રાસચંદ્રિકા/ઉગમતા દેશની પંખીણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હ્રદયસુધા રાસચંદ્રિકા
ઉગમતા દેશની પંખીણી
અરદેશર ખબરદાર
દિલનાં દાણ →
પાલવડો મારો મૂકો, મોહનજી
ઉગમતા દેશની પંખીણી

♦ પાલવડો મારો મૂકો, મોહનજી. ♦


મેલેની હાથ મારો, મૂકો મોહનજી !
જાવા દ્યો મુજને, વેળા વીતે;
ઉગમતા દેશની હું તો છું પંખિણી,
પાંખો આ ઢાળું મુજ અહીં શી રીતે?
મેલોની હાથ મારો. ૧

મારા તો દેશની ઊડતી અમરાઇઓ
અજવાળી આશને વીંટે ઉરે;
મારા તો દેશની કુંજ હરિયાળી હો !
જાવું છે મારે ત્યાં વેગે પૂરે:
મેલોની હાથ મારો. ૨

મારા તે વનનો વડલો ગોરંભતો
પ્રારબ્ધશી ગૂંથી તેની ઘેરી ઘટા:
ડાળે ડાળે ઝૂલે ગગનનો મોરલો,
ટહુકે ભરે તે કંઇ અદ્ભુત છટા:
મેલોની હાથ મારો. ૩


મારે તે માંડવે ઝાલર સોનેરી,
વીનળીની વેલશી ઝબકે ખૂલે;
વહાલાંની છાંયશા ચારુ ચંદરવા
મારા તે ચોકમાં દિનદિન ઝૂલે:
મેલોની હાથ મારો. ૪

મારા તે મુલકે અનસ્ત અજવાળાં,
પુણ્યોના ફાલશા ફુવારા ફૂટે;
મારા તે ભાનુનાં કોટિ કિરણથી
અનહદ આનંદની ધારા છૂટે:
મેલોની હાથ મારો. ૫

મેલોની હાથ મારો, મૂકો મોહનજી !
જાવું છે દૂર મારે, વેળા વીતે:
ભાંગ્યા છે કાંટા મારા પગમાં આ વાટમાં,
હૈયું મનાવું કહો અહીં શી રીતે?
મેલોની હાથ મારો. ૬