રાસચંદ્રિકા/વંદન

વિકિસ્રોતમાંથી
← વનના પરોણા રાસચંદ્રિકા
વંદન
અરદેશર ખબરદાર
ભરતીનાં નીર →
* વનમાં બોલે ઝીણા મોર *





વંદન

♦ વનમાં બોલે ઝીણા મોર. ♦


આવ્યાં આવ્યાં આમંત્રણ મનભરિયાં,
કે મહેમાન આવજો રે લોલ :
મૉરી મોંઘી પુણ્યોની પાંખડીઓ આજે,
ત્યાં મીટડી મંડાવજો રે લોલ :
દૂર દૂર વસે અમાસનો ચંદો,
અધાંરે એને ખેલવાં રે લોલ ;
એ પર આજે, મોંઘાં મુજ યજમાન !
અમૃત શાં રેલવાં રે લોલ ?

ઘેરી ઘેરી જેના જીવનની ઝાડી
ચિરાતી ગૂઢ વીજથી રે લોલ ;
ઊંડાં ઊંડાં આંસુની અણદીઠી ધારે
કે આંખ જેની સિઝતી રે લોલ ;
એવા જૂના તપસીનાં તાપભર્યાં હૈયાં
શાં ફૂલડે હીંચોળવાં રે લોલ ?
આજે એને હૈયે, વહાલાં યજમાન !
અમૃત શાં ઢોળવાં રે લોલ ?


આછાં આછાં અધૂરાં ગીત કંઇ ગાયાં,
ને ઊડ્યાં ઊંચે આભલે રે લોલ ;
સંધ્યાઉરે સરતી દૂર પંખીડાંની પાંખો,
કો વિરલાં સાંભળે રે લોલ ;
આપ્યા કે ન આપ્યા એ આત્મના સંદેશા,
કે સોણલાં સંકેલવાં રે લોલ :
ક્યાંથી એવાં ભાગ્યે, મુજ યજમાન !
અમૃત સદા રેલવાં રે લોલ ?

નથી નથી રાજસુહાગ રતનિયાં,
કે મઢું તમ પાવલે રે લોલ ;
નથી નથી મોહનનૂર મોતીડાં,
ઉડાવું તમ રાવલે રે લોલ :
એક મારા દિલનાં ફૂલડાં વેરું,
નમન કરું નેહનાં રે લોલ ;
સ્વીકારો મારાં મોંઘેરાં યજમાન !
વંદન આત્મદેહનાં રે લોલ !