લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/ઊડવાં આઘાં આધાં રે

વિકિસ્રોતમાંથી
← વહાલીડાં ! કેમ કરીએ ? રાસચંદ્રિકા
ઊડવાં આઘાં આધાં રે
અરદેશર ખબરદાર
ઉષાવિલોપન →




ઊડવાં આઘાં આઘાં રે

♦ આશાભર્યાં તે અમે આવિયાં. ♦


આઘાં આઘાં તે ઊડે આભલાં,
ને આઘાં આઘાં ઘૂમે આકાશ રે :
ઊડવા આઘાં આઘાં રે !
આઘી ઊડે ઝીણી આંખડી,
ને આઘી આઘી અંતરની આશ રે !
ઊડવા આઘાં આઘાં રે.

આઘા આઘા હૂલે તારલા,
ને આઘાં ઝૂલે નક્ષત્રનાં ઝુંડ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
હૈયાની રાખ ઊડે ચોગમે,
તેમાં પડવાં શાં કર્મને કુંડ રે !
ઊડવા આઘાં આઘાં રે.


આઘા સૂરજ, આઘા ચંદ્રમા,
ને આઘા સંધ્યા ઉષાના રંગ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
સોને મઢ્યાં મોંઘાં સોણલાં,
પણ પડ્યાં છે ભાગ્ય તો અપંગ રે !
ઊડવા આઘાં આઘાં રે.

આઘા આઘા ઊડે મેહુલા,
ને કંઈ આઘી આઘી ઊડે વીજ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
પડતાં ખડતાં દિલ ડોલતાં,
ક્યાંથી આવે તે પ્રાણને પતીજ રે ?
ઊડવા આઘાં આઘાં રે.

આઘાં વિહંગ ઊડે વ્યોમમાં,
ને આઘી આઘી સરે ત્યાં દિગંત રે :
ઊડવા આઘાં આઘાં રે ;
સુખના પતંગ દૂર ઊડતા,
એના આવે ક્યાં હાથમાં તંત રે ?
ઊડવા આઘાં આઘાં રે.