રાસચંદ્રિકા/વહાલીડાં ! કેમ કરીએ ?

વિકિસ્રોતમાંથી
← આંસુનાં પૂર રાસચંદ્રિકા
વહાલીડાં ! કેમ કરીએ ?
અરદેશર ખબરદાર
ઊડવાં આઘાં આધાં રે →




વહાલીડાં ! કેમ કરીએ ?

♦ રોક્યો પનઘટ રસિયા રાજ હો, પાણીડાં કેમ ભરીએ ! ♦


ખાળો ખાળો ને આંસુડાં ઊભરે,
વહાલીડાં ! કેમ કરીએ ?
એ તો અચૂક હૈયાની રીત,
વહાલીડાં ! કેમ કરીએ ?
મોજાં આવે આવે ને આથડે,
વહાલીડાં ! કેમ કરીએ ?
એવી ઉરની પુરાતન પ્રીત :
વહાલીડાં ! કેમ કરીએ ?

જગે ઊગે તે તો સૌ આથમે,
વહાલીડાં ! કેમ કરીએ ?
એ છે ઉદય ને અરતના ખેલ :
વહાલીડાં ! કેમ કરીએ ?
ઉષા સંધ્યાના રંગ ઘડીવારના,
વહાલીડાં ! કેમ કરીએ ?
જેવા જેના નસીબના મેળ :
વહાલીડાં ! કેમ કરીએ ?


ઘેરું ઊભું છે આભ જગ ઘેરીને,
વહાલીડાં ! કેમ કરીએ ?
બાંધ્યા દિશા દિશાના દોર :
વહાલીડાં ! કેમ કરીએ ?
વેરે ધગધગતી આગ કે મેહુલા,
વહાલીડાં ! કેમ કરીએ ?
નિભે ક્યાં લગ માનવનું જોર ?
વહાલીડાં ! કેમ કરીએ ?

તપે તાપ બધા તો સામટા :
વહાલીડાં ! કેમ કરીએ ?
કદી વરસે તો પ્રલયે તણાય :
વહાલીડાં ! કેમ કરીએ ?
મૂંગે મુખે જોવું ને સાંખવું,
વહાલીડાં ! કેમ કરીએ ?
જેના જડે ન કોઈ ઉપાય :
વહાલીડાં ! કેમ કરીએ ?

ઢાંકો ઢાંકો તોય અંતર ઊભરે,
વહાલીડાં ! કેમ કરીએ ?
એવી હૈયાની હઠીલી રીત :
વહાલીડાં ! કેમ કરીએ ?
સ્મરણ આવે આવે ને આથડે,
વહાલીડાં ! કેમ કરીએ ?
ક્યાં છે અદ્દલ જીવનની રીત ?
વહાલીડાં ! કેમ કરીએ ?