વેણીનાં ફૂલ/પ્રવેશક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વેણીનાં ફૂલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૮
પ્રવેશક


લોકસાહિત્ય એટલે વ્હેતીયાણ નદી સરખું પ્રવાહી સાહિત્ય. એ વહેતું રહે તેટલા પ્રમાણમાં જ એની નિર્મળતા : એ થંભી જાય ત્યારે નદી મટીને ખાડો બને, ખાડાનું ય ખાબોચીયું બને, ગંધાય ને પછી સૂકાઇ જાય.

અને લોકસાહિત્યનું સૂકાવું એટલે શું? પ્રજાના આંતર્જીવન પરની એક મોટી વિપત્તિ. લોકોનાં ખેતરમાં અનાવૃષ્ટિ હોય તો હવે મોંઘે ભાવે યે પંજાબના ઘઉં અને માળવાનો બાજરો ઉતારી શકાય છે, પણ પ્રજાના પ્રાણ પર રસ–સાહિત્યની અનાવૃષ્ટિ આવતાં, એ પ્રાણની ક્ષુધા શમે તેવું કોઇ સાહિત્ય આજે રેલગાડીમાં ભરીને પંજાબ કે માળવેથી નહિ લાવી શકાય.

એ આપત્તિ આજે લોકોનાં જીવન પર ઉતરી ચૂકી છે. જ્યાં ગીત ભજનોની ને કથા વાર્તાની નિત્ય નવેલી એલીઓ બેસતી ત્યાં આજે નવી એક પંક્તિ પણ રચાવી દોહ્યલી થઇ પડી છે. લોકોના કંઠ ઉપર આપોઆપ ચડી બેસે એવું કાવ્ય કેવળ લોક–કાવ્ય કહ્યેથી થોડું લોક–કાવ્ય થઇ જવાનું હતું ? પાણીને દૂધ કહી પીધે કાંઇ અમીના ઓડકર થોડા આવે છે?

પ્રજાનો પ્રાણ બપૈયાની દશા ભોગવી રહ્યો છે. આપણે એ તરફ આંખમીંચાણા ક્યાં સુધી કરીશું? જૂનું લોકસાહિત્ય પ્રજાનાં દિલ ડોલાવે છે, પણ જૂના જીવનમાંથી પ્રજાએ જે નવો પલટો લીધો છે, તેને અનુરૂપ એવું નવું સાહિત્ય સરજાયા વગર માત્ર જૂનાનો મેળ પ્રજાના નવા ઉદ્‌ભવેલા મનોરથો સાથે નથી મળવાનો. જૂનું આપણને પ્રેરણા આપે, વાટ દેખાડે, પોતાનું ક્લેવર આપણને વાપરવા માટે આપે, પણ તેમાં પ્રાણ તો નવો પૂરવો જ જોઇએ. એ આપણી ભાષા–દરિદ્રયની ફરીઆદને જૂઠી ઠરાવે; ભાતોની ગોઠવણી, વાક્યોની રચના, રંગોની પૂરણી વગેરે સભર ભર શીખાવે; પણ નવયુગે આપણને ભેટ દીધેલી સુરમ્ય કલ્પનાઓ, વિશાલતમ ભાવનાઓ, સંસ્કારભીની ઉર્મિઓ, એ બધું તો આપણે જૂના ચિત્રપટમાં પ્રયત્ન કરીને પૂરવું જ રહ્યું.

જૂનાં લોકગીતો, સુભાષિતો ને વાર્તા કથાઓ આપણેને જો નવું સૃજવાની શક્તિ ન આપે તો એના બે અર્થ થાય. કાં તો એ જૂનામાં કદિ ખરી પ્રાણશક્તિ જ નહોતી, અથવા તો એ જૂનાની પ્રેરણા ઝીલવાનું કૌવત આપણી રસિકતામાં રહ્યું જ નથી. પરંતુ એ વાતને તો કવિ ન્હાનાલાલ, બોટાદકર, ત્રિભુવન વગેરેએ જૂઠી પાડી છે. એ બન્ને સમ્પત્તિઓ આપણી પાસે મોજૂદ છે. પણ આપણામાં એક માન્યતા પ્રવર્તે છે કે poets are born not made : જન્મથી જ કાવ્ય–પ્રતિભા લઈ આવનારાઓ જ કવિ થઇ શકે છે, કવિઓ કાંઇ અહીં તૈયાર કરી શકાતા નથી: આ સત્ય હશે. પણ જન્મગત પ્રતિભાને યે પ્રગટ થવાનો જે સ્વભાવિક અવકાશ લોકોને મળતો જોઈએ તે હવે નથી મળતો લોકકાવ્ય વિષે તો એટલું જ કહી શકાય કે એના કવિઓ કોઈ અસાધારણ પ્રતિભાનો પુંજ લઈને જ અવતર્યા નહોતા. અથવા તો ભલે એમ કહો કે એ પ્રતિભા જનસામાન્યમાં વેરાએલી જ પડી હોય છે. લોકગીતની રચના વિષેની વિદ્વાનોની માન્યતા એમ કહે છે કે અમુક ઉર્મિને આધીન બનતું આખું લોકવૃંદ એ કાવ્યની શીઘ્ર રચના સંગાથે મળીને કરી કાઢતું. એની પાસે પ્રવાહી મીઠી ભાષા તો સૈયારી દોલત સમી મોજૂદ જ હતી. વનવાસી જીવનને સહજ એવો કુદરત માતાનો સહવાસ હતો. સૃષ્ટિના સૌંદર્યમાં વિચરતી કલ્પના હતી. હર્ષવેદનાના ઝંકાર સામે હોંકારો આપે તેવા ઉર્મિતારવાળી હૃદય–વીણા હતી, કાવ્યની તૃષા પણ કુદરત-પ્રેરિત હતી. પછી એમાં સહજ રીતે કવિતા સરજાતી. સર્વસામાન્ય જનતાના જીવન–ધ્વનિ ઝીલનારી એ કવિતા હતી. તેથી સડસડાટ કંઠપરંપરા પર ચડી જતી. અસાધારણ પ્રતિમાનો દાવો ત્યાં ટકી શકે તેમ નહોતું. સાદું જીવન તે રીતે સાદી સરલ રીતે કાવ્ય વાટે વ્યક્ત થઈ શકતું.

આ પુસ્તિકાના રચનાર પાસે પણ અસાધારણ વા સાધારણ પ્રતિભાનો દાવો નથી. લોકસાહિત્યના નિરંતરના સમાગમે ભાષા આપી, ઉર્મિ આપી, ઉદ્યમ કરવાની પણ ચિત્તવૃત્તિ આપી, એનું આ કેવળ ગયા [૧]*ચાર માસમાં જ નીપજી શકેલું પરિણામ મારા અલ્પ નૈવેદ્ય તરીકે રજુ કરૂં છું. આપણે સહુયે – અથવા ઘણાયે – લોકસાહિત્યના અંતરમ ઝરણની સાથે આપણી ઉર્મિની કોઇ એક નીક જોડી દઇએ તો સ્હેજે એ સરવાણી આપણી વાટે વહાવી શકીએ છીએ. કાંઈ નહિ તો ન્હાનાં ભાઇ બ્હેનોની જીભને ટેટવે રમતાં થઈ જાય તેવા સુરમ્ય શબ્દનાં જોડકણાં તો જોડી શકાય. તેની પણ આજે ઓછી જરૂર નથી. બાલકોને બહુ કાળ સુધી અજીઠાં ને અપચો કરાવે તેવાં જોડકણાં ગાવા પડ્યા છે. વળી જમાનો એટલા વેગથી આગળ વધે છે કે ગઇ કાલનું રાંધેલું ધાન આજે ગમતું નથી.

મેં આ રચનામાં કઈ દૃષ્ટિ રાખી છે તે કહી દઉં. વિચારનો ઉદય આ રીતે થયો’ બે મુંઝવણ માલુમ પડી:

૧. અમૂક લોકગીતો પોતાને રાગે અને ભાવે કરી, શરૂની એકાદ બે પંક્તિ પૂરતાં અતિ સુંદર હોય છે, પણ ત્રીજી પંક્તિથી કાં તો ‘દાતણ, નાવણ, ભોજન, પોઢણ’ની અથવા ‘સોનીડા, દોસીડા, સુતારીડા’ની પુનરૂક્તિ જ મંડાઇ જાય. દાખલા તરીકે:

નીંદર ભરી રે ગુલાલે ભરી
આજ મોરી અખિયાં નીંદર ભરી રે
સામી બજારે વાણીડાનાં હાટ છે
ચુંદડી વોરવા સંચર્યાં જી – આજ૦

પ્રથમ બે પંક્તિઓનું શબ્દ-ચિત્ર એટલું સુંદર દેખાયું, ઢાળ પણ એવો મસ્ત લાગ્યો, કે હાલરડું રચવાની દૃષ્ટિ જાગી પરિણામે

નીંદર ભરી રે ગુલાલે ભરી
બેનીબાની આંખડી નીંદરભરી રે

એવી રીતે પ્રારંભ કરી નિદ્રાના કોઇ ‘નીલ સમદર’માં નાની બ્હેન મુસાફરીએ ગાતાં હોવાની સુગમ્ય કલ્પના ગોઠવી શકાઈ [ પાનું ૭: નીંદરભરી ]

૨. કેટલાંક લોકગીતો બાલ–ગીતો બનવા માટે યોગ્ય ઢાળ ને તાલમાં ગવાતાં હોય, શરૂની બે પંક્તિઓ બાલકોનું મન હરી લે તેવી હોય, પણ પછી એમાં હીન અભિરૂચી વાળી પંક્તિઓ આવે જેમ કે –

પાળે ઘૂમે પારેવડાં પારેવાં લ્યો
મઢીએ ઘૂમે મોર, માના જનમ્યા ! પારેવાં લ્યો.

મેં વીરાજી વારીયા પારેવાં લ્યો,
ઇ ઢેફલીમાં શું મોર્યો માના જનમ્યા, પારેવાં લ્યો.

વગેરે વગેરે

આંહી પારેવાંની આખી રમ્ય કલ્પના ધુળ મળી ગઇ. પરંતુ તેટલા કારણે આપણાથી એ ગીત, એ ઢાળ ને એ ચિત્રનું મૃત્યુ કેમ થવા દેવાય? આપણે એને સંસ્કારથી વિભૂષિત કરીએ. પારેવા પંખીનું જ એક આલેખન અજમાવીએ:


પાળે ઘૂમે પારેવડાં પારેવાં લ્યો,
ટોડલે ઘૂમે મોર, માના જનમ્યા ! પારેવાં લ્યો !

પાંચ ધોળાં પાંચ વાદળી, પારેવાં લ્યો,
આંખડી રાતી ચોળ, માના જનમ્યા ! પારેવાં લ્યો !

આંગણલે પગ પાડતાં પારેવાં લ્યો !
ધૂળમાં ગુંથે ફુલ, માના જનમ્યા, પારેવાં લ્યો !

એ રીતે ‘પારેવાં’નું સ્થુલ જીવન નાનાં ભાઇ-બ્હેનોને ગમે તેવું કરવાનો પ્રયત્ન થયો.

૩. એથી સ્હેજ જૂદી તરેહનું રૂપાન્તર કરવાથી કેટલાંયે આભડછેટીયાં અથવા સૂગ ઉપજાવતાં ગીતોનું અમર તત્ત્વ આપણે હાથ કરી શકીએ છીએ. એક મુસલમાનની તોરનું ગીત છે:

ધૂપ પડે ને ધરતી તપે છે ભલા !
સૂરજ રાણા ! ધીમા તપોને
મારી મેંદીનો રંગ ઉડી જાય !

એ સરસ ભાવ : પણ પછી તો ‘મીંયા’ અને ‘દાતણીયાં’ દેખાયાં:

મીંયાકે વાસ્તે દાતણીયાં મગાવો ભલા !
હાં રે એનાં નેનાં ઝબૂકે જલપૂર
હાં રે એનાં જોબન જાય ભરપૂર – સૂરજ૦

ગીત આવું ગવાતું કાદાચ આજના યુગમાં ન ગમે. તે પછી આપણે ઢાળ, ભાવ, કલ્પના સ્હેજ ફેરવી કાઢીએ.

હાં રે મારી મેંદીનો રંગ ઉડી જાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !
હાં રે મારો કંકુનો ચાંદલો ચોળાય રે
સૂરજ ! ધીમા તપો, ધીમા તપો !

વગેરે કેવળ જૂદી જૂદી વણસતી શણગાર સામગ્રીનાં ચિત્રો વસાવી દઇએ. [પાનું ૨૭: સૂરજ ધીમા તપો!] એટલે શબ્દોની સુઘડ ઢગલીઓ પણ મઝા આપે, અંદરની કન્યાહૃદયને સ્પર્શતી એક સ્નેહની ઉર્મિ પણ ઉઠે:

મારા કેમે નવ પંથ પૂરા થાય રે – સૂરજ૦
જેને શોધું તે દૂર સરી જાય રે – સૂરજ૦

૪. કેટલાંએક લોકગીતના ઢાળ ઘણાજ રૂચિકર અને મર્મગામી હોય છે. પણ ગીત પોતે પહેલેથી છેલ્લે સુધી ગ્રામ્ય સ્નેહનું કંઇક અસભ્ય ચિત્ર ઉભું કરે છે:

સોનાં ઇંઢોણી રૂપા બેડલું રે
નાગર ઉભા રો રંગ રસિયા
પાણીડાં ગઇ’તી તળાવ રે.... નાગર૦

* * *

તારો ઘડો તે ગોરી તો ચડે રે... નાગર૦
તું જો મારા ઘરડાની નાર રે...નાગર૦
ફટ્ય રે ભુંડા ને ફટ્ય પાપીયા રે...નાગર૦
તું છો મારો માડીજાયો વીર રે...નાગર૦

આજે આવી સંવનન-છબી પ્રતિ કંટાળો આવે. પણ ઢાળ તો ઉત્કૃષ્ટ ઢાળો માંહેલો એક છે. એ ઢાળમાં દૂર દૂરથી કોઇ 'ઉભા રો!' નો કરૂણ મધુર સાદ સંભળાય છે. એ તલે આપણે એવું અનુરૂપ ભાવવાળું કોઇ સ્નેહી યુગલ શોધીએ, કે જેમાં બાલ-માનસ પણ રસ લઇ શકે. એ યુગલ કોણ ! મોરલો ને વાદળી !

લીલા છે મોર કાળી વાદળી રે
એક વાર ઉભાં રો' રંગ વાદળી
વરસ્યા વિણા શાને વહ્યા જાવ રે - એક વાર૦

એમાં મોરલાનું ક્રંદન આવે, વાદળીના વિનવણાં આવે, વાદળી માનવ મુખાકૃતિ કલ્પતી નવયુગની ભાવના પણ આવે, વાદળીના ઉદ્‌ભવ વિષે ભૌતિક વાસ્તવિકતા પણ આવે. આવે બધું, પણ સાદાં સરલ, લોકભોગ્ય વેણમાં લાવી શકાય તો જ અર્થ સરે. [પાનું ૪૯ : રંગ વાદળી]

૫. તદ્દન નવા જ ઢાળ : લોકગીતોના ઢાળ એટલા બધા મૌલિક અને બહુરંગી છે કે સતત પ્રીતિથી એનો સમાગમ સેવનાર થોડોક પ્રયત્ન કરીને સ્હેજે પોતાના અંતરમાં પણ નવા નવા ઢાળો ને નવા તાલો ગૂંજતા અનુભવે છે. ‘મારી બાલુડી બ્હેન’, ‘સાગરમાં વસનાર’, ‘દાદાજીના દેશમાં’, ‘રાતો રંગ’, ‘કાળુડો રંગ’ વગેરે ગીતોના ઢાળો એ રીતે નવીન છે. એ રીતે આપણે ઢાળોમાં પણ નવીનતા લાવી શકીએ. આપણી મૂડી એટલે અંશે વૃદ્ધિ પામે છે.

૬. ચારણી સાહિત્ય પણ લોક સાહિત્ય છે. એના રંગો આપણે નીતારે લેવા જોઇએ. એ સાહિત્યમાં વીર, કરૂણ, વગેરે રસોની શાબ્દિક જમાવટ વણસમજ્યે પણ આપણને થડકાવી નાખે છે. એનું મુખ્ય અંગ નાદવૈભવ-નાદપ્રભાવ છે નાના ભાઇબ્હેનોને પણ શ્રુતિ-વૈભવ જ પ્રથમ સ્પર્શે છે. માટે આપણે શું કરવું રહ્યું? એમ ને એમ તો ચારણી છંદો નહિ હજમ થાય. એનું શબ્દ ગુંથણ જટિલ છે. એટલે આપણે એ રચનાની શૈલીને સાદા શબ્દોથી ને સરલ ભાવથી વાપરતા થઇ જઇએ એ યત્ન મેં ‘ચારણ કન્યા’ના ગીતમાં કરેલો છે [પાનું ૪૫]

૭. વિષયોની ચુંટણીમાં પણ મેં આ દૃષ્ટિ રાખેલી છે. પસંદ કરવાં લોક–જીવનના જ દૃશ્યો કે વિષયો. ભાષામાં બન્ને પક્ષનો મેળ કરવો : અને ભાવ–કલ્પના નવનવાં પૂરવા પ્રયત્ન કરવો. ‘વીરડો’, ‘વીંઝણો’, ‘ગામડાંના વિસામા’, ‘બ્હેન હિન્દવાણી’ વગેરે એની સાક્ષી પૂરશે. ‘વીંઝણો’ ગીતમાં અસલી રળીયામણા લોક–વીંઝણા પરથી એનાં સ્વરૂપો નવે દૃષ્ટિએ મેં આકાશ, દરિયો, મોરકળા, આંબો વગેરેમાં કલ્પી લીધેલ છે. અને એ જાતની કલ્પનાની અખંડતા જૂનાં લોકગીતોમાં સામાન્ય રીતે તૂટી ગયેલી દેખાય છે તે જાળવીને સાંગોપાંગ ઉતારવાના આપણા નવા પ્રયત્નોની જરૂર લોકદૃષ્ટિમાં પણ આદરને પાત્ર થવાના.

આટલું કહ્યા પછી પણ એક વાત ઉભી રહે છે. કોઈ પણ ગીત રચાયા પછી તૂર્ત જ લોકગીત નથી બની જતું. ખરી રીતે તો એ એની રચનાની શરૂઆત જ સમજવી. અને અનેક લોકો પોતાની રસનાની સરાણ પર ચડાવી ખાડા ખડિયા કાઢી નાખે, વારંવાર પોતાના કંઠનો રંદો મારે પ્રત્યેક પંક્તિ લીસી કરી કાઢે, અનેક રસિકો એના ઉર્મિ–પ્રવાહમાં પડીને પોતાના તરફથી પણ અક્કેક કડી ઉમરેતા જાય, બંધ બેસતા શબ્દો ન હોય તેને ફેરવતા જાય, એમ છેવટે ઘણાં વર્ષો પછી જ એનો અંતિમ ઘાટ નક્કી થાય : એ લોકગીતોની રચનાનો નિયમ છે. સાચું લોકગીત કોઇ એક જ કવિની માલિકીનું નહિ પણ જન સમસ્તનું ઉત્પન્ન કરેલ ધન છે. આ સંગ્રહનાં ગીતોમાં પણ જો લોકગીતોનું કોઇ ચિરંજીવ તત્ત્વ હશે તો તેનું છેલ્લું સ્વરૂપ કૈંક વર્ષો પછી જ નક્કી થશે. અને એ જો લોકગીત જ નહિ હોય તો પુસ્તકમાં જ પડ્યું રહેશે.

અત્યારે તો આ સંગ્રહ પ્રગટ કરવાનો મારો અધિકાર આટલો જ છે : કે ભાવનગર મહિલા વિદ્યાલય, રાજકોટ રાષ્ટ્રીય શાળા, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન અને ભાવનગર આલ્ફ્રેડ હાઇસ્કુલ, વગેરે સંસ્થાઓના શિક્ષક શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થી ભાઇ-બ્હેનોની સમક્ષ આમાંના ગીતો ગાઇ બતાવતાં એ તમામે આ રચનાઓ પર અત્યંત પ્રેમ દર્શાવેલ છે. અને તે પરથી વિશ્વાસ બેઠો છે કે આ ‘વેણીનાં ફુલ’ વગડાઉ હોવા છતાં પણ અન્ય ઘણાં ભાઇ-બ્હેનોને મનગમતાં થઇ પડશે.

મેં આ ગીતોની ભાષામાં કાઠીઆવાડી શબ્દો વાપરવાની તો સકારણ જ છૂટ લીધી છે. સાહિત્યને પ્રાંતિક બનાવવાનો હેતુ નથી. પણ તેથી ઉલટું જે પ્રાંતિક છે તેને સમગ્ર ગુજરાતનું ભાષાધન બનાવવાનો શુદ્ધ અભિલાષ છે. અને ગુણપ્રેમી ગુજરાતે પણ એ ભેટનો સ્વીકાર ક્યાં નથી કર્યો? એણે ક્યાં ના પાડી છે? પણ બીજે પણ એક છૂટ મેં લીધી છે: કાઠીઆવાડી પ્રત્યયો લગાડવાની : દાખલા તરીકે બહુવચનમાં ‘ઓ’ ને બદલે ‘યું’ , તેજ રીતે ‘ગહ્‌વર’ જેવા શબ્દને ‘ગોહર’ બનાવી દીધેલ છે. આમાં પણ પ્રાંતિકતાનો આગ્રહ નહિ, પણ કાવ્યમાં લેવાતી અન્ય સ્વતંત્રતાઓ અનુસાર કાવ્યને વધુ ગેય બનાવવાનો જ હેતુ છે.

મહિલા વિદ્યાલયના સંચાલકો તથા શિક્ષક બંધૂઓએ સાચા હૃદયથી મારા આ પ્રયાસોમાં રસ લીધો છે, ભૂલો સુધરાવી છે ને ગુણો પર ઉમળકા બતાવ્યા છે. એમના પ્રોત્સાહન વિના આ પરિણામ આટલું વ્હેલું ન જ આવ્યું હોત. તે સિવાય વિદ્યાલયની બ્હેનોના મમત્વની સાક્ષી તો આ પુસ્તકનું સમર્પણ જ પૂરશે.

ઝવેરચંદ મેઘાણી
ભાવનગર ચૈત્ર : ૧૯૮૪
  1. *'દાદાજીના દેશમાં', સાગરમાં વસનાર, 'વાદળમાં વસનાર' મળી ત્રણ ગીતો આશરે છ વર્ષ પર રચાયેલાં છે.