નર્મદવીર !
શૂરો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !ભાષારત્ન રહ્યાં વેરાઈ, જ્યાં ત્યાં લાગ્યાં રજ ને દોષ,
જાણે કો નવ નિજ પૂંજીને, માણે અંધારે સંતોષ;
ત્યાં નિજ તનમનધનથી, શ્રમથી,
વર્ષોના અવિરત ઉદ્યમથી,
કોણે તારકભર નભશો ભરી દીધો ગુર્જરીનો ધનકોષ,
ને દાખ્યું નિજ અજબ ખમીર ? -
એકીલો નર્મદવીર !
ટેકીલો નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !જેણે કલમ ધરી નિજ કરમાં રાખી અંત સુધી બહુ તેજ,
જેણે ટેક ધરી કીધી કુરબાની સ્વીકારી નિજ ફેજ;
જેણે મમરા પૌંઆ ફાક્યા,
કોરા કૈંક દિનો નિજ આંક્યા;
ગુર્જરીની સેવા કાજે એ ભૂખિયો દુખિયો સૂતો સેજ :
આત્માનો એ કોણ અમીર ? -
ખાખી એ નર્મદવીર !
લાખી એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !ઘંટી કાળતણી ફરતી ત્યાં નહિ તખ્ત રહ્યાં નહિ તાજ,
રાજા પ્રજા વિભવ ને લક્ષ્મી, સૌ મોટાઇ થશે તારાજ :
પણ આ વાણીના મંદિરમાં
પુષ્પ ગૂંથાયાં જેના શિરમાં,
તેની અક્ષત કીર્તિ તપે જગમાં, છે તેનો અમર અવાજ !
એ તો સરસ્વતીનો પીર :
એવો કવિ નર્મદવીર !
દેવોનો નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !મનુજહૃદયને વીંટી લેતી અમ્મરગીતતણી છે વેલ,
જીવનરસથી રહે પોષાતી, સ્નેહજળે સંતત સિંચેલ :
સૂરજ, ચંદ્ર, ગ્રહો ને તારા,
પૃથ્વી, સાગર, વર્ષાધારા,
વિશ્વકવીશ્વરના મહાગીતે એ સૌ પૂરે નિજ સ્વરમેલ :
ગાયું કોણે એવું ગભીર ? -
ગાયક એ નર્મદવીર !
લાયક એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !ખોલ્યાં વ્યોમ નવાં ગુર્જરીનાં, વેરી નવનવ તારકફૂલ,
જેની શૌર્યભરી તેજસ્વી વાણી કરતી સૌને ડૂલ :
અંધારાની આંખ ઉઘાડી,
શંકા વહેમતણા ગઢ પાડી,
પડતો આથડતો પણ ધસી અગાડી જય પામ્યો અણમૂલ :
એવું કોનું તાક્યું તીર ? -
નિર્ભય એ નર્મદવીર !
જયજય એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !

૧૦

ભૂલ્યો તોય હશે સત્પંથે : ડૂલ્યો તોય મનુજઉરઘાટ :
એની નાનમ ગઇ વપુ સાથે : એની મોટપ આપણ માટ !
એનાં સ્વપ્ન ફળ્યાં ને ફાલ્યાં,
એનાં ચિત્ર ઊઠ્યાં ને ચાલ્યાં,
એણે ઢાક્યાં સત્ય ઉઘાડ્યાં ને બતલાવી વિક્રમ વાટ :
એનો ટેક ડગ્યો ન લગીર :
બાંકો એ નર્મદવીર !
લાખો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !

૧૧

તુંને કોણે ગરવી કહી સંબોધી, હો મુજ ગુર્જરમાત ?
કોણે દિશદિશ ઘૂમી અજવાળી તુજ ઊંચી સુંદર જાત ?
કોણે દૂધ તારાં દીપાવ્યાં ?
તુંમય થઇ તુજ તેજ બઢાવ્યાં ?
ગુણવંતી ગુજરાતે નર્મદ, નર્મદથી ગરવી ગુજરાત !
કોણ થયો તુજ કીર્તિ-અધીર ?-
વિરલો એ નર્મદવીર !
હીરલો એ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !

૧૨

એનું બોયું બીજ ઊગ્યું ને આજે ભર ઝૂલાયું ઝાડ,
એનું હૃદય ઠર્યું નિજ ધ્યેયે, નવ ઇચ્છયું કો ફળ કે પાડ :
એવાનાં તે સ્મારક કેવાં ?
નવ એ છૂટે અક્ષરદેવાં :
એનો ઝળળ કસુંબી ધ્વજ ફરકાવી કરશું તેજઉઘાડ !
ને ધરશું ઊંચાં અમ શીર !
જયજય અમ નર્મદવીર !
જયજય અમ નર્મદવીર !
ધન ધન હો નર્મદવીર !

નોંધ

  1. ** આ નવા છંદની રચના માટે ૨૮મા પૃષ્ઠ પર "સૌની પહેલી ગુજરાત" નીચેની નોંધ વાંચવી.
-૦-