રાસચંદ્રિકા/રઢ
← વણમૂલાં વેચાણ | રાસચંદ્રિકા રઢ અરદેશર ખબરદાર |
હ્રદયસુધા → |
રઢ
♦ પાલવડો મારો મેલો, મોહનજી . ♦
લાગી છે રધ એક તારી, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ:
મારો તો ભાનુ છે મોરારી, મોહનજી !
તારા ઝબૂકે ભલે કોટિ રે લોલ ! -
તેજ તેજ તનખા ઝરે, રૂપ રૂપ અંબાર;
ખારાં જગનાં જીવવાં, મીથા તુજ પડકાર:
એવું તે કોને જઈ કહેવું, મોહનજી,
અંતરની આશ એક મોટી રે લોલ:
લેવું તો મનમાન્યું લેવું, મોહનજી,
બીજી છે વાત બધી ખોટી રે લોલ. ૧
ઉપર નિરખું આંખડી, નીચે નિરખું નેણ;
લોચન એ જ બધે દિસે, એક વસ્તુ બહુ વેણ:
જ્યાં રે વસે મારો વહાલમ, મોહનજી !
રહે છે ત્યાં ચિત્ત મારું ચોંટી રે લોલ:
સાચી છે વહાલમની આલમ, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ. ૨
ઘેલી ધરાની ઘૂમતી, ઘેલી ભમતી રાત;
ઘેલી એકલ નારની ઘેલી ઘેલી વાત:
હૈયા સૂના શું રહેશો છેક જ, મોહનજી ?
મારી છે માગણી છોટી રે લોલ;
મારે તો ચાંદલો એક જ, મોહનજી !
બીજી છે વાત બધી ખોટી રે લોલ ! ૩