ગુલાબસિંહ

વિકિસ્રોતમાંથી
ગુલાબસિંહ
મણિલાલ દ્વિવેદી
રમાનું ઘર →







ગુલાબસિંહ.










म.न.द्विवेदी.


ગુલાબસિંહ.


યોજનાર.
સ્વર્ગસ્થ સાક્ષરરત્ન અભેદમાર્ગપ્રવાસી બ્રહ્મનિષ્ઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી.

નડીઆદ.

ત્રીજી આવૃત્તિ.

છપાવી પ્રસિદ્ધ કરનાર,
બાલાશંકર માધવલાલ દ્વિવેદી,

સુદર્શન ઑફીસ—નડીઆદ.

અમદાવાદ.
ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીંગ પ્રેસમાં
પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું.

સંવત ૧૯૮૦,પ્રત ૧૧૨૫.ઇ. સ. ૧૯૨૪.

મૂલ્ય રૂ. ૩-૮-૦.










~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(સરકારના એક્ટ પ્રમાણે કોપી રાઈટ કર્ત્તાને સ્વાધિન છે.)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

પ્રસ્તાવના.


જીવનને કોઈ એક હેતુ જોઈએ. હેતુશૂન્ય જીવન તે મરણથી પણ અધિક દુઃખકારક છે. જીવનના કલહમાં જે અસંખ્ય વિટંબનાઓ આવે છે, તેમાં પણા પોતાના જીવનનો હેતુજ મનુષ્યને આશ્વાસના અને બલ અર્પી શકે છે. ‘જીવનનો હેતુ’ એ શબ્દો તત્વજ્ઞાનમાંથી આણેલા છે, એ હેતુનેજ તત્ત્વજ્ઞાન પુરુષાર્થ કહે છે ને પુરુષાર્થને અર્થે જીવન છે, જીવનને અર્થે પુરુષાર્થ નથી એમ માને છે. જીવિતના પુરુષાર્થ વિષે અધ્યયન કરવું, તેના સંબંધે વાતો કરવી, કે તેને અનુસરવાના સંકલ્પ કરવા, એનું નામ જીવિતનો પુરુષાર્થ સમજવો કહેવાય નહિ; પુરુષાર્થનો નિશ્ચય કરી તે પુરુષાર્થને જીવિતના વ્યવહારમાત્રમાં અનુભવવો એ, તે પુરુષાર્થને સમજવાનું ચિન્હ ગણાય. જગતમાં અનેક પ્રકૃતિ છે અને ભિન્ન ભિન્ન પ્રકૃતિને એકની એક વાત અનેક રીતે સમજતાં ફાવે છે. પુરુષાર્થ સંબંધી નિશ્ચય, જ્ઞાન અને વેદાન્તના ગ્રંથ વિલોકતાં, આચાર્યોના ઉપદેશ શ્રવણ કરતાં થઈ શકે છે; કોઈને કાવ્ય, કથા, વાર્તા, નિબંધ, આદિની રચના દ્વારા પણ થઈ શકે છે. કારણ એમ છે કે જીવનનો પુરુષાર્થ જીવનમાં છતાં જીવનની પાર છે; જેને ઘરબારી, સંસારી, પ્રાપંચિક લોક જીવન કહે છે તેનો નિર્વાહ પણ પુરુષાર્થથીજ છે, પરંતુ પુરુષાર્થ ખરેખરો તો, તેવા જીવનની પાર એટલે સંસારનાં પ્રપંચ, ક્લેષ, કુટિલતામાં છતાં પણ તેનાથી પાર હોવામાં રહેલો છે. જેનાથી જેનાથી, ક્ષણવારે, પ્રાપંચિક જીવન કરતાં ઉન્નત જીવનનો અનુભવ આવે, સંકોચ અને સ્વાર્થની મર્યાદા દૂર થઈ ઉદારતા અને સર્વમયતાનો આલ્હાદ પ્રકટ થાય, તે બધું એ પુરુષાર્થ સમજાવી અનુભવાવી શકે છે. કાવ્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, જે જે સ્થૂલ વ્યવહારની પાર દૃષ્ટિ પહોચાડી શકનારાં સાધન છે તે, પરમપુરુષાર્થનું દર્શન પામેછેજ. કેવલ બુદ્ધિના તર્કોજ વેદાન્તના વાદને ગ્રહણ કરી શકે અને અનુભવી શકે એમ માનવા કરતાં હૃદયનાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ વેદાન્તનો વધારે ત્વરાથી અનુભવ કરી શકે એ માનવું સાનુભાવ ગણાશે. પ્રેમની વિશૃંખલ ગાંડાઇમાંથી જેટલું સ્થૂલ પરિતોષ હોય તેટલો લેઇ લેઇએ તો વેદાન્તના પરમપુરુષાર્થની અભેદભાવના વિના બીજું અવશેષ રહેતું નથી, એમજ સર્વને માટે છે. પૂર્ણ આવશ્યકતા વેદાન્તના અધ્યયનની, તર્કોના વિલાસની, આચાર્યોના આગ્રહની, કે નીતિ અને ધર્મની શુષ્ક એકાન્તતાની નથી; પણ જેનાથી કરીને પ્રાકૃત જીવન ઉચ્ચતાને પામે,

હૃદય વિશાલ અને શ્રદ્ધાવાળું થાય, સંકોચ અને ભયને સ્થાને ઉદારતા અને નિર્ભયતા ઉભરાય, એવા ઉચ્ચીકરણનું જો કોઈ સાધન હોય તેની ખરી અને પ્રથમ આવશ્યકતા છે. લેખનમાત્રની પ્રવૃત્તિ એ અર્થેજ સાર્થક છે; અન્યથા નિષ્ફલ છે.

વાર્તાના પુસ્તકની પ્રસ્તાવના આરંભે વેદાન્તના સાધ્ય ઉપર આટલો વિસ્તાર કોઈને અપ્રાસંગિક લાગશે, પણ વેદાન્તના તત્ત્વને સ્વીકારી અનુભવવા તથા અનુભવવાની આશાના ઉલ્લાસમાં જે જે પ્રયાસો થાય છે તેનોજ આ વાર્તા પણ એક પ્રકાર છે એમ જણાવવાને એટલો ઉપોદ્‌ઘાત કરવો પડ્યો છે. તર્કપ્રધાન વિચારપદ્ધતિના લેખો, નાનાં સરલ વ્યાખ્યાનો અને નિબંધો કાવ્યની સુરસ યોજનાઓ, એવાં વિવિધ દ્વારથી જિજ્ઞાસુના હૃદયમાં પ્રવેશ કરવાના આયાસમાંનો કથા કે વાર્તાનું દ્વાર શોધવાનો પણ આ એક આયાસ છે. મૂલ વાર્તા અંગરેજીમાં લોર્ડ લીટને ‘ર્ઝનોની’ એ નામ આપી લખેલી છે. વાર્તાકાર પરમસત્યનો વિસ્તાર કરવાની ઉત્સુકતાએ શોધ કરતાં એ અંગરેજી વાર્તાજ બહુ મનોહારિણી અને ઉપયોગી માની. એમાંની વસ્તુસંકલના રાખી લીધી, પણ દેશકાલને અન્ય રૂપ આપી આપણા વાચકવર્ગને સમગ્ર વૃતાન્ત અનુકૂલ થાય તેવો વિન્યાસ કર્યો. એમ કરતાં અંગરેજીની ઘણીક ખુબીઓનો વિનાશ થયો હશેજ, કોઇ ઠેકાણે નવી યોજનાઓ આવી હશેજ, તથાપિ અંગરેજીના અક્ષરશઃ ભાષાન્તર કરતાં આ અનુકરણ વધારે રસિક અને વાચન યોગ્ય નીવડી શકશે એમ માનવાને કારણ છે. મૂલ અંગ્રેજીને આ અનુકરણ સાથે મેળવવાનો આયાસ કરવાનો જેને અવકાશ હોય તે તારતમ્ય વિચારી શકશે.

બુલવર લીટન પોતે ઘણો પ્રસિદ્ધ અને ચતુર વાર્તા લખનાર હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનનો જિજ્ઞાસુ હતો એમ કહેવાય છે, અને એવું પણ કેટલાક માને છે કે લાલાજી એ નામનું જે પાત્ર આ વાર્તામાં છે તેના જેવો કાંઈક અનુભવ તેને થયો હતો. ર્યાવર્તમાં જેમ સિદ્ધ અને મહાત્માઓના અસ્તિત્વ વિષે શ્રદ્ધા છે તેમ યુરોપમાં પણ રોસિક્રુશીઅન નામની મંડલી અને તેના માહાત્માઓ વિષે શ્રદ્ધા ચાલે છે. તેવા કોઈ મહાત્માને મળવામાંથી આ વાત ઉદ્ભવી છે એમ મનાવવાને બુલવર લીટન એક અર્ધી સત્ય, અર્ધી કાલ્પનિક, પણ લોકો મહાત્મા આદિ સંબંધે જે કાંઈ માને છે તેને ધ્વનિથી ઉપદેશ આપનારી, પ્રસ્તાવના સને ૧૮૪૨ ની આવૃત્તિમાં લખે છે. તેનો સાર એ છે કે :—

“જૂનાં પુસ્તકો વેચનારની દુકાનમાં ફરવાનો મને શોખ હતો. રોસિક્રુશીઅનો વિષે કાંઈક જાણવાની જિજ્ઞાસાથી હું એવી દુકાનમાં ગયો. ત્યાં એક અતિ ભવ્ય આકૃતિવાળા વૃદ્ધ પુરૂષને મેં જોયો પુસ્તક વેચનાર પોતે પણ જૂના લેખોનો અભ્યાસી અને પોતાના સંગ્રહમાંથી વેચવું પડે તો કાંઇક કંટાળો દર્શાવી દુઃખે વેચે તેવી પ્રકૃતિનો માણસ હતો. તેને મેં પૂછ્યું કે રોસીક્રુશીઅનો વિષે તમારી યાદીમાં કોઇ ગ્રંથ જણાતો નથી. તુરતજ પેલા ભવ્ય આકૃતિવાળા વૃદ્ધે મારી સામું જોયું અને કહ્યું ‘ રોસીક્રુશીઅન : રોસીક્રુશીઅન હોય તે રોસીક્રુશીઅન વિષે કહી શકે; પુસ્તકોમાંથી શું મળી શકે ?’ ‘ત્યારે’ મેં કહ્યું ‘પુસ્તકો વિના બીજે ક્યાંથી જાણી શકાય ? આ જમાનામાં કાંઈ કહેવું, લખવું, છપાવવું, તે પુસ્તક અને પૃષ્ઠનો આધાર આપ્યા વિના તો લોકના વિશ્વાસને પાત્ર થતું નથી, ત્યાં તમે પુસ્તક વિનાની વિદ્યા ઉપર શ્રદ્ધા કેમ કરાવી શકો ? આ ઝમાનો તો હકીકત અને પૂરાવાનો ઝમાનો છે.’ પેલા વૃદ્ધે કહ્યું ‘આપણે ફરી મળીશું ત્યારે હું તમને પૂરાવો બતાવીશ.’ આ પ્રસંગે પછી પુનઃ એક વાર અકસ્માત મળવું થયું, ત્યારે જે વાતચીત થઈ તેથી પ્રસન્ન થઈ વૃદ્ધ મને પોતાને ઘેર તેડી ગયો, ને પ્રસંગે રોસીક્રુશીઅનો વિષે તેણે કેટલીક વાતચીત કરી, પણ તેમાંથી પુસ્તકમાં મૂકી શકાય તેવું કાંઈ મળ્યું નહિ. આ સમયથી મારે તે મહાત્મા સાથે બહુ પરિચય થયો : એ ખરેખરો મહાત્માજ હતો, અને એણે મને ઘણી ઘણી વાતો સમજાવી. એ મરી ગયો ત્યારે એણે મને કેટલાક પૈસા અને એક લેખ બક્ષિસમાં આપ્યાં હતાં તે મને મળ્યાં, એક પ્રસંગે મારે તેની સાથે એક વાર્તા લખવા સંબંધી વાત થઈ હતી, ને તે સમયે તેણે રચેલી એક વાતને પ્રસિદ્ધ કરવાનું મે વચન આપ્યું હતું. એ વચનને ઉદ્દેશીને આ લેખ એ મહાત્માએ મારી પાસે મોકલ્યો હતો. બહુ હર્ષથી હું, દીવાને સંકોરી, લેખ ઉઘાડવા ગયો તો ચિત્રામણ જેવા ન સમજાય તેવા અક્ષરોથી લખેલાં એક હજાર પૃષ્ઠ જોઈ મને ભય લાગી ગયું, મત્ર, જંત્ર, કે જાદુનો વહેમ આવ્યો. અને જાણે મને કાંઈક થઈ ગયું. કાગળોનો ગોળો વાળીને ટેબલમાં હડસેલી મૂકવાનું કરતા હતા તેવામાં એક સુંદર પુસ્તક નજરે પડ્યું, તેમાં એ અક્ષરોને સમજવાની કૂચી હતી. એ કૂચીને આધારે બે ચાર વર્ષ મહેનત કરી એ આખો લેખ મેં બેસાર્યો. તે આ વાર્તા છે. અથાગ શ્રમ કર્યા છતાં ખરેખરોજ અર્થ મારા સમજવામાં આવે છે એમ હું કહી શકતો નથી. રે વાચક ! આ વાર્તામાં તને રુચતું આવે એવું કાંઈ જડે તો તે ખરેખર મારું પોતાનું ઉમેરેલું છે એમ

માનજે, પણ તને ન ગમે એવું કાંઈક આવે ત્યારે તે પેલા વૃદ્ધ મહાત્માનું જાણી લેજે.”

કથા વાર્તા આદિથી પુરુષાર્થ અને તત્ત્વ સમજાવવાનો માર્ગ નવીન નથી. આપણાં પુરાણો, આખ્યાનો, પ્રબોધચંદ્રોદય જેવાં નાટકો, એ આદિ તેવાજ પ્રકાર છે. કથામાત્રનો ઉદ્દેશ, કથાના શબ્દો કરતાં કોઈ અન્ય ધ્વનિ રૂપે બોધ આપવાનું હોય છેજ. પરંતુ કથામાં જેમ ઉપદેશની વાતને ગૂઢ રાખવામાં આવે, ધ્વનિરૂપે શબ્દાર્થની પારની વ્યંજનામાત્રથી ફલિત થતી રાખવામાં આવે, તેમ ઉપદેશ વધારે સાર્થક થાય છે. બુદ્ધિ, ધર્મ, આદિને પાત્ર ઠરાવી કથામાં લાવવાં, કે કથાનો ઉદ્દેશ, ઉપર જોતાંજ, વાચ્યમાંથી જ જણાઈ આવે તેવો રાખવો, અથવા વાચકને વધારે સ્પષ્ટ રીતે તે ઉપદેશ સમજાવવા કથાના વસ્તુમાંજ પાત્રો પાસે ઉપદેશક ભાષણો અપાવવાં, એ પદ્ધતિ સારી જણાતી નથી. એટલે આવી જે જે વાર્તા, કથા, આદિ ઉપલબ્ધ થઇ શકે છે તે કરતાં આ ગુલાબસિંહની વાર્તા એની રચનાના ધ્વનિથી ઉપદેશ ઉપજાવવા માટે અપ્રતિમ છે. જેને શબ્દના વાચ્યાર્થની પાર જોવાનું સામર્થ્ય નથી, સામાન્ય કથાના પ્રસંગો કરતાં વધારે ગર્ભિત ભાવ ભોગવવાનું હૃદય નથી, તેને પણ પ્રબોધચંદ્રોદય કે એવી કથા વાંચતાં જે કંટાળો આવે તે આ વાર્તામાં આવશે નહિ; ઉલટો વાત માત્રમાં પણ બહુ રસ આવશે, ને શક્તિ હશે તેટલે ઉપદેશ લેઈ શકાશે.

આખી વાતની રચના ઘણાં સૂક્ષ્મ તત્ત્વ ઉપર કરવામાં આવી છે, ગુલાબસિંહ અને મત્સ્યેન્દ્ર બે મહાત્માઓ છે, બન્નેએ પરમ પુરુષાર્થનો નિરવધિ આનંદકારક સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો છે, બન્નેને પોતાના જેવા અન્ય મહાત્માઓ ઉપજાવવાની પરમાર્થ વૃત્તિ છે પરંતુ મત્સ્યેન્દ્ર કેવલ બુદ્ધિના પ્રદેશનો પ્રવાસી છે, ગુલાબસિંહ હૃદયનો વિલાસી છે. મત્સ્યેન્દ્રને તેની તીક્ષ્ણ અને ઉન્નત બુદ્ધિ જે સત્ય અનુભવાવી શકે છે તેજ ગુલાબસિંહને એની વિશાલ અને વિશુદ્ધ પ્રેમભાવના અને શ્રદ્ધા આપી શકી છે. જ્ઞાન, સામર્થ્ય, અને પુરુષાર્થથી એક છતાં ઉભયે શુષ્કતા અને આર્દ્રતાના ભાવે કરી એક એકથી ભિન્ન છે, એક જ્ઞાનમૂર્તિ છે, બીજો ભક્તિ અને પ્રેમનો દેવ છે. અનંત બ્રહ્માંડો ભાંગી જાય, લાખોના જીવોનો સંહાર થઈ જાય, તો પણ મત્સ્યેન્દ્ર પોતાની બુદ્ધિએ પ્રેરેલી કઠિનતામાં જરાએ ઢીલો થવાનો નહિ, એ માર્ગે પોતાના જેવા બીજા સિદ્ધ થાય તોજ કરવાનો; ગુલાબસિંહ દુઃખ દેખીને દયા ખાય, પ્રેમ દેખીને

આર્દ્ર થાય, સૌંદર્ય દેખીને જોવા ઉભો રહે, અન્યાય દેખીને જરા ટેકો કરવા જાય, અને જેનાથી કસોટીની પાર ઉતરાય નહિ તેવાને સાધનક્રમમાં પેસતાં ચેતવણી પણ આપે. મત્સ્યેન્દ્ર સાક્ષાત્ શાસ્ત્રનુંજ પ્રતિબિંબ છે. ગુલાબસિંહ કેવલ ભકિતરૂપ કલાની મૂર્તિ છે. શાસ્ત્ર અથવા જ્ઞાન અનેકને પોતાના પ્રદેશમાં ઉપાડી જવા યત્ન કરે છે, યત્ને યત્ને એક એક ભોગ લે છે, ને છેવટ કોઇ સાથે નહિ એવું એકલું અને એકાન્તવાસી થઈ રહે છે; કલા અથવા ભક્તિ સર્વમાં ભળે છે, અંદર આવીને બહાર કાઢી ઉપાડવા ઈચ્છે છે, ને એમ કરતાં કદાચિત્ પોતે પણ ક્લેશજ વહોરે છે. કલાને પોતાની ભાવના પ્રત્યક્ષ કરવા જતાં અનેક રાગદ્વેષની જાલમાં ગુંચવાવું પડે છે, અને ભાવિ ઉપર પણ છેવટ તેનો અખત્યાર રહેતો નથી.

ગુલાબસિંહ આવી પ્રકૃતિવાળો મહાત્મા હોઈ સહજ વ્યાયાસંગમાંથી વ્યવહારમાં લપટાઈ જાય છે. દિલ્હીમાં ફરતે ફરતે, સૌંદર્ય અને કાન્તિનો વિલાસી અભેદાનંદી મહાત્મા રમાની કીર્તિ સાંભળે છે અને રાસ જોવા જાય છે. ત્યાં જે કાન્તિ, જે લાલિત્ય, જે સૌંદર્ય નીહાળે છે તેથી વિલીન થઇ, રમાને સભાક્ષોભ થાય છે, તેજ સમયે, મહાત્માનું સહૃયત્વ તુરત જાગ્રત્ થાય છે, અને નેત્રના એક દૃષ્ટિપાતથી જ રંગભૂમિ ઉપર મૂર્છાવશ થવાની અણી પર આવેલી અબલાને પ્રોત્સાહન આપે છે. આટલામાંથીજ, કેવલ સહૃદયત્વના ગૂઢ સૂત્ર ઉપરજ, પ્રેમનો પ્રસાદ રચાય છે. ભરતે હરિણના બચ્ચાને ઉછેર્યું અને જે ફલને પામ્યા તેવી દશા ગુલાબસિંહની થાય છે. પણ મહાત્મા કોઈ પ્રેમના ક્ષણિક આવેશને વશ થતો નથી, ભાવિને જોઈ શકે છે; અગાધ અનંત જીવન ભોગવતો સર્વમય, સર્વવિહારી, મહાત્મા ક્યાં ? અને ચાર ભીંતો વચ્ચે પોતાના સામ્રાજ્યને સાચવી પોતાની પ્રેમમૃર્તિને પગે પડી રહેવામાં સંસારસુખની પરાકાષ્ટા માનતી પ્રાપંચિક બુદ્ધિથી અવિમુક્ત અબલા ક્યાં ! એટલાજ માટે રમાને ઉત્તેજન આપતો નથી, બીજાને પરણાવવાની અનેક યુક્તિઓ કરે છે, પણ રમાની આસપાસ વિટંબનાઓ વધતી જાય છે, ગુલાબસિંહનું એ એક અવશ્ય કર્તવ્ય થઈ પડે છે કે રમાને ઉગારવી; –અને કર્તવ્ય કરવામાંથી મહાત્મા કેમ પાછો હઠે ? મત્સ્યેન્દ્રે પણ સિદ્ધિને સંઘ વધારવો ધાર્યો નથી ? તો રમાને પરણી તેની પ્રજાને તેવા સંઘમાં ઉમેરો કરવા લઈ જવાશેજ, કદાચિત્ તે પુત્રદ્વારા તેની માતા પણ સિદ્ધિને પીછાનશે ! એ રીતે કર્તવ્યમાત્રને વશ થઈ મહાત્મા ૫ડ્યો; —પણ આવા અસમાન પ્રેમનું ઘરસૂત્ર ન ચાલી શક્યું. જે શંકા અને ભયથી નિર્દોષ પણ અનુભવહીન અને સાહસરહિત બુદ્ધિ

પાછી હઠે છે, પરમપુરુષાર્થને જાણી શકતી નથી, તેજ એ બુદ્ધિની મૂર્તિરૂપ રમામાં પ્રાદુર્ભાવ પામ્યાં. જગત્ જેમ સર્વ સારી વસ્તુને ખોટી જ માને છે, શૂરને ક્રૂર કહે છે, તેજસ્વીને અભિમાની કહે છે, સત્યને અસત્ય કહે છે, તેમ મહાત્માને પણ રમાએ બ્રહ્મરાક્ષસ માન્યો, અને એ પ્રેમનો અંત છેવટ બંદીખાનામાંજ આવ્યો.

સૌંદર્યની પાછળ દોરાતાં કર્તવ્યપરાયણ થયેલી ભક્તિ છેવટ બંદીખાનામાંજ પડી. પણ જેને ખરી પ્રતિભાનું સ્મરણમાત્રે રહેલું છે તેવી તે કદાપિ અધઃપાત પામતી નથી, તેને વિશુદ્ધિનો માર્ગ સમીપજ છે. સૌંદર્ય જ્યારે શ્રદ્ધારૂપે પરિણમે છે ત્યારે ભક્તિ અથવા કલાનો પરિપાક સ્વાર્પણમાં જ આવી રહે છે. કલા પોતે પોતાનોજ ભાગ આપી શ્રદ્ધાને સાથે લઈ શાસ્ત્રના પ્રદેશમાં પુનઃ પુનિત થઈ પ્રવેશ કરે છે, જ્ઞાનની સાથે ભક્તિ અભેદ પામે છે, અને પોતાનું માહાત્મ અખંડિત સાચવે છે, ગુલાબસિંહ પણ એજ રીતે રમાને લેઇ મત્સ્યેન્દ્રને મળે છે, ને માહાત્મ્ય ખોતો નથી. અનેક કષ્ટ અને વિટંબનાવાળું જીવન પણ પરમપુરુષાર્થની દ્રષ્ટિથી અનુભવાય અને સ્વાર્પણનો રહસ્યમંત્ર સમજવા જેટલો અનુભવ આપે તો મનુષ્ય જીવન કરતાં વધારે ઉત્તમ અને ઉપકારક બીજું કોઈ જીવન નથી એમ આ મહાત્માના પાત અને ઉત્થાનમાંથી આપણે સહજે સમજી શકીએ છીએ.

ગમે તેવા નિશ્ચયને, સૌંદર્ય અને શ્રદ્ધાના વિશ્વાસને, મન ઘણી વાર હલાવી નાખે છે. એવા ચલવિચલ સ્વભાવથી જ મન પોતે પણ અનંત કષ્ટ પરંપરા વહોરે છે. લાલાજી એવી મનોમૂર્તિ છે, તેની સાથે તેનો મિત્ર રામલાલ જે દુનીયાદારીના ડહાપણમાં કુશલ છે તે, કદાપિ પણ વિપત્તિ કે વિકટ સંકટમાં તેમ ઉત્કટસંપત્તિ કે ઉલ્લાસમાં ન આવનાર ડહાપણની છબી છે. બંદો કેવલ નાસ્તિક, જડવાદી ‘ઉદ્ધત’ સંકુચિત સ્વાર્થ છે. લાલાજી પોતાની આંદોલિતવૃત્તિમાં દુઃખી થાય છે, એટલુંજ નહિ પણ સૌંદર્યની શ્રદ્ધાને હલાવી નાખી, કલાના આનંદનો પણ ભંગ કરે છે. છેવટ એ ચલવિચલતાનું ઓસડ તો પુનઃ ભક્તિમય કલામાંથી જ, સ્વાત્માના વિશ્વાસમાંથી જ મળે છે.

વ્યવહાર અને વ્યવહારની જાલનો પ્રપંચ જે મહોટા મહાત્માને પણ બ્રહ્મરાક્ષસરૂપે દર્શાવી શકે છે, તેના પ્રિયમાં પ્રિય વિશ્વાસસ્થાનમાં પણ વિષ રેડી શકે છે, તેની ગુંચવણો અને તેનાં અધોગામી આકર્ષણોમાંથી મનુષ્યને ઉગરવાનો માર્ગ તેની ભાવનાશક્તિમાં જ રહેલો છે. માણસના હૃદયમાં કોઈ

ઉચ્ચગામી, ભવ્ય, સુખકર, સામાન્યરાગદ્વેષ યુક્તજીવનની પારની, ભાવના નિરતર ભરેલી રહે નહિ તો ગમે તેવો મહાત્માએ થોડાકમાંજ તણાતે તણાતે રાક્ષસ થાય એમાં કશું આશ્ચર્ય નથી. આવો અધઃપાત અટકાવવાનેજ સર્વ પ્રકારની ધર્મ, નીતિ, શાસ્ત્ર આદિની યોજનાઓ છે, ઉચ્ચ પ્રકારના વાચનનો પણ એજ હેતુ છે. આ ગ્રંથમાંનાં પાત્રોની રચના આ પરમ સત્યનું ભવ્ય ઉદાહરણ છે એટલુંજ નહિ પણ આ આખી વાર્તાના વાચનથી વાચકને પ્રાકૃત જીવન કરતાં કોઈ અતિ ઉન્નત અને આલ્હાદક જીવનનું ભાન થયા વિના રહેતું નથી. એટલે અંશેજ આ વાર્તા અન્ય વાર્તાઓ કરતાં ભિન્ન પડે છે. એક વાર વાંચી ગયા અને દૂર મૂકી એટલે પુનઃ એ પુસ્તક ક્યાં છે તેની પણ કોઈ શોધ કરતું નથી, એવી સામાન્ય વાર્તાઓની સ્થિતિ છે. આ વાર્તાને વારંવાર વાંચવાનું, એના ઘણા ઘણા પ્રસંગો વિષે શાન્ત રીતે મનન કરવાનું, અને એમ આપણા પોતાના જીવનના અનેકાનેક પ્રસંગોને વાર્તામાં નિરૂપેલા પ્રસંગો સાથે સરખાવી ઉન્નતિનો માર્ગ શોધવાનું મન થાય છે. મનુષ્યહૃદયમાં જે નાના મહોટા વિક્ષોભ થાય છે તે સર્વનું એવી સૂક્ષ્મતાથી આ વાર્તામાં ગુંફન થયુ છે કે મહોટા તત્ત્વજ્ઞાનીથી તે અતિ પ્રાકૃત જીવન ગાળનાર વ્યાવહારિક માણસ સુધી કોઈ પણ એમાં પોતાનું કાંઈક ન દેખે અને પોતામાં જે હોય તેને ઉન્નત કરવાનો માર્ગ ન પ્રાપ્ત કરે એમ નથી. અતિ ગૂઢ તત્ત્વવિચારોથી ભરપૂર છતાં, સામાન્ય વાચકને રસિક થઈ શકે એવાં અનેક આકર્ષણોથી આ વાર્તાતર છે, ને એમાંજ આ રચનાનું સામર્થ્ય કે ઉત્કૃષ્ટત્વ છે.

આજ પર્યંત આપણી ભાષામાં લખાયેલી નવી જૂની સર્વ વાર્તાઓ કરતાં આ વાર્તા વિલક્ષણ પ્રકારની છે. રચનાની પદ્ધતિ પણ જુદી જ છે. મને પોતાને મૂલ અંગરેજી વાંચતાં જે જે ભાવનો ઉદય થયેલો તે આ પ્રસ્તાવનામાં મેં કહી બતાવ્યો છે. મૂલનો તો એક આકારમાત્રજ મારાથી રાખી શકાયો છે, કેમકે અત્રત્ય વાચકને અનુકૂલ કરવા માટે અનેકાનેક વિકૃતિ મૂલ વ્યવસ્થામાં મારે કરવી પડી છે. જાણે ‘ઝેનોની’ ઉપરથી સૂચના થતાં એક નવીન વાર્તાજ યોજી હોય એટલો બધો ફેર પડી ગયો છે. છતાં મૂલમાં જે માહાત્મ્ય અને ભવ્યતા છે તે મારી દુર્બલ રચનામાં હોવાનો સંભવ નથી, એટલે જ્યાં યત્કિંચિત્ સામર્થ્ય જણાય ત્યાં યશ મૂલને છે, જ્યાં દોષ કે દુર્બલતા લાગે ત્યાં મારો ભાગ છે.

નડીઆદ,
તા. ૧ જુન સને ૧૮૯૭
મણિલાલ નભુભાઈ દ્વિવેદી.
}

ક્રમ

તરંગ ૧

૧. રમાનું ઘર
રમા રાસધારીઓમાં
અણધાર્યો મદદગાર ૧૩
ગુલાબસિંહ ૧૮
ગુરુનો આશ્રમ ૨૫
અંબર ૨૯
ભાડાની કોટડી ૩૩
ક્ષત્રિયોની પડતી ૩૯
પ્રિયતમે બતાવેલું વૃક્ષ ૪૪


તરંગ ૨

૧. નવો આશક ૫૪
૨. પ્રેમની તાણાતાણ ૬૦
૩. પ્રેમતૃપ્તિના અંકુર ૭૦
૪. પ્રેમ અને જ્ઞાનનો કલહ ૭૬
૫. બે પ્રતિસ્પર્ધીઓ ૭૮
૬. મહાત્મા ૮૪
૭. સિદ્ધિની લાલસા ૮૮
૮. સિદ્ધાઈ ઉપર પાણી ૯૫
૯. ભાવિનું સામર્થ્ય ૯૮
૧૦. આશામાં નિરાશા ૧૦૧


તરંગ ૩

૧. પ્રેમની પ્રતીતી ૧૦૯
૨. સ્વાત્મદર્શન ૧૧૩
૩. એક પગલું આગળ ૧૧૫
૪. ગુહ્યાગારનો દરવાજો ૧૧૬
૫. આત્મનિરીક્ષણ ૧૩૧
૬. વિપત્તિનું પાસે આવવું ૧૩૭
૭. ગુરુને વિનતિ ૧૪૨
૮. પોતાની સ્થિતિનું ભાન ૧૪૫
૯. દુનીયાંને આપેલો ભોગ ૧૪૯
૧૦. ભાવિથી નાશી છૂટાય ? ૧૫૨
૧૧. “મધ્યરાત્રીએ મળીશ.” ૧૫૬
૧૨. છેવટ નિર્ણય ૧૬૦
૧૩. સિદ્ધિનો પ્રેમમાં લય ૧૬૨
૧૪. કામાંધનો વિનાશ ૧૬૯
૧૫. પસ્તાવો ૧૭૪
૧૬. સિદ્ધ અને આશક ૧૭૭
૧૭. શરત પૂરી કરી ૧૮૧
૧૮. નવો શિષ્ય ૧૯૧


તરંગ ૪

૧. રહસ્ય શીખવાની શાલા ૧૯૭
૨. ગુરુનો આશ્રમ ૨૦૫
૩. પ્રથમ ક્રમ ૨૧૧
૪. છેલી કસોટી ૨૧૬
૫. કોઠી ધોવાથી કાદવ ૨૨૬
૬. રક્તબીજ ૨૩૨
૭. ગૃહસ્થાશ્રમ ૨૩૪
૮. દૈવી અને માનુષી પ્રેમ ૨૩૮
૯. ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા ૨૪૨
૧૦. સ્થાનાન્તર ૨૫૦


તરંગ ૫

૧. રક્તબીજ કેમ શમે ? ૨૫૬
૨. બે મિત્ર ૨૬૬
૩. લાલાજીનો વેપાર ૨૭૧
૪. અંબિકા ૨૭૫
૫. રક્તબીજની બેહેન ૨૮૨
૬. અમરશહર ૨૮૫


તરંગ ૬

૧. પ્રેમની કિંમત ૨૮૮
૨. પ્રેમનો ભોગ ૨૯૧
૩. પશ્ચાત્તાપ અને પ્રતિકાર ૨૯૩
૪. નવો વિક્ષેપ ૨૯૫
૫. વિક્ષેપનો વિકાર ૨૯૭
૬. અમૃતમાં ઝેર ૩૦૧
૭. અમૃતનું ટીપુ ૩૦૪
૮. રમાએ પોતાના પ્રિયતમને લખેલું પત્ર ૩૦૭
૯. પ્રેમનો નિશ્ચય ૩૦૯


તરંગ ૭

૧. પ્રકૃતિનો અપરાજય ૩૧૧
૨. નીચની નીચતા ૩૧૪
૩. ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર ૩૨૦
૪. પશ્ચાતાપના અંકુર ૩૨૪
૫. પ્રેમ અને વૈર ૩૩૦
૬. ભલાઈનો બદલો ૩૩૩
૭. છેલી મુલાકાત ૩૩૬
૮. રક્તબીજનો સંહાર ૩૩૮
૯. ખટપટ ૩૪૭
૧૦. છેલી ઘડી ૩૫૨
૧૧. મહાત્માનું મહાત્મ્ય ૩૫૫
૧૨. પ્રેમનું સ્વાપર્ણ ૩૬૩
૧૩. બંદીખાનું ૩૬૮
૧૪. અસમાન પ્રેમનું ઘરસૂત્ર ૩૭૧



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.