લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/સવારમાં જળ ભરવા

વિકિસ્રોતમાંથી
← દૂધડાં દોહતી રાસચંદ્રિકા
સવારમાં જળ ભરવા
અરદેશર ખબરદાર
કૂવાને કાંઠડે →
રાતું રાતું ગુલાબ ફૂલ, ગુલાબમાં મહેકે છે




સવારમાં જળ ભરવા

♦ રાતું રાતું ગુલાબ ફૂલ, ગુલાબમાં મહેકે છે . ♦


મેંતો લીધું'તું બેડલું માથે, સવારમાં જળ ભરવા,
વાટે નીસરી હું સખીઓની સાથે, સવારમાં જળ ભરવા. ૧

અમે ચાલ્યાં ત્યાં બેલડીઓ બાંધી, સવારમાં જળ ભરવા,
ત્યાં તો લાખેણી લીલા એક લાધી, સવારમાં જળ ભરવા. ૨

અમે કૂવામાં બેડલાં ઉતાર્યાં, સવારમાં જળ ભરવા,
ઊંચે ખેંચી ખેંચીને સહુ હાર્યાં, સવારમાં જળ ભરવા. ૩

અમે દોરીઓ એકમેક લીધા, સવારમાં જળ ભરવા,
તાણી તાણીને અંતે છોડી દીધી, સવારમાં જળ ભરવા. ૪

ત્યાં તો સુણ્યો ધડાકો, અને બીધાં, સવારમાં જળ ભરવા,
ઊડ્યાં છલકતાં પાણી ઊંચે સીધાં : સવારમાં જળ ભરવા. ૫

ભીંજી આંખડી ને લૂછતાં ઊભાં, સવારમાં જળ ભરવા,
ભીંજી ચૂંદડી નિચોવતાં દૂભ્યાં, સવારમાં જળ ભરવા. ૬

અમે કૂવામાં કૌતુક કંઈ દીઠું, સવારમાં જળ ભરવા,
હસતું કહાનડનું મુખ તેમાં મીઠું : સવારમાં જળ ભરવા. ૭

એ તો પેઠો હશે શું મહીં પહેલે, સવારમાં જળ ભરવા?
અમે જઇએ એ કેટલુંક વહેલે, સવારમાં જળ ભરવા? ૮

અમે કૂવે તે કેમ કરી જઇએ, સવારમાં જળ ભરવા?
બેડે પાની કે કહાન ભરી વહીએ, સવારમાં જળ ભરવા? ૯