રાસચંદ્રિકા/નવચેતન
← ઉષાવિલોપન | રાસચંદ્રિકા નવચેતન અરદેશર ખબરદાર |
આવજો, જોગીડા ! → |
નવચેતન
♦ ભાભી, તારાં નયનોમાં જોગી રમે રે. ♦
જોગી તારાં નયનોમાં સપના સરે રે,
સપનાં સરે ને મન તપના કરે રે. ૧
આભ ભરે રંગે ને રંગે રમે રે,
રંગે રમે ને પાછો ભૂલમાં ભમે રે. ૨
ઢોળી પ્રભાત આભતીરે હસે રે,
તીરે હસે ને તિમિરનીરે વસે રે. ૩
સંધ્યામાં બાંધવા મઢૂલી મચે રે,
એક કોર ઊંચકે ત્યાં બીજી લચે રે. ૪
ગહન ગાન રજનીનાં સુણવા ગમે રે,
તમરાંના પડઘામાં નાદ તો શમે રે. ૫
ઝીણા ઝીણા તારાનાં વેણો કળે રે,
હૈયાના ભેદ નવ આભે મળે રે. ૬
ચૂંટી ગુલાબ જુએ કાંટા પૂંઠે રે,
ઢોળી દે અમૃત ત્યાં જ્વાળા ઊઠે રે. ૭
શીતળતા આભમાં ને ધરણી ધગે રે,
ખસતી દિગંત સદા લોચન ઠગે રે. ૮
જોગી ! જોની આભ થકી હૈયું વધે રે,
શુદ્ધ એક લોચનની જ્યોતિ બધે રે. ૯
જોગી ! તારાં નયનોમાં સ્વર્ગો ફૂટે રે,
સ્વર્ગો ફૂટે ને તારાં સપનાં છૂટે રે. ૧૦
જોગી ! તારાં નયનાંને જીવન જડે રે,
જીવન ફળે એ નવચેતન વડે રે. ૧૧
જોગી ! નવચેતન એ ક્ષણક્ષણ સવે રે,
જીવન આ તારું પછી ધનધન ભવે રે. ૧૨