લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/ઉષાવિલોપન

વિકિસ્રોતમાંથી
← ઊડવાં આઘાં આધાં રે રાસચંદ્રિકા
ઉષાવિલોપન
અરદેશર ખબરદાર
નવચેતન →




ઉષાવિલોપન

♦ ગરબી - રાગ દેશ - તાલ લાવણી. ♦

ધીમે ધીમે સરકતી સરતી ચાલી ઉષા :
ચાલી ઉષા, એ લાલ-ખ્યાલી ઉષા :
ધીમે ધીમે સરકતી.—


ક્યાં છે તે કંકણોની લાલી ગુમાની ?
ક્યાં ગઈ તે જ્યોતિ ભરતી જાદુઈ જુવાની ?
કોણે આ દેવઝાડીમાં ઝાલી ઉષા ?
ધીમે ધીમે સરકતી સરતી ચાલી ઉષા.

કોણે આ તેજકાંઠે એને ડરાવી ?
કોણે અરુણી એની મૃગલી મરાવી ?
સૂતા કો સિંહે બીધી ખાલી ઉષા :
ધીમે ધીમે સરકતી સરતી ચાલી ઉષા.

એવાં કો ક્રૂર હોશે જગમાં દિવાનાં ?
જોવા સૌંદર્ય ચીરે સૌંદર્યપાનાં ?
એવે જગ ઝાઝી ક્યમ રહે મહાલી ઉષા ?
ધીમે ધીમે સરકતી સરતી ચાલી ઉષા :

જોતાં જોતાં સરકતી સરતી ચાલી ઉષા.