રાસચંદ્રિકા/કૂવાને કાંઠડે

વિકિસ્રોતમાંથી
← સવારમાં જળ ભરવા રાસચંદ્રિકા
કૂવાને કાંઠડે
અરદેશર ખબરદાર
વસંતના ભણકા →
પાલવડો મારો મેલો મોહનજી




કૂવાને કાંઠડે

♦ પાલવડો મારો મેલો મોહનજી. ♦


બોલ રે બોલ, મારા કાલા હો કહાનજી !
આવડલી મત કોણે દીધી રે લોલ?
કૂવાને કાંઠે અમે મૂંગાં રે ઊભલાં,
કોણે પરાણે ગત કીધી રે લોલ? ૧

સાતે તે સમુદર કૂવામાં સાંપડ્યા,
ગળણું નાખીને રહું ન્યાળી રે લોલ;
બાર બાર વેળા બેડાં ઉતાર્યાં,
ભરું ભરું ને આવે ખાલી રે લોલ. ૨

થાકી થાકીને મારી કેડ વળી વાંકી,
ભમ્મર તો મારી ભીંજાણી રે લોલ;
તેરમી વેળા મ્,આરું બેડલું ઉતાર્યું
લીધું છલોછલ તાણી રે લોલ. ૩

લપતો ને છપતો આવ્યો ત્યાં ક્‌હાનજી,
ઓળા પડ્યા ત્યાં મારે હૈયે રે લોલ;
છૂટ્યું ત્યાં ગળણું ને ફૂટ્યું તે બેડલું:
તું ને શું, કહાનજી ! કહીએ રે લોલ? ૪


એવું તે કહેતાં મારી આંખોમાં ઊછળે
સાતે સમુદર રેલી રે લોલ:
કહાનજી ! બેડલું ભાંગ્યું તે મારું,
ઘેર કેમ જાઉં એકલી રે લોલ ?- ૫

બારસે બેડલાં કોરાં અપાવું,
અમૃત ભરાવું કૂવે રે લોલ:
સાતે સમુદરનાં ખારાં છે પાણીડાં,
મારા છે સમ, શાની રુવે રે લોલ? - ૬

કૂવાને કાંઠે અમે મૂંગાં રે ઊભલાં,
એવી તે ગત્ર કોણે કીધી રે લોલ ?
બોલ રે બોલ, મારા કાલા હો કહાનજી !
આવડલી મત કોણે દીધી રે લોલ ? ૭