રાસચંદ્રિકા/ઝૂલણું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પારણું રાસચંદ્રિકા
ઝૂલણું
અરદેશર ખબરદાર
નિદ્રાણીનું ગાન →
ઝૂલણું

♦ અગરબી - રાગ ભીમપલાસ - "રામસભામાં રમવાને ગ્યા'તાં" ♦


લાડકડો લાલ મારો હૂલે ને ઝૂલે
ફૂલે વધાવું એની ચાલ:
મારો હૂલે ને ઝૂલે. ૧

માતાનાં દૂધ અને પિતાની છાંયડી,
દિન દિન વધે મારો બાળ:
મારો હૂલે ને ઝૂલે. ૨

હૈયાનાં તેજ અને આંખોનાં અમરત,
હસતાં ખીલે એને ભાલ :
મારો હૂલે ને ઝૂલે. ૩

દેવોની વાડીનું ફૂલ એક મીઠું,
મારી વાડીમાં ફળે ફાલ :
મારો હૂલે ને ઝૂલે. ૪

આંખોમાં તારલા ને મુખે છે ચંદ્રમા,
ચોંટ્યા પ્રભાતરંગ ગાલ:
મારો હૂલે ને ઝૂલે. ૫


પૂર્વ ને પશ્ચિમ બે મુઠ્ઠીમાં બાંધે,
હૈયે વિજય કેરી માળ :
મારો હૂલે ને ઝૂલે. ૬

જગની વસંત મારો જાયો ઉઘાડશે,
ભરશે થલોથલ થાળ :
મારો હૂલે ને ઝૂલે. ૭

માતાપિતાનાં ઉરમંદિર ઉજાળશે :
જીવો ઘણેરું મારો લાલ !
મારો હૂલે ને ઝૂલે. ૮