કુસુમમાળા/ટીકા
← અવસાન | કુસુમમાળા ટીકા નરસિંહરાવ દિવેટિયા |
ટીકા.
———✢✢———
અવતરણ – પૃષ્ઠ ૧.
અવતરણ = વિષય દાખલ કરવાને અર્થે ‘ઉપોદઘાત’ (Introduction)
કડી ૨ જી, ‘વિવેકગુણે,’ – વિવેક = યોગ્યાયોગ્યતાનો નિશ્ચય કરવાની શક્તિ. ગુણ = ૧. માનસિક ધર્મ. ૨. દોરો. ફૂલની માળા જેમ દોરામાં ગૂંથાય છે તેમ આ સંગીતકાવ્યનાં કુસુમની માળા વિવેકવડે ગૂંથીને અર્પી છે. કડી ૬ઠ્ઠીમાં “સહુ રંગ ભળે” ઇત્યાદિથી આ વિવેકનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કર્યું છે. કિયું કાવ્ય કિયા સાથે મૂકવાથી યોગ્ય જણાશે અને રસ અવરોધ નહિં આવે તે જ વિવેક.
સહસ્ત્રલિંગ તળાવના કાંઠા ઉપરથી પાટણ— પૃષ્ઠ ૩.
કડી ૩. કુમારી સરિતા – સરસ્વતી નદી. સમુદ્રને ન મળવાથી કુમારી ગણાય છે. પાટણ ને એ તરફ એ નદીને ‘કુમારકા’ એ નામથી લોકો ઓળખે છે.
આ નદી વાંકીચૂંકી વ્હેતી જાય છે તે ઉપરથી ‘ન્હાસે, પાસે ધસે’ ઈત્યાદિ કલ્પના કરી છે.
પુરાણકાળના પાટણનો વિનાશ અને સરસ્વતીની પૂર્વવત્ કાયમ સ્થિતિ એ બેનો વિરોધ જોઈને ઈશ્વરની કરૂણા નદીરૂપે વહીને પાટાણને આશ્વાસન દે છે એમ કલ્પના કડી ૩, ૪, ૫ માં કરી છે.
કાળચક્ર— પૃષ્ઠ ૪.
પૂર્વના કાવ્યના છેલ્લા ભાગથી કાંઈક સૂચિત થઈ આ કાવ્યનો આરમ્ભ છે. નદી, પર્વત, સિંધુ ઈત્યાદિ પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર કાળની આસર થતી નથી, પરંતુ તે જ પ્રકૃતિસ્વરૂપો ઉપર રાજ્ય ચલાવવાનો દમ્ભ કરનાર ક્ષુદ્ર માનવ તે સહજ કાળનો ભક્ષ્ય થઈ પડે છે, એ અર્થ આ કાવ્યના ગર્ભમાં છે.
કડી ૩, ચરણ ૪.
કાચલું – નાવ (મહાન્ સાગરને હિસાબે નાવ તે કાચલું જ.)
અમૃતત્વસિન્ધુ.—પૃષ્ઠ ૫.
પાછલા કાવ્યમાં પ્રકૃતિનાં ચિરસ્થાયી સ્વરૂપોને કાળથી આબાધ્ય ગણ્યાં છે. અહિં બીજી દ્રષ્ટિએ ત્હેમને પણ નશ્વર ગણ્યાં છે. મનુષ્યની સાથે સરખાવતાં અનશ્વર જણાતા સિન્ધુ વગેરે પદાર્થો અનન્તકાળ (અનન્તત્વ, અમૃતત્વસિન્ધુ) સાથે સરખાવતાં નશ્વર જ છે, તે અનન્તસિન્ધુમાં સમાઈ જનાર જ છે, - એ આ કાવ્યનો ઉદ્દેશ છે.
કડી ૩, ૪, પૃ ૫.
અનન્તત્વસિન્ધુની લહરીનું દર્શન, અને ત્હેના ગમ્ભીર શબ્દનું શ્રાવણ થતું આ ઠેકાણે કહ્યું છે, તે પ્રકૃતિનાં ગમ્ભીરભાવોદ્દીપક પદાર્થોદ્વારા તથા અનન્તત્વનાં ચિન્તને કરીને કલ્પનાચક્ષુથી અને કલ્પના શ્રવણથી જ થવાનું સમઝવું.
ગિરિશૃઙ્ગ.—પૃષ્ઠ ૬.
કડી ૩. ગિરિશૃઙ્ગ – સત્યજ્ઞાન. સાગર – પરાકાળ. એ સાગરનું દર્શન તથી ત્હેના ગાનનું શ્રવણ આ કાવ્યમાં કહ્યું છે તે સત્યજ્ઞાન દ્વારા જ સમઝવું આ જ્ઞાન અનલંકૃતધર્મજનિત નહિં પણ રસયુક્તધર્મજનિત ગણવું ઠીક છે, જો કે પરિણામે તો બંને એક જ છે.
કડી ૪. ચરણ ૧. ચંદા = ચાંદની
દિવ્ય મંદિર તથા લેખ—પૃષ્ઠ ૭.
‘કાળચક્ર’ (પૃ. ૪.) માં જેમ માનુષ્યની કૃતિની નશ્વરતા ઉપર કાંઈક ઝોક છે તેમ આ કાવ્યમાં નથી આ કાવ્યમાં તો એ બતાવવાનું છે કે જેમ મનુષ્યના શિલાલેખો વાંચવાને વિશેષ કેળવણી તથા યોગ્યતા જોઈએ છિયે તેમ ઈશ્વરના લેખો (તારા, સન્ધ્યારંગ, ઇન્દ્રધનુષ્યના વર્ણ ઇત્યાદિ) વાંચવાને પણ સવિશેષ યોગ્યતાની અપેક્ષા છે. એ દિવ્યલેખ જોઈ ઈશ્વરના જે ગુણોનાં એ પ્રતિબિમ્બ બની રહે છે તે ગુણોનું ભાન થવું તેમ જ એ દૃશ્યોથી થતી ઊંડી સૂચનાઓનું ગ્રહણ કરવું તે જ એ લેખનું ઉકેલવું.
વિનીતતા.—પૃષ્ઠ ૯.
કડી ૨. ચરણ ૧. ચંદા = ચંદ્ર (‘ચંદા’ એ શબ્દ કોઈ ઠેકાણે ‘ચંદ્ર’ના અર્થમાં અને કોઈ ઠેકાણે ‘ચાંદની’ ના અર્થમાં છે તેથી તે તે ઠેકાણે અર્થ દેખાડયા છે.)
નદીકિનારે.—પૃષ્ઠ ૯.
કડી ૧. શાન્તનીરા = શાન્તનીર (જળ) વાળી; - બહુવ્રીહિ સમાસ. યદ્યપિ શ્લેષ ઉદ્દિષ્ટ નથી, તથાપિ અહિં સહજ નોંધવું અયોગ્ય નહિં ગણાય કે આ કાવ્ય શોલાપુર જિલ્લામાં માળશિરસ તાલૂકામાં વ્હેતી નીરા નદીને કિનારે તે સંબન્ધે રચાયું છે.
કડી ૬. મળતાં = માળતી વખતે. જળમાંથી સ્હામાં પ્રતિબિમ્બરૂપે બગલાં ઊડી આવવાથી બમણાં બનેલાં જણાતાં.
પ્રતિબિમ્બબગ = (કર્મધારય સમાસ) પ્રતિબિમ્બના રૂપમાં બગ.
કડી ૧૩. ઇતર જગતમાં – મનુષ્યના જગત્થી ભિન્ન જગત્માં , પ્રકૃતિના જગત્માં.
સરોવરમાં ઊભેલો બગ.—પૃષ્ઠ ૧૧.
કડી ૨. જ્ય્હાં ભૂમિ વિરામી = ક્ષિતિજ, દૃષ્ટિમર્યાદા.
કડી ૩. ચરણ ૪. નિજ છાય - ઐહિક જીવન; સિન્ધુ - ભાવિકાળ.
દિવ્ય ટહુકો.—પૃષ્ઠ ૧૨.
આ ટહુકો કિયો છે તે છેલ્લી બે લીંટિયોમાં જણાવ્યું છે. — ગમ્ભીર ચિન્તન કરતાં આત્મામાં શાન્તિ પસરી રહે છે ત્ય્હારે દિવ્યલોકના જ્ઞાનની પ્રેરણા એકાએક ઊર્મિ હ્રદયમાં ઊઠે છે તે જ આ દિવ્ય ટહુકો.
આ કાવ્યમાં મધ્યરાત્રિયે નગરની શાન્તિ તે ધ્યાનસ્થ આત્માની સ્થિતિનું પ્રતિરૂપ જ છે.
ગર્જના.—પૃષ્ઠ ૧૨.
કડી ૨. શૈલશિખરપાતો(બહુવચન) - પર્વતના શિખરનાં પતન.
ઉત્તરાર્ધ. —
તપેલી ભૂમિને ચુમ્બન કરીને મેઘજળ ત્ય્હાં (ગિરિમાળ ઉપર) સ્હેરો ગન્ધ ઉત્પન્ન કરે છે ત્હેને પોતાની પીઠ ઉપર વહીને ગન્ધવહ (પવન) શો આવે છે!
કડી ૩. પૃ ૧૫. અનેરો = જુદાજ પ્રકારનો ઓર તરેહનો - 'અન્ય ' ઉપરથી (જેમ 'ઘણું' ઉપરથી ઘણેરું' થાય તેમ,) 'અન્યતર' ઉપરથી.
કડી ૪. જીવનશૈલ પાછળની ગર્જના - પરકાળના જ્ઞાનની ઊર્મિ. આત્મમયૂરનો કેકારવ - તે જ્ઞાનની ઊર્મિથી આત્મામાં થતો પ્રતિધ્વનિ. એ બે રવ મળી ઉત્પન્ન થતો નાદ= એ જ્ઞાન આત્મામાં પ્રતિબિમ્બિત થતાં ઉત્પન્ન થતી અલૌકિક સ્વાનુભુતિ.
સરિત્સંગમ.—પૃષ્ઠ ૧૩.
કડી ૪. ચંદા= ચાંદની. મધુરરંગ = (બહુવ્રીહિ સમાસ) મધુર રંગવાળું (વ્યોમ); - ૦ વાળા વ્યોમ નીચે.
ચરણ ૩. - વ્યોમમાં ગંભીરો ધન છાયો તે નીચે બીજી વ્હે. વ્યોમ-સપ્તમીનો પ્રત્યય લુપ્ત થયો છે.
કડી ૫. પૂર્વાર્ધ. - મીઠી કોયલનો શબ્દ વહી આવતા સમીર (પવન)ની સંગે તરંગમાં તટકુગ્જકુસુમો નચાવે - એમ અન્વય લેવો. ઝંઝાવાત= તોફાની પવન. આ કાવ્યમાં કડી ૩, ૪, ને ૫ માં 'એક' - અને 'બીજી,' તે યથાક્રમ 'હર્ષનદી' અને 'શોકસરિત'ને ઠેકાણે છે.
આ કાવ્યમાં દુઃખમાં સુખ માનવું અને સુખમાં ન છલકાતાં ગમ્ભીર ર્હેવું એ તાત્પર્ય છે.
મેઘવૃષ્ટિવાળી એક સાંઝ.—પૃષ્ઠ ૧૫.
કડી ૧. જળતેજ - વરસાદ અંધાર્યો હોય છે તે વખતે વાદળાંમાં જે પાણીનું તેજ ચળકે છે તે. આ તેજનું સવિશેષ વર્ણન કડી ૨ માં છે.
કડી ૪. પૃ. ૧૮. - જળભરી = જળથી ભરેલી; પાણીથી ભરેલી.
અણદીઠી સંચરે - હેવી ધીરી ચાલે કે જેથી ચાલે છે કે નહિં તે જનાય નહિં.
સૃષ્ઠિ જેમ ગમ્ભીરતા અને આનંદથી વૃષ્ટિની પીડા ખમે છે તેમ મનુષ્યે વિપત્તિ ગંભીર ભાવે ખમવી, એ આ કાવ્યનું તાત્પર્ય છે.
લાગટ વૃષ્ટિ પછી એક સ્હવારનો સમય.—પૃષ્ઠ ૧૭.
કડી પ. પૃ. ૧૮
આનંદરવિ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-સૂર્ય.
કડી ૬. આનંદરંગ-આનંદ આપનાર-આનંદસ્વરૂપ-(સૂર્યથી થયેલા) રંગ (વાદળાં વગેરેના).
વિપત્તિનું જોર ખૂબ મચ્યા પછી આખર સંપત્તિ પ્રકાશ કરે છે, તોપણ-જેમ મેઘઘટા જતી રહી છતાં એકદમ પાછી અંધારવાનો સંભવ છે તેમ વિપત્તિ ફરી ઘેરી લેશે કે કેમ તે મનુષ્ય જાણી સકતો નથી પરંતુ અંતે તો-પરમ અંતે તો-સુખ જ છે, અને વિપત્તિનાં કાંઈ કાંઈં ચિન્હ રહેશે તે પણ સુખથી રંગાઈ ઉલટાં રમ્યતા પ્રગટ "કરશે; ને મચશે આનંદ મધુકરો ગુંજવા."-આ તાત્પર્ય આ કાવ્યનું છે.
આનંદમધુકરો=આનંદ એ જ મધુકર (ભ્રમર); એક અદ્ભુત દેખાવ.—પૃષ્ઠ ૧૮.
કડી ૧. રચનાયોગ=સૃષ્ટિના દેખાવનું મળવું; બે દૃશ્ય એકઠાં થયાં.
ચાંદની અને વૃષ્ટિ બે હોવાનો યોગ. ચાંદની છતાં વૃષ્ટિ મધ્ય-રાત્રિયે થતી હતી ત્હેનું વર્ણન છે.
ચરણ ૨. ચંદા=ચંદ્ર; ચરણ ૩. ચંદા=ચાંદની. કડી ૨, ચરણ ૧, ચરણ ૩. ચંદા=ચંદ્ર. કડી ૩. ચંદા=ચાંદની. કડી ૪. ચંદા=ચંદ્ર.
કડી ૨. રજતસૂત્ર=રૂપાનો દોરો.
પૂર્વાર્ધ-વર્ષાએ રચેલાં રૂડાં મોતીડાં (જળબિંદુ) જે સોહે છે તે ચંદા પોતાનું રજતસૂત્ર (રૂપેરીદોરો-કિરણ) લઈને આ શી પરોવે છે!
હસતી ચંદા, ચળકતાં જળબિંદુ, વગેરે શાન્તિમૂર્તિનાં અંગ; અને ઘેરો મેઘ, ઘોર શ્યામ તાલીવન, એ ભવ્યમૂર્તિનાં અંગ, બંને એક વખત એક ઠેકાણે મળ્યાં દીઠાં.
દિવ્ય કાવ્ય.—પૃષ્ઠ ૧૯.
કડી ૧. કલાનિધિ=હુન્નરોનો ભંડાર. સર્વ હુન્નર જાણનાર. વિધિ= સૃષ્ટિ કરનાર, ઈશ્વર.
કડી ૨, લીંટી ૧. એ કાવ્યનો અદ્ભુત ભાવ બધો કાંઈક કળે કાંઈક ન કળે પૂરો સમઝાતો નથી. કળે=કળાય ( એમ શક્યાર્થ ધાતુનો જ અર્થ લેવાનો છે.)
લીંટી ૨. ઈશ્વરદત્તપળે=ઈશ્વરે આપેલી ક્ષણમાં; કોઈક વાર એકાએક ઈશ્વરી પ્રેરણા ઊઠી આવે ત્ય્હારે.
કડી ૨, લીંટી ૪. તહિં=ત્ય્હારે, કાવ્યતણાં-એ દિવ્ય કાવ્યનાં ગગનમાં લખેલા કાવ્યનાં.
કડી ૩, લીંટી ૨. તહિં=ત્ય્હાં, તે દિવ્ય કાવ્યમાં.
કડી ૪. વીથિ=ઊંડો, લાંબો, માર્ગ; લાંબું, ઊડું, દૃશ્ય.
જહિં—તહિં=જ્ય્હારે—ત્ય્હારે.
કડી ૫. પ્રિય=વ્હાલાં માણસો. તહિં=એ કાવ્યમાં, તારાના કાવ્યમાં.
કડી ૮, કાવ્યપદો=કાવ્યના શબ્દો. મર્મ=ભેદ, ઉદ્દેશ; મતલબ.
ચાંદનીથી ધોવાયેલું, તારાથી જડાયલું, ગગન જોઈને, તથા કોઈ વેળા મહાન્ અસંખ્ય વર્ષે આવતો, દિવ્ય ધૂમકેતુનો તેજ:પુઞ્ જ (પુંજ) જોઈને જે અનંતપણાના, મનુષ્યની ભૂત ભાવી વર્તમાન સ્થિતિના ગંભીર અને દિવ્ય વિચારોની સહસા પ્રેરણા થાય છે તે જ રીતે આ ગગને લખેલા દિવ્ય કાવ્યનું વાંચન છે. તારા, ધૂમકેતુ, ચાંદની,-એઓની હાવી ગંભીર સૂચનાઓ થાય છે, તે જ જગની ઉત્પત્તિની ઝાંખી થવી, લયકાળનું ગાન સંભળાવું, અનંતત્વની વીથિ ઊઘડવી, પરકાલના બોધ થવા ઈત્યાદિ છે. તેવી જ તારાને શબ્દ ગણી ગગનમાં કાવ્ય લખ્યું કલ્પ્યું છે.
અનુત્તર પશ્ન.—પૃષ્ઠ ૨૧.
પાછલા કાવ્યમાં ('દિવ્યકાવ્ય'માં) સૃષ્ટિના સુંદર તથા અદ્ભુત દેખાવોની મનુષ્યના આત્મા ઉપર શાન્તિપ્રદ અસર દેખાડી છે, ભાવિ સુદ્ધાં ગંભીર સૂચનાથી જણાતું દેખાડ્યું છે. આ કાવ્યમાં તેથી ઊલટું કાંઈંક બીજી દૃષ્ટિએ જોવાનું, તથા મનુષ્યના હ્રદયની જુદી દશાનું પરિણામ દેખાડ્યું છે. ઘોર તારક્તિ રજની, તેજોમયી ચંદા, ગમ્ભીર મેઘ, સુંદર સંધ્યા, મધુર ઉષા, ગગને ગયેલા ગિરિ, - વગેરે સર્વે તરફ ભાવિ જાણવાની ઇચ્છાથી મનુષ્ય પૃચ્છકભાવે ફરે છે, પરમ્તુ મનુષ્યના હ્રદયની જ અશ્રદ્ધાયુક્ત દશાને લીધે - એઓ તરફથી કાંઈં પણ ઉત્તર નથી જણાતો. ભાવિનું વિશેષ સ્વરૂપ તો અજ્ઞાત જ છે, તે અંશ તો સત્ય રીતે પણ આ કાવ્યના તાત્પર્યમાં છે.
કડી ૫ તથી કડી ૧૨. ચંદા = ચંદ્ર.
કડી ૧૪. હ્રદયમંથન = હ્રદયને મથી નાંખે હેવો; સંશયના બળે કરીને હ્રદયને અસ્વસ્થ રાખતો.
માનવબુદ્બુદ.—પૃષ્ઠ ૨૨.
મનુષ્યની ટૂંકી જીંદગીમાં જુદાં જુદાં કારણોથી વિવિધ મનોવૃત્તિયો થાય છે ત્હેનું વર્ણન આ કાવ્યમાં કર્યું છે.
કડી ૧. બુદ્બુદ = પરપોટો
કડી ૧. તરઙ્ગરાજ = મોટા મોજા ( બીજા મ્હારા કરતાં વધારે સમર્થ મનુષ્ય)
અસ્થિર અને સ્થિર પ્રેમ.—પૃષ્ઠ ૨૩.
આ કાવ્યની પ્રથમ બે કડીઓ તે અંગ્રેજી મહાકવિ વર્ડ્ સ્વર્થ ના એક ન્હાના સુન્દર કાવ્યના આરમ્ભની છ લીંટિયોનું ભાષાન્તર છે. તે કાવ્યમાં તો એટલેથી પછી આગળ જુદી જ વાત છે, અહિં આટલાનો આગળ જુદો જ ઉપયોગ કરી લીધો છે.
કડી ૩, ૪. કળીનું વચન છે. કડી ૫-૮ અનિલનો ઉત્તર છે. કડી ૯-૧૧ કળીનો પ્રત્યુત્તર છે.
કડી ૭. સુગંધસ્મરણ = સૌરભ, સુગંધરૂપી સ્મરણ; તે જ સ્મરણ.
કડી ૧૨. 'ગમ્ભીરરસશૃંઙ્ગારપ્રતિમા' - આટલું વિશેષણ "ગમ્ભીર રસશૃંઙ્ગારપ્રતિમા સરસ સરસ આ ભમે" — એ 'ચિત્રદર્શન' એ મથાળા નીચે ઇ૦ સ૦ ૧૮૮૩ના મે માસના 'ગુજરાતશાળાપત્ર'માં આવેલી રા. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાંથી લીધું છે.
કડી ૧૬. ઉત્તરાર્ધ - ને જય્હાં અનન્ત આકાશ છે ત્ય્હાં અનનત આકાશમાં મધુરે સ્વરે ગાન કરતું કરતું ઊડતું - ઊડ્યું.
કડી ૧૭. છેલ્લી લીંટી નિરખે - મ્હને નિરખે. અનિલ અને કળી એ અસ્થિર પ્રેમનું નિદર્શક જોડું, અને સારસયુગ્મ તે સ્થિર પ્રેમનિદર્શક જોડું, અને અસ્થિર પ્રેમથી થતો અસંતોષ અને અશાન્તિ તથા સ્થિરપ્રેમથી થતો સંતોષ તથા શાન્તિ, એટલું આ કાવ્યમાં સ્પષ્ટ જ છે, એટલે તે વિશે વિશેષ કહેવાની જરૂર નથી.
પ્રેમનાં સ્વરૂપ.—પૃષ્ઠ ૨૮.
સૃષ્ટીમાંની સૌન્દર્યની મૂર્તિયો - જે'વી કે મધુર નાદ, સુગન્ધ, સુન્દર રંગ-ત્હેનો પ્રેમ સાથે અભેદારોપ કરી અહિં કલ્પના ખેંચી છે. આ જ કલ્પનાનો સવિશેષ વિકાસ આગળ 'બહુરૂપ અનુપમ પ્રેમ ધરે' (પૃ ૩૪.) એ કાવ્યમાં કર્યો છે.
કડી ૩. રંગમેળો = રંગનો મેળાવડો; રંગનું એકત્ર આવવું.
કડી ૪, લીંટી ૩. નાદ=મધુરનાદ; ગન્ધ=સુગન્ધ; રંગ=સુન્દર રંગ. એ દિવ્યકુસુમો; - પ્રેમનાં જ રૂપ ગણ્યાં તેથી, તથા ત્હેમાંની દિવ્ય સુન્દરતાથી પણ.
પ્રેમ.—પૃષ્ઠ ૨૯.
કડી ૨, લીંટી ૧. ગાતો - પુષ્પના સુગન્ધના પ્રવાહનો ગાન સાથે અભેદારોપ કર્યો છે. તેમ જ લીંટી ૪ મા 'પ્રદીપ્ત' એ શબ્દ ગન્ધને લગાડી દર્શનના વિષય જોડે અભેદારોપ કર્યો છે.
કડી ૪. અહિં ભિન્નભિન્ન વિષય પરત્વે પ્રેમનું સ્વરૂપ કાંઈંક ત્હેને પ્રતિરૂપ ગન્ધથી દર્શાવ્યું છે. એ પ્રતિરૂપતા બારીક કલ્પનાથી જ જોવાની છે.
‘બહુરૂપ અનુપમ પ્રેમ ધરે.’—પૃષ્ઠ ૩૦.
"વરસે ગરજે ચઢીને ઊતરે, ઘન તે અતિશે અન્ધકાર કરે
જ્યમ નૂતન સંપતિવાન કરે ત્યમ રૂપ અનુપમ મેધ ધરે."
આ શ્લોક મુંબાઈમાં એક નાટકમાં સાંભળેલો ત્હેમાંથી "રૂપ અનુપમ પ્રેમ ધરે" કરી લીધું છે. કિયા નાટમકમાં અથવા કાવ્યમાંનો આ શ્લોક છે તે હું દિલગિર છું કે મ્હને ખબર નથી. તેમ જ 'નટ રંગ ભૂમિ પર જેમ ફરે' એ પણ એ શ્લોક પછીના શ્લોકમાંની લીંટી મ્હેં લીધી છે કે કેમ તે મ્હને બરોબર યાદ નથી. તેમ હશે તો તે સ્વીકારવાનો મને કાંઇ પણ સંકોચ નથી.
કડી ૧, લીંટી ૨. તેહ = પ્રેમ (આગળ ૪થી લીંટીમાં આવનાર છે તે.) કડી ૨. લહરીલટકે = લહરી (ઝીણા તરઙ્ગ) ના લટકામાં. કડી ૪. ચન્દ્ર-ચન્દ્રમાં (સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત છે.)
આ કાવ્યના ભાવાર્થ વિશે 'પ્રેમનાં સ્વરૂપ' એ કાવ્યની ટીકામાં ઉપર કહ્યું જ છે.
આનન્દ ઑવારા.—પૃષ્ઠ ૩૧.
વિષમ હરિગીત - પ્હેલા ને ત્રીજા ચરણમાં ૨૬ માત્રા, અને બીજા ને ચૉથા ચરણમાં ૨૮ માત્રા; પ્હેલા ને ત્રીજા ચરણમાં પ્હેલી માત્રાથી અને બીજા અને ચૉથામાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે.
કડી ૧, ચ. ૪. "સુખદ આનન્દ-ઑવારા" -'મનને બોધ' એ મથાળા નીચે ઇડરના નીલકણ્ઠે કરેલી હોરી ઇ૦ સ૦ ૧૮૮૩ના એપ્રિલ માસના 'બુદ્ધિપ્રકાશ'માં આવી હતી. ત્હેમાં છેલ્લી કડીમાં "ટળશે મરણ જન્મારા, સુખદ એ આનન્દ ઓવારા" એ વાક્ય હતું, ત્હેમાંથી આ શબ્દ કાઢી લીધા છે.
ઑવારા = કિનારા, આનંદસિંધુના કિનારા. (ઑવારો એ શબ્દ સૂરત જીલ્લા તરફ ખાસ વપરાય છે; અમદાવાદ તરફ 'આરો' શબ્દ પ્રચરિત છે.)
સ્વચ્છ આકાશમાં રખડતા મેઘકકડાથી ઊછળી આવતા આનંદનું આ ટૂંકા કાવ્યમાં વર્ણન કરવનો પ્રયત્ન છે.
કવિનું સુખ.—પૃષ્ઠ ૩૨. કવિનું સુખ કવિતા કરવામાં જ સમાયલું છે; કીર્તિ વગેરે ભાવનો સ્પર્શ હેને નથી; - એમ ભાવ આ કાવ્યનો છે.
કવિની કવિતાનો પ્રવાહ ત્હેને સુગંધ ગણ્યો છે, કવિ તે પુષ્પ, કવિતા તે સુગંધ.જગત્ ના સર્વે નાના મ્હોટા કવિયોનો કવિતામાં જે મહાન્ ઉદ્દેશ -મનુષ્યની જીંદગી ઉન્ન્ત આદર્શ બનાવી ઉન્નત દશાએ પ્હોંચાડવી તે - તે તરફ પ્રયત્ન કરતાં સર્વ કવિયો મળી એક મહાન્ અદ્ભૂત કાવ્ય જ રચે છે, તો પછી કોઈ પણ કવિયે પોતાની કવિતા વિશે વિશેષ ચિન્તા શું કામ કરવી? પ્રશંસા, લાંબી કીર્તિ, પરસ્પર ઇર્ષ્યા એ ઉપર લક્ષ શું કામ આપવું ? આ તાત્પર્ય આ કાવ્યનું છે. આ ઉપર કહેલું મહાન્ કાવ્ય તે જ સુગંધસિંધુ - મહાન્ લક્ષ્ય કવિયોએ નજર આવળ રાખેલું તે.
ફૂલ સાથે રમત.—પૃષ્ઠ 33.
જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે. જન્મસ્વભાવથી તો મનુષ્ય નિર્દોષ છે. પરંતુ સમાજદશામાં મણ્ડલ બંધાવાને લીધી, કેટલાંક ગમ્ય અને કેટલાંક અગમ્ય કારણોને લીધે, મનુષ્યમાં દ્વેષ, સ્વાર્થી પ્રેમ, ક્રૂરતા, કપટ, હ્રદયસંગોપન, ઇત્યાદિ અનેક દોષ પેઠા છે. જનમાનસમાં આ મલિનતા જોઇ જોઇ ને કંટાળીને સ્વભાવશુદ્ધ કુસુમોની પાસે જઇ કરેલું સંબોધન આ કાવ્યમાં છે. નિર્દોષ કુસુમ તે મનુષ્યની સમાજના કુસંસ્કારોથી અદૂષિત અવસ્થાનું પ્રતિબિમ્બ છે. માટે જ કડી ૩જીમાં કહ્યું છે કે "તમમાંનું હું પણ રે કુસુમ એક કોમળિયું" પરંતુ જનમણ્ડળમાં રહી મ્લાન થયેલું. કડી ૫,૬, ૭ માં ફૂલના ગુણ વર્ણવ્યા છે ને સમાજદૂષિત મનુષ્યના દુર્ગણના વિરોધમાં મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે. મૂક્યા છે. આ રીતે જનમણ્ડળની સ્થિતિ જોવાથી ઉત્પન્ન થતી વૃત્તિને લીધે જ, - મનુષ્યદુષ્ટતાથી ઉત્પન્ન થતાં નિર્વેદ તથા ગ્લાનિ કાઢી નાંખી મનને શાન્તિ તથા સમાધાન આપવા ફૂલની સાથે આનંદખેલમાં દિવસ ગાળવાની ઇચ્છા ઉત્પન્ન થતી દર્શાવી છે.
કરેણા.—પૃષ્ઠ ૩૪.
પાછલા કાવ્યમાં કહેલા ભાવનો કાંઈક સંબંધ આ કાવ્યમાં પણ છે. જનસમાજના બંધારણમાં જ કાંઈક મનુષ્યના હ્રદયમાં દોષ ઉત્પન્ન કરવાનું વલણ રહેલું છે તેથી ઊલટું પ્રકૃતિની સ્વાભાવિક અવસ્થામાં સમાજનાં કૃત્રિમ બંધનથી મુક્ત રહી ઊછરવામાં - નિર્દોષ, આનંદમય હ્રદય ઉત્પન્ન કરવાનું વલણ છે. આ વિચારો પ્રકૃતિની પ્રેમમય ઉછેરમાં ઊછરતાં કરેણાનાં ફૂલની આનંદમય મૂર્તિ જોવાથી સૂઝેલા કાવ્યને અંતે સૂચવ્યા છે.
આસપાસ સર્વત્ર સૂકી પથ્થરની પર્વતમય ભૂમિમાં ન્હાના વ્હેળાના પટમાં જથાબંધ, ગુલાબી રંગના છાંટવાળાં, કરેણનાં ફૂલના છોડનાં ઝૂમખાં ને ઝૂમખાં એકાએક જણાઈ આવેલાં વર્ણવેલાં છે. સ્હવારનો સમય છે. શોલાપુર જિલ્લાના માળશિરસ તાલૂકામાંના એક પ્રદેશમાં આ દૃશ્ય નજરે પડ્યું હતું.
કડી ૨. ચરણ ૨. પ્રભાતના સૂર્યનું તેજ એ કરેણાનાં ફૂલ ઉપર પડેલું તે.
કડી ૩. ચરણ ૨. પ્રકૃતિ - પ્રકૃતિયે. તૃતીયાનો પ્રત્યય લુપ્ત. લઘુ સ્રોત ઉપર શીળી વૃક્ષઘટા રચીને પ્રકૃતિયે અતિ પ્રેમભેર અહિં ન્હાનો સરખો બાગ રચ્યો છે, ત્ય્હાં આ ફૂલનો રંગ મચ્યો છે.
વ્હેળા કિનારે ઝાડની ઘટા -સ્વાભાવિક બાગ જેવી; - અને તે પાસે પટમાં કરણાનાં ભોથાં; - એમ સ્થિતિ છે.
કડી ૪. કરેણાનાં ફૂલને વિશે ગિરિદેવીઓની સંભાવના કરી છે. જાણે (ઉપર કહેલા સ્વાભાવિક) બાગમાં રમવા માટે પર્વતની ટોચ ઉપરથી ગિરિદેવીઓ ઊતરી આવી ના હોય ! એમ આ ફૂલનું મણ્ડળ દેખાય છે. શકે = જાણે કે; સ. शङ्के ઉપરથી; આ શબ્દ પ્રેમાનંદ વગેરેની કવિતામાં રૂઢ છે. કડી ૫. સહુને - સર્વ ફૂલને. જહિં - જે વખતે. જે વખત સમીર ચૂમે તે વખતે પ્રત્યેક કુસુમ ઉપર મન્દ સ્મિત રમે.
ચરણ ૩. સમે = પેઠે.
આશાપંખીડું.—પૃષ્ઠ 3૫.
મનુષ્યનું જીવન આશાને આધારે ચાલે છે. પ્રત્યેક પ્રસંગે આશાભંગ થાય તો પણ વળી બીજો આશાનો વિષય પકડી આગળ ચાલે છે. આશાપંખીડું ઊડ્યે જાય છે ત્હેની પાછળ મનુષ્ય દોડ્યે જાય છે. પરંતુ ખરું સ્વરૂપ આશાનું મૃત્યુની પેલી પાર ભાવિકાળની મ્હોટી આશાનું સાફલ્ય તે છે. આ તત્પર્ય આ કાવ્યનું છે.
કડી ૭, ચરણ ૪. મ્હારે પ્રભાવ - મ્હારા પ્રભાવે- મ્હારા પ્રભાવ વડે.
કડી ૮, ચરણ ૩. કપાળ =ખોપરી.
કડી ૧૧, ઉત્તરાર્ધ. ભાવિ પરકાળમાં સુખ અને આનન્દનું સ્વરૂપ હોવાને લીધે આનન્દમૂર્તિ ચન્દ્રમાં આશાખીડું જઈ રહ્યું કલ્પ્યું છે. અને તે ભાવિકાળના આશાના સાફલ્યની સૂચનાઓ ચાંદનીની રાત્રિમાં આત્મામાં પ્રેરણારૂપે થવાથી આશાપંખીડાનું ગાન તે વખતે કદી કદી સંભળાતું કહ્યું છે.
વિધવાનો વિલાપ.—પૃષ્ઠ ૫.
કડી ૧. 'રહી', 'વહી,' 'રમે', 'સૂતી', એ સર્વે ક્રિયા પદોનો કર્તા 'ચાંદની' એ છે.
કડી ૩, ચરણ ૨. જ્યહાં દૃષ્ટિતણો અન્ત=ક્ષિતિજમાં.
ઉત્તરાર્ધ:- મતલબ કે વડઘટા એટલી ગાઢી કે સંપૂર્ણ અંધકર અજવાળી રાત્રે પણ ત્ય્હાં રહેતો.
કડી ૪-૫. ચણ્ડપવન નીકળે ત્ય્હારે પાસેની નદીનું જળ હાલે જ એટલે તટતરુનાં પ્રતિબિમ્બ પણ જળમાં હાલે. તટ ઉપર ઝાડનાં પાંદડાં પણ હાલે જ. જળમાં ચંદ્રનું પ્રતિબિમ્બ પણ હાલે જ, તે ઉપરથી પવન સાથે યુદ્ધ કરતા વડના ઝુંડનો ઘુઘાટ સાંભળીને એ સર્વે જાણે ભયથી કમ્પતાં કલ્પ્યાં છે. અને આમ થાય ત્ય્હારે શાન્તિમાં પણ ભંગ થાય જ. તેથી ત્ય્હાં વસતી શાન્તિ પણ જાણે કમ્પતી હોય એમ કલ્પના કરી છે. કડી ૫, ચરણ ૪. ચંદા = ચંદ્ર.
કડી ૬, ચરણ ૪. ચંદા = ચંદ્ર. જે'વી- જેમ ચંદા(ચંદ્ર) વાદળાંની ઘટામાંથી નીકળે છે.
કડી ૭, ચરણ ૧. દૈવી દેહ- દિવ્ય દેહવાળી કોક સ્ત્રી.
કડી ૮, ચરણ ૩. 'તરુવૃંદ'માં સપ્તમીનો પ્રત્યય 'એ' લુપ્ત.
ચરણ ૪. ગતિમન્દ - મન્દ ગતિયે (ચાલતી)
નૂતન વિધવા એક પોતાની ન્હાની પુત્રીને લઈ, જનસમાજની રૂઢિથી ત્રાસ પામીને , જગત્ નો ત્યાગ કરી ત્ય્હાંથી દૂર રહેવાને, રાત્રે અજવાળી મધ્યરાત્રે જંગલમાં થઇ એક નદીકિનારે આવીને ઊભી છે, અને ત્ય્હાં પછી બેશીને વિલાપ કરે છે. આમ આ ચિત્રની પાશ્ચાદભૂમિ ચોપાઇવાળા પૂર્વભાગમાં મૂકી છે.
ગરબી—
કડી ૧, ચરણ ૧. વિપરીત- પોતાના પ્હેલાં પતિ મરણ પામ્યો માટે વિપરીત દુઃખ.
કડી ૨, ચરણ ૩. મૉતે હરી લીધાં તે માણસો સાથે. તેશું = તે સાથે.
કડી ૩, ચરણ ૧. ચંદા - ચંદ્ર.
કડી ૫, ચરણ ૧. કેશશું- કેશ સાથે.
કડી ૭, ચરણ ૩. આટલો - આટલો પણ; જરાક પણ.
કડી ૯, ચરણ ૧. વળી પાછી પુત્રી તરફ ફરીને આ કડીનાં તથા કડી ૧૧ મીના વાક્ય બોલે છે.
કડી ૧૨. આ કડીમાંનં વાક્ય પોતાના મન સાથે જ વાત કરી કહે છે. તાજા વૈધવ્યના અસહ્ય દુઃખમાં ઉત્પન્ન થયેલી ઉન્મત્ત દશામાં, સમ્પૂર્ણ સુખ-લગ્નનું સુખ અને વૈધવ્યદુઃખનો અભાવ, એ બે-ની સોત્કણ્ઠ આશામાં અશક્ય વસ્તુને ઉત્કણ્ઠા રાખીને, એટલું જ નહિં પણ ત્હેને સર્વથા શક્ય માનીને, પોતાની પુત્રી માટે અમર વર સોધી કાઢવા નિશ્ચય આ ઠેકાણે જણાવ્યો છે.
નદૃનદીસંગમ.—પૃષ્ઠ ૪૩.
એકલા પુરુષનું કઠણ પ્રસંગોથી ભરેલું જીવન તે આ કાવ્યમાંનો નદ છે: અને તેમ જ સ્ત્રીનું સરળ આનન્દમય જીવન તે નદી છે. એ બનેં જીવન લગ્નમાં મળી નદનદીસંગમ થઈ, પુરુષનું કઠણસંસ્કારયુકત જીવન કાંઈ કોમળ રૂપ પકડે છે અને સ્ત્રીનું મ્રુદુ જીવન કાંઇ સફળ રૂપ પકડે છે. ( કડી ૭ નું ઉત્તરાર્ધ જુવો. ) તે જીવન એકત્ર થઈ , એ સંગમનો પ્રવાહ આગળ કય્હાં ચાલ્યો તે જણાયું નહિં (કડી ૮ પૂર્વાર્ધ ); મતલબ કે ભવિષ્યની સ્થિતિ ન જ જણાઈ તે ન જ જણાઇ, પરંતુ દૂર દૂરની ભાવિસ્થિતિ તો જણાઈ, - ઘણે દુર પડેલો સિન્ધુ-પરકાળમાં અનન્તદશાનો સિન્ધુ-તે જણાયો , અને ત્હેમાં એ નદનદી- સંગમ ભળ્યો, છતાં વ્યક્તસ્વરૂપે જુદે પ્રવાહ વ્હેતો રહ્યો. (પરકાળમાં અનન્તત્વમાં રહી આત્માઓની વ્યકત સ્થિતિ આ રીતે સૂચવાય છે.)
પ્રથમ ત્રણ કડીમાં પુરુષના કઠણ પ્રસંગોને અનુરૂપ નદપ્રવાહનાં અંગ કહ્યાં છે; તેમ પછીની ત્રણ કડીમાં સ્ત્રીના કોમળ જીવનનાં અંગને અનુરૂપ નદીપ્રવાહનાં અંગ કહ્યાં છે.
કર્તવ્ય અને વિલાસ.—પૃષ્ઠ ૪૫.
કડી ૧, ચરણ ૨.
બે-કાન્તિ અને નયન, એ બે વાનાં; ચરણ ૩ માં ' રાખે ' એ ક્રિયાપદનો કર્તા.
ચરણ ૪. મૃદુ- કોમળ અંગને લીધે સબળ-માંહિથી છૂટવું કઠણ તેથી.
કડી ૨, ચરણ ૧ . જગપતિ- (તૃતીયાનો પ્રત્યય લુપ્ત) જગપતિયે.
ચરણ ૪. આજ્ઞા- કર્તવ્યની.
કડી ૩, ચરણ ૨. અહિં થકી- આ પાર્થિવ જીવન પછી.
ચરણ ૩. ત્પહાં- એ પરકાળની સ્થિતિમાં.
કડી ૪ સન્ધ્યાશિખર - પશ્ચિમમાં સન્ધ્યાના દેખવની ટોચ.
કડી ૫, ચરણ ૩. કનકગિરિ - સન્ધ્યાકાળનાં સૂર્યકિરણથી ઝળકતાં વાદળાંનો પર્વત.
ચરણ ૪ તથા ૫ માં સન્ધ્યામેઘ પાછળ રહેલી ભૂમિ કહી છે તે વસ્તુતઃ પરભૂમિ નહિ; પરંતુ એ સમયનો અદ્ભૂત દેખાવ પોતાના સૂચક સ્વરૂપે પરભૂમિનું ભાન કરાવે છે તેથી જાણે તે પાછળ જ એ ભૂમિ છે એમ કલ્પના કરી છે. માટે જ કડી ૬ના પૂર્વાર્ધમાં સંશયવાદીના મતનો ઉલ્લેખ એ વચનદ્વારા કર્યો છે;- " સ્વપ્નાં સકળ તુજ એ તો કવિપણાં." ઊંચા પ્રકરનું સત્ય જોનાર તથા દેખાડનાર કવિત્વને ભ્રમાત્મક માનનારને મતે "કવિપણાં" ભ્રાન્તિ એમ આ ઠેકાણે છે. તૃષ્ણાથી પીડાયલાં હરણાં સૂકા અરણ્યમાં મીઠું જળ દેખે છે, (ઝાંઝવાના જળ, મૃગતૃષ્ણા, દેખે છે,) તેમ મનુષ્ય પણ પૂર્ણ સુખની તૃષ્ણાથી ખારા સંસારમાં સુખ ન મેળવી કલ્પિત પરકાળના સુખનાં સ્વરૂપ ભ્રાન્તિની કલમે આલેખે છે; એમ સંશયવાદની તરકાર આ ઠેકાણે (રદ કરવા માટે જ) ઉલ્લેખી છે.
વિપદમાં ધારણ કરનાર બળ.—પૃષ્ઠ ૪૭.
સૃષ્ટિની અચેતન અને નિરાધાર જણાતી વસ્તુઓનો સંકટમાં આધાર કૉણ છે? ઇશ્વર. તો તે દૃષ્ટાન્ત લઇ મનુષ્યે વિપત્તિમાં પોતાને નિરાધાર ન માનતાં શાન્ત આનન્દયુક્ત રહેવું, આ તાત્પર્ય આ કાવ્યનું છે.
મિશ્ર થયેલી બે છાયા.—પૃષ્ઠ ૪૮.
આ જીવનનું તથા આ જીવનમાંના મનુષ્યસંયોગનું અસ્થાયિપણું ચાંદનીમાં એકઠી થયેલી છાયથી સૂચવેલું આ કાવ્યમાં છે.
સંસ્કારોદ્બોધન.—પૃષ્ઠ ૪૫.
પૂર્વ કાળમાં થયેલા અનુભવની મન ઉપર પડેલી છાપ (=સંસ્કાર)-ત્હેનું ઉદ્બોધન- જાગૃત થવું ; - કોઇ તે અનુભવની સાથે જોડાયેલી વસ્તુનું ફરી પ્રત્યક્ષ થવાથી પૂર્વ વાતનું સ્મરણ થવું તે.
કડી ૨. પૃ ૪૯
કડી ૨, ચરણ ૧. કરંતી સ્નાન - ‘રાત્રિ’ નું વિશેષણ છે.
કડી ૩, જાતિન્યાય—પોતાની ( ભૂતડાંની ) જાતિનો ન્યાય (ધારો,રિવાજ); અન્ધકારની બહાર ન જવું તે રિવાજ.
નિષિદ્ધ સ્થળ—જાતિન્યાયે નિષેધ (મના) કરેલા સ્થળમાં- પ્રકાશવાળા (ચાંદનીવાળા) સ્થળમાં.
કડી ૫, પ્રત્યેક મહિને ચંદ્ર પોતનું બિમ્બ ક્ષયવૃધિથી પ્રકાશથી ખાલી કરે છે, ને ભરે છે, તેથી બિમ્બ તે ચંદ્રનો કુમ્ભ ગણી કલ્પના કરી છે. તાત્પર્ય કે બાર માસ વીત્યા છે.
કડી ૮, લાહી-પામી.
કડી ૯, ચરણ ૪. છાનું સુખ થવાનું કારણ નીચે કડી ૧૦ તથા ૧૧ માં બતાવ્યું છે.
લગ્ન સમયે એક કુસુમપાત્રની ભેટ મોકલતાં.—પૃષ્ઠ ૫૧.
કુસુમપાત્ર=Flower-vase; ફૂલ અથવા ફૂલના ગુચ્છા મૂકવાનો પ્યાલો.
કડી ૧. મનુજરચિત બંધુ-મિત્ર વગેરે.
અભિનન્દૃનાષ્ટક.—પૃષ્ઠ ૫૩. બેસતા વર્ષના પ્રસંગે અભિનંદન (મુબારકબાદી) આપતાં લખેલું.
કડી ૨. સુખવાડીમાં ફૂલ વીણતાં ફરતાં કદી કંટક હાથપગમાં વાગે-મતલબ કે-સંસારમાં સુખસંપાદન કરવાના માર્ગમાં કદી અડચણો, પીડાઓ, વગેરે આવી પડે.
તો-અસ્વસ્થ ન થતાં-વૈદ્યનો ઉપચાર કરજો; એટલે ધર્મબોધ કરે હેવા પુરુષ અથવા પુસ્તકનો આશ્રય લેજો કે જેથી વ્રણ (ઘા-કાંટાથી થયેલા)-સંસારમાંની પીડા, શમી જાય.
કડી ૪. હર્ષના ભેગો શોક થવાનું કારણ નીચે કડી ૫માં બતાવ્યું છે.
કડી ૫. તે ધર્મની મૂર્તિ-પિતા.
કડી ૬, ચરણ ૩. આ રચના- આ કાવ્યની રચના (પૂરી નથી કરી એટલામાં).
ચરણ ૪. ઘટના-ઈન્દ્રધનુષ્યની રચના (બધી લુપ્ત થઈ ગઈ). આ ઉપરથી જ જગતનાં સર્વ સુખની નશ્વરતા સૂચવાય છે. તો પછી (કડી ૭, ચરણ ૧) મનમાં શોક શું કામ ધરવો?
પ્રેમીજનનો મંડપ.—પૃષ્ઠ ૫૫.
મુંબાઈમાં વિક્ટોરિયા ગાર્ડન્સમાં એક મંડપમાં એકમેક સાથે ડળીઓ ગૂંથીને ઊગેલાં ઝાડ છે; હેને Lover's Bower એમ નામ આપ્યું હતું તે જોઇને આ કાવ્ય પ્રેરાયલું છે.
વસંતની એક સાંઝ.—પૃષ્ઠ ૫૭.
કડી ૨. પવન પોતાની પાંખ ઉપર કોઈ પણ ન સાંભળે હેવું ઝીણું ગાન વહીને મ્હારા અંતરમાં ભરે છે. આ સમયે હૃદયમાં અલૌકિક શાંત આનંદલ્હેર પવન સીંચે છે. તેજ આ ગાન; એ સુખ તે જ ગાન. કડી ૩, ચરણ ૧. પવન મ્હારા હૃદયમાં અનેક રમ્ય છબિયો ચીતરે છે;- એ સુખદ પવનથી હૃદયમાં અનેક રમ્ય વિચાર આવે છે.
ઉત્તરાર્ધ - અહિંની આ વખતની શાન્તિ તે ત્હારું જ સ્વરૂપ હોય એમ લાગે છે.
ગાનસરિત.—પૃષ્ઠ ૫૮.
કડી ૨, ચરણ ૩. પવનની લ્હેર તરુને ચૂમે.
કડી ૫, ચરણ ૪. બીજી સરિત, - કઇ તે નીચે કડી ૬ માં બતાવ્યું છે.
ત્હારી છબિ નથી.—પૃષ્ઠ ૬૦.
કડી ૪, ચરણ ૩. સ્મિતસખી-સ્મિતની સખી. સ્મિત થાય તે ખાડા પડે તેથી. ગોળ લહરી- ગોળ ખાડો (લહરી - પ્રવાહમાં થતી વખતે ગાલે તરંગની લ્હેર, ત્હેના જેવો ખાડો માટે) રમે - લીલાથી થાય અને જાય.
હુનાળાના એક પ્હરોડનું સ્મરણ.—પૃષ્ઠ ૬૨.
કડી ૧, ચરણ ૪. ઉષા -પ્રભાતનો સમય (તે સમયનું પૂર્વાકાશ) રૂપક આપી વેદસમયમાં ઉષા દેવીરૂપે મનાયલી છે. ઉષા પણ જાગતી સૂતી હતી = પ્રભાત પૂરું ઝળકવા ન્હોતું માંડ્યું.
કડી ૩, ઉત્તરાર્ધ - ઉષાના આકાશ તરફ જોતાં જોતાં ત્હેનું સૌંદર્ય તે હાસરૂપ જ જણાઈ જાણે પ્રતિહાસ ના હોય એમ કલ્પના કરી છે.
તેમ જ -
(કડી ૫. ચરણ ૪. અહિં પણ) તારા ઉપર નજર જતાં, તારાએ જાણે નજર નાખી હોય એમ કલ્પ્યું છે. શિયાળાનું એક સ્હવાર.—પૃષ્ઠ ૬૩.
કડી ૨, ઉત્તરાર્ધ - રવિના તેજમાં પંખી ઊડતાં તે પ્રકાશના સાગરમાં ન્હાતાં હોય એમ જણાતાં.
કડી ૫. ઝાડના જથામાં સૂર્યનો પ્રકાશ તથા ઝાડનો છાંયડો મળી ચિત્ર જેવું થયેલું; તે ચિત્રરચના ઉપર તરુવૃંદ ઊભેલું પણ ગણાય.
કડી ૧૦. ભૂતભાવિખેલ - ભૂતકાળના તથા ભવિષ્યકાળના ખેલ,- કાળની રમત તે કાળમાં થયેલા તથા થનાર વૃતાન્ત.
કડી ૧૧, ચરણ ૨. પ્યારી - 'ચુમ્બતો'નું કર્મ. ચરણ ૩. સુખ-મૂળ- આ શુકયુગ્મનું સુખ આપનારું ઉદાહરણ. ચરણ ૪. તે અનુકૂળ=ત્હેને અનુકૂળ, ત્હેના જેવું.
કોયલનો ટહુકો.—પૃષ્ઠ ૬૫.
બીજો ટહુકો - કૉયલનો ટહુકો સાંભળી હૃદયમાં થતો આનંદનો પ્રતિધ્વનિ, આનંદની ઊર્મિ.
'શીળી ચાંદની' ઇત્યાદિ - જ્ય્હાં - જે સિંધુમાં.
આનંદસિંધુનું સ્વરૂપ પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે.
આનંદસિંધુ ઝાંખવો - એટલે આનંદ પ્રાપ્ત કરવો. આનંદ એ વસ્તુ તો શાશ્વત છે, પણ માણસ ત્હેને કોઈ કોઈ વાર ઝંખે છે ત્ય્હારે આનંદનું ભાન થાય છે, એમ કલ્પના કરી છે.
મધ્યરાત્રિએ કૉયલ.—પૃષ્ઠ ૬૬.
વિષમ હરિગીત - માપ માટે 'આનંદ ઑવારા' (પૃ. ૩૬) ટીકા (પૃ. ૧૧૭) જુવો.
કડી ૧, ચરણ ૩. વહે - નો કર્તા 'સમીર,' કર્મ 'રવ.' કડી ૩, ચરણ ૩. ત્હેણે -પૂર્વાર્ધમાં કહેલી વાદળી ને ચાંદનીની સ્થિતિયે.
મતલબ કે આ સુન્દર રચનાથી ત્હારા કંઠમાંથી મીઠું ગાન સહજ નીકળી આવે છે. આનન્દમય વૃત્તિને લીધે.
ચરણ ૪, આ શાન્તિ અધિક વધારતું. - જેમ ગાઢ અન્ધકારમાં પ્રકાશ જરાક ચમકી જતો રહેવાથી અન્ધકાર સવિશેષ પ્રબળ લાગે છે, તેમ સંપૂર્ણ શાન્તિમાં ક્ષણવાર ટહુકો આવીને શાન્તિનું જોર વધારે (પડછાએ કરીને) દેખાડી આપે છે.
કડી ૪, ચરણ ૩. રખેને અહિં પ્રસરેલી શાન્તિ બધી જતી ર્હે (પળે-ન્હાસે) એમ ધારીને (જ જાણે) પવન મન્દ પગલાં ભરે છે, ધીમે ધીમે ચાલે છે.
કડી ૫, ચરણ ૩. સીંચે - નો કર્તા 'ગાન,' કર્મ 'મોહની.'
આ કાવ્યમાં સૃષ્ટિદર્શનને જ ઉપાદાનરૂપે લઇને પૃ. ૧૪મે 'દિવ્ય ટહુકો' છે તે રચાયું છે. આ કાવ્યમાં માત્ર તે દર્શનથી થતો ઉલ્લાસ છે; ત્ય્હારે પેલામાં તે ઉપરથી ઊપજાવેલું તત્ત્વચિન્તન છે.
રાત્રિયે કૉયલ.—પૃષ્ઠ ૬૭.
કડી ૩, ચરણ ૨. લાવ્યો-નો કર્તા'રવ,' કર્મ 'અમીરસ.'
કડી ૪. ચન્દ્રમાં માનનદી વ્હેતી,-એમ ચન્દ્રનું લાવણ્ય અને ગાનનું માધુર્ય એ બંને સુંદરતાદ્વારાએ સજાતીય જ ગણીને કલ્પનાબળે માનેલું છે.
આ કાવ્ય પણ તરત પાછળ ગયેલા 'મધ્યરાત્રિએ કૉયલ' એ કાવ્યમાંના બનાવ ઉપરથી જ રચાયલું છે.
વસન્તમાં એક સ્હવારનો સમય.—પૃષ્ઠ ૬૮.
પ્રાચીનતમ સમયમાં -વેદકાળમાં - ઉષા. મરુત્, પર્જન્ય, ઇત્યાદિકને દેવતારૂપે વર્ણેલાં છે તે કવિત્વની દ્રષ્ટિયે તે તે સૃષ્ટિસ્વરૂપને પ્રત્યક્ષવત્ જોઈને જ; અથવા શ્રધ્ધાથી હોય તો પણ સૃષ્ટિનાં સ્વરૂપો જોઈને હૃદય ઉપર કાંઈ પણ અસર ન થવા કરતાં, આમ સહૃદયતા અને કવિત્વની વૃત્તિ ઉત્પન્ન કરનારી પ્રાચીન આર્યશ્રધ્ધા વધારે કીમતી છે, આ ભાવ આ કાવ્યનો છે. તેથી જ "ઊડીને ગયા દિવસ પ્હેલાંના લાગે." ઇત્યાદિ કહ્યુ છે.
કડી ૩. ઉત્તરાર્ધ. ૠગ્વેદ ૭-૭૫-૬ જુઓ.
કડી ૪, પૂર્વાર્ધ. ઋગ્વેદ. ૧-૬૪-૮ જુઓ.
ઉત્તરાર્ધ. ઋગ્વેદ. ૫-૮૩-૭ જુઓ.
હ્રદયપ્રતિબિમ્બ.—પૃષ્ઠ ૪૫.
આ કાવ્ય તથા ઉપર તરત ગયેલું કાવ્ય એ બંને એક જ દેખાવથી હૃદયમાં પ્રેરિત થયેલાં છે.
કડી ૧, ઉત્તરાર્ધ - આમતેમ દોડતી વાદળિયો તે જાણે સંદેશા લઈ જતી હોય એમ સંભાવના કરી છે.
કડી ૨, ચરણ ૧. ઊભો - હું.
કડી ૩, ચરણ ૧. તરંતાં તરંતાં - તરવાની ક્રિયા કરનાર - હું.
કડી ૪, ચરણ ૬. પાછું - આંખ્યો મીંચેલી છતાં, ફરી (બ્હારનું આકાશ વગેરે રચનાથી ભિન્ન) મનની નજર આગળ એ જ રચના દેખાઈ.
ચરણ ૪. પ્હેલી મૂર્તિ - બ્હારયની રચના. આ- મનની અંદર ઊભી થયેલી રચના.
કડી ૫, ચરણ ૨. કુડો વહ્યો અનિલ - જળપટમાંનું પ્રતિબિમ્બ પવન વહ્યાથી ભૂસાઈ જાય છે તેમ આ હૃદ્દયમાં પડેલી છબિ વિરુધ્ધ વિચાર ઉત્પન્ન થયે જતી રહી.
એક નદી ઉપર અજવાળી મધ્યરાત્રિ.—પૃષ્ઠ ૭૧.
કડી ૧, ચરણ ૧. ચંદશું - ચંદ સાથે. ચરણ ૨. તેહ-ઉછંગ- સરિતને ઉછંગે. એક ન્હાનો વ્હેળો નદીને મળતો તે આ ઠેકાણે વર્ણવ્યો છે.
કડી ૨. રજતકૂર્ચ - રૂપાનો કૂચડો.
કડી ૬. 'મધ્યરાત્ર્યે કૉયલ' (પૃ. ૭૧)ની કડી ૩, ચરણ ૪ પરની ટીકા (પૃ. ૧૨૭) જુઓ.
કડી ૮, ચરણ ૧. યુગનાદ -સરિતા નથી વ્હેળિયાના (બેના) નાદ, ચરણ ૨. રવઘટના - એ બે રવ (નાદ) નું મિશ્રણ.
કડી ૯. ચરણ ૨. સત્ત્વ - તે સ્થાનનો જીવાતુભૂત આત્મા,Spirit (of the scene).
કડી ૧૧, ચરણ ૨. - એટલે - એ પ્રતિબિમ્બનું શબ્દમાં શી રીતે વર્ણન થાય?
ટેકરિયોમાં એક સાંઝનો સમય.—પૃષ્ઠ ૭૨.
કડી ૨, ચરણ ૧. ઉચ્ચભૂમિ -'ઘેરી'નું કર્મ.
કડી ૪. 'ધારે' - નું કર્મ 'શાન્તિશૂન્યતાપૂર'. 'સીંચ્યું' - ભૂતકૃદંત,'૦પૂર'નું વિશેષણ
'વૃક્ષ' - 'ધારે' (અધ્યાહૃત) નો કર્તા.
કડી ૮. શકે - જાણે (ઉત્પ્રેક્ષાવાચક).'નિરખે'નું કર્મ 'શાન્તિ'.
કડી ૧૨-૧૩. 'મધ્યરાત્રિયે કૉયલ' (પૃ. ૭૧)ની કડી ૩, ચરણ ૪ પરની ટીકા (પૃ. ૧૨૭) જુઓ.
કડી ૧૪. મધ્યરજની - (સપ્તમી) મધ્યરાત્રે.
કૉયલ.—પૃષ્ઠ ૭૪. આ ન્હાના કાવ્યમાં, - મનુષ્યભિન્ન ઇતર સૃષ્ટિ, મનુષ્યની પ્રશંસા કે નિન્દાથી નિરપેક્ષ. પોતાની રુચિને અનુસરી જ, સર્વ વ્યવહાર કરે છે, - તે ભાવ છે.
કડી ૨, ચરણ ૨. એહશું - એ (વનવેલી) સાથે.
પ્રત્યેક કડીના ચૉથા ચરણમાં - ત્હમને = મનુષ્યને.
રાત્રિ.—પૃષ્ઠ ૪૫.
આ કાવ્યમાં પણ ઉપર ગયેલા કાવ્યની પેઠે જ પ્રકૃતિનાં સ્વરૂપોનો મનુષ્યોની રુચિનેરપેક્ષ વ્યવહાર દર્શાવો છે; પરંતુ એટલો વિશેષ સહૃદય થઇ મનુષ્ય પ્રકૃતિનાં તે તે સ્વરૂપના સત્ત્વ જોડે યોગ તો ત્હેને આનન્દ મોહ ઇત્યાદિ ઉપજાવે છે તેટલે અંશે મનુષ્યના ચિત્તને મોહ પમાડવા - "કવિજન-ચિત ચોરવા" (કડી ૧૦, ઉત્તરાર્ધ) પ્રકૃતિ વ્યવહાર કરે છે.
પ્રકૃતિના સત્વ સાથે સહૃદયતાથી યોગ રાખનાર તે જ 'કવિજન.'
કડી ૫. 'હોડે'-નું કર્મ 'શાલ.'
કડી ૭. સૂર્ય અને ઉષાનો સંયોગ થાય છે એટલે (પ્રભાત મટી સૂર્યોદય થતાં) રાત્રિ જતી રહે છે, એ ઉઘાડું જ છે.
કડી ૯-૧૦માં રાત્રિયે આપેલો (કલ્પિત જ) ઉત્તર છે.
સૂર્યોદય.—પૃષ્ઠ ૪૫.
કડી ૧, ચરણ ૨. આંસુડાં ઢાળતી - ઝાકળ પડતાં તે
ચરણ ૩. પ્રિયા -કુમુદિની.
ચરણ ૪. અસ્ત પામતે જાણે ધીમો જતો જણાય છે.
કડી ૨, ચરણ ૧. બિમ્બ - સૂર્યનું.
ચરણ ૨. ઉદયશિખર - (સપ્તમી); મસ્તકમણિશું -૦જેવું.
ચરણ ૩-૪. કેસર તે જ હાસ, અને ગુંજાર તે ગાન. આ સંસારમાં એકે જ વખતે એક ઠેકાણે આનન્દોત્સવ તો બીજે શોકવિલાપ - એ ધ્વનિ આ ચન્દ્રકુમુદિનીવિયોગ અને રવિકમલિની સંયોગની એકકાલીનતાથી થાય છે.
સન્ધ્યા.—પૃષ્ઠ ૭૮.
કડી ૧. જ્વાળા-સૂર્યાસ્તના પ્રકાશની.
કડી ૯. તુજ -ચંદાની.
કડી ૧૧. 'જોતી'નો કર્તા 'ભૂમિ' (કડી ૧૦).
કડી ૧૨. રચી - પર્વતમાળ રચી.
ભ્રમ દેતી - પર્વતમાળ તે મેઘની ભ્રાન્તિ દેતી.
કડી ૧૯, બિમ્બ - પ્રતિબિમ્બ.
મેઘાડમ્બર.—પૃષ્ઠ ૮૦.
કડી ૧. જળતેજ - 'મેઘવૃષ્ટિવાળી એક સાંઝ' (પૃ. ૧૮) કડી ૧ ની ટીકા (પૃ. ૧૦૩) જુઓ.
નભમંડળ - (સપ્તમીનો પ્રત્યય લુપ્ત) - નભમંડળામાં.
કડી ૬. ઉત્તરાર્ધ - ગર્જનરવ સાંભળીને તરત હૃદયમાં ત્હેવા જ ગમ્ભીર ભાવના ધ્વનિ ઊઠે તે જ 'હઈડે બીજું રવનૃત્ય વિરાજે.'
કડી ૭.'આલિંગી લે'- નો કર્તા - 'ઘનઘટા,' કર્મ - 'ભૂમિગોળ'.
લાગટ હૅલી ઊઘડતી વખતની રચના.—પૃષ્ઠ ૮૨.
કડી ૧. દ્યૌદેવી = આકાશ.
કડી ૨. પાદ = કિરણ અને ચરણ, પગ.
કડી ૫. 'પવનતુરંગ પલાણીને' - આ રૂપક બુધ્ધિપ્રકાશ ૧૮૮૩ના સપ્ટેમ્બર માસમાં 'વર્ષાવર્ણન'માં - 'પવન અશ્વ પલાણી આવ્યા' - એ લીંટી ઊપરથી લીધા જેવું જણાશે. પણ - તે વાંચ્યાનો સંસ્કાર રહીને અજાણતાં જ આમ લખાયું હોય તો કોણ જાણે - બાકી રૂપક એકાએક જ સૂઝતાં પૂર્વના રૂપકનો વિચાર પણ મનમાં ન્હોતો.
કડી ૮, ૯, ૧૦માં 'નાગો વરસાદ' ચાંદનીમાં પડતો વર્ણવ્યો છે.
કડી ૧૯, ઉત્તરાર્ધ -
તે-ઉછંગે- ત્હેને (દ્યૌદેવીને) ઉછંગે.
કડી ૨૦. તૃણતૃણ - તૃણે તૃણે.
'ધારી'નો કર્તા- 'ભૂમિ', કર્મ - વર્ષાબિન્દુ.' મરકતથાળ - લીલાં પાનાંની બનાવેલી થાળ; લીલાં તરણાંવાળી ભૂમિ તે જ પાનાની થાળ.
મોતીડાં - વર્ષાબિન્દુ તે જ.
કડી ૨૨. હૃદયમાં આનન્દનો ભાવ રમી રહેલો તે જ હઈડાનો ગુંજાર.
મેઘગર્જન.—પૃષ્ઠ ૮૫.
કડી ૨. સમીરો- (બહુવચન) 'આવી' અને 'દે'નો કર્તા.
કડી ૪. સૂણી મન ઊઠે પ્રતિનાદ શો - કેકા તથા મેઘનાદ સાંભળીને મનમાં ગમ્ભીર આનન્દની ઊર્મિ ઉત્પન્ન થાય તે પ્રતિનાદ.
પ્રભાત.—પૃષ્ઠ ૮૬.
કડી ૨. કિરણો તે ગાય, અને ચન્દ્રનું બિમ્બ તે વાડો - એમ કલ્પના છે. ચન્દ્રનાં કિરણ તે હેની ગાયો એક કલ્પ્ના છે ત્હેનું મૂળ કાંઇક નીચેની ઋગ્વેદની ઋચાના સંસ્કારમાં છેઃ-
उदपतन्नरुणाः भानवो वृथा स्वायुजो अरुषीर्गा अयुक्षत । अक्रन्नुषासा वयुनानि पूर्वथा रुशन्तं भानुमरुषीरशिश्रयुः॥ (ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૨.)
અર્થઃ— અરુણવર્ણ કિરણો આપોઆપ પ્રગટી નીકળ્યાં છે. હેમણે પોતાની મેળે જોડાનારી રાતી ગાયોને જોડી છે. ઉષાઓએ ર્વની પેઠે હમારામાં જાગૃતિ આણી છે; રાતી ગાયોએ દીપ્તિવાળો પ્રકાશ ધારણ કર્યો છે.'
पशून्न चित्रा सुभगा प्रथाना सिन्धुर्न क्षोद उविंया व्यश्वैत ।
(ઋગ્વેદ સંહિતા ૧-૯૨-૧૨)
અર્થઃ— જુદી જુદી દિશામાં પશુઓને હાકતી ના હોય, અથવા કોઈ સિન્ધુ (નદી) પોતાના ઓધ વહી જતી ના હોય, - તેમ એ તેજસ્વી સુભગ દેવતા (ઉષા)એ પોતાનાં કિરણો વિસ્તારથી ફેલાવ્યાં છે.
આ ઋચાઓમાં ઉષાનાં કિરણોને ગાયો અથવા પશુનું રૂપક છે; અને અહિં ચન્દ્રનાં કિરણોને ગાયો કહી છે.
કડી ૩, ચરણ ૧,૨. તારલાહરણટોળું ન્હાસતું - એ કલ્પના અંગ્રેજી કવિ શેલીના 'Dawn' નામના ન્હાનાસરખા કાવ્યમાંના એક રૂપક ઉપરથી આવી છે; અને વસ્તુતઃ એ બીજમાંથી જ આ ' પ્રભાત' કાવ્યનો વિકાસ છે.
તે કાવ્ય નીચે પ્રમાણે છેઃ-
“The pale stars are gone!
For the sun, their swift shepherd,
To their folds them compelling,
In the depths of the dawn,
Hastes in meteor-eclipsing array, and they flee
Beyond his blue dwelling,
As fawns flee the leopard.”
- (Prometheus Unbound)
અહિં તારાઓ અને સૂર્ય વચ્ચે ઘેટાં (અથવા ગાયો) અને ભરવાડના સંબન્ધની પ્રથમ કલ્પના કરી, પછી સૂર્ય તે દીપડો અને તારા તે હરણાં એમ કલ્પના આણવામાં રૂપકોનો જરાક સંકર થઈ ગયો છે. પરંતુ ચન્દ્રનાં કિરણ તે ગાયો અને ચન્દ્ર તે ભરવાડ - એ રૂપકનું મૂળ આ કાવ્યના સંસ્કારમાં પણ કાંઈક હશે.
મેઘ.—પૃષ્ઠ ૮૭.
વાદળું (મેઘ) પોતે બોલે છે એમ કલ્પનાથી આ કાવ્યનો આરમ્ભ છે.
કડી ૨, ચરણ ૧. માત ધરતી - પૃથ્વી તે કળિયોની માતા.
કડી ૪, ચરણ ૨.બરફ દેવદારનાં ઝાડ ઉપર પડે તેથી અવાજ થાય તે જ દેવદારનું આરડવું.
કડી ૫, ચરણ ૨. ગુહા - બુરજ નીચેની ગુફા.
કડી ૨૦, ચરણ ૧. ગોળ - સૂર્ય.
પૂર્વાર્ધ - સૂર્યના કિરણથી ઇન્દ્રધનુ થાય છે તેથી આમ કહ્યું છે.
કડી ૨૨, ચરણ ૩. પ્રભાઘંટ રચંત - તેજનો ઘંટ જેવો આકાર રચનારાં રવિકિરણો. રવિકિરણોનો સમુદાય સૂર્યમાંથી નીકળી ગોળ આકાશમાં ફેલાઇ પૃથ્વી ઉપર આવતાં એક મ્હોટો જાણે ઘંટ બનાવે છે, - અંતર્ગોળ આકાર બનાવીને.
પવનથી વાદળાં ઘસડાઈ જાય તથા સૂર્યકિરણથી તથા વાતાવરણથી આકાશનો ભૂરો રંગ જણાય (વિજ્ઞાનશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે)- તેથી તે મળીને આકાશનો ભૂરો ઘુમટ ઊભો કર્યો કહ્યો છે. વિજ્ઞાનની આ શોધ- આકાશના ભૂરા રંગના કારણની-શેલીના વખત પછીની જાણ્યામાં છે. કડી ૨૩, ચરણ ૧.
દે'યડી - સંન્યાસી કે હેવો કોઈ દાટ્યો હોય તે ઉપર ચણે છે તે. મેઘ મરી નથી ગયો છતાં જાણે મરી ગયો ના હોય એમ હેના શબ વિનાની દે'યડી - આકાશનો ઘુમટ-રચાય છે.
ચંદા.—પૃષ્ઠ ૯૧.
આ કાવ્યમાં ચંદા બોલતી કલ્પી છે. 'મેઘ' એ અંગ્રેજી ઉપરથી ભાષાન્તર છે. 'ચંદા' એ ત્હેની નકલ છે.
કડી ૧, ચરણ ૪. કર=૧. કિરણ ૨. હાથ.
કડી૩, ચરણ ૪. રૂપાનાં ફૂલડાં -તારા.
કડી ૫, ચરણ ૨. રૂપા અને હીરાની ગૅંદો-તારા. આ કડીમાં ચંદાનું તારામાં થઈને સંક્રમણ બતાવ્યું છે.
કડી ૭, ચરણ ૧. નાવડું -અર્ધચન્દ્ર.
કડી ૧૫, ચરણ ૧. એક પર્વતરાજ - હિમાલય.
કડી ૧૯, ચરણ ૪. દર્પણો - બરફવાળાં શિખરો તે જે.
કડી ૨૧, ચરણ ૧. જ્ય્હાં વ્યોમપૃથ્વી ચુમ્બતાં - ક્ષિતિજમાં.
કડી ૨૨, ચરણ ૨. આ વ્હાલસોયી દીકરી - હું (ચંદા.)
કડી ૨૩, ચરણ ૪.
મુકુર-ચાટલાં, દર્પણ;-સરોવર નદી જળાશય તે જ.
કડી ૨૬, ચરણ ૩. તારલો- શુક્રનો તારો તે જ તારો (ચ્હોડેલો).
અવસાન.—પૃષ્ઠ ૪૫.
'Golden Treasury ' નામના અંગ્રેજી કાવ્યસંગ્રહના ચૉથા ભાગના અન્તિમ કાવ્યનો જ ભાવાર્થ બહુધા આ કાવ્યમાં છે; માત્ર પ્રથમ કડીનો ભાવ અપૂર્વ છે.
કડી ૧. ચાંદની જેમ રસમય મીઠી પસરે છે તેમ પસરતું ગાન તે સાગરના તરંગને પણ હરણાંની પેઠે શાન્ત પાડતું કલ્પ્યું છે.
કડી ૩, ચરણ ૩. કાવ્યપ્રદર્શિત - આ 'કુસુમમાળા'માંનાં કાવ્યમાં પ્રદર્શિત કરેલા.
ચરણ ૪. હૃદયે - વાંચનાર સાંભળનારને હૃદયે.
કુસુમમાળાની ટીકા સમાપ્ત.