રાસચંદ્રિકા/ફૂલડાંની છાબ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← વસંતના ભણકા | રાસચંદ્રિકા ફૂલડાંની છાબ અરદેશર ખબરદાર |
પ્રાણનાં લહેણાં → |
ફૂલડાંની છાબ
♦ "ઝીણા ઝરમર વરસે મેહ" ♦
ભરી ભરી મારી ફૂલડામ્ની છાબ;
ફૂલડાં દૌં કોને, સખી?
ખોળી ખોળી વળું ધરતીને આભ:
ફૂલડાં દઉં કોને સખી? —
વનવનનાં ફૂલડામ્ મેં ચૂંટ્યા મધમધતાં,
ચોંટી વસંત કેરી જ્યોતિ રે:
રંગેરંગે સો'તી, એના સૌરભથી મો'તી, તોયે
થાકું લેનારો ગોતી ગોતી !
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૧
આશાભરી તે લાલી ચૂંટી ઉષાની,
ચૂંટી સંધ્યાની સૌમ્ય છાયા રે;
પડતી ચંદની કેરી પાંદડીઓ ચૂંટી:
ક્યાં છે એના તે રસરાયા?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૨
ફૂલડાંની ફોરમ ને રંગોની ભભકે
ભૃંગ પતંગ આવી ગુંજે રે:
ડારું ડારું ને મારી આંખલડી વારું હો !
ફૂલડાં જઈ વેરું કઈ કુંજે ?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૩
ધોમ ધખે ને વ્યોમ આ તરસે,
વરસે આંખડલીથી વારિ રે,
હારી હારીને હૈયું હેલે ચઢ્યું રહે:
ફૂલડાંનો ક્યાં છે અધિકારી?
હો ! ફૂલડાં દઉં કોને, સખી? ૪