રાસચંદ્રિકા/ગરાસિયો ને ગરાસિયણ
← હૈયાનું રાજ | રાસચંદ્રિકા ગરાસિયો ને ગરાસિયણ અરદેશર ખબરદાર |
ગુર્જરી વીરાંગના → |
રાગ માઢ - પ્રથમ લીટીજ જૂના લોકગીતની છે. |
ગરાસિયો ને ગરાસિયણ
♦ રાગ માઢ - પ્રથમ લીટીજ જૂના લોકગીતની છે. . ♦
મધમધ કરતો મોગરો, ને થાળી જેવડાં ફૂલ:
આવ રે મારા ગરાસિયા, તારી પાઘડીએ બાંધું ઝૂલ ! —
એવડાં તે ફૂલ ક્યાં બામ્ધશો? મારી છોટી કેસરપાઘ :
વાહ રે ગરાસિયા બાલુડા, રણે જાણું શું વકરી વાઘ?
મધમધ કરતો મોગરો૦ ૧
કાજળવરણી રાતડી, ને રૂપલવરણાં ફૂલ:
કાળા રણે કરજો રુધિરની ધારે દુશ્મનનાં શિર ડૂલ !
મધમધ કરતો મોગરો૦ ૨
કુંકુમ ચોંટ્યા ભાલડે, ને કેસર છાંટ્યાં ચીર :
વિજયી ગરાસિયા ! આવજો, બની શોણિતબોળ્યા વીર !
મધમધ કરતો મોગરો૦ ૩
એક તો જનનીનાં દૂધડાં, ને બીજાં ઠકરાળાંનાં નૂર;
ત્રીજાં ત્રિલોકે દીપાવવાં મારાં ક્ષત્રીજાયાનાં શૂર:
મધમધ કરતો મોગરો૦ ૪
શૂરા અખાડિયા મેહુલા, ને શૂરા કો મહાના વંટોળ,
એથી યે શૂરો ગરાસિયો : જોજો રણસંગ્રામે મોલ !
મધમધ કરતો મોગરો૦૫
થાળી જેવડાં ફૂલ ઠકારાળાં, તો સાગર જેવા સ્નેહ:
લાવીશ દિગંતનો કાંઠલો: સદા સોહાવજો આ દેહ !
મધમધ કરતો મોગરો૦ ૬